બહુ અંગત અંગત નામ હતાં

21 November, 2021 02:19 PM IST  |  Mumbai | Rajani Mehta

જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી’તી બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં

બહુ અંગત અંગત નામ હતાં

‘Autobiography begins with a sense of being alone. It is an orphan form.’
- John Berger (British Writer)
જો તમને એકલા પડી જવાનો ડર લાગતો હોય તો તમારે આત્મકથા ન લખવી જોઈએ. જેમ સફળતાની ટોચ પર ‘It’s very lonely at the top’ જેવી ફીલિંગ્સ આવે એમ આયુષ્યની ઢળતી સાંજે આત્મકથા લખતાં તમે અનાથ છો એવો આભાસ થાય એ સહજ છે. સૌને ખુશ રાખવાની કોશિશનું નામ આત્મકથા નથી. જિંદગીએ આપેલા જખમોના ઉલ્લેખ વિના આત્મકથા નવલકથા જેવી લાગે. કોઈ ઝખમ પારકાએ કે પછી કોઈ પોતીકાએ આપ્યા હોય છે. સૈફ પાલનપુરીનો શેર યાદ આવે છે... 
‘જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.’
જિંદગીએ આપેલા જખમોની વાત કરતાં આત્મકથામાં મન્નાદા લખે છે, ‘દંભી લોકોથી મને સખત નફરત છે. હું જાણું છે કે મારા ચાહક કહેવડાવતા થોડા લોકો હકીકતમાં પોતાના ફાયદા માટે જ મારા ફૅન્સ બન્યા છે. તેમનો મુખ્ય હેતુ એટલો જ હોય છે કે મારી સાથે નિકટતા બતાવીને એનો ગેરલાભ ઉઠાવવો. તેમની સામે મારી કોઈ ફરિયાદ નથી. અમુક મ્યુઝિશ્યન્સને હું બરાબર ઓળખી ગયો છું. એક-બે વાર તેમણે મને છેતર્યો છે. હવે હું આવા લોકોની મીઠી-મીઠી વાતોમાં ફસાઈ નથી જતો. 
મોટા ભાગે મને સારા આયોજકો મળ્યા છે. અમુક પ્રસંગ એવા છે જે કડવો સ્વાદ મૂકી ગયા છે. એક આયોજક કલકત્તાથી મને મુંબઈ મળવા આવ્યો. તેને ઑસ્ટ્રેલિયામાં કાર્યક્રમ કરવો હતો. તેના પર ભરોસો મૂકીને મેં હા પાડી અને અમે ઑસ્ટ્રેલિયા પહોંચ્યાં. મેલબર્ન ઍરપોર્ટ પર અમને કોઈ રિસીવ કરવા નહોતું આવ્યું. કલાકો રાહ જોયા બાદ એક માણસ આવ્યો. કહે, ‘અચ્છા તો તમે આવી ગયા. ચલો, બહારથી ટૅક્સી પકડીએ.’ 
તેનો વર્તાવ એવો હતો જાણે અમે અમારી મરજીથી આવ્યા હોઈએ. હું, સુલુ અને કવિતા ક્રિષ્ણમૂર્તિ વિચાર કરતાં હતાં કે આગળ શું થશે. ટૅક્સીમાં અમારાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવાથી બેસવાની જગ્યા જ બચી નહોતી. ગમે તેમ તકલીફ વેઠીને અમે હોટેલ પહોંચ્યાં, જે  એક સામાન્ય કક્ષાની હતી. પેલો માણસ અમને મૂકીને જતો રહ્યો. 
જે રાતે કાર્યક્રમ હતો એ દિવસે સવારથી વરસાદ હતો. આયોજકનો કોઈ પત્તો નહોતો. અમને લાગ્યું કે અહીં આવીને ફસાઈ ગયાં. મનને મનાવ્યું કે વરસાદને કારણે કાર્યક્રમ કૅન્સલ થયો હશે. એટલામાં પેલા ભાઈનો  ફોન આવ્યો, ‘ટૅક્સી કરીને અહીં આવી જાઓ. શ્રોતાઓ તમારી રાહ જુએ છે.’
મને એ દિવસે થયું કે આયોજક પર ભરોસો કર્યો એ મારી મોટામાં મોટી ભૂલ હતી. મેલબર્નમાં અમે અજાણ્યાં હતાં, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. વરસતા વરસાદમાં અમે કાર્યક્રમના સ્થળે પહોંચ્યાં હતાં. 
૧૯૯૯માં કૅલિફૉર્નિયામાં ‘બંગ સંસ્કૃતિ સંમેલન’ આયોજિત એક કાર્યક્રમ હતો. નક્કી એમ થયું કે રાતે ૧૦.૩૦ વાગ્યે મારે પર્ફોર્મ કરવાનું છે. હું, મારી પુત્રી સુરોમા જે નજીક જ રહેતી હતી અને તેની ફ્રેન્ડ્સ, અમે સૌ ૯ વાગ્યે વેન્યુ પર પહોંચી ગયાં. જોયું તો ઉસ્તાદ અલી અકબર ખાન પર્ફોર્મ કરતા હતા. તેમનો કાર્યક્રમ મોડો શરૂ થયો હતો. ત્યાર બાદ કથક ડાન્સર ચિત્રેશ દાસ પર્ફોર્મ કરવાના હતા. બન્યું એવું કે ઉસ્તાદ પોતાના કાર્યક્રમમાં એવા મશગૂલ થઈ ગયા કે લગભગ ૧૨ વાગ્યે તેમણે પર્ફોર્મન્સ પૂરો કર્યો. જ્યારે મને સ્ટેજ પર આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ૧ વાગ્યો હતો. મારા માટે પર્ફોર્મ કરવું મુશ્કેલ હતું, કારણ કે મોટા ભાગનું ઑડિયન્સ નીકળી ગયું હતું. સુરોમા અને ફ્રેન્ડ્સ પણ નીકળી ગયાં હતાં. સુરોમા બહુ હોંશથી મિત્રોને લઈને આવી હતી કે સૌને ડૅડીની સુરીલી ગાયકીની મહેફિલ માણવા મળશે. હું લાચાર હતો. મારો મૂડ બગડી ગયો. સમયની બાબતમાં હું ચોક્કસ છું. જે કાર્યક્રમના  શેડ્યુલમાં ગરબડ થાય એમાં પર્ફોર્મ કરવાની મને મજા નથી આવતી.
એક ઑફિસ-ક્લબમાં મારે પર્ફોર્મ કરવાનું હતું. એ દિવસોમાં મારા મિત્ર સંગીતકાર ગૌરીપ્રસાદ મજુમદારનું અવસાન થયું હતું. મને થયું કે મારે તેમની યાદમાં તેમણે સ્વરબદ્ધ કરેલું ગીત રજૂ કરવું જોઈએ. એ ગીત કરુણ હતું અને હું તેમને યાદ કરતાં રજૂઆત કરતો હતો. ગીત પૂરું થતાં મેં જોયું કે ઑડિયન્સ ગમગીન થઈને ચૂપચાપ બેઠું હતું. એટલામાં એક યુવાને ઊંચા અવાજે ફરિયાદના સ્વરે કહ્યું, ‘અત્યારે આ ગીત ગાવાનો કોઈ અર્થ છે મન્નાદા? એમાં જરાયે દમ નહોતો.’
મારા ગુસ્સાને કાબૂમાં રાખતાં મેં કહ્યું, ‘હું જાણવા ઇચ્છું છું કે આ વ્યક્તિ કોણ છે? પ્લીઝ, તમે જરા આગળ આવો તો હું તમારો ચહેરો જોઈ શકું.’ તેનામાં એટલી હિંમત નહોતી. ઑડિયન્સે તેનો હુરિયો બોલાવ્યો. મને લાગે છે કે તેને ઑડિટોરિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યો. આવું ભાગ્યે જ બને છે. મોટા ભાગે મારા યુવાન ચાહકો મને દિલથી ચાહે છે. 
રવીન્દ્ર સદનમાં એક કાર્યક્રમ હતો. એક મોટી વયની સ્ત્રીએ સંવેદનાસભર ગીતની ફરમાઈશ કરી. હું ગાવાની શરૂઆત કરતો હતો ત્યાં એક યુવાન મોટેથી બોલ્યો, ‘આવા બોરિંગ ગીતની ફરમાઈશ શું કામ કરો છો?’ આવું વર્તન હું કદી ન ચલાવું. જે સ્ત્રીએ ફરમાઈશ કરી હતી તે તેની માતાની ઉંમરની હતી. તેની આવી વર્તણૂક અપમાનજનક હતી. હું એટલો અકળાઈ ગયો કે મારાથી બોલાઈ ગયું, ‘તું મૂરખ છે. તને ઑડિટોરિયમમાંથી બહાર કાઢું એ પહેલાં તું અહીં  આવ, જેથી તારી સાન ઠેકાણે લાવું.’ જોકે એક વાતનો સ્વીકાર કરવો પડે કે એ યુવાને આવેશમાં આવીને જે શબ્દો કહ્યા એ એક રીઍક્શન હતું. હકીકતમાં તે મારાં લોકપ્રિય ગીતોની આશા લઈને આવ્યો હતો. જોકે એમ છતાં તેનું આવું બાલિશ વર્તન કદાપિ ચલાવી ન લેવાય. 
ઘણી વખત એવું બને કે ઑડિયન્સમાં અમુક વ્યક્તિઓ પોતાની હાજરીની નોંધ અપાવવા માટે  મોટા અવાજે ‘આહ, વાહ, ક્યા બાત હૈ’ અને બીજા ઉદ્ગાર કાઢતા હોય છે. મને એ પસંદ નથી. અમુક સમયે ઑડિયન્સ મારી સાથે ગીત ગાતું હોય છે અને એની મજા આવે છે. અમેરિકાના શોમાં એક ગીતની ફરમાઈશ આવી. મારી આદત પ્રમાણે મેં શરૂ કર્યું અને સાથોસાથ મારી બુકમાં ગીત શોધવાનું શરૂ કર્યું, પણ મળ્યું નહીં. એ સમયે ઑડિયન્સમાંથી અમુક ચાહકોએ મને મોટા અવાજે ગીતના શબ્દો કહી સંભળાવ્યા અને મેં એ ગીત પૂરું કર્યું. 
એ ગીત મારી બુકમાં નહોતું એનું એક કારણ છે. એ બુક નવી હતી. મારી જૂની બુકમાં દરેક ગીત મારા હાથે  લખેલાં હતાં. દિલ્હીના એક કાર્યક્રમમાં કોણ જાણે શું થયું કે મારી બુક ચોરાઈ ગઈ. હું સમજી નથી શકતો કે એ ચોરવાનું પ્રયોજન શું હોઈ શકે? જેણે એની ચોરી કરી તેને ખબર નહીં હોય કે મારા માટે એ બુક કેટલી અગત્યની હતી. એના વિના હું પાંગળો થઈ ગયો. મારા માટે એ કેવળ એક બુક નહોતી, તેની સાથે હું ‘ઇમોશનલી અટેચ્ડ’ હતો. 
ફરી એક વાર મારે એ ગીતોની નવી બુક બનાવવી પડી. એક સમય હતો જ્યારે એ ગીતો મને યાદ હતાં. નવી બુક બનાવતી વખતે ઘણાં ગીતોના શબ્દો હું ભૂલી ગયો હતો. અમુક ગીત મને ક્યાંય મળતાં નહોતાં. એ સમયે મારા ચાહકોએ મને ઘણી મદદ કરી હતી. જેણે એ બુક ચોરી તેને માટે એ એક ‘મેમેન્ટો’ હશે, પરંતુ તેને ખબર નહીં હોય કે મારા માટે એ કેટલું પીડાદાયક હતું. 
મેં કેવળ એક બુક નહોતી ગુમાવી. તેની સાથે મારી કેટલીક યાદો સંકળાયેલી હતી. જીવનભર કેટલાય પ્રતિભાશાળી કલાકારો સાથે મેં કામ કર્યું છે. તેમની સાથે વિતાવેલા અણમોલ સમયની અનેક ઘટનાઓ આ બુક સાથે જોડાયેલી છે. સમયે એ કલાકારોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે. જે ગીતકારો અને સંગીતકારોને કારણે મને નામ, દામ અને શોહરત મળ્યાં છે એ સૌ આ બુકને કારણે મારી સાથે જીવતા હતા. આજે, એકલા-અટૂલા, નવેસરથી આ કામ કરવાનો જે થાક લાગે છે, જે દર્દ અનુભવું છું એ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.
બાબુકાકાના અવસાન બાદ મારી ઇચ્છા હતી કે તેમની યાદમાં એક ઇન્સ્ટિટ્યૂટ બનાવું, જેમાં દેશભરમાંથી પ્રતિભાશાળી યુવાન કલાકારોને વિખ્યાત કલાકારો દ્વારા પ્રશિક્ષણ મળે. એ માટે  સરકાર પાસેથી મેં એક પ્લૉટની માગણી કરી. એના બદલામાં મેં અનેક કાર્યક્રમ ‘ફ્રી ઑફ ચાર્જ’ કર્યા, પરંતુ એનું કોઈ પરિણામ ન આવ્યું. લાંબા સમય સુધી હું ભાગદોડ કરતો રહ્યો. અંતે નિરાશ થઈને મેં એ વિચાર પડતો મૂક્યો. હું એટલો હતાશ થઈ ગયો હતો કે મનમાં થયું કે દેશ છોડીને મારે પરદેશમાં સેટલ થવું જોઈએ. થોડા સમયમાં જ મને સમજાયું કે મારો અહમ્ ઘવાયો હતો એને કારણે મેં આ નિર્ણય લીધો હતો. 
ડે પરિવારની સંગીતની ધરોહર બાબુકાકાએ સંભાળી અને કંઈક અંશે હું એને આગળ લઈ જવામાં સફળ થયો. મને એ વાતનું દુઃખ છે કે મારા ભત્રીજા સુદેવ સિવાય પરિવારની સંગીત પરંપરાને આગળ લઈ જવામાં બાળકોને બહુ રસ નથી. મારે સ્વીકારવું જોઈએ કે જિંદગી આપણી ધારણા મુજબ આગળ નથી વધતી. મારી બન્ને પુત્રીઓ સુરોમા અને સુનીતા નાનપણમાં સંગીતમાં રસ લેતી અને સારું ગાતી હતી. સુરોમા નૃત્યકલામાં પારંગત હતી. ભણવામાં તે હોશિયાર હતી એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે તે પરદેશ ગઈ. તેને સારી નોકરી મળી ગઈ અને તેના ‘કલીગ’ બકુલ હેરેકર સાથે તેણે લગ્ન કરી લીધાં. તેના પરિવાર સાથે તે સુખી છે. મને ખાતરી હતી કે સંગીત અથવા નૃત્યના ક્ષેત્રમાં તેનું સારું નામ થયું હોત. કમનસીબે તે એક એવા રોગમાં ફસાઈ ગઈ જેમાંથી તે કદી સાજી નહીં થાય. બન્યું એવું કે એક જર્મન ડૉક્ટરે તેના ડાબા પગનું ઑપરેશન કરતી વખતે ભૂલથી એક નસ કાપી નાખી. આવી અક્ષમ્ય ભૂલ માટે તેણે ડૉક્ટરને માફ કરી દીધો. એટલું જ નહીં, તેની પાસેથી મોટું વળતર મળી શકે એમ હોવા છતાં તેના પર કેસ પણ ન કર્યો. આવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે. 
તેની આવી હાલત જોઈને હું ઘણી વાર દુખી થઈ જાઉં છું. જોકે પીડા બદલ તેણે કદી ફરિયાદ નથી કરી. ઊલટાનું જ્યારે હું ફોન કરું ત્યારે તે મને કહે છે,’ બાબા, જીવનભર તમે ગીત ગાયાં છે. હવે સમય થઈ ગયો છે સઘળું છોડીને અહીં આવી જાઓ અને મારી સાથે આરામથી રહો.’ એ સાંભળીને ઘડીભર હું વિચારું છું કે તેની વાત સાચી છે. જીવનનાં બચેલાં વર્ષો હવે અમારે તેની સાથે જ વિતાવવાં જોઈએ, પરંતુ બીજી પળે મારી જાતને પ્રશ્ન કરું છું કે ‘શું હું મારા સંગીત વિના જીવી શકું? શ્રોતાઓની તાળીઓની ગુંજ માટે તરસતા મારા કાનથી સન્નાટો કેમ જીરવાશે? સંગીત એ મારું દર્દ છે અને દવા પણ છે. સંગીત મારો પ્રાણવાયુ છે.’
અમેરિકા હું અનેક વાર ગયો છું. શરૂઆતમાં ત્યાંનું વાતાવરણ સારું લાગે, પરંતુ થોડા જ સમયમાં ઘરઝુરાપો તમારા સમગ્ર અસ્તિત્વને વીંટળાઈ જાય. જીવનનાં ૬૦ વર્ષ મેં મુંબઈમાં ગાળ્યાં છે. બીજું કોઈ શહેર એની જગ્યા ન લઈ શકે. બૅન્ગલોર મુંબઈ કરતાં વધુ રળિયામણું છે, પરંતુ ત્યાંની હવામાં મને સંગીતનો ગુંજારવ સંભળાતો નથી. કોઈએ મને પૂછ્યું કે તમારા જેવા કલાકાર બૅન્ગલોર, જ્યાં મ્યુઝિકનું કોઈ કલ્ચર નથી એવા શહેરમાં કઈ રીતે જીવી શકે?’ મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો. 
જ્યારે હું સુનીતાને તાલીમ આપતો ત્યારે મને લાગતું કે સંગીતના ક્ષેત્રમાં તે સારું નામ કમાશે. તેને પ્રોત્સાહન આપવા મેં ‘પૅરેમાઉન્ટ કૅસેટ્સ’ નામની  કંપની શરૂ કરી હતી.
અફસોસ કે અમે તેના અવાજમાં બહુ ઓછી કૅસેટ રેકૉર્ડ કરી શક્યા. કોણ જાણે કેમ સંગીતમાંથી તેનો રસ ઊડી ગયો અને એ મારે કંપની બંધ કરવી પડી. એક પિતા તરીકે મને એ વાતનો હમેશાં અફસોસ રહ્યો કે મારાં સંતાનો પરિવારનો સંગીતમય વારસો જાળવી રાખવામાં ઉદાસ રહ્યાં. જોકે એમ છતાં મેં કદી મારી ઇચ્છાઓ તેમના પર લાદવાનો પ્રયત્ન નથી કર્યો. સૌને પોતાની જિંદગી મરજી મુજબ જીવવાનો હક છે.’ 
મન્નાદા આત્મકથામાં નિખાલસતાથી પોતાની વ્યથાને વ્યક્ત કરવામાં અચકાતા નથી. તેમના વ્યક્તિત્વનું આ પાસું જ હૃદયને સ્પર્શે છે. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે એનું નામ જ જિંદગી છે. જેની પાસેથી ખૂબ અપેક્ષા હોય તેની પાસેથી જ મોટા ભાગે નિરાશા મળતી હોય છે. અમુક જખમો એવા હોય છે; જે ઝાઝું દઝાડતા નથી અને બુઝાતા પણ નથી. ‘આનંદ’નું ગીત યાદ આવે છે... 
‘ઝિંદગી કૈસી હૈ પહેલી, હાયે 
કભી તો હંસાયે, કભી યે રુલાયે...’

કાર્યક્રમના દિવસે સવારથી વરસાદ હતો. આયોજકનો કોઈ પત્તો નહોતો. અમને લાગ્યું કે ફસાઈ ગયાં. મનને મનાવ્યું કે વરસાદને કારણે કાર્યક્રમ કૅન્સલ થયો હશે. એટલામાં પેલા ભાઈનો  ફોન આવ્યો, ‘ટૅક્સી કરીને અહીં આવી જાઓ. શ્રોતાઓ તમારી રાહ જુએ છે.’

મારી ઇચ્છા હતી કે બાબુકાકાની યાદમાં એક ઇન્સ્ટિટ્યૂટ બનાવું, જેમાં યુવાન કલાકારોને વિખ્યાત કલાકારો દ્વારા પ્રશિક્ષણ મળે. એ માટે સરકાર પાસેથી મેં એક પ્લૉટની માગણી કરી. એના બદલામાં મેં અનેક કાર્યક્રમ ‘ફ્રી ઑફ ચાર્જ’ કર્યા, પરંતુ એનું કોઈ પરિણામ ન આવ્યું.

columnists rajani mehta