તેમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

15 November, 2020 02:23 PM IST  |  Mumbai | Rajani Mehta

તેમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

તેમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

ફિલ્મ ‘સોહની મહિવાલ’નું ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે રાત ગઝબ કી આઇ, હુસ્ન ચલા હૈ ઇશ્ક સે મિલને ઝુલ્મ કી બદલી છાઇ’ રેકૉર્ડ થયા પછી બે-ત્રણ દિવસ બાદ કોઈ કામ માટે યશ ચોપડા મેહબૂબ સ્ટુડિયોમાં આવ્યા. ત્યાં તેમણે આ ગીત સાંભળ્યું. તેઓ એમ જ માનતા હતા કે આ ગીત રફીસા’બે ગાયું છે. જ્યારે તેમને હકીકતની જાણ થઈ ત્યારે તેમણે નક્કી કર્યું કે આ પંજાબી છોકરા પાસે તેઓ પોતાના નિર્દેશનવાળી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ માટે એક ગીત જરૂર રેકૉર્ડ કરાવશે.
આમ મહેન્દ્ર કપૂરની ચોપડા-કૅમ્પમાં એન્ટ્રી થઈ. આ ફિલ્મમાં મોહમ્મદ રફીનાં બે ગીત હતાં; એક, ‘તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા...’ અને બીજું ગીત હતું ‘દામન મેં આગ લગા બૈઠે, હમ પ્યાર મેં ધોકા ખા બૈઠે.’ એની સામે કેવળ એક ગીત માટે પસંદ થયેલા મહેન્દ્ર કપૂરનાં ચાર ડ્યુએટ ગીતો રેકૉર્ડ થયાં. ‘ધડકને લગી દિલ કે તારોં કી દુનિયા, જો તુમ મુસ્કુરા દો’ (આશા ભોસલે સાથે), ‘અપની ખાતિર જીના હૈ, અપની ખાતિર મરના હૈ’ (સુધા મલ્હોત્રા સાથે), ‘ઝૂકતી ઘટા ગાતી હવા સપનેં જગાએ, નન્હા સા દિલ મેરા મચલ મચલ જાયે (આશા ભોસલે સાથે) અને ‘તેરે પ્યાર કા આશરા ચાહતા હૂં, વફા કર રહા હૂં વફા ચાહતા હૂં (લતા મંગેશકર સાથે). આ દરેક ગીત લોકપ્રિય થયાં. ત્યાર બાદ બી. આર. ચોપડાની મોટા ભાગની ફિલ્મો જેવી કે ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘ધૂંદ’, ‘હમરાઝ’, ‘નિકાહ’માં પ્લેબૅક સિંગર તરીકે મહેન્દ્ર કપૂર કાયમ રહ્યા.
ચોપડાપરિવાર સાથે તેમના પારિવારિક સંબંધો હતા. ‘મહાભારત’ સિરિયલ માટે તેમના અવાજનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરે ગયેલાં કેટલાંક યાદગાર ગીતોનું સ્મરણ થાય છે. ‘ભૂલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં’ (ધર્મપુત્ર), ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનોં’ (ગુમરાહ), ‘સંસાર કી હર શયકા ઇતના હી ફસાના હૈ’ (ધૂંદ), ‘ના મુંહ છૂપા કે જિયો, ઔર ન સર ઝુકા કે જિયો’ (હમરાઝ), ‘દિલ કી યે આરઝૂ થી કોઈ દિલરુબા મિલે’ (નિકાહ).
મહેન્દ્ર કપૂરને મોહમ્મદ રફી પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ કહેતા, ‘રફીસા’બના મારા પર અનેક ઉપકાર હતા. તેઓ ન કેવળ મારા ગુરુ હતા, પરંતુ સાચા અર્થમાં મારા ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ હતા. હું જ્યારે નવો-નવો આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેઓ પ્રોડ્યુસરને મારી ભલામણ કરીને કહેતા કે આને ચાન્સ આપવા જેવો છે.’
મોહમ્મદ રફીની દુઆઓમાં અસર હતી. જે ઘટનાની મારે વાત કરવી છે એ સમયે મહેન્દ્ર કપૂર એક લીડિંગ સિંગર તરીકે એસ્ટૅબ્લિશ થઈ ચૂક્યા હતા. સંગીતકાર ઓ. પી. નૈયર સાથેની મારી મુલાકાતમાં મેં એક પ્રશ્ન કર્યો હતો કે મોહમ્મદ રફીની હાજરી હોવા છતાં તમે મહેન્દ્ર કપૂર સાથે ગીતો રેકૉર્ડ કર્યાં એનું ખાસ કારણ શું હતું? એના જવાબમાં તેઓ કહે છે, ‘હું સમયની બાબતમાં કોઈ બાંધછોડ કરતો નથી. મારા રેકૉર્ડિંગમાં પાંચ મિનિટ પણ કોઈ લેટ આવે તો હું ચલાવી ન લઉં. અચ્છા-અચ્છા મ્યુઝિશ્યન્સ અને ઉસ્તાદોને મેં રેકૉર્ડિંગમાં સમયસર ન આવવા બદલ પાછા કાઢ્યા છે. પૂરી ઇન્ડસ્ટ્રી આ વાત જાણતી હતી. એક દિવસ રફીસા’બ અડધો કલાક મોડા પડ્યા. મેં તેમને કહ્યું, આપ કો તો પતા હૈ કિ ટાઇમ કી બાબત મેં મૈં કિતના સ્ટ્રિક્ટ હું. સૉરી, આજ રેકૉર્ડિંગ કૅન્સલ હૈ અને એ ગીત મેં મહેન્દ્ર કપૂરના અવાજમાં રેકૉર્ડ કર્યું. ત્યાર બાદ મેં તેમના અવાજમાં અનેક ગીત રેકૉર્ડ કર્યાં. જોકે સમય જતાં મને અહેસાસ થયો કે એ દિવસે હું વધુ પડતી સખતાઈથી પેશ આવ્યો હતો અને કોઈની સામે ન ઝૂકનારો નૈયર રફીસા’બ સામે ઝૂકી ગયો અને અમે ફરી પાછા કામ કરવાનું શરૂ કર્યું (આ વાતમાં રફીસા’બનો કોઈ વાંક નહોતો. તેમનું મોડું આવવું એ ઇન્ડસ્ટ્રીના પૉલિટિક્સના ભાગરૂપે હતું; જેનાથી તેઓ સાવ અજાણ હતા. એ વાત વિસ્તારથી ફરી કોઈક વાર).’
સંગીતપ્રેમીઓને ખબર છે કે મહેન્દ્ર કપૂરે ઓ.પી. નૈયરના સંગીતમાં અનેક લોકપ્રિય ગીતો આપ્યાં છે, જેવા કે ‘બદલ જાયે અગર માલી, ચમન હોતા નહીં ખાલી’ (બહારેં ફિર ભી આયેગી), ‘મેરા પ્યાર વો હૈ કિ મર કર ભી તુમકો જુદા અપની બાહોં સે હોને ન દેગા’ (યે રાત ફિર ન આયેગી), ‘લાખોં હૈ યહાં દિલવાલે ઔર પ્યાર નહીં મિલતા’ (કિસ્મત), ‘તુમ્હારા ચાહનેવાલા ખુદા કી દુનિયા મેં, મેરે સિવા ભી કોઈ ઔર હો ખુદા ન કરે’ (કહીં દિન કહીં રાત), ‘મેરી જાન તુમપે સદકે, અહેસાન ઇતના કર દો’ (સાવન કી ઘટા), ‘હાથ આયા હૈ જબ સે તેરા હાથ મેં’ (દિલ ઔર મહોબ્બત) અને બીજા અનેક. પ્રશ્ન એ થાય કે જો આ ગીતો મોહમ્મદ રફીએ ગાયાં હોત તો વધુ મીઠાં ન લાગત?
એક આડવાત. ક્રિકેટની મોસમ ચાલે છે એટલે એક કિસ્સો યાદ આવે છે. એ દિવસોમાં ક્રિકેટ એટલે કેવળ ટેસ્ટ ક્રિકેટ અને રણજી ટ્રોફી મૅચ. નાનપણથી ક્રિકેટ અને ફિલ્મસંગીત મારા રસના વિષયો રહ્યા છે. આજકાલ ક્રિકેટે મારા જીવનમાં બૅકસીટ લીધી છે. જોકે ટી૨૦નો રોમાંચ માણી લઉં છું, પરંતુ મારા માટે ‘અલ્ટિમેટ’ ટેસ્ટ ક્રિકેટ છે. એક જમાનો હતો જ્યારે ભારતના સ્પિનર્સની બોલબાલા હતી. એમાંનું એક નામ હતું બિશનસિંહ બેદી. એ જ અરસામાં મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં એક બોલર હતા પદ્‍માકર શિવલકર. બન્ને લેફ્ટ આર્મ સ્પિનર. સુંદર બોલિંગ કરે. શિવલકરની બોલિંગે મુંબઈને અનેક જીત અપાવી, પરંતુ તેઓ કદી ટેસ્ટ ક્રિકેટ ન રમ્યા, કારણ કે તેમની અને બેદીની કારકિર્દી સમાંતર ચાલતી રહી. આને તમે નસીબનો ખેલ જ કહી શકો. પ્રતિભાની દૃષ્ટિએ કોઈ એકમેકથી ઊતરતું નહોતું, પરંતુ જે નામ અને દામ બેદીને મળ્યાં એની સામે શિવલકરને ઘણું ઓછું મળ્યું.
વાત એટલા માટે યાદ આવી કે અંગત રીતે મને હંમેશાં એમ લાગ્યું છે કે મહેન્દ્ર કપૂરને આપણે અન્યાય કર્યો છે. એ વાતમાં કોઈ શક નથી કે મોહમ્મદ રફી સર્વોત્તમ હતા; પરંતુ ઍટ લીસ્ટ, બુલંદીની બાબતમાં તેઓ રફીસા’બની ઘણી નજીક હતા. મહેન્દ્ર કપૂરના સ્વરમાં આપણને અનેક સુરીલાં ગીતો મળ્યાં છે, પરંતુ જ્યારે કમ્પેરિઝન તેમના સમકાલીન મોહમ્મદ રફી સાથે થાય ત્યારે એ ૧૯-૨૦ લાગે એ સ્વાભાવિક હોવા છતાં ખટકે છે. બરકત વીરાણી ‘બેફામ’ની પંક્તિઓ યાદ આવે છે...
થાય સરખામણી તો ઊતરતા છીએ
એમ છતાં આબરૂને દીપાવી દીધી
તેમના મહેલને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી
અહીં મને સંગીતકાર પ્યારેલાલજીએ કહેલો એક કિસ્સો યાદ આવે છે. ફિલ્મ ‘દાસ્તાન’નું એક ગીત ‘ન તુ ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે, તેરા વજૂદ હૈ અબ સિર્ફ દાસતાં કે લિયે’ માટે બી. આર. ચોપડાનો આગ્રહ હતો કે મહેન્દ્ર કપૂરનું પ્લેબૅક લઈએ. આ ગીત દિલીપકુમાર પર બૅકગ્રાઉન્ડમાં ફિલ્માંકન થવાનું હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલ એ વાતમાં એકદમ ચોક્કસ હતા કે મોહમ્મદ રફી સિવાય બીજું કોઈ આ ગીતને ન્યાય ન આપી શકે. બી. આર. ચોપડાએ ઘણી દલીલ કરી કે અમારી દરેક ફિલ્મો માટે મહેન્દ્ર કપૂર પ્લેબૅક આપતા આવ્યા છે અને એ ગીતો હિટ થયાં છે. સંગીતકારે તેમને સમજાવ્યું કે મહેન્દ્ર કપૂર એક બહેતરીન ગાયક છે, પરંતુ આ ગીત માટેનું જે કમ્પોઝિશન છે એ મોહમ્મદ રફીની સ્ટાઇલને સૂટ થાય એ રીતે કરવામાં આવ્યું છે.
ચાલતી કલમે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં સ્વરબદ્ધ થયેલા મહેન્દ્ર કપૂરના લોકપ્રિય ગીતો યાદ આવે છે. ‘ફૂલ બન જાઉંગા શર્ત યે હૈ મગર, અપની ઝુલ્ફોં મેં મુઝકો સજા લિજીએ’ (લતા મંગેશકર સાથે - પ્યાર કિયે જા), ‘મેરી સાંસો કો જો મહેકા રહી હૈ, યે પહેલે પ્યાર કી ખુશ્બૂ ‘ (લતા મંગેશકર સાથે -બદલતે રિશ્તે ), ‘તેરે સંગ પ્યાર મૈં નહીં તોડના...’( લતા મંગેશકર સાથે -- નાગિન ), ‘ઔર નહીં બસ ઔર નહીં, ગમ કે પ્યાલે ઔર નહીં’ ( રોટી કપડા ઔર મકાન ).
એક ખુલાસો કરવો જરૂરી છે. આ વાતો શૅર કરીને સરખામણી કહેવાનો ઇરાદો નથી. જે હકીકત છે એની જ રજૂઆત કરું છું. એક સંગીતકાર સુપેરે જાણતો હોય છે કે અમુક ગીત માટે કયો અવાજ ‘બેસ્ટ સૂટેબલ’ છે. એટલા માટે જ ફિલ્મમાં એક જ હીરો માટે ક્યારેક બે અથવા ત્રણ પ્લેબૅક સિંગર સાથે ગીતો રેકૉર્ડ થાય છે.
મહેન્દ્ર કપૂરે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ગીતકારો અને સંગીતકારો સાથે કામ કર્યું. તેમના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘દરેક સંગીતકાર પોતપોતાની રીતે મહાન હતા. તેમને ક્લાસિકલ સંગીતની જાણકારી હતી. રાગદારીની સમજ હતી. કોઈને પણ સાંભળે તો તરત પારખી લે કે આ સિંગર ચાલશે કે નહીં, આગળ જશે કે નહીં. હું જ્યારે નવો હતો ત્યારે મને શીખવાડે કે કઈ રીતે ગાવાનું, કેવી રીતે શ્વાસ લેવો, માઇકથી કેટલા દૂર ઊભા રહેવાનું વગેરે વગેરે. આ તમને ક્યાં શીખવા મળે? રાગરાગિણીની સમજ આપે, એનું મહત્ત્વ સમજાવે. આ દરેક બાબત એક સિંગરના ઘડતરમાં ખૂબ અગત્યની હોય છે.’
‘મારા ફાધરની ફૅક્ટરી ગોરેગામમાં હતી. એક રવિવારે હું અને મારો મોટો ભાઈ ટ્રેનમાં જતા હતા ત્યાં અમે એક હૅન્ડસમ વ્યક્તિને વ્હિસલિંગ કરતો જોયો. અમને થયું કે ફિલ્મલાઇનના લાગે છે. વાત કરતાં ડર લાગતો હતો છતાં હિંમત કરીને પૂછ્યું, ‘આપ ફિલ્મલાઇન મેં હો? વ્હિસલિંગ અચ્છી કરતે હો.’ જવાબ મળ્યો, ‘બેટા, ગાતા ભી અચ્છા હૂં.’ એટલે મેં કહ્યું, ‘મુઝે ભી ગાને કા શૌક હૈ.’ તે બોલ્યો, ‘જાનતે હો મૈં કૌન હૂં? રાયબહાદુર ચુનીલાલ કા બેટા. યે ફિલ્મિસ્તાન સ્ટુડિયો હમારા હૈ. આજ એક રેકૉર્ડિંગ હૈ. રફીસા’બ ઔર શમશાદ બેગમ ગા રહે હૈં.’
મેં વિચાર્યું, આ મોકો છોડવા જેવો નથી. રફીસા’બને તો હું જાણતો હતો. મેં કહ્યું, ‘પાજી, હમ આ સકતે હૈં?’ તો કહે, ‘જરૂર, આજ શામ કો આ જાના.’ અમે બન્ને ભાઈઓ સાંજે ફિલ્મિસ્તાન સ્ટુડિયો પહોંચી ગયા. ત્યાં સંગીતકાર શ્યામસુંદર હતા. અમને ખૂબ મજા આવી. આ હતી સંગીતકાર મદન મોહન સાથે મારી પહેલી મુલાકાત. એ દિવસથી તેમની સાથે દોસ્તી બંધાઈ. હું તેમને મારા મોટા ભાઈ માનતો. તેમનું ઘણું ગાઇડન્સ મળ્યું છે. મને કહેતા, ‘ક્યાં સુધી મોહમ્મદ રફીનાં ગીતો ગાયા કરીશ. તારી પોતાની સ્ટાઇલ ડેવલપ કર. તેમનાં લગ્નમાં પણ ગયો છું. અમારા તેમની સાથે પારિવારિક સંબંધ રહ્યા છે.’
એક ગીતની સફળતામાં કોનું યોગદાન સૌથી વધુ ગણાય એ વિશે મતમતાંતર રહ્યા છે. ગાયક, ગીતકાર અને સંગીતકારનાં સમીકરણની વાત કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘ગીતકાર એક ઇમેજ લઈને આવે છે. ગાયકની ફરજ છે કે એ ઇમેજને બરકરાર રાખીને રજૂઆત કરવી. એમાં કોઈ ગરબડ ન થવી જોઈએ. દરેક ગીતકારનો અલગ સ્વભાવ હતો. સાહિર લુધિયાનવી કદી ઇન્ટરફિયર ન કરે. તેઓ માનતા કે સિંગર કેમ ગાય છે એ સંગીતકારે જોવાનું. કોઈ વાર વચમાં બોલે, ‘ઓ પઠ્ઠે, ઉસકો વૈસે નહીં, ઐસે બોલો યાર, યે અચ્છા લગેગા.’
મહેન્દ્ર કપૂરના શંકર-જયકિશન, સી રામચંદ્ર અને કલ્યાણજી-આણંદજી સાથેનાં સંસ્મરણો આવતા રવિવારે.

columnists weekend guide