કાચી વયે પ્રેમમાં પડેલાં સાધના અને આર. કે. નય્યરના રસ્તા ભલે જુદા હતા પણ મંજિલ એક હતી

21 December, 2025 04:29 PM IST  |  Mumbai | Rajani Mehta

 બિમલ રૉય જેવા મહાન ડિરેક્ટરે સાધનાની સીધીસાદી ઘરેલુ ઇમેજને પારખીને ‘પરખ’માં રોલ આપ્યો અને સાધનાએ બખૂબી એમાં જાન રેડી દીધો. એનો અર્થ એવો થયો કે સાધનાએ ફિલ્મોમાં જે કાંઈ કર્યું એ તેને શોભી ઊઠ્યું.

સાધના અને આર. કે. નય્યર

ફિલ્મ ‘લવ ઇન શિમલા’ના એક દૃશ્યમાં સાધના દુર્ગા ખોટેને સવાલ કરે છે. ‘આપને મેરે બાલ ક્યૂં કાટ ડાલે?’ જવાબ મળ્યો. ‘ક્યૂં કિ આજકલ મરદોં કો ઔરતોં કે લંબે બાલ પસંદ નહીં આતે.’  ફિલ્મમાં આ દૃશ્ય પહેલાં સાધના નિજી જીવનમાં સીધીસાદી હોવા છતાં જેવી આકર્ષક દેખાતી હતી એવી દેખાય છે. વાળ કાપ્યા બાદ તેની ‘સાધના કટ’ હેરસ્ટાઇલમાં તે યુવાનોની સ્વપ્નસુંદરી બની જાય છે.
 બિમલ રૉય જેવા મહાન ડિરેક્ટરે સાધનાની સીધીસાદી ઘરેલુ ઇમેજને પારખીને ‘પરખ’માં રોલ આપ્યો અને સાધનાએ બખૂબી એમાં જાન રેડી દીધો. એનો અર્થ એવો થયો કે સાધનાએ ફિલ્મોમાં જે કાંઈ કર્યું એ તેને શોભી ઊઠ્યું. અથવા એમ કહેવાય કે જે પાત્ર પોતાને શોભ્યું એ જ પાત્ર તેણે કર્યું. 
‘રાજકુમાર’માં તે જંગલની રાજકુમારી બની. ‘દુલ્હા દુલ્હન’માં રાજ કપૂર સામે તે ઠરેલ અને ઠાવકી લાગી. શમ્મી કપૂરના ધમાલિયા અભિનય સામે ‘બદતમીઝ’માં તેણે ટક્કર લીધી. એક ગૃહિણી તરીકે ‘ગબન’માં તેનું કામ વિવેચકોએ પણ વખાણ્યું. ‘વો કૌન થી’, ‘અનીતા’ અને ‘મેરા સાયા’ જેવી સસ્પેન્સ ફિલ્મોમાં તેના રહસ્યમય અભિનયને કારણે સાધનાને ‘The Mystery Girl’નું ઉપનામ મળ્યું. ‘ઇન્તકામ’માં બદલાની ભાવનાથી સળગી ઊઠેલી નાયિકાની ભૂમિકામાં તે ક્યાંય ઊણી ન ઊતરી. ‘વક્ત’માં સ્કિન ટાઇટ ચૂડીદાર પહેર્યું હોય કે પછી સ્વિમિંગ સૂટ, સાધના જેટલી પૂર્ણ વસ્ત્રોમાં સુંદર લાગતી હતી એટલી જ ઓછાં વસ્ત્રોમાં ગ્રેસફુલ દેખાતી હતી. ‘હમ દોનો’માં દેવ આનંદ સાથે ‘અભી ન જાઓ છોડકર’ ગાતી સાધના હકીકતમાં તો યુવાન હૈયાંઓની તડપને સાકાર કરતી હતી. એટલે જ સાધના યુવાનોના સપનામાં આવતી અને યુવતીઓ અરીસામાં તેની હેરસ્ટાઇલ અને પોશાકની નકલ કરતાં-કરતાં  સાધના જેવી બનવાનાં સપનાં જોતી હતી.  
આવું જ એક સપનું હતું બબીતા શિવદાસાણીનું. બબીતા સાધનાના કાકા હરિ શિવદાસાણીની પુત્રી હતી. જ્યારે સાધનાને ‘દુલ્હા દુલ્હન’માં રાજ કપૂર સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે બબીતા અને રણધીર કપૂરનો રોમૅન્સ ચાલતો હતો. બન્ને લગ્ન કરવાની ઉતાવળમાં હતાં. એક દિવસ રાજ કપૂરે સાધનાને કહ્યું, ‘તારી બહેન એકસાથે બે સપનાં જોઈ રહી છે. એક હિરોઇન બનવાનું અને બીજું કપૂર ખાનદાનની વહુ બનવાનું. તું તેને સમજાવતી કેમ નથી?’ સાધના ચૂપચાપ એ વાત સાંભળતી હતી. એ જોઈ રાજ કપૂર બોલ્યા, ‘તને એ વાતની તો ખબર હશે જ કે કપૂર ખાનદાનની વહુ ફિલ્મોમાં કામ નથી કરતી. આ વાત તેને સમજાવી દે.’ આટલો સમય ચૂપ રહેલી સાધના બોલી, ‘રાજસા’બ, ક્યા ફિલ્મોં મેં કામ કરનેવાલી લડકિયાં આવારા હોતી હૈ? ક્યા વો હી લડકિયાં શરીફ હોતી હૈં જો ફિલ્મોં મેં કામ નહીં કરતી?’ આ સાંભળી રાજ કપૂર ગુસ્સે થઈને બોલ્યા, ‘હું તેને સમજાવવાની વાત કરું છું પણ તું તો તેનો પક્ષ લઈને સામી દલીલ કરે છે?’ સાધનાએ કહ્યું, ‘હું એમ કહેવા માગું છું કે તે અભિનય કરે એમાં ખોટું શું છે’? પરંતુ રાજ કપૂર કાંઈ સાંભળવાના મૂડમાં નહોતા અને તે સ્ટુડિયો છોડી જતા રહ્યા. 
સાધનાને લાગ્યું કે થોડા દિવસમાં મામલો શાંત પડી જશે. તેણે આ વાતનો ઉલ્લેખ કોઈને કર્યો નહીં. આ બનાવ પછી થોડા દિવસમાં સાધના અને બબીતાની એક ફંક્શનમાં મુલાકાત થઈ ત્યારે બબીતાએ અકળાઈને કહ્યું, ‘સબ કુછ પતા થા ફિર ભી મુઝે કુછ ભી નહીં બતાયા.’ તેને લાગ્યું કે સાધનાએ તેનો પક્ષ નહીં લીધો હોય. સાધનાએ ખબર નહોતી કે બબીતા અને રણધીર કપૂર વચ્ચે શું વાત થઈ હશે. તેણે ખુલાસો કરતાં કહ્યું કે આ સંબંધથી રાજ કપૂર નારાજ છે. મેં તો તારો બચાવ કર્યો હતો. પરંતુ બબીતા દલીલ કરતી જ રહી. 
સાધનાએ તેને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું કે તારા માટે હું ખરાબ બોલું જ નહીં. હું તારી મોટી બહેન છું. આ સાંભળતાં જ બબીતાએ કહ્યું કે મને ખબર છે. હવે તું બહુ મોટી (હિરોઇન) થઈ ગઈ છે. લાખો કમાય છે. હું કંઈક બનું એ તારાથી જોવાતું નથી. સાધનાની લાખ કોશિશ કરવા છતાં બબીતા તેની વાત સમજવા તૈયાર નહોતી. એક ગેરસમજને કારણે એ દિવસથી શિવદાસાણી ભાઈઓના સંબંધમાં દૂરી આવી ગઈ. 
રાજ કપૂરના અણગમાને કારણે ‘દુલ્હા દુલ્હન’ આ જોડીની પ્રથમ અને અંતિમ ફિલ્મ હતી. પ્રોડ્યુસર પાછીની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’માં રાજ કપૂર અને સાધના કામ કરવાનાં હતાં પરંતુ આ બનાવને કારણે સાધનાને બદલે રાજશ્રીને કામ મળ્યું. 
‘લવ ઇન શિમલા’થી જ સાધના અને ડિરેક્ટર રામ કૃષ્ણ નય્યર વચ્ચે એક અજબ આકર્ષણ પેદા થયું હતું. ફિલ્મ પૂરી થઈ ત્યારે સાધનાએ માતાપિતાને કહ્યું કે અમે લગ્ન કરવા ઇચ્છીએ છીએ. પણ હજી તારી ઉંમર નથી થઈ એમ કહીને માબાપે મના કરી. સાધના અને આર. કે. નય્યરે સમજણપૂર્વક આ ફેંસલો માન્ય રાખ્યો. સાધનાની કારકિર્દી સફળતાપૂર્વક આગળ વધતી હતી પરંતુ તેના જીવનમાં એક જ પુરુષ હતો. તેની ફિલ્મોના હીરો સાથે તેના રોમૅન્સની અફવા પણ નથી ઊડી. સ્ત્રી અને પુરુષ એકમેકના સાચા પ્રેમમાં હોય ત્યારે તેઓ પરિસ્થિતિનો સ્વીકાર કરી યોગ્ય સમયની રાહ જુએ છે. ભલે રસ્તા અલગ હોય પણ બન્નેની મંજિલ એક હોય છે. એટલે જ ૧૯૬૬માં માતા-પિતાની અનુમતિ સાથે સાધના અને આર. કે.  નય્યરનાં લગ્ન થયાં ત્યારે ફિલ્મી દુનિયામાં કોઈને આશ્ચર્ય નહોતું થયું. 
   લગ્ન બાદ પણ સાધનાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું. હકીકતમાં લગ્ન બાદ  તેના અભિનયમાં વધુ પરિપક્વતા આવી. ‘સચ્ચાઈ’, ‘એક ફૂલ દો માલી,’ ‘ઇન્તકામ’, ‘આપ આએ બહાર આઈ’ અને બીજી ફિલ્મોમાં તેનો અભિનય એ વાતનો પુરાવો હતો કે એક અભિનેત્રી તરીકે સાધના મૅચ્યોર થઈ છે. 
    એક ઇન્ટરવ્યુમાં સાધના નિખાલસતાથી દિલ ખોલીને વાત કરતાં કહે છે, ‘હું જલદીથી મિત્ર બનાવી નથી શકતી કારણ કે સ્ત્રીઓને બદલે મને પુરુષોને મિત્ર બનાવવાનું સરળ લાગ્યું છે. સાથે બેસીને ઘરની અને ગૃહસ્થીની વાતો કરવી મને ગમતી નથી. આમ પણ મને ઘરકામની કોઈ ખાસ જાણકારી નથી. એટલે જ પાર્ટી અને પ્રીમિયરમાં હું મારા પુરુષ સાથીઓ સાથે જ વધારે હળતી મળતી હોઉં છું. તેમની પત્નીઓ મનમાં વિચારતી હશે કે તેમના પતિઓ જોડે હું શું વાત કરતી હોઈશ? પરંતુ કોઈનામાં મને પ્રશ્ન કરવાની હિંમત નહોતી.’
પોતાની સાથે કામ કરેલા કલાકારોને યાદ કરતાં સાધના કહે છે, ‘દેવ આનંદ એટલે એક પાવર હાઉસ. તેમની બૅટરી હંમેશાં ચાર્જ્ડ હોય. He is like mini Dynamo. તેમની સ્પીડ સાથે કામ કરવું લગભગ અસંભવ હતું. સેટ પર ફુરસદના સમયમાં હું બુક વાંચતી ત્યારે આવીને સલાહ આપે કે કયા પ્રકારની બુક્સ વાંચવી જોઈએ, કયા પ્રકારની ફિલ્મ સાઇન કરવી જોઈએ. પાછળથી મને સમજાયું કે હું નવી-નવી હિરોઇન બની છું અને તે મોટા સ્ટાર હતા એટલે હું નર્વસ ન થાઉં એટલે આવીને વાતો કરતા.
‘રાજેન્દ્ર કુમાર સાથે મારે સારી દોસ્તી હતી. ‘મેરે મેહબૂબ’ના શૂટિંગ સમયે અમે એકમેકની મસ્તી મજાક કરતાં. છેવટ સુધી જ્યારે મળે ત્યારે તે મને પંજાબીમાં ‘બડા ભાઈ’ કહેતા. અમારી મૈત્રી વિશેષ હતી. તે અને શુક્લા (પત્ની) મારી અને નય્યરસા’બની સાથે કલાકો વાત કરતાં. કોઈ પણ જાતની સલાહ જોઈતી હોય તો તે અચૂક ઘરે આવતાં. મારી મમ્મી પણ તેમને ખૂબ પસંદ કરતી. મને ‘મેરે મેહબૂબ’નો લગ્નનો સીન યાદ આવે છે. મેં લાલ સાડી પહેરી હતી અને તે શેરવાનીમાં હતા. શૂટિંગમાં મારી મમ્મી હાજર હતી. તે મજાકમાં બોલી, ‘કાશ, મેરી બેટી કે લિએ રાજેન્દર જૈસા દુલ્હા મિલ જાએ.’ તરત રાજેન્દ્રકુમાર બોલ્યા, ‘મેરી ભી યહી ઇચ્છા હૈ. પર દુર્ભાગ્યવશ મૈં તો પહલે સે હી શાદીશુદા હૂં.’ આ સાંભળી  મમ્મીએ તેને ખખડાવી નાખતાં કહ્યું, ‘ખબરદાર, કભી ઐસી બાત મત કરના.’ 
‘મેરે મેહબૂબ’ (૧૯૬૪)માટે જ્યારે પ્રોડ્યુસર-ડિરેક્ટર એચ. એસ. રવૈલે સાધનાનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે આઠ મહિના સુધી તેની ડેટ મળે એમ નથી. રવૈલે કહ્યું, ‘હું રાહ જોવા તૈયાર છું. મારી ફિલ્મ સાધના વિના બને એ શક્ય જ નથી.’ 
પરંતુ ચાર વર્ષ બાદ તકદીરનું પાસું બદલાઈ ગયું. એચ. એસ. રવૈલ ‘સંઘર્ષ’ માટે દિલીપકુમાર સામે સાધનાને હિરોઇન તરીકે લેવાના હતા. સાધનાએ કહ્યું કે ત્રણ-ચાર મહિના પછીની ડેટ આપું તો ચાલશે? રવૈલે કહ્યું, ‘હું ચાર મહિના શું, એક વર્ષ રાહ જોવા તૈયાર છું.’ પરંતુ એક જ મહિનામાં તેમણે વૈજયંતીમાલાને લઈને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. આવું શા માટે થયું? એક સફળ અભિનેત્રીની કારકિર્દીને અચાનક કેમ ગ્રહણ લાગી ગયું? એ કિસ્સા સાથે  સાધનાની વાતો આવતા રવિવારે પૂરી કરીશું.  

columnists rajani mehta gujarati mid day lifestyle news life and style