ભીંડાના શાકને સમારીને એને ધોવાય?

20 February, 2023 06:00 PM IST  |  Mumbai | Rashmin Shah

યોગેશ ત્રિપાઠીએ આ સ્ટેપ લીધું અને ભીંડાની ચીકાશ કાઢવા માટે તેણે ૧૫ મિનિટ સુધી એને ધોયા, પણ ચીકાશ ગઈ નહીં એટલે છેવટે શાક ફેંકી દીધું. એ દિવસથી લઈને આજ સુધી યોગેશે ક્યારેય ભીંડાનું શાક બનાવવાનો તો શું, ખાવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો

યોગેશ ત્રિપાઠી

‘FIR’, ‘જીજાજી છત પર હૈ’, ‘સાહિબ, બીબી ઔર બૉસ’ અને ‘ભાબીજી ઘર પર હૈં’ જેવી ટીવી સિરિયલો અને ‘પા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલા ઍક્ટર યોગેશ ત્રિપાઠીએ આ સ્ટેપ લીધું અને ભીંડાની ચીકાશ કાઢવા માટે તેણે ૧૫ મિનિટ સુધી એને ધોયા, પણ ચીકાશ ગઈ નહીં એટલે છેવટે શાક ફેંકી દીધું. એ દિવસથી લઈને આજ સુધી યોગેશે ક્યારેય ભીંડાનું શાક બનાવવાનો તો શું, ખાવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો

આજે હું માનું છું કે બહુ સારું થયું કે મને કુકિંગ આવડ્યું અને એટલે જ કહું છું કે દરેકેદરેક પુરુષને કુકિંગ આવડવું જ જોઈએ.

૧૧ વર્ષ.  હા, મને આજે પણ એક્ઝૅક્ટ યાદ છે કે પહેલી વાર હું કિચનમાં ગયો ત્યારે મારી ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી અને પહેલી જ વાર કિચનમાં જઈને મેં દાલ ફ્રાય, પનીરની સબ્ઝી અને આલૂ ભુર્જી બનાવી હતી. હું ક્યારેય મારી જાતને બેસ્ટ કુક તો નથી જ કહેતો, પણ હા, હું મારી જાતને ઑથેન્ટિક કુક તરીકે ઓળખાવાનું પણ ચૂકતો નથી. ઍક્ટિંગ સિવાયનું મારું કોઈ ફેવરિટ કામ હોય તો એ કુકિંગ છે અને કદાચ એટલે જ હું બે ચીજની સામે જ મોટા ભાગે જોવા મળું. 

કાં તો મારી સામે કૅમેરા હોય અને કાં તો મારી સામે કુકિંગ રેન્જ હોય!

દાલ, રોટી, ચાવલ તો હું બનાવું જ છું, પણ એ સિવાયની પણ વિવિધ રેસિપીમાં એક્સપરિમેન્ટ કરવાનું મને એટલું જ ગમે. હું તો કહીશ કે આજની છોકરીઓને જેવી સરસ રોટલી બનાવતાં નહીં આવડતી હોય એટલી સરસ રોટલી હું બનાવું છું. માટીના તવા પર મલ્ટિગ્રેન આટામાં થોડો અજમો અને મેથી નાખીને ધીમી આંચે શેકીને ભાખરી પણ બનાવું. જો તમે મારા હાથની એ ભાખરી ખાઓ તો હું ગૅરન્ટી સાથે કહીશ કે ભલભલા પાંઉ ભૂલી જશો. લગભગ ૨૦થી ૨૫ મિનિટ એક ભાખરીને બનતાં લાગે, પણ એ જ્યારે ચા સાથે ખાઓ ત્યારે જીવનમાં બીજું કંઈ જ નથી જોઈતું એવું તમને મનમાંથી જ સ્ફુરે.

છું હું સેલ્ફ લર્નેડ

જેમણે પણ થિયેટરમાં કામ કર્યું છે તેમનામાં બાય-ડિફૉલ્ટ કુકિંગની ટૅલન્ટ ડેવલપ થઈ જાય આવું મારું માનવું છે અને મારી આ માન્યતાનું એક ચોક્કસ કારણ પણ છે.
તમે એકલા રહેતા હો અને એવા તો પૈસા હોય નહીં કે તમે રોજ બહારનું ખાઓ એટલે તમે સહેલાઈથી જ જાતે ફૂડ બનાવતાં શીખવા માંડો અને ધીમે-ધીમે તમે એમાં માસ્ટરી પણ મેળવી લો. આ હું મારા અનુભવ ઉપરાંત મારા તમામ ફ્રેન્ડ્સના અનુભવો પરથી કહું છું. હા, મારી વાત કરું તો મને તો આમ પણ બહારનું ખાવાનું બહુ ભાવતું નથી એટલે મારી પાસે તો સેલ્ફ લર્નિંગ સિવાય કોઈ છૂટકો પણ નહોતો. મને મારા હાથનું ખાવાનું સૌથી વધુ ભાવે, એ પછી મારી વાઇફના હાથનું અને અફકોર્સ, મારાં મમ્મી પણ અદ્ભુત કક્ષાનાં કુક હતાં એટલે બની શકે કે તેમનામાંથી જ મારામાં કુકિંગની ટૅલન્ટ આવી હોય અને બીજું કારણ, તમને શરૂઆતમાં કહ્યું એ, થિયેટર અને એને લીધે કરીઅરની શરૂઆતની આર્થિક સ્ટ્રગલ. જોકે આજે હું માનું છું કે બહુ સારું થયું કે મને કુકિંગ આવડ્યું અને એટલે જ કહું છું કે દરેકેદરેક પુરુષને કુકિંગ આવડવું જ જોઈએ.

પ્લીઝ, પ્લીઝ, નો ભીંડી...

ઇન્ડિયન ટેસ્ટનું વેજિટેરિયન ફૂડ તમે કહો એ બનાવી આપું. મારા હાથે બનેલી પનીરની સબ્ઝી તમે ચાખો તો ડેફિનેટલી તમે આંગળાં ચાટતા રહી જાઓ. મારી એક ખાસિયત છે એવું મને લાગે છે. હું જેકોઈ વરાઇટી ચાખું એની અડધી રેસિપી તો મને એ ટેસ્ટ કરતાની સાથે જ ખબર પડી જાય એટલે પછી બાકીનું હું મારી જાતે નક્કી કરીને એ વરાઇટી ઘરે બનાવવાની ટ્રાય કરું, પણ હા, એક આઇટમ હું મારી લાઇફમાં ક્યારેય નહીં બનાવું એવું મેં નક્કી કરી લીધું છે અને એ છે ભીંડાનું શાક. 

આ પણ વાંચો:  તમે કહો એ બનાવી આપું; બસ, લોટ બાંધવાનું નહીં કહેતા

પહેલી વાર જ્યારે એ બનાવતો હતો ત્યારની વાત કહું.

એ દિવસે ભીંડા સમારીને મેં ધોવાનું શરૂ કર્યું. મોટા ભાગની સબ્ઝી આપણે સમારીને જ ધોઈએ એટલે મને એમ કે ભીંડામાં પણ એ નિયમ લાગુ પડતો હશે, પણ જેમ ધોતો ગયો એમ એની ચીકાશ વધતી ગઈ. હું ધોતો જ રહ્યો, પણ ચીકાશ જવાનું નામ ન લે. આખરે કંટાળીને મેં શાક ફેંકી દીધું. એ ચીકાશની એવી મેમરી મારા મગજમાં સ્ટોર થઈ ગઈ છે કે ન તો ભીંડાનું શાક બનાવવાનું મન થાય કે ન તો ભીંડાનું શાક ખાવાનું મન થાય. ઍનીવેઝ, મારા હાથનું શું બેસ્ટ બને છે એની વાત કરું તમને.

બૈંગનનું ભડથું હું સરસ બનાવું. ખોયા પનીર પણ મારા હાથનું બેસ્ટ બને. હું ખાવામાં બહુ ધુની છું. શાક બનાવવા પનીર લાવ્યો હોઉં અને પછી એમાંથી સ્ટાર્ટર બનાવી લઉં. સ્ટાર્ટરની વાત નીકળી છે તો કહું, પનીરના ટુકડાને તમે ઘીમાં સાંતળો અને પછી મલાઈમાં લસણની પેસ્ટ અને જરૂરી બીજા મસાલા નાખીને એને પનીરમાં ઉમેરી દો, એ બધું પિન્ક કલર પકડે ત્યાં સુધી સાંતળી લેવાનું અને પછી સ્ટાર્ટર તરીકે ખાવાનું. 

ફૂડમાં પનીર ખાવું જોઈએ એ હું હેલ્થની દૃષ્ટિએ પણ સજેસ્ટ કરીશ તો સાથે એ પણ કહીશ કે રાતના સમયે શક્ય હોય તો દાલખીચડી ખાવી જોઈએ. મારા હાથની દાલખીચડી પણ અદ્ભુત બને છે. મારી દાલખીચડીમાં હું બધાં વેજિટેબલ ઉમેરું અને એ પણ બોઇલ કર્યા વિના એટલે વેજિટેબલનું કરકરાપણું બરકરાર રહે અને ખાવાની પણ મજા આવે. તમે માનશો નહીં, પણ મેં પંદરેક પ્રકારની દાલખીચડી બનાવી છે અને બધી જ બહુ સરસ બની છે.

ગોલ્ડન વર્ડ્‌ઝ

કુકિંગના કોઈ પણ નિયમને પથ્થરની લકીરની જેમ ફૉલો કરવાને બદલે તમારા મન અને અનુભવને ધ્યાનમાં રાખીને અખતરા કરતા રહેશો તો તમને કુકિંગના આઇન્સ્ટાઇન બનતાં કોઈ નહીં રોકી શકે.

columnists Rashmin Shah