ઇન્સૉલ્વન્સી કોડ માટે નરેન્દ્ર મોદીની સરકારને હંમેશાં યાદ રાખવામાં આવશે

12 February, 2019 11:11 AM IST  |  | રમેશ ઓઝા

ઇન્સૉલ્વન્સી કોડ માટે નરેન્દ્ર મોદીની સરકારને હંમેશાં યાદ રાખવામાં આવશે

ઇન્સૉલ્વન્સી

કારણ-તારણ

નરેન્દ્ર મોદીની સરકારને હું દરેક મોરચે નિષ્ફળ સરકાર માનું છું, પણ એક ક્ષેત્ર છે જેમાં મોદી સરકારને કંઈક સારું કરી જવા માટે યાદ રાખવામાં આવશે. એ કામ છે નાદારીની સનદ અર્થાત્ ઇન્સૉલ્વન્સી કોડ. આશ્ચર્ય એ વાતનું છે કે વડા પ્રધાન ખુદ અને તેમના પ્રધાનો તેમ જ પક્ષના પ્રવક્તાઓ આનું શ્રેય લેતા ભાગ્યે જ જોવા મળે છે. જેમાં છબરડા વાળ્યા છે એમાં બચાવ કરવાની જગ્યાએ સિદ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ જ્યાં ખરેખર પીઠ થપથપાવી શકાય એમ છે એ વિશે તેઓ બોલતા જ નથી. જોકે નાદારીની સનદમાં અનેક મર્યાદાઓ અને છીંડાંઓ છે. કેટલાંક છીંડાં જાણીબૂજીને રાખવામાં આવ્યાં છે. આમ છતાં હવે નાદાર ઉદ્યોગપતિ આખી જિંદગી સન્માનિત ઉદ્યોગપતિ તરીકે જીવી શકતો નથી એ નાદારીની સનદના કાયદાની વિશેષતા છે. તેની પાસેથી પૂરા પૈસા ભલે કઢાવી ન શકાય, પરંતુ તેણે નાદારી તો નોંધાવવી પડે છે. નાદારીનું કલંક લાગે છે. અત્યારે કોઈનો વાળ પણ વાંકો થતો નથી ત્યાં આ ઘણી મોટી વાત છે.

અનિલ ધીરુભાઈ અંબાણીની માલિકીની કંપની R.કૉમે નાદારી નોંધાવી છે અને નાદારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અનિલ અંબાણીએ નાદારી નોંધાવી એના બીજા દિવસે શૅરબજારમાં અનિલ અંબાણીની કંપનીઓના ભાવ ગગડ્યા હતા અને એમ કહેવાય છે કે અનિલ અંબાણીની સંપત્તિનું ૫૦ ટકા ધોવાણ થઈ ગયું હતું. અહીં એક સવાલ ઉપસ્થિત થાય છે કે કંપની જો શૅરધારકોની માલિકીની જૉઇન્ટ સ્ટૉક કંપની હોય અર્થાત્ પબ્લિક લિમિટેડ કંપની હોય તો એ અનિલ અંબાણીની કેવી રીતે થઈ ગઈ? પશ્ચિમની કોઈ પણ જાયન્ટ કહી શકાય એવી બહુરાષ્ટ્રીય કંપની ફલાણાની માલિકીની એવું તમે ક્યારેય સાંભળ્યું છે? એ લોકોની માલિકીની છે જેમાં જે લોકો મોટો સ્ટેક ધરાવતા હોય અથવા ધંધાની તેમ જ સંચાલનની આવડત ધરાવતા હોય એવા લોકોને શૅરહોલ્ડરો સંચાલક તરીકે નિયુક્ત કરે છે.

આપણે ત્યાં પણ કાગળ પર તો સ્વરૂપ એવું જ છે, પરંતુ વ્યવહારમાં સ્થાપક પરિવારની કે સ્થાપક પરિવારે જેને વેચી હોય એવા લોકોની માલિકીની કંપની તરીકે ઓળખાવવામાં આવે છે. અંગ્રેજીમાં જેને કૉર્પોરેટ ડેમોક્રસી અને કૉર્પોરેટ ગવર્નન્સ તરીકે ઓળખાવવામાં આવે છે એનો આપણે ત્યાં અભાવ છે. સ્થાપક પરિવારના સભ્યો કંપની બાપીકી માલિકીની હોય એ રીતે ચલાવે છે. તેઓ આપસમાં ઝઘડીને કંપનીને ફડચામાં લઈ જાય છે. તેઓ વૈભવી જીવન જીવે છે અને તેમના વૈભવ વિશે મીડિયા ઊછળી-ઊછળીને વાતો કરે છે. કેટલીક વાર લવાદી કરીને ઝઘડાનો અંત લાવવો પડે છે જેમ અંબાણી ભાઈઓ વિશે બન્યું હતું. પãમમાં આવું નથી બનતું.

શા માટે ભારત સરકાર કૉર્પોરેટ ગવર્નન્સ અને કૉર્પોરેટ ડેમોક્રસી લાગુ નથી કરતી? શા માટે જે ઉપલબ્ધ છે એ કંપની લૉઝનો ઉપયોગ નથી કરતી અને જે કાયદાઓમાં ત્રુટિ છે એને દૂર નથી કરતી? આ એવો જ સવાલ છે જેવો શા માટે ન્યાયતંત્રમાં સુધારાઓ કરવામાં નથી આવતા. જો કંપની લૉઝમાં સુધારા કરે તો સત્તા સુધી પહોંચવું મુશ્કેલ બને અને જો ન્યાયતંત્રમાં સુધારા કરે તો સત્તામાં ટકવું મુશ્કેલ બને. આ માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, બધા પક્ષોને લાગુ પડે છે. તમે જો સાચા દેશભક્ત હો તો આ કે તે રાજકીય પક્ષને ભૂલીને આ બે ક્ષેત્રે સુધારા કરવાની માગણી કરો. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી માટે રોજ દિવસમાં એક વાર ચૌકીદાર ચોર હૈ એમ કહે છે, પણ જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો આ બે ક્ષેત્રે સુધારા કરશે એમ નથી કહેતા.

નરેન્દ્ર મોદીની સરકારે નાદારીની સનદ લાવીને કોઈ મીર નથી માર્યો. બૅન્કોની ખોટી થયેલી રકમ (ફ્ભ્ખ્ - નૉન-પર્ફોર્મિંગ ઍસેટ) ૧૨ લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઈ એ પછી સરકારે નાદારીની જોગવાઈ કરવી જ પડે એમ હતી. આ ઉપરાંત બીજા દેશોમાં આવી જોગવાઈ છે જ. આમ નાદારીની સનદ તો લાવવી જ પડે એમ હતી, પરંતુ એમાં મોટાં ગાબડાં રાખવામાં આવ્યાં છે. જાણીબૂજીને દેણદારને નવડાવી નાખનારાઓ (વિલફુલ ડિફૉલ્ટરો)ને દંડવાની કે જેલમાં મોકલવાની કોઈ જોગવાઈ નથી. લેણદારને સરેરાશ આપવામાં આવેલી રકમમાંથી માંડ ૨૦ ટકા રકમ મળે છે. નાદાર કંપની પાછલે બારણેથી નાદાર લોકોના જ ગજવામાં ગઈ હોય એવા પણ દાખલા છે. સાળો, જમાઈ કે ભાઈ દેણાંની ૧૫થી ૨૦ ટકા રકમ ચૂકવીને કંપની ખરીદી લે છે. ફડચામાં ગયેલી કંપનીની સ્થાવર-જંગમ મિલકતની કિંમત આંકવાની કોઈ છીંડારહિત જોગવાઈ નથી. એક જ સંચાલકની બીજી કંપનીઓ પાસેથી પૈસા વસૂલ કરવાની કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.

આ પણ વાંચો : પરંપરા તોડવી અને પરંપરા રચવી એમાં જમીન-આસમાનનો ફરક છે

સવાલ એ છે કે જો ફલાણો ઉદ્યોગપતિ આટલા લાખ કરોડ રૂપિયાના સામþાજ્યનો માલિક ગણાતો હોય, કુબેરપતિઓની યાદીમાં ઉપરને પગથિયે ચડવાનો આનંદ લેતો હોય, જૂથની કંપનીઓમાં શૅરબજારમાં ભાવ વધે-ઘટે એને પરિણામે તેની શ્રીમંતાઈમાં વધઘટ થતી હોય તો કોલેટરલ રિકવરી શા માટે નહીં? અનિલભાઈ દસ કંપનીઓના માલિક હોય અને એની સંયુક્ત શ્રીમંતાઈ માણતા હોય તો કરજ પણ તેમની માલિકીની દસેય કંપનીઓએ ચૂકવવું જોઈએ અથવા વસૂલવું જોઈએ. જ્યારે વસૂલીની વાત આવે ત્યારે એ કંપની શૅરહોલ્ડરોની માલિકી બની જાય. એક કંપનીના શૅરહોલ્ડરોએ પસંદ કરેલા સંચાલકોએ નુકસાન કર્યું એનો દંડ બીજી કંપનીના શૅરહોલ્ડરો શા માટે ચૂકવે. બન્ને અલગ-અલગ કંપની છે અને કાયદો તેમ જ જગત આખાનો રિવાજ પણ એમ જ કહે છે. આપણને પણ આવી દલીલ વાજબી લાગે છે.

columnists