સમજવાની તક છે, પણ દાનતના અભાવનું શું કરવું?

28 September, 2022 04:45 PM IST  |  Mumbai | Rashmin Shah

જૅપનીઝ ઑથર અને ટીવી સ્ટાર બની ગયેલી તેત્સુકો કુરોયાનાગીએ લખેલી ‘તોતો ચાન-ધ લિટલ ગર્લ ઍટ ધ વિન્ડો’ આ જ વાત સમજાવે છે અને કહે છે કે જો એજ્યુકેશન સિસ્ટમને સુધારવાની તક હવે ન ઝડપી તો ખરેખર આવનારી સદીનાં બાળકો હકીકતમાં રોબો બનીને રહી જશે

જૅપનીઝ ઑથર અને ટીવી સ્ટાર બની ગયેલી તેત્સુકો કુરોયાનાગીએ લખેલી ‘તોતો ચાન-ધ લિટલ ગર્લ ઍટ ધ વિન્ડો

શિક્ષણ સિસ્ટમ સુધારવા માટે કેટલી વાતો થાય છે, કેટલી વખત કહેવામાં આવ્યું કે હવે આપણે આ બાબતમાં બદલાવ લાવવાની જરૂર છે પણ જે ચેન્જ થાય છે એ ચેન્જમાં પૉલિટિકલ હેતુ જ સ્પષ્ટ દેખાઈ આવે છે. બાળકોના ભવિષ્ય માટે કે તેના ગ્રોથ માટે શિક્ષણ સિસ્ટમમાં કોઈ ચેન્જ આવતો નથી અને દર વખતે, દર વર્ષે આ એક જ વિષય પર ગોકીરો થયા કરે છે. જૅપનીઝ રાઇટર અને ટીવી સ્ટાર તેત્સુકો કુરોયાનાગીએ લખેલી બાયોગ્રાફિકલ બુક ‘તોતો ચાન-ધ લિટલ ગર્લ ઍટ ધ વિન્ડો’માં આ જ વાત કહેવામાં અને દર્શાવવામાં આવી છે કે સ્કૂલ નહીં, પણ એજ્યુકેશન સિસ્ટમ બહુ મહત્ત્વની છે. સ્કૂલનું કૅમ્પસ નહીં પણ સ્કૂલમાં આપવામાં આવતી ટ્રીટમેન્ટ અત્યંત અગત્યની છે. તેત્સુકો કહે છે, ‘અમુક અંશે આ મારો જાતઅનુભવ છે અને એના આધારે જ કહું છું કે જો બાળકોમાં સ્કિલ ખીલવા દેવી હશે તો આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ભારોભાર બદલાવ લાવવો પડશે.’

તેત્સુકોએ તો એક ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય ઋષિ પરંપરા સાથેની સ્કૂલ આજના સમયની બેસ્ટ જરૂરિયાત છે. જો એવી સ્કૂલ શરૂ કરવામાં આવશે અને એવી સ્કૂલમાં બાળકોને એજ્યુકેશન મળે તો એ સાચા અર્થમાં સર્વગુણ સંપન્ન બનશે.

કેવી રીતે આવ્યો વિચાર?

તેત્સુકોને એ જે એજ્યુકેશન મળ્યું  હતું, જે ટીચર મળ્યા હતા એવું એજ્યુકેશન અને એવા ટીચર તેને જીવનમાં ક્યારેય જોવા મળ્યા નહીં અને એ જ વાત તેને સતત અકળાવતી હતી. તેત્સુકોએ નક્કી કર્યું કે ખરેખર એક વખત આખું જપાન ફરીને જોવું કે પોતે ભણી હતી એ પ્રકારની સ્કૂલ આજના સમયમાં છે કે નહીં અને તેણે જપાનની સફર શરૂ કરી. મોટા ભાગના લોકોને તેત્સુકોનો આ વિચાર અને એ પ્રકારની સ્કૂલ શોધવાની માનસિકતામાં જ ગાંડપણ દેખાતું હતું પણ તેત્સુકો ઇચ્છતી હતી કે દેશમાં એક બદલાવ આવે અને આવનારી પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને એ શિક્ષણમાં ક્યાંય ભાર ન હોય. તેત્સુકોની સફર શરૂ થઈ અને એ સફરમાં તેને સ્વાભાવિક રીતે નિરાશા સાંપડી. એ નિરાશા સાથે તે પાછી આવતી હતી એ દરમ્યાન તેને ‘તોતો ચાન-ધ લિટલ ગર્લ ઍટ ધ વિન્ડો’ લખવાનો વિચાર આવ્યો. તેત્સુકોએ કહ્યું છે, ‘માત્ર ફરિયાદ કરવાને બદલે એનો ઉપાય પણ આપવો જોઈએ. એજ્યુકેશન સિસ્ટમ વિશે ફરિયાદ કરવાની સાથોસાથ મને એનો ઉપાય પણ આપવો હતો એટલે મેં આ બુક લખી.’

તમને જાણીને ખરેખર નવાઈ લાગશે પણ તેત્સુકો કુરોયાનાગીને ક્યારેય રાઇટર બનવું જ નહોતું પણ મનની વાત કરવાના હેતુથી જ તે પહેલી વાર રાઇટર બની અને તેની આ બુક પબ્લિશ થતાંની સાથે જ પહેલાં જપાનમાં અને પછી દુનિયાભરમાં બેસ્ટસેલર બની ગઈ.

આમિરની ઇન્સ્પિરેશન બની

હા, આ સાચું છે. આમિર ખાને બનાવેલી ફિલ્મ ‘તારે ઝમીં પર’ હકીકતમાં ‘તોતો ચાન’ પરથી પ્રેરણા લઈને બની છે અને આમિરે પોતે પણ કહ્યું છે કે એ બુક વાંચ્યા પછી જ તેને થયું હતું કે એજ્યુકેશન સિસ્ટમ પર ફિલ્મ બનાવવી જોઈએ.

‘તોતો ચાન-ધ ગર્લ ઍટ ધ વિન્ડો’ અત્યાર સુધીમાં દુનિયાની પચાસથી વધારે ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે, જેની પચાસ લાખથી વધારે નકલો વેચાઈ છે. જપાન સહિત દુનિયાના વીસથી પણ વધુ દેશો એવા છે જેની યુનિવર્સિટીમાં આ બુક ભણાવવામાં આવે છે અને જપાને તો ‘તોતો ચાન-ધ લિટલ ગર્લ ઍટ ધ વિન્ડો’ પછી ત્યાંની એજ્યુકેશન સિસ્ટમમાં અનેક ફેરફારો પણ કર્યા છે. 
ભણતરની પદ્ધતિ વિશે તેત્સુકોએ જે વાત આ બુકમાં કહી છે એ વાત અને એ વાતની સકારાત્મક અસરને કારણે જ યુનિસેફે તેને ગુડવિલ ઍમ્બૅસૅડર પણ જાહેર કરી છે, જેના આધારે 
તેત્સુકોએ અત્યાર સુધીમાં સાત દેશોની એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ લાવવાનું કામ પણ કર્યું છે તો બે દેશની ચાર યુનિવર્સિટી સુધ્ધાંમાં પણ ચેન્જ લાવવાનું કામ કર્યું છે. મજાની વાત એ છે કે એ ચેન્જનું રિઝલ્ટ બહુ જ સરસ આવ્યું છે.

સ્ટોરી શૉર્ટકટ

આ ઑટોબાયોગ્રાફિકલ નૉવેલ છે. બુકના રાઇટર તેત્સુકો કુરોયાનાગીનું જ હુલામણું નામ તોતો ચાન હતું એ સહેજ તમારી જાણ ખાતર.

તોતો ચાન બહુ ચંચળ છે, જેને માત્ર શાંતિ જોઈએ છે એ સૌને તે તોફાની લાગે એવી પણ છે. તેની સ્કૂલમાંથી ફરિયાદ આવે છે કે તમારી દીકરી બહુ તોફાન કરે છે એટલે પ્લીઝ તમે તેનું બીજી કોઈ જગ્યાએ ઍડ્‍મિશન કરાવી લો.

તોતો ચાનની મમ્મી પાસે બીજો કોઈ ઑપ્શન રહેતો નથી એટલે તે ઍડ્‍મિશન માટે તપાસ કરે છે પણ ક્યાંય મળતું નથી એટલે તે નાછૂટકે પોતાના શહેરથી દૂર આવેલી એક એવી સ્કૂલમાં ઍડ્‍મિશન લે છે જ્યાં તોતો ચાને એકલા રહેવાનું છે. તોતો ચાન એ સ્કૂલ જોઈને રાજીની રેડ થઈ જાય છે. એ સ્કૂલ એક એવા ખુલ્લા મેદાનમાં છે જેમાં બહુ બધા ટ્રેનના ડબ્બાઓ પડ્યા છે. એક ડબ્બામાં માત્ર મૅથ શીખવવામાં આવે છે તો એક ડબ્બામાં ડ્રોઇંગ શીખવે છે, એક ડબ્બામાં ક્રાફ્ટ શીખવવામાં આવે છે તો એક ડબ્બામાં હિસ્ટરી શીખવવામાં આવે છે. કોઈ પિરિયડ સિસ્ટમ જ નહીં. જેણે જ્યાં ભણવું હોય ત્યાં ભણે. તોતો ચાન રાજીની રેડ થઈ જાય છે અને તે દરેક સવારે પોતાને જે ભણવાનું મન થયું હોય એ ડબ્બામાં જઈને બેસી જાય છે. જોકે તોતો ચાનની આ ખુશી લાંબી નથી ટકતી. સેકન્ડ વર્લ્ડ વૉરની શરૂઆત થાય છે અને અમેરિકા જપાન પર હુમલો કરે છે જેમાં આ સ્કૂલ નેસ્તનાબૂદ થઈ જાય છે. તોતો ચાનને વૉર સામે કોઈ પ્રૉબ્લેમ નથી, એને તકલીફ એ વાતની છે કે જે સ્કૂલને એ વૉર સાથે નિસબત નહોતી, એનો નાશ શું કામ કરવામાં આવ્યો.

તોતો ચાન આ વાત પેલી સ્કૂલના શિક્ષણમાંથી જ શીખી છે અને એટલે જ હવે તેના મનમાં આવે છે કે સૌકોઈ આ એજ્યુકેશન લે જેથી દુનિયામાં સુખ અને શાંતિ પણ છવાયેલાં રહે.

columnists Rashmin Shah