નાગરિકત્વ સુધારા ખરડો હિન્દુઓની તરફેણ કરતો હોવા છતાં કેમ કરે છે વિરોધ

06 February, 2019 10:23 AM IST  |  | રમેશ ઓઝા

નાગરિકત્વ સુધારા ખરડો હિન્દુઓની તરફેણ કરતો હોવા છતાં કેમ કરે છે વિરોધ

પ્રતીકાત્મક તસવીર

કારણ તારણ

કાશ્મીરની ખીણમાં આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી એ આપણે ચોક્કસ નથી જાણતા, પણ એટલી જાણ ચોક્કસપણે છે કે એ આગ જાણીબૂઝીને બુઝાવવામાં નહોતી આવી. શા માટે? બાકીના ભારતમાં વિધાનસભાઓની ચૂંટણી લડવાની અને જીતવાની હતી અને એ ઉપરાંત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવાની હતી. ઈશાન ભારતમાં કોઈને પણ (NDAના ઘટક પક્ષોને સુધ્ધાં) વિશ્વાસમાં લીધા વિના ભારતીય નાગરિકત્વ ધારામાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શા માટે? એ જ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાઓની ચૂંટણી જીતવાની હતી અને એ ઉપરાંત ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણી જીતવા માટે. આ પછી પણ છેલ્લાં ત્રણ વરસમાં એકમાત્ર ઉત્તર પ્રદેશને છોડીને ફાયદો કોઈ જગ્યાએ થયો નથી. ગુજરાતમાં વિજય મળ્યો હતો, પણ એ હાંફી જનારો વિજય હતો. હા, ઉત્તર પ્રદેશનો વિજય ભવ્ય હતો જેને કારણે BJPના નેતાઓ છેતરાયા હતા. તેમને એમ લાગવા માંડ્યું હતું કે હવે ત્રણ મુદત કોઈ હલાવી નહીં શકે.

હિન્દુત્વવાદીઓને એવો ભ્રમ છે કે હિન્દુ/હિન્દી હાર્ટલૅન્ડ તરીકે ઓળખાતું ભારત જ સાચું ભારત છે અને બાકીના ભારતે એ ભારતને અપનાવવું જોઈએ. મુસલમાનોમાં આજકાલ આક્રમક વિચારધારા (સલ્ફી/વહાબી) એમ માને છે કે સાચો ઇસ્લામપરસ્ત મુસલમાન સાઉદી અરેબિયાના આરબ જેવો હોવો જોઈએ, કારણ કે સાઉદી અરેબિયા ઇસ્લામની હૃદયભૂમિ છે. જગતનો પ્રત્યેક મુસલમાન ભૌગોલિક રીતે ગમે ત્યાં વસતો હોય, તેનાં અરમાન પયગંબરકાલીન આરબ જેવા બનવાના અને તેની જેમ જ જિંદગી જીવવાના હોવા જોઈએ. આવું જ સંઘપરિવાર માને છે. ભારતનો પ્રત્યેક હિન્દુ આર્યાવર્તના હિન્દુ જેવો હોવો જોઈએ અને ગેરહિન્દુએ મૂળભૂત હિન્દુ સંસ્કૃતિ અપનાવવી જોઈએ. જે એનાથી દૂર છે એ અધૂરા હિન્દુ છે અને તેમને સાચા હિન્દુ બનાવવાના છે.

તો બે એજન્ડા હતા. એક તો ભાગોળેના ભારતને હિન્દુ હાર્ટલૅન્ડ જેવું બનાવો અને બીજો ભાગોળેના ભારતમાં ધબધબાટી બોલાવીને બાકીના ભારતમાં દેશભક્ત હિન્દુઓને ગેલમાં રાખો. હૃદયભૂમિના હિન્દુ દેશભક્તો ગેલમાં રહેશે તો ભાગોળની ચિંતા કરવાની જરૂર નથી. આવી ગણતરીએ કાશ્મીરની સમસ્યાનો અંત લાવવામાં નહોતો આવતો અને નાગરિકત્વ ધારામાં મનમાની રીતે સુધારા કરતો ખરડો લાવવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન BJPએ ઈશાન ભારતનાં રાજ્યોમાં ઠીકઠીક પ્રમાણમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ તુમાખી એવી હતી કે કેન્દ્ર સરકારે ઈશાન ભારતમાંના પોતાના પક્ષના તેમ જ ભાગીદાર પક્ષોના નેતાઓને પણ પૂછવાની કે અભિપ્રાય મેળવવાની તસ્દી નહોતી લીધી. તેઓ એ વાત ભૂલી ગયા હતા કે હિન્દુ હૃદયભૂમિમાં વસતા હિન્દુઓને પણ ભૂખ લાગે છે, તેમને પણ પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા છે અને તે હિન્દુ હોવા ઉપરાંતની પણ બીજી ઓળખો ધરાવે છે અને ઓળખનું મહત્વ અને પ્રાથમિકતા બદલાતી રહે છે.

હવે ગોળા સાથે ગોફણ ગુમાવવા જેવું થયું છે. હિન્દુ/હિન્દી હાર્ટલૅન્ડમાં જમીન હાથમાંથી સરકી રહી છે અને ભાગોળના ભારતમાં પ્રવેશ મુશ્કેલ બની ગયો છે. ગણતરી એવી હતી કે ઈશાન ભરતમાંના હિન્દુઓ અને બાકીના ભારતમાંના દેશભક્તો રાજીરાજી થઈ જશે અને ચૂંટણીઓ ચપટી વગાડતાં જીતી શકાશે. અત્યારે ગણતરી ઉંધી વળી રહી હોય એવું નજરે પડી રહ્યું છે. ઈશાન ભારતમાં નાગરિકત્વ ધારામાં સુધારો કરવા સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. આસામ સાહિત્ય સભાના સંમેલનમાં આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ દેખાવોના ડરથી ગયા નહોતા એટલું જ નહીં, એ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં એકે પ્રધાન નહોતો ફરક્યો. આસામ આદોલન દરમ્યાન જે લોકો માર્યા ગયા હતા તેમની વિધવાઓ કે માતાઓને આસામ સરકારે તામþપત્ર આપ્યાં હતાં. બે દિવસ પહેલાં ૯૦૦ જેટલી સ્ત્રીઓ તામ્રપત્ર ગળામાં લટકાવીને એને પાછાં કરવા ગુવાહાટીના સચિવાલયમાં ગઈ હતી. આસામમાં એક દાયકા કરતાં વધુ સમયથી સાથ આપનારા આસામ ગણ પરિષદે BJP સાથે સંબંધ તોડી નાખ્યો છે અને ઈશાન ભારતના NDAના બીજા આઠ ઘટક પક્ષોએ વિરોધ પ્રદર્શિત કરીને NDAમાંથી નીકળી જવાની ધમકી આપી છે. મણિપુરના ફિલ્મનર્મિાતા અને સંગીતકાર અરિબમ શ્યામ શર્માએ પદ્મશ્રીનો પુરકાર પાછો કર્યો છે.

હવે રહી-રહીને BJPના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે સુધારા ખરડો દેશ માટે ખુબ મહત્વનો છે, પરંતુ સરકાર ઈશાન ભારતના રાજકીય પક્ષો સહિત દરેક પક્ષ સાથે વાતચીત કરશે અને પછી ખરડો રાજ્યસભામાં રજૂ કરશે. અહીં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સલાહ-મસલત પહેલાં કરવાની હોય કે ખરડો પહેલાં ઘડવાનો હોય? ખરડો વગર વાતચીત કર્યે ઘડવામાં આવ્યો હતો અને લોકસભામાં પસાર પણ કરવામાં આવ્યો છે ત્યારે

આ પણ વાંચો : ગાંધીજીનું ખૂન કરવામાં આવ્યું હતું. ખૂન, ખૂન અને ખૂન

સલાહ-મસલત યાદ નહીં આવી? બીજું, અમિત શાહ પક્ષના અધ્યક્ષ છે કે સરકાર ચલાવે છે? કયા અધિકારથી તેમણે વડા પ્રધાન વતી કે ગૃહપ્રધાન વતી નિવેદન કર્યું હતું? જોકે દેશમાં બે જ શાસકો છે અને બાકીના બધા રબરસ્ટૅમ્પ છે એ આખું જગત જાણે છે.

છેલ્લે ખરડો હિન્દુઓની તરફેણ કરતો હોવા છતાં શા માટે ઈશાન ભારતના હિન્દુઓ એનો વિરોધ કરી રહ્યા છે? ભૂપેન હઝારિકાને આપવામાં આવેલા ભારત રત્ïનના અવૉર્ડની પણ આસામની પ્રજા પર કોઈ અસર નથી થતી. આવું કેમ એનો જો જવાબ શોધવામાં આવે તો ભારત કેવો દેશ છે એ સમજાઈ જાય અને શાસન કેમ કરાય એ પણ આવડી જાય. મધ્યમમાર્ગે ચાલનારા પુરોગામીઓ બેવકૂફ નહોતા.

BJP = ભારતીય જનતા પાર્ટી,

NDA = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

columnists