રુદાલીઓના દેશમાં! બે ઘટના, બે વડા પ્રધાન અને બે પ્રતિક્રિયા

20 February, 2019 11:46 AM IST  |  | રમેશ ઓઝા

રુદાલીઓના દેશમાં! બે ઘટના, બે વડા પ્રધાન અને બે પ્રતિક્રિયા

કારણ-તારણ

પી. વી. નરસિંહ રાવ તો સાવ સામાન્ય રાજકારણી હતા. ૫૬ની છાતી નહોતી, ભડવીર તરીકેની કોઈ પ્રતિષ્ઠા નહોતી, જાદુઈ પ્રભાવ પેદા કરનારા વક્તા નહોતા, ભક્તોની મોટી ફોજ નહોતી, ચોવીસ કલાક ઓવારણાં લેનારાં મીડિયા નહોતાં, કોઈની આંખનું નૂર નહોતા કે કોઈના હૃદયના સમ્રાટ નહોતા; તેઓ સાવ સામાન્ય રાજકારણી હતા. ગાંધીયુગના કૉન્ગ્રેસી હતા જેમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય રાજકારણમાં લઈ આવ્યાં હતાં. નરસિંહ રાવે ઇન્દિરા ગાંધીને નજદીકથી કામ કરતાં જોયાં હતાં. તેઓ કેમ વિચારે છે અને કેમ વર્તે છે એ તેમણે જોયું હતું.

આ નરસિંહ રાવ ડૉ. મનમોહન સિંહની જેમ જ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા. ૧૯૯૧ની લોકસભાની ચૂંટણીની વચમાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી અને ચૂંટણીમાં કૉન્ગ્રેસને સૌથી વધુ બેઠકો મળતાં પી. વી. નરસિંહ રાવને વડા પ્રધાન બનવા મળ્યું હતું. સાવ અકસ્માતે. ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પી. વી. નરસિંહ રાવે, એ સમયના ઍક્સિડેન્ટલ ફાઇનૅન્સ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહે અને પછીના ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહે ભારતીય અર્થતંત્રમાં જે જાદુ કર્યો છે એ આયોજનપૂર્વક જદ્દોજહદ કરીને બનેલા વડા પ્રધાનો નથી કરી શક્યા.

ખેર, પી. વી. નરસિંહ રાવ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે તેમના સમયમાં ૧૯૯૩ની ૧૨ માર્ચે‍ ત્રાસવાદીઓએ મુંબઈ શહેરમાં મુંબઈ સ્ટૉક એક્સચેન્જ સહિત અનેક સ્થળોએ ૧૨ બૉમ્બ-વિસ્ફોટ કર્યા હતા જેમાં ૨૫૭ જણ માર્યા ગયા હતા અને ૭૧૩ જણ ઘવાયા હતા. અનેક સ્થળોએ એકસાથે શ્રેણીબદ્ધ બૉમ્બ-વિસ્ફોટની એ જગતની પહેલી ઘટના હતી. પુલવામાની તુલનામાં તો ઘણી ગંભીર. આખા દેશમાં સોપો પડી ગયો હતો અને ગ્લાનિ છવાઈ ગઈ હતી.

એ દિવસે શુક્રવાર હતો. શનિવારે અને રવિવારે શૅરબજાર બંધ રહે. વડા પ્રધાનના કાર્યાલયમાંથી શનિવારે શૅરબજારના સત્તાવાળાઓને ફોન ગયો કે સોમવારે રાબેતા મુજબ શૅરબજાર ખૂલવું જોઈએ અને વડા પ્રધાન ખુદ આવીને ટ્રેડિંગનો બેલ વગાડશે. બૉમ્બ-વિસ્ફોટને કારણે શૅરબજારની ઇમારતને નુકસાન પહોંચ્યું હતું અને એની વચ્ચે જાણે કે કાંઈ જ બન્યું ન હોય એમ બજારમાં કામકાજ થયું હતું.

આને કહેવાય નૅશનલ સ્પિરિટ અને આને કહેવાય નેતૃત્વ.

આમ તો બિચારા સાવ સામાન્ય રાજકારણી હતા. છપ્પનની છાતી વિનાના, કરિશ્મા વિનાના સાવ સપાટ. અને છતાં ત્રાસવાદીઓને તેમણે મેસેજ આપી દીધો કે અમે તૂટવાના નથી, થાય એ કરી લો. શો મસ્ટ ગો ઑન. તમે અમને ડરાવો અને અમે ડરી જઈએ એમાંના અમે નથી. ત્રાસવાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિ તમને ડરાવવા અને વિચલિત કરવા માટે જ કરતા હોય છે. જો વિચલિત ન થાવ તો તેમની મહેનત નિષ્ફળ જવાની. એ સમયે પી. વી. નરસિંહ રાવે દેશની જનતાને આ શીખ પણ આપી હતી. આજના ભક્તોને જેને જોઈને દયા આવે એવો સાવ સામાન્ય રાજકારણી આવો અસાધારણ મેસેજ કઈ રીતે આપી ગયો? બને કે તેઓ ગાંધીજી દ્વારા દીક્ષિત હતા અને ઇન્દિરા ગાંધીને વિપરીત સંજોગોમાં વીરાંગનાની માફક કામ કરતાં જોયાં હતાં. સ્વસ્થતા શું કહેવાય એની તેમને જાણ હતી.

આજકાલ જે રીતે કાખલી કૂટવામાં આવી રહી છે, છાજિયાં લેવામાં આવી રહ્યાં છે, માતમનાં પ્રદર્શનો થઈ રહ્યાં છે એ જોતાં સવાલ થાય કે ભારતની પ્રજા સ્વસ્થ અને સમજદાર નાગરિક છે કે ભાડૂતી રુદાલી? રાજસ્થાનમાં ભાડૂતી મરશિયાં ગાનારી અથવા તો પૈસા લઈને રુદન કરનારી એક કોમ છે જેને રુદાલી કહેવામાં આવે છે. દેશમાં આત્યારે ઠેકઠેકાણે માતમનાં પ્રદર્શનો કરનારાઓ રતીભાર પણ દેશપ્રેમી નથી. તેઓ પ્રદર્શનકારી ઢોંગી છે અને એ તેમને સોંપવામાં આવેલું કામ છે. આજના યુગમાં તેઓ રુદાલીની રાષ્ટ્રીય ભૂમિકા ભજવી રહ્યા છે. જયારે તેમનો જન્મ પણ નહોતો થયો ત્યારે દેશની જનતાએ માતમનાં પ્રદર્શનો કર્યા વિના દેશહિતમાં ઘણાં પરાક્રમો કયાર઼્ છે. દેશપ્રેમ એ પ્રદર્શનની ચીજ નથી, એ એની મેળે અભિવ્યક્ત થાય છે અને અનેક રીતે પ્રગટ થાય છે. જો એ પ્રદર્શન દ્વારા પ્રગટ થાય તો સમજી લેવું કે એક ઢોંગ છે.

ભક્તોને વિચારવા માટે હજી એક સવાલ. ૨૦૧૬ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં આજની તુલનામાં ઘણી શાંતિ હતી અને શાંતિ સ્થપાવાની શરૂઆત અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી. સવાલ એ છે કે એ શાંતિનું શું રહસ્ય હતું? શું વાજપેયી અને ડૉ. મનમોહન સિંહ અત્યારના શાસકો કરતાં વધારે શક્તિશાળી અને સમર્થ હતા? શું વાજપેયી અને મનમોહન સિંહથી ત્રાસવાદીઓ ડરી ગયા હતા? શું પાકિસ્તાન ડરી ગયું હતું? ના. જમ્મુ અને કાશ્મીરમાં આજની તુલનામાં વધારે શાંતિ હતી એનું કારણ શાસકોની મર્દાનગી નહોતી કે ત્રાસવાદીઓ અથવા પાકિસ્તાનના પક્ષે ડર નહોતો. એનું કારણ એ હતું કે વાજપેયી અને ડૉ. મનમોહન સિંહની સરકારે કાશ્મીરની ખીણની પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો. જો પ્રજા સાથે હોય તો જ સુરક્ષાના પ્રયાસોને સફળતા મળે અને પ્રજા જો વીફરેલી હોય તો આખું લશ્કર કાશ્મીરમાં ઉતારો તો પણ સફળતા નહીં મળે. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ત્રાસવાદી હુમલાઓમાં, નાગરિકોની જાનહાનિમાં, જવાનોનાં મૃત્યુમાં એમ સાર્વત્રિક વધારો થયો છે.

આ પણ વાંચો : કસોટીની ક્ષણ, પાર ઊતરીશું?

ટૂંકમાં કહેવાતા નબળા શાસકો બાજી મારી ગયા અને ભડવીરોની આબરૂ લૂંટાય છે એનાં બે મુખ્ય કારણ છે- એક તો પ્રદર્શનવૃત્તિનો અભાવ અને આવડત મુજબનું નક્કર શાસન. બીજું કારણ સ્થાનિક પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ. કાશ્મીરનો ઉપયોગ તેમણે બાકીના ભારતમાં ચૂંટણી જીતવા નહોતો કર્યો.

columnists