જ્યારે રસાવાળા શાકને ઘટ્ટ બનાવવા જતાં ચણાના લોટની વડીઓ પડી ગઈ....

29 January, 2020 04:48 PM IST  |  Mumbai | Rashmin Shah

જ્યારે રસાવાળા શાકને ઘટ્ટ બનાવવા જતાં ચણાના લોટની વડીઓ પડી ગઈ....

રાજેન્દ્ર બુટાલા

‘ગુરુબ્રહ્મા’થી ‘ચકરડી ભમરડી’ જેવાં પંચોતેરથી પણ વધુ નાટકો પ્રોડ્યુસ કરી ચૂકેલા રાજેન્દ્ર બુટાલા પોતાના કિચન-કાંડ દરમ્યાન સતત કંઈક ને કંઈક શીખ્યા છે અને એ શીખને તેમણે જીવનમાં પણ ઉતારી છે જે વિશે રશ્મિન શાહ સાથેની વાતો તેમના જ શબ્દોમાં જોઈએ.

હું ખાવાનો શોખીન છું, કહો કે હું પ્રસાદિયો ભગત છું. જમવાના સમયે મને ખાવા માટે કંઈ પણ આપો તો મને ચાલે. આપણી બાજુએથી એક પણ જાતના વાંધાવચકા આવે નહીં. મને તીખું પણ એટલું જ ભાવે અને ગળ્યું પણ એટલું જ ભાવે એટલે મને ક્યાંય કોઈ જાતનો ખાવાની બાબતમાં પ્રૉબ્લેમ થતો નથી. મારા ખાવાના આ શોખ પરથી મને બીજી એક વાત યાદ આવે છે. મેં જીવનમાં ક્યારેય દારૂને કે સિગારેટને હાથ નથી લગાડ્યો અને એની સામે એક પણ મીઠાઈની મેં ક્યારેય ના નથી પાડી. ક્યારેય નહીં. શરત માત્ર એટલી કે એ મારી સામે આવવી જોઈએ. સોનાના વરખ સાથે મળતી ઇઝરાયલની મીઠાઈ પણ મેં ખાધી છે અને રાજકોટના ખૂબ પૉપ્યુલર થયેલા પેંડા પણ પ્રેમથી ખાધા છે. નાથદ્વારાની રબડી પણ ખાધી છે અને મથુરામાં મળતી રબડી પણ ખાધી છે. મારી એકમાત્ર નબળાઈ જો કોઈ હોય તો એ મીઠાઈ છે એવું કહું તો એમાં કશું ખોટું નહીં કહેવાય. આપણે ત્યાં ઘણા ફિટનેસ-ફ્રીક એવું બોલતા હોય છે કે જીવવા માટે ખાવાનું હોય, પણ હું તો વટ કે સાથ કહેતો હોઉં છું કે હું ખાવા માટે જ જીવું છું અને એનો મને ગર્વ પણ છે. સાહેબ, આપણે જીવનમાં ગદ્ધાવૈતરું કરીએ શું કામ છીએ? ખાવા માટેને? તો પછી ખાવામાં શેનું રૅશનિંગ અને નિયમો હોય?

મારા રેગ્યુલર ફૂડની વાત કહું તો જમવામાં મારો ખાસ આગ્રહ હોય કે લંચ આપણું ગુજરાતી હોવું જોઈએ. ડિનરમાં પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન કે પછી બીજું કોઈ પણ ક્વિઝીન ચાલે અને એવી જ ઇચ્છા હોય. ઘરે મહારાજ રસોઈ બનાવે છે એટલે રાતના સમયે તેને મારી વાઇફ શીલા કે પછી દીકરી જે કહે એ મુજબનું ફૂડ બનાવે. ફૂડ બનાવવાનો વારો લાઇફમાં બહુ ઓછો આવ્યો છે પણ જાતે રાંધવાની વાત જ્યારે પણ નીકળે ત્યારે મારી આંખ સામે અમેરિકાના શિકાગોમાં બનેલી ઘટના આવી જાય. આ અનુભવ સારો પણ છે અને ખરાબ પણ છે. વાત કહું તમને.

વાત છે ૧૯૮૦ની. નાટકના કામસર હું અમેરિકા ગયો અને ચાલુ ટૂરે અમારો નાટકનો ઑર્ગેનાઇઝર ભાગી ગયો. હતો શિકાગોમાં અને હવે પ્રશ્ન એ હતો કે પાછા કેવી રીતે જવું? ફરજિયાત ત્યાં જ રોકાઈ રહેવું પડે એવી પરિસ્થિતિ હતી. વીસેક દિવસમાં બધી જવાબદારી પૂરી કરીને હું ઇન્ડિયા પાછો આવ્યો, પણ શિકાગો હતો એ દિવસોમાં મેં જાતે ફૂડ બનાવવાનો અખતરો પહેલી વખત કર્યો હતો. એકધારો પૅકેજ્ડ ફૂડ પર હતો અને ત્રાસી ગયો હતો. એક દિવસ ઇચ્છા થઈ આપણું રસાવાળું બટાટાનું શાક ખાવાની. મન થયું ત્યારે ઇન્ડિયામાં મધરાત એટલે મેં ફોન કર્યો અમેરિકામાં રહેતી મારી સિસ્ટર ગીતાને. ગીતાબહેનની સામે ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું કે તું મને બનાવતાં શીખવાડી દે.

રેસિપી હાર્ડ નહોતી. બટાટા બૉઇલ કરી એને સુધારો, એમાં પાણી નાખો, મસાલા નાખો અને પછી એને ઊકળવા દેવાના. તૈયાર થઈ ગયું બટાટાનું શાક. પણ મને રસો મારા ઘરે બને એવો જોઈતો હતો. ઘટ્ટ ગ્રેવીવાળું શાક. મેં બહેનને વાત કરી એટલે તેણે મને સમજાવ્યું કે વાટકીમાં ચણાનો લોટ લઈ એમાં પાણી નાખવાનું અને પછી એ એકરસ થઈ જાય એટલે એને પાણીમાં નાખી શાક હલાવી નાખવાનું. મેં કહ્યું એમ, બધું સમજી લીધું અને પછી શાક બનાવવાનું શરૂ કર્યું. બધું એકદમ બરાબર ચાલ્યું અને એ પછી વારો આવ્યો ચણાનો લોટ નાખવાનો ને અહીં મારાથી ભૂલ થઈ. મેં વાટકીમાં પાણી લીધું, એમાં ચણાનો લોટ નાખીને એ મિક્સર નાખી દીધું શાકમાં. હવે આવ્યો શાક હલાવવાનો વારો, જેવું શાક હલાવ્યું કે શાકમાં વડી થવા લાગી. ચણાનો લોટ એકરસ થવાને બદલે વડી બની ગઈ. મને મોડેમોડે સમજાયું કે ચણાનો લોટ વાટકીમાં લઈને એને પાણી સાથે વ્યવસ્થિત મિક્સ કરીને પછી એ મિક્સરને શાકમાં નાખવાનું હતું એને બદલે મેં ઊંધું કર્યું. ગ્રેવી તો દૂરની વાત રહી, શાક પણ બન્યું નહીં અને એ રાતે હું ભૂખ્યો રહ્યો. એ રાતે હું રીતસર રડ્યો હતો, પણ મને એક વાત એ પણ સમજાઈ કે નાનકડી અમસ્તી વાતમાં પણ જો ધ્યાન ન રહે તો કેવી હાલત થઈ જાય? બધું એનું એ જ હતું, માત્ર એ બનાવવાનો ક્રમ મેં જુદો કરી નાખ્યો અને બધું બદલી ગયું. આ શીખ જો મને એ દિવસે ન મળી હોત તો કદાચ હું ફૂડ માટે આટલી ચીવટ રાખતો ન થયો હોત. આજે મને કોઈ જમવાનું એઠું મૂકે તો એનાથી જબરો ત્રાસ છૂટે. ખબર છે મને કે એ ચીજ કોઈક ને કોઈકના પેટમાં જવાની છે પણ બગાડ કરીને આપવાનો અર્થ નથી. હું ક્યાંય કોઈ પાર્ટીમાં ગયો હોઉં અને ત્યાં પણ કોઈ બગાડ કરે તો મારાથી તે ટોકાઈ જાય ખરા અને ટોકતી વખતે મને શિકાગોનો મારો પેલો અનુભવ પણ યાદ આવે.

શીખવામાં હું અભિમન્યુ જેવો એકાગ્ર છું. ભૂલ પાસેથી તો મને પુષ્કળ શીખવું ગમે. એ ભૂલ પછી મેં બધી વાતમાં ચીવટ લેવાનું શરૂ કરી દીધું. થોડુંઘણું વાઇફ પાસેથી શીખ્યો પણ ખરો. શીખવાના આ દિવસો ચાલુ જ હતા એ જ વખતે ફરી વાર અમેરિકામાં જ આવી ઘટના ઘટી. અમે બન્ને કામ પર લાગી ગયાં. શીલાના ગાઇડન્સ વચ્ચે મેં બધું બનાવીને રેડી કર્યું અને ડાઇનિંગ ટેબલ પર મૂકવાનું શરૂ કર્યું. અમર અને રાધિકાને ભૂખ બરાબરની લાગી હતી એટલે તેમને પહેલાં પીરસ્યું અને હજી તો અમે કંઈ કહીએ ત્યાં તો બન્ને તૂટી પડ્યાં જમવા પર. મેં તેમને કહ્યું કે પહેલી વાર આટલી ક્વૉન્ટિટીમાં બનાવ્યું છે એટલે ટેસ્ટનું તો કહો પણ બન્નેમાંથી કોઈ કંઈ કહે નહીં અને બસ, ગરમાગરમ રોટલી આવે એટલે ખાતાં જાય. પેટ ભરીને જમી લીધા પછી બન્નેએ કહ્યું કે બહુ મસ્ત બન્યું હતું જમવાનું. બન્ને રૂમમાં ગયાં એ પછી શીલાએ કહ્યું કે સારું થયું ઊભાં થયાં બન્ને. બાકી બધાં વાસણો હવે ખાલી થઈ ગયાં હતાં. બન્ને બધી જમી ગયાં એટલી સરસ રસોઈ બની હતી.

છેલ્લાં દસેક વર્ષથી ફૂડ પરથી હથોટી છૂટી ગઈ છે. પણ હા, આજે પણ મારા હાથની ચા બેસ્ટ બને છે અને ચા બનાવવાની મારી ત્રણ અલગ-અલગ રીત છે. જેમ મને મીઠાઈનો શોખ છે એમ મને ચાનો પણ ગજબનાક શોખ છે. અડધી રાતે પણ કોઈ મને જગાડીને પૂછે કે ચા પીશો? મારો જવાબ હા જ હોય. હવે વાત કરું મારી ચાની. હું ત્રણ જાતની ચા બનાવું છું. સૌથી પહેલી ફુદીના ટી, બીજી ઇલાયચી ટી અને ત્રીજી ડાર્ક મસાલા ટી. ફુદીના ચામાં ચાની હરી પત્તી સાથે તાજો ફ્રેશ ફુદીનો ઍડ કરવાનો. ફુદીનો ઍડ કરવાનો એટલે રીતસર એને વાટીને ચામાં નાખવાનો અને એ બનાવવાની પણ એક કળા છે. પહેલાં પાણીમાં વાટેલો ફુદીનો નાખીને એ પાણી ઉકાળવાનું અને પછી ચાની બાકીની પ્રોસેસ કરવાની. આવું કરવાથી ફુદીનાનો ટેસ્ટ ચાની બુંદ-બુંદ સુધી પહોંચી જાય છે. બીજી છે ઇલાયચી ચા. આમાં પણ ઇલાયચીને વાટીને નાખવાની. ઇલાયચીને તમારે ખાંડ સાથે વાટી નાખવાની અને ઇલાયચીની ક્વૉન્ટિટી વધારે રાખવાની. એ પછી આવે ત્રીજી ચા ડાર્ક મસાલા ટી.

આ ચા માટેનો મસાલો હું ખાસ નાથદ્વારાથી મગાવું છું. શ્રીનાથજીનાં દર્શન કરીને બહાર આવો એટલે મંદિરની લાઇનમાં ચોથો કે પાંચમો દુકાનવાળો છે તેને ત્યાં આ મસાલો મળે છે. ચામાં નાખવાના આ ગરમ મસાલામાં ઇલાયચી અને તજ પણ વાટીને ઉમેરવાનાં અને એ ચા બનાવતી વખતે જ નાખવાનાં. તમે માનશો નહીં પણ મારે ત્યાં એક વણલખ્યો નિયમ છે, નાથદ્વારા જે કોઈ જાય તેણે ત્રણ વસ્તુ ત્યાંથી અચૂક લઈ આવવાની. પ્રસાદનો ઠોર, બદામની ચાકી અને સાથે આ સ્પેશ્યલ ટી મસાલો. મહિનામાં ચાર વખત પણ કોઈ જાય તો ચારેચાર વખત આ બધું આવે જ આવે. મારા ઘણા ફ્રેન્ડ્સ એવા છે જેમને આ ચા બહુ ભાવે. તે મને મળવા જો ઘરે આવવાના હોય તો ઘરથી અડધા કિલોમીટર દૂર પહોંચે ત્યારે જ ફોન કરીને કહી દેઃ આજે ફલાણી ચા પીવાનું મન થયું છે, બનાવવા મૂકી દો.

શીખવામાં હું અભિમન્યુ જેવો એકાગ્ર છું. ભૂલ પાસેથી તો મને પુષ્કળ શીખવું ગમે. એ ભૂલ પછી મેં બધી વાતમાં ચીવટ લેવાનું શરૂ કરી દીધું  હું અમેરિકા હતો ત્યારે મારી વાઇફ અને મારાં દીકરા-દીકરી અમર અને રાધિકાને મેં મારા હાથે દાળ-ભાત અને મિક્સ વેજિટેબલનું શાક બનાવીને ખવડાવ્યું હતું જે બધાને બહુ જ ભાવ્યું હતું.

આપણે ત્યાં ઘણા ફિટનેસ-ફ્રીક એવું બોલતા હોય છે કે જીવવા માટે ખાવાનું હોય, પણ હું તો વટ કે સાથ કહેતો હોઉં છું કે હું ખાવા માટે જ જીવું છું અને એનો મને ગર્વ પણ છે. સાહેબ, આપણે જીવનમાં ગદ્ધાવૈતરું કરીએ શું કામ છીએ? ખાવા માટેને? તો પછી ખાવામાં શેનું રૅશનિંગ અને નિયમો હોય?

columnists Rashmin Shah