હૈયાની વાત મૂકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે...

29 September, 2019 12:07 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ- રજની મહેતા

હૈયાની વાત મૂકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે...

બિશ્વજીત

૨૫ ઑગસ્ટની રાતે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે વિશ્વજિતના અભિવાદન માટે ‘પુકારતા ચલા હૂં મેં’ કાર્યક્રમનું અમે આયોજન કર્યું હતું. જ્યારે કાર્યક્રમની રૂપરેખા વિષે મેં તેમની સાથે વાતચીત કરી ત્યારે એમ નક્કી થયું કે ઇન્ટરવલ પહેલાં 15 મિનિટ અને ઇન્ટરવલ બાદ 15 મિનિટ; તેઓ સ્ટેજ પર આવશે અને એક-એક ગીત ગાશે. આ દરમ્યાન તે પાંચ-દસ મિનિટ પોતાના જીવન વિશેની વાતો કરશે. મૂળ તે સંગીતના જીવ, એટલે મેં તેમને રિહર્સલમાં આવવાનું આમંત્રણ આપ્યું. અમારી મ્યુઝિશિય્ન્સની ટીમમાં ઇન્ડસ્ટ્રીના મશહુર કલાકરો સંજય મરાઠે કી બોર્ડ, નરેન્દ્ર સાલસકર ગીટાર, જિતેન્દ્ર જાવડા વાયોલીન, સંદીપ કુલકર્ણી બાંસુરી, સુશીલ ગંગવાને તબલા અને બીજા 15 હોનહાર કલાકારો અને સિંગર્સ શામેલ છે. એટલે રિહર્સલમાં જ તે 10 મિનિટમાં અભિભૂત થઈને બોલી ઊઠ્યા કે ‘આઇ એમ ઇન સેફ હેન્ડ્સ...’ મને કહે, ‘અમારા સમયે જે લાઇવ રેકોર્ડિંગ થતું હતું, તે દિવસોની યાદ તાજા થઈ ગઈ.’
એ વાતાવરણની તેમના પર એવી અસર થઈ કે એક કલાકને બદલે પૂરા છ કલાક રીહર્સલ દરમ્યાન તેમની હાજરી રહી. મૂળ વાત 2 ગીત ગાવાની હતી, તેને બદલે તેમણે 6 ગીતનું રીહર્સલ કર્યું. સાડા ત્રણ કલાકના અમારા કાર્યક્રમમાં, અડધાથી વધુ સમય તે સ્ટેજ પર હાજર હતા. બાકીનો સમય પણ તેમણે વિંગમાંથી ઊભાંઊભાં હા, ઊભા રહીને, બેસીને નહીં જોઈને માણ્યો. ૮૩ વર્ષની ઉંમરે, એક યુવાન કલાકારની જેવો તેમનો થનગનાટ અમે સૌએ જોયો. તેમની આ એનર્જીનું રહસ્ય શું છે, એની વાત કરતાં તે કહે છે,
‘મારા પિતા ડૉક્ટર હતા. તેમણે એક જ વાત અમને શીખવાડી. હૅલ્થ ઇઝ વૅલ્થ. જો તબિયત સારી હશે તો જીવવાની મજા આવશે. ગમે તેટલું જીવો પરંતુ ફિટ રહો. એ માટે જીવનમાં ડિસિપ્લીન બહુ અગત્યની છે. હું એક્સરસાઇઝ કરતો પરંતુ લિમિટમાં. આજે પણ હું નિયમિત યોગાસન કરું છું. જીવનમાં કશું ઓવર નથી કરવાનું. ખાવાનું, પીવાનું, એક્સરસાઇઝ, દરેક ચીજ લિમિટમાં કરવાની. ગીતામાં કૃષ્ણ પણ એમ જ કહે છે. જીવનમાં મધ્યમ માર્ગ ઉત્તમ માર્ગ છે. અંત સુધી કર્મ કરો, કાર્યરત રહો.’
વિશ્વજિત પોતાના જીવનનું સિક્રેટ શેર કરી રહ્યા હતા. અમારા કાર્યક્રમમાં શ્રોતાઓ સાથેનું તેમનું બોન્ડિંગ જોઈને એમ થાય કે હી ઇઝ અ પરફોર્મર. સ્ટેજ પર આવતાંની સાથે જ પ્રેક્ષકો સાથે તેમનું કનેક્શન થઈ ગયું. એ બાબતે તેમનું માનવું શું છે તે વાત તેમના જ શબ્દોમાં,
‘શ્રોતાઓએ મને બનાવ્યો છે. આ સ્થાન પર બેસાડ્યો છે. મને પ્રેમ કર્યો, રીસ્પેક્ટ આપી. એમને પૂરતું માન આપવું જ જોઈએ. તેમની સાથે ડાયલૉગ કરીને મારે એ અહેસાસ કરાવવો છે કે તમારા વિના અમે કંઈ જ નથી. હું જ્યારે યુવાન હતો, હીરો તરીકે જાણીતો હતો ત્યારે પણ મારા ચાહકો સાથે મેં કદી સ્ટારની જેમ વર્તન નથી કર્યું. એ લોકો છે તો હું છું. જે સ્ટાર પોતાના ફેન્સ સાથે મિસબિહેવ કરે છે, તેને દુનિયા માફ નથી કરતી. જ્યાં સુધી તેમની ફિલ્મો ચાલે છે; ત્યાં સુધી ઠીક છે. એક વખત તેમનો સમય પૂરો થયો; એટલે તેઓ ગુમનામીમાં એકલાં એકલાં જ જીવન ગાળવા મજબૂર થઈ જાય છે.’
વિશ્વજિતની વાત પરથી મને વીતેલા યુગના એક સ્ટારની વાત આવે છે; જે આજે આ દુનિયામાં નથી. એક જમાનો એવો હતો કે દુનિયા, ખાસ કરીને સ્ત્રીઓ, તેની પાછળ પાગલ હતી. જાહોજલાલીનો સમય પૂરો થયા બાદ લગભગ એકલતામાં જીવતા આ અભિનેતાએ ખાનગીમાં એકરાર કરતાં કહ્યું હતું, ‘એક સમયે હું મારા ફેન્સને અવોઇડ કરતો. તે દિવસોમાં લૅન્ડલાઇન પર ફોન આવે તો અવાજ બદલીને, તેમની મજાક કરતો; તેમનું અપમાન કરતો. ફોનની ઘંટડી સતત વાગતી રહેતી. આજકાલ દિવસોના દિવસો વીતી જાય છે; ફોનની ઘંટડી વાગતી નથી. એક દિવસ હું બાથરૂમમાં હતો. ત્રણ દિવસ પછી ફોનની રિંગ સાંભળી હું ભાગતો ભાગતો ફોન લેવા દોડ્યો ,તો ખબર પડી કે રોંગ નંબર હતો. આવી હતાશા મેં ક્યારેય અનુભવી નથી.’
આજની ફિલ્મો અને હાલમાં જે વાતાવરણ છે તેના વિષે વાત કરતાં વિશ્વજીત કહે છે,
‘આજે ફિલ્મો બનાવવાનું કામ કોર્પોરેટ હાઉસના હાથમાં આવી ગયું છે. પહેલાં રાજ કપૂર, દેવ આનંદ અને બીજા અભિનેતાઓ ઉપરાંત ફિલ્મીસ્તાન, મહેબૂબ સ્ટુડિયો અને બીજાં માતબર પ્રોડક્શન હાઉસ ફિલ્મો બનાવતાં. ત્યારે ડાયરેક્ટર બૉસ હતા. આજે સ્ટાર બૉસ બની ગયા છે. પહેલાં સંગીત ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવતું. આજે કૉસ્ચ્યુમ, લોકેશન અને બીજી ટૅક્નિકલ વાતોનું મહત્ત્વ વધી ગયું છે. અમે પુષ્કળ રીહર્સલ કરતા. સંગીતકાર અને ગાયકો એક-એક ગીત પાછળ દિવસોના દિવસ મહેનત કરતા... દરેકનું ફૂલ ટાઇમ ઇન્વોલ્વમેન્ટ રહેતું. હું એમ નથી કહેતો કે અત્યારે બધું ખરાબ છે. સમયના તકાજા પ્રમાણે દુનિયામાં દરેક ક્ષેત્રમાં બદલાવ આવે જ છે. ધીમેધીમે સારી સ્ટોરીનું મહત્ત્વ લોકોને સમજાય છે. એટલે જ તો હવે મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મોમાં સ્ટોરી નબળી હોય તો તે ફેઇલ જાય છે અને નાના સ્ટાર્સ સાથેની ફિલ્મો, જો સ્ટોરીમાં દમ હોય તો, સફળ જાય છે. આજકાલનું જીવન એટલું ફાસ્ટ છે કે લોકો રેસ્ટલેસ થઈ ગયા છે. તેમને ત્રણ કલાક થિયેટરમાં બેસાડી રાખવા હોય તો ફિલ્મમાં દમ હોવો જોઈએ.’
વિશ્વજિત ૮૩ વર્ષની ઉંમરે પણ ફિટ છે, તેનું બીજું એક કારણ છે કે તે માને છે કે વ્યક્તિએ કદી રીટાયર ન થવું જોઈએ. કોઈ ને કોઈ પ્રવૃત્તિ માણસને ફિઝિકલી અને મેન્ટલી ફિટ રાખે છે. થોડાં વર્ષો પહેલાં તેમણે નેતાજી સુભાષચન્દ્ર બોઝના સેન્ટીનરી યર્સના સેલિબ્રેશન સમયે તેમના ઉપર ૨૩ હપતાની સિરિયલ બનાવી હતી જે દૂરદર્શન પરથી ટેલિકાસ્ટ થઈ હતી. આ ઉપરાંત આ જ વિષય પર અડધા કલાકની ‘અમર નેતાજી’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી.
2014માં વિશ્વજિત તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા અને દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા. એમાં તેમનો પરાજય થયો. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. છેલ્લા ૧૫ વર્ષથી વર્સોવામાં તેઓ દુર્ગાપૂજા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં હિન્દી ફિલ્મ જગત ઉપરાંત બંગાળના કલાકારો ઉત્સાહથી ભાગ લે છે. તેમની પહેલી પત્ની રત્ના, પુત્ર પ્રસન્નજિત બંગાળી ફિલ્મના હીરો અને દીકરી પલ્લવી સાથેના સુખી સંસારમાં દુ:ખની ઘડી આવી જ્યારે પત્ની રત્નાનું અકાળે અવસાન થયું! હાલમાં તેઓ જુહુમાં તેમનાં પત્ની ઈરા ચેટરજી અને પુત્રી શમ્ભાવી સાથે રહે છે.
વિશ્વજિત ફૅમિલી વેલ્યુસને ખૂબ મહત્ત્વ આપે છે. તેમનું માનવું છે કે પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી, એ પહેલી ફરજ હોવી જોઈએ. તમે ગમે તેટલાં બીઝી હોવ, પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ ગાળવો જ જોઈએ. આપણાં માતાપિતાની જવાબદારી અને સંતાનો પ્રત્યેની ફરજ, આ બે કર્તવ્યને સારી રીતે નિભાવવાની સભાનતા આપણામાં હોવી જ જોઈએ. આ બાબતમાં તેઓ અમિતાભ બચ્ચનને યાદ કરતાં કહે છે, ‘જ્યારે હરિવંશરાય બચ્ચન માંદા હતા ત્યારે અમિતાભે પોતાની અતિ વ્યસ્તતા વચ્ચે પણ તેમનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. અમેરિકાની ૬ અઠવાડિયાની ટૂરમાં ગયેલા અમિતાભ બચ્ચન, દરેક વિકેન્ડમાં મુંબઈ આવતા હતા, તે વાત આગળ લખી ચૂક્યો છું. તેમનાં માતા તેજી બચ્ચનની લાંબી માંદગી દરમ્યાન તેમણે ઘરમાં જ આખી હૉસ્પિટલ ઊભી કરી દીધી હતી. તેમનો આગ્રહ હતો કે પરિવારનો એક સભ્ય તેમની દેખરેખ માટે હાજર હોવો જ જોઈએ. તે પોતે શુટિંગમાંથી આવીને રાતભર તેજી બચ્ચન પાસે બેસતા. આવું ડેડીકેશન ભાગ્યે જ જોવા મળે.’
સતત કાર્યરત રહેતા વિશ્વજિત કહે છે, ‘હાલમાં ફિલ્મ ‘ગોલમાલ’નું બંગાળી વર્ઝન બનાવવાનો પ્લાન કરી રહ્યો છું. અમોલ પાલેકરના રોલ માટે યોગ્ય કલાકારની તલાશ જારી છે. ઉત્પલ દત્તનું પાત્ર હું ભજવીશ અને હિરોઈન તરીકે મારી પુત્રી શમ્ભાવી કામ કરશે. આ ઉપરાંત આત્મકથા પણ લખી રહ્યો છું. તમે કોઈ સારું ટાઇટલ સજેસ્ટ કરો ને?’
મેં તરત કહ્યું, ‘પુકારતા ચલા હું મૈં’, આનાથી વધુ યોગ્ય ટાઇટલ બીજું શું હોઈ શકે? આ ગીત તમારી ઓળખનો પર્યાય બની ગયું છે.’ આમ પણ આત્મકથા છેવટે તો ભૂતકાળનો એ આયનો છે, જે વારંવાર જોવો ગમે છે. ભલે એની પર ગમે એટલી ધૂળ ચડી હોય, તેને સાફ કરીને જોઈએ ત્યારે કેલિડોસ્કોપની જેમ દરેક વખતે નવી આકૃતિઓ સાથે આ ભૂતકાળ, વધુ ને વધુ, વહાલો લાગતો હોય છે.
જે દિવસે ‘સંકેત’નો કાર્યક્રમ પૂરો થયો ત્યારે છૂટા પડતી વખતે મને ઉષ્માથી ભેટતાં કહ્યું, ‘તમે જે રીતે આજે મને ઊજળો કર્યો તે બદલ હું હંમેશાં તમારો ઋણી રહીશ. મને બાકીની જિંદગી જીવવા માટેનું બળ આજે મળ્યું છે. આપણી દોસ્તી પાક્કી છે ને? મને ભૂલી ન જતા. અવારનવાર મળતા રહેજો. અને હા, દુર્ગાપૂજામાં સપરિવાર આવવાનું છે.’
થોડા દિવસો પહેલાં ઉત્તરાખંડ સરકારે તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવૉર્ડ આપ્યો. ત્રણ દિવસના આ સાંસ્કૃતિક ફૅસ્ટિવલમાં તેમના પરિવાર સાથે, મને સપરિવાર જોડાવાનું વિશ્વજિતનું આમંત્રણ હતું. મને કહે, ‘તમે મારી સાથે આવો અને મારા ગેસ્ટ તરીકે, મને જે સગવડ મળે તે જ સવલત તમને મળશે એની મારી ગેરંટી છે.’ અફસોસ કે એ દિવસો દરમ્યાન અમારી સંસ્થા ‘સંકેત’ના કાર્યક્રમનું આયોજન કરવાનું હતું, એ કારણસર હું તેમની સાથે જઈ ન શક્યો.
વીતેલાં વર્ષોની ઝાકઝમાળ બાદનો ખાલીપો ભલભલા માટે જીરવવો મુશ્કેલ હોય છે. વ્યક્તિ જીવતી હોય ત્યારે તેના આયુષ્યની અયોધ્યામાં અતીતનાં આભાસી અજવાળાં થોડી ક્ષણો માટે તમે પ્રગટાવી શકો તો એ પુણ્યનું કામ કહેવાય કે નહીં, તે વિષે ખબર નથી. એક વાત નક્કી છે, જે કલાકારે, તમારી મુગ્ધાવસ્થામાં તમને રોમાંચિત કર્યા હોય તેનો આભાર માનવાની તક મળી, તેનો રાજીપો છે. મેચ્યોરીટી આવ્યા બાદ વિશ્વજિત કે બીજા અન્ય કલાકારોની અભિનયક્ષમતા વિષે મજાક કરવાની ભૂલ કરી હોય, તે સમયે આપણી અંદર એક વિવેચકનો પરકાયાપ્રવેશ થતો હોય છે. આજે એક ભાવક બનીને વિશ્વજિતની કલાકાર તરીકેની અને ઉમદા મનુષ્યત્વની ક્વૉલિટીને સલામ કરું છું.
મકરંદ દવેની વાત યાદ આવે છે, ‘દાગીના મૂકવા માટે લૉકર મળી શકે. પૈસા મૂકવા માટે બૅન્ક મળી શકે પણ હૈયાની વાતને મૂકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે. જેનેતેને વાત કહેવાય નહીં. કોઈ અનર્થ કરે. કોઈ દુરુપયોગ કરે. મોટે ભાગે દરેકને વાતવિસામાની અછત લાગતી હોય છે. ગઠરી ખોલવાને લાયક કોઈ ઠેકાણું નથી. હું ભીતરમાં બચકી બાંધીને બેઠો છું.’
વિશ્વજિતે પોતાની ‘બાંધ ગઠરિયા’ જે વિશ્વાસથી મારી સામે ખોલી એ માટે તેમનો આભાર માનવો જ રહ્યો. અને તેમની આ ‘ભીતરની બચકી’ને આપ સૌની સાથે શેર કરવાનો મને મોકો મળ્યો; એ મારું સદ્ભાગ્ય.

columnists