તમે કહો એ બનાવી આપું; બસ, લોટ બાંધવાનું નહીં કહેતા

24 January, 2023 05:03 PM IST  |  Mumbai | Rashmin Shah

જાતજાતની આઇટમો બનાવવામાં ભલભલા શેફને પાછળ છોડી દેતી ટીવી-ઍક્ટ્રેસ, સિંગર અને ડીજે સુબુહી જોષી કુકિંગમાં માત્ર લોટ બાંધવાની બાબતમાં પાછીપાની કરે છે

સુબુહી જોષી

જાતજાતની આઇટમો બનાવવામાં ભલભલા શેફને પાછળ છોડી દેતી ટીવી-ઍક્ટ્રેસ, સિંગર અને ડીજે સુબુહી જોષી કુકિંગમાં માત્ર લોટ બાંધવાની બાબતમાં પાછીપાની કરે છે. ‘એમટીવી સ્પ્લિટ્ઝ વિલા’, ‘કૉમેડી ક્લાસિસ’, ‘વૉરિયર હાઈ’, ‘લવ, દોસ્તી, દુઆ’, ‘યે ઉન દિનોં કી બાત હૈ’, ‘સબસે બડા કલાકાર’, ‘ગુમરાહ’ જેવા શો કરી ચૂકેલી અને અત્યારે વુટ પર ‘બિગ બઝ’ નામનો શો કરતી સુબુહી સ્વાદિષ્ટ ફૂડ કેવી રીતે બને એના ક્લાસ શરૂ કરવા સુધીનું નૉલેજ ધરાવે છે

બારેક વર્ષની હતી જ્યારે મેં પહેલી વાર નાના ભાઈ માટે ભીંડાનું શાક અને રોટલી બનાવેલાં. ડાહી અને મોટી બહેન તરીકે મેં મારી ફરજ પૂરી કરી અને એ દિવસે મમ્મીએ મારાં વખાણ કર્યાં અને આખી ઘટનાને બિરદાવી એ મને ક્યારેય નહીં ભુલાય. એ દિવસ પછી કુકિંગની બાબતમાં મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી. હા, આ જ વાતની સાથોસાથ તમને એ પણ કહી દઉં કે આજ સુધી મમ્મીએ ક્યારેય મને બાજુમાં ઊભા રહીને રોટલી કે પછી બીજી કોઈ આઇટમ બનાવવાનું શીખવ્યું નથી. એક પણ જાતની પ્રાયર કે પ્રૉપર ટ્રેઇનિંગ વિના હું કુકિંગ શીખી છું અને એટલે જ મને ઘણી વાર લાગ્યું કે છે કે ગયા જન્મમાં મારું કુકિંગ સાથે કોઈક ચોક્કસ કનેક્શન હશે જ હશે અને આ વાતને હું જેન્યુઇનલી બહુ સિરિયસ્લી માનું છું.

સ્વાદ જીવનમાં અત્યંત જરૂરી | આ દુનિયામાં જો જીવવા માટે જ માત્ર ખાવામાં આવતું હોત તો ભગવાને આટલા બધા સ્વાદ શું કામ બનાવ્યા હોત? જરા વિચારો. મારું માનવું છે કે ભગવાને દરેક ડિફરન્ટ ટેસ્ટ બનાવ્યા પછી એ ટેસ્ટને પારખવા માટે જ આપણને જીભ આપી. સિમ્પલ કારણ છે કે આપણે એની મજા માણીએ. મેં હંમેશાં સ્વાદની મજા માણી છે, પરંતુ હવે હું જે પ્રોફેશનમાં છું ત્યાં મને ખાસ પ્રકારનું ફૂડ છૂટથી ખાવાની પરમિશન નથી અને ટેક્નિકલી પણ હેલ્થની દૃષ્ટિએ સ્વાદ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે એવું પણ મને લાગે છે. જોકે હું પૉલિટિકલી કરેક્ટ થયા વિના ડાયરેક્ટ્લી કહીશ કે ટેસ્ટી ફૂડ મોટા ભાગે હેલ્ધી ન જ હોય એટલે બહુ ફિકર કર્યા વિના ક્યારેક તમારે ટેસ્ટી ફૂડ ખાઈ લેવાનું અને બીજા દિવસે વધારે વર્કઆઉટ કરી મૅનેજ પણ કરી લેવાનું. સિમ્પલ. 

ઍનીવે, મોમોઝ અને રાજમા-ચાવલ મારાં ફેવરિટ છે. આ બન્ને આઇટમ હું વર્ષના ૩૬૫ દિવસ અને એ દિવસમાં ત્રણેય ટાઇમ મને તમે આપો તો પણ હું ખાઈ લઈશ અને એ પણ કોઈ પણ જાતની કમ્પ્લેઇન કર્યા વિના.

આ પણ વાંચો :  કેટલીયે વાર ખાવાનું બનાવતી વખતે મારાથી કડાઈમાં ભડકો થતો

લાઇફટાઇમ બ્લન્ડર આ એક | મારા હાથના રાજમા-ચાવલ બેસ્ટ બને. આમ પણ દિલ્હી જેવા રાજમા-ચાવલ મુંબઈમાં ક્યાંય મળતા જ નથી એવું હું દાવા સાથે કહીશ. આ જ કારણે જ્યારે મારા ઘરે રાજમા બને ત્યારે તમે માનશો નહીં, પણ મિનિમમ આઠથી દસ ડબ્બા મારે મારા ફ્રેન્ડ્સ માટે તૈયાર કરવાના હોય છે. જોકે એક વાર બહુ જ મોટું બ્લન્ડર મારાથી થયું હતું. 
ઑનેસ્ટલી કહું તો મને આજ સુધી લોટ બાંધતાં નથી આવડ્યું. મારા મસ્ત મોટા થયેલા નખ ખરાબ થશે એ ડરથી મને પણ લોટ બાંધવાનું ગમ્યું નથી એટલે મેં એની બહુ ટ્રાય પણ ક્યારેય કરી નથી. એમ છતાં એક વાર એવું બન્યું કે મારે એવું કરવું પડ્યું.

બન્યું એમાં એવું કે મારો ભાઈ મુંબઈ આવ્યો. એક સાંજે અમે ઘરે હતા અને સાથે મારો ફ્રેન્ડ પણ હતો. એ લોકો કહે કે આજે કંઈક ટ્રેડિશનલ ખાઈએ અને દોઢડાહી થઈને મેં સામેથી કહ્યું કે ચાલો, હું તમારા માટે ગોબીના પરાઠા બનાવું. કહી તો દીધું, પણ આલૂના પરાઠામાં લોટ બાંધવાનો હોય એ તો હું ભૂલી જ ગઈ. જોકે પછી મેં એ બાંધવાનું શરૂ કર્યું અને ઢીલો લોટ બાંધ્યો. એવો તે ઢીલો લોટ કે બટાટાનું બધું પૂરણ બહાર આવી ગયું. ટ્રાય કર્યા કરું પણ એ બરાબર બને જ નહીં. જેવો પરાઠા તવા પર જાય કે બધું છૂટું પડી જાય. નાછૂટકે છેલ્લે બહારથી દાલ-ચાવલ ઑર્ડર કરી અમે પેટ ભર્યું. બસ, એ દિવસ અને આજની ઘડી, પ્રણ લીધું છે કે લોટ બાંધવો પડે એવી ડિશ ક્યારેય બનાવવી નહીં.

બેસ્ટ કુકિંગ ટિપ

કાંદાને ભૂંજીને વઘાર કર્યા પછી દાળ કે શાક એમાં ઉમેરો ત્યારે ગૅસની ફ્લેમને વધુ આંચ પર રાખી એક મિનિટ માટે એમ જ એને હલાવ્યા વિના રહેવા દો. ડરશો નહીં, તમારાં દાળ-શાક બળશે નહીં. ઊલટાનું કાંદા અને એ વઘારની બહુ જ એક્સલન્ટ અને એકદમ તીવ્ર કહેવાય એવી ફ્રૅગ્રન્સ તમારા ફૂડમાં ભળી જશે.

columnists Rashmin Shah