લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે ને એને સાંભળવી પડતી હોય છે

12 January, 2019 12:17 PM IST  |  | Ramesh Oza

લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે ને એને સાંભળવી પડતી હોય છે

કારણ-તારણ 

બે દિવસ પહેલાં મારા કેટલાક મિત્રો મુંબઈના ગ્થ્ભ્ના એક સંસદસભ્યને મળવા ગયા. એ સંસદસભ્ય મુંબઈના સંસદસભ્યોમાં સૌથી કામઢા છે. મારા મિત્રોએ કહ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાં કામ કરે છે અને પાણીની સમસ્યા વિશે વાત કરવા આવ્યા છે. વાત થોડી નીતિવિષયક છે એટલે નગરસેવકની જગ્યાએ તમને મળવા આવ્યા છીએ.

એ તો ઠીક છે, પહેલાં એ કહો કે દેશના વડા પ્રધાન કોણ બનવા જોઈએ, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? તમે ઝૂંપડપટ્ટીઓમાં લોકોને શું સલાહ આપશો? મને ખબર છે તમે શું સલાહ આપતા હશો કે આપશો. તમે દેશદ્રોહીઓ છો.

મારા મિત્રો તો હેબતાઈ જ ગયા!

આના ત્રણ સૂચિતાર્થો છે. એક તો એ કે ૨૦૧૯નો ભય કેટલો વ્યાપક છે? ઊઠતાં-બેસતાં ચોવીસે કલાક ૨૦૧૯નાં બિહામણાં સપનાં કવરાવે છે. હાથમાંથી અમૂલ્ય અવસર સરકી રહ્યો છે એ તેમનાથી ખમાતું નથી. બીજો સૂચિતાર્થ એ કે હજી બે વરસ પહેલાં જેની પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી એ રાહુલ ગાંધીનો નામોલ્લેખ નરેન્દ્ર મોદીની ભેગાભેગ કરવો પડે છે અને એ પણ પ્રતિદ્વંદ્વી તરીકે! ત્રીજો સૂચિતાર્થ એ કે કોની સાથે કેમ વાત કરવી અને બોલવું એનો વિવેક પણ તેઓ ખોઈ બેઠા છે એટલી હદે તેઓ હતાશ છે. આ સંસદસભ્ય નવા-નવા નથી, પીઢ છે.

થોડા દિવસ પહેલાં ‘ઇકૉનૉમિક ટાઇમ્સ’માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વડા પ્રધાનના કાર્યાલયે દેશભરના ગ્થ્ભ્ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને જાણવા માગ્યું હતું કે તમારા રાજ્યમાં એવા કયા ઉપક્રમો છે જેનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે? જો કોઈ યોજના (સડક, ડૅમ, સંડાસ કાંઈ પણ) હોય તો એનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાનને બોલાવવામાં આવે. જો કોઈ યોજના અધૂરી હોય અને આવતા બે મહિનામાં પૂરી થઈ શકે એમ હોય તો ઝડપથી પૂરી કરવામાં આવે અને જો કોઈ યોજનાઓ વિશે તમે વિચારતા હો તો એને ઝડપભેર શરૂ કરવામાં આવે કે જેથી એનો શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે. વડા પ્રધાનનું કાર્યાલય એક સૂચના આપવાનું ચૂકી ગયું છે. યોજનાઓનું ગર્ભાધાન થઈ ગયું હોય તો વચ્ચે સીમંત-સંસ્કાર પણ કરી શકાય, પછી બાળક ગમે ત્યારે અવતરે અને કસુવાવડ થઈ જાય તો ન પણ અવતરે. પંચમાસી બાંધવાનો સીમંતનો એક અવસર ધ્યાનબહાર ગયો છે. આમ પણ સીમંત તો હિન્દુ પરંપરા છે.

પહેલી જાન્યુઆરીએ દલિતો પુણે નજીક ભીમા-કોરેગાવ ખાતે જમા થાય છે. દાયકાઓ જૂની આ પરંપરા છે. ૧૮૧૮માં પેશવાઓ સામેની લડાઈમાં અંગ્રેજોનો વિજય થયો હતો અને એ વિજય અપાવવામાં દલિતોની બનેલી મહાર રેજિમેન્ટનો મોટો હાથ હતો. એ સ્થળે અંગ્રેજોએ વિજય કમ-શહીદસ્તંભ બાંધ્યો છે. દલિતો ૧૮૧૮ની લડાઈના અંગ્રેજોના વિજયને બ્રાહ્મણો સામેના દલિતોના વિજય તરીકે જુએ છે. હવે આ પણ નરેન્દ્ર મોદીના ભક્તો જેવું દલિત ભક્તોનું ભોળપણ છે. પેશવાઓ સામેનો એ વિજય અંગ્રેજોનો હતો, દલિતોનો નહોતો; પણ દેશની દરેક કોમને ૫૬ ઇંચની છાતી ધરાવતો નેતા જોઈએ છે અને ૫૬ ઇંચનો ઇતિહાસ જોઈએ છે. વાસ્તવિકતા કોઈને કબૂલ નથી કરવી.

તો દર વરસે પહેલી જાન્યુઆરીએ પુણે નજીક ભીમા-કોરેગાવ ખાતે જમા થવાનો રિવાજ દલિતોમાં દાયકાઓ જૂનો છે. એને કારણે આજ સુધી દેશમાં કોઈ હાહાકાર મચ્યો નથી, બ્રાહ્મણોને કોઈએ ધોલધપાટ કરી નથી, મંદિરો પર હુમલા થયા નથી; પરંતુ ગયા વરસે દેશપ્રેમીઓને એમાં દેશદ્રોહ નજરે પડ્યો અને દલિતો સાથે યુદ્ધે ચડ્યા. એ પછી દલિત નેતાઓને વડા પ્રધાનની હત્યાનું કાવતરું કરનારા નક્સલવાદી ઠરાવીને ત્રાસવાદના કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી અને છેવટે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનું નાક કપાયું એ ઘટના યાદ હશે.

આ વરસે ચંદ્રશેખર આઝાદ નામના દલિત નેતાની આગેવાનીમાં ફરી પહેલી જાન્યુઆરીએ ભીમા-કોરેગાવ ખાતે દલિતો જમા ન થાય અને ઉજવણીની ઘટના ન બને એ માટે આઝાદને પકડવાના સરકારે અનેક ધમપછાડા કર્યા. એને એટલું પણ નથી સમજાતું કે તેમણે વિભાજિત દલિતોને દલિત તરીકે સંગઠિત કર્યા છે. તેમની આવી ટૂંકી દૃષ્ટિના પરિણામે દલિતો, મુસલમાનો, અન્ય લઘુમતી કોમો, ખેડૂતો, યુવાનો અને ઉદારમતવાદી હિન્દુઓ એટલી હદે સંગઠિત થયા છે જેટલા સંગઠિત તેઓ આજ સુધી નહોતા. તમે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એમ ઇચ્છો છો કે રાહુલ ગાંધી? એવો પ્રશ્ન પોતે જ પેદા કરેલી સ્થિતિ અને સ્થિતિએ પેદા કરેલા ગભરાટનું પરિણામ છે.

જાણીતાં ભારતીય અંગ્રેજી સાહિત્યકાર નયનતારા સેહગલ મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરવા આવવાનાં હતાં. તેમણે તેમનું ભાષણ લખીને મોકલ્યું અને આયોજકોનાં હાજાં ગગડી ગયાં. એમાં અત્યારના શાસકોની નીતિની નિંદા કરવામાં આવી હતી. અરે ભાઈ, સ્વતંત્રતા અને સર્જકતાને કુંઠિત કરવામાં આવતી હોય ત્યારે સાચો સાહિત્યકાર બોલવાનો જ છે. બધા કઢીચટ્ટા હોય એવું તો બનવાનું નથી. નયનતારા સેહગલને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું. હવે હકીકતો બહાર આવી રહી છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એમાં હાજર રહેવાના હતા અને તેમને મૂંઝવણ પેદા ન થાય એ માટે આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.

શું ફાયદો થયો? જો નયનતારા સેહગલ આવીને અંગ્રેજીમાં ભાષણ વાંચીને જતાં રહ્યાં હોત તો બહુ ઓછાને જાણ થઈ હોત કે તેઓ શું બોલ્યાં હતાં. મુખ્ય પ્રધાન સમાધાનકારી લાગે એવો બચાવ પણ કરી શક્યા હોત. એની જગ્યાએ આમંત્રણ રદ કરવાને કારણે આખા દેશને એ ઘટનાની જાણ થઈ, દેશભરની બધી ભાષાઓમાં એ પ્રવચનનો અનુવાદ થયો અને ઉપરથી સરકારનું નાક કપાયું.

આ લોકોને રાજ કરતા પણ નથી આવડતું. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી કે જેથી ખબર પડે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. ૧૮૫૭માં ઊંઘતાં ઝડપાઈ ગયા એવું બીજી વાર ન બનવું જોઈએ. લોકોના અભિપ્રાયને અને ગુસ્સાને એમ બન્ïનેને વાચા મળવી જોઈએ અને એ માટે પ્લૅટફૉર્મ આપવું જોઈએ. લાગણીઓને દબાવી રાખવાથી દબાતી નથી અને એવા પ્રયાસ કરવામાં આવે તો વિસ્ફોટ થવાનો ડર રહે છે. જેમ ઘરને અશુદ્ધ હવા બહાર ફેંકવા અને શુદ્ધ હવા અંદર લેવા બારીની જરૂર પડે છે એમ સમાજને પણ લાગણીઓ પ્રગટ કરવા અભિવ્યક્તિની બારીની જરૂર પડે છે. એને બંધ કરવાની ન હોય, પરંતુ આપણા મહાન શાસકોને માફક ન આવે એવા વિચાર પ્રગટ થશે અને પ્રતિકૂળ વિચાર પ્રવેશી જશે એનો ડર છે.

તમને ખબર હશે કે જેમ અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરાવી હતી એમ મહારાષ્ટ્રમાં કૉન્ન્ગ્રેસે સામેથી શિવસેનાની સ્થાપના કરાવી હતી. લાભોથી વંચિત મરાઠી યુવકનો ગુસ્સો મરાઠી અસ્મિતાના નામે પ્રગટ થઈ જાય એવી એની પાછળની ગણતરી હતી. ધૂંધવાટ નીકળી જવો જોઈએ. કૉન્ગ્રેસીઓએ છ દાયકા શાસન એમને એમ નથી કર્યું. લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે અને એને સાંભળવી પડતી હોય છે. ચોવીસ કલાક ખેલ પાડીને રમાડ્યા કરો તો આવા દિવસો આવે! એ બધું ઠીક છે, પહેલાં કહો; તમે નરેન્દ્ર મોદી સાથે છો કે રાહુલ ગાંધી સાથે?

columnists