મહામારીના બૅકગ્રાઉન્ડમાં ગુલઝારનો અનોખો પ્રેમરોગ પ્લેગની ખુશ્બૂ

21 March, 2020 04:23 PM IST  |  Mumbai | Raj Goswami

મહામારીના બૅકગ્રાઉન્ડમાં ગુલઝારનો અનોખો પ્રેમરોગ પ્લેગની ખુશ્બૂ

‘ખુશ્બૂ’

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

કુદરતી આફતોના બૅકગ્રાઉન્ડમાં આપણે ત્યાં જૂજ ફિલ્મો બની છે. હૉલીવુડ એની ડિઝૅસ્ટર ફિલ્મો માટે પ્રખ્યાત છે. ટેક્નૉલૉજીની દૃષ્ટિએ હૉલીવુડ ઘણું વિકસિત છે એટલે એ આ ભવ (પૃથ્વી) અને પરભવ (પરગ્રહો)ની ઘણી ઍડ્વેન્ચર ફિલ્મો બનાવે છે. અત્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસનો કેર મચ્યો છે ત્યારે નવ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘કૉન્ટેજન’ (ચેપી રોગ) નામની ફિલ્મ ફરીથી ધૂમ મચાવી રહી છે. એનું કારણ એ છે કે કોરોનાની જેમ જ આ ફિલ્મમાં એક અજાણ્યો વાઇરસ ફેલાય છે અને દુનિયાની વ્યવસ્થા ખોરવી નાખે છે અને છેલ્લે એની રસી શોધીને રોકવામાં આવે છે. ૨૦૦૭માં કોલંબિયન નોબેલ પારિતોષિક વિજેતા ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેજની નવલકથા ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ પરથી ફિલ્મ આવી હતી જેમાં તેની નાયિકા પ્રેમીને છોડીને એક ડૉક્ટરને પરણે છે જે દેશમાં કૉલેરા નાબુદીના અભિયાનમાં દેશનો હીરો સાબિત થાય છે.

આપણે ત્યાં ગુલઝારની ‘ખુશ્બૂ’ (૧૯૭૫)માં પ્લેગનું બૅકગ્રાઉન્ડ હતી. એમાં ડૉ. વૃંદાવન (જિતેન્દ્રના ગામમાં પ્લેગ ફાટી નીકળે છે અને એ દરમિયાન વૃંદાવન કુસુમ (હેમા માલિની) નામની બાજુના ગામની કુંવારી સ્ત્રીના પરિચયમાં આવે છે જેને તે ઓળખી શકતો નથી પણ કુસુમને ખબર છે કે વૃંદાવન તેના નાનપણના વિવાહનો પતિ છે અને જેની રાહમાં તે લગ્ન કર્યા વગર રહેતી હતી. બચપણમાં બન્નેના પરિવારો વચ્ચે અંટસ પડે છે એટલે વિવાહ ફોક થાય છે અને વૃંદાવન મોટો થઈને લાખી (શર્મિલા ટાગોર)ને પરણે છે જે ચરન (માસ્ટર રાજુ)ને જન્મ આપીને પ્લેગની બીમારીમાં મૃત્યુ પામે છે.

બીજી તરફ કુસુમ તેના ભાઈ સાથે બાજુના ગામમાં એકલી જીવન ગુજારતી હોય છે અને ગામની એક બીમાર મહિલાની સારવાર માટે વૃંદાવનને બોલાવવામાં આવે છે ત્યારે તે તેને ઓળખી જાય છે અને ધીમે-ધીમે તે વૃંદાવન અને ચરનની નજીક આવે છે. પ્લેગમાં બહુ લોકો મરી જાય છે. વૃંદાવનના કમ્પાઉન્ડરને પણ પ્લેગ ભરખી જાય છે. લોકો ઘરબાર છોડીને જતા રહે છે. વૃંદાવન તેના દીકરાને કુસુમમાં સહારે મૂકીને દરદીઓની સારવાર કરે છે. સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘પંડિત મશાઈ’ નવલકથા (અને એ જ નામની બંગાળી ફિલ્મ) પરથી ગુલઝારે ‘ખુશ્બૂ’ બનાવી હતી. સરતબાબુની ખુદની પહેલી પત્ની અને બાળક પ્લેગમાં મરી ગયાં હતાં.

રમેશ સિપ્પી જે વર્ષે રામગઢમાં ‘શોલે’ની જંગલી આગને ડબ્બામાં ઢાળી રહ્યા હતા ત્યારે ગુલઝાર ‘ખુશ્બૂ’ના સેટ પર ઉદાસીને પંપાળી રહ્યા હતા. ૧૯૭૫માં બન્ને ફિલ્મોએ પોતાનું સ્થાન ઊભું કરી દીધું; ‘શોલે’એ આખું મેદાન કબજે કર્યું, ‘ખુશ્બૂ’એ એનો એક ખૂણો પકડી રાખ્યો. બન્નેમાં હેમા માલિની હતી. ‘શોલે’ના સેટ પર હેમા ઘાઘરા-ચોળીમાં નખરાળી બસંતી બનીને ધાંય-ધાંય બોલીને શુટિંગ કરતી હતી, એ જ દિવસોમાં ગુલઝારે એને ‘ખુશ્બૂ’ના સેટ પર કૉટનની સાડીમાં ગુંગી ગુડિયા જેવી કુસુમ બનાવી દીધી હતી. હેમાનું એ બે ફિલ્મોના સેટ અને મૂડ વચ્ચેનું ડિસકનેક્ટ જબરદસ્ત છે. જિતેન્દ્ર જાણે ‘પરિચય’ના સેટ પરથી સીધો જ આવ્યો હોય એમ સાદાં સફેદ પૅન્ટ-શર્ટ અને પેન્સિલ-કટ મૂછોમાં ઓળખાય જ નહીં કે આ જમ્પિંગ જૅક છે.

ગુલઝારનાં ગીતો-કવિતાઓમાં ‘‘ખુશ્બૂ’ લફ્ઝ બહુ આવે છે. ‘‘ખુશ્બૂ’ ટાઇટલ ગુલઝારે તેમની આગળની ‘ખામોશી’ના ગીત ‘હમને દેખી હૈ ઇન આંખોં કી મહકતી ખુશ્બૂ ...’માંથી લીધું હતું. પછી ‘કજરા રે..’’ (બંટી-બબલી, ૨૦૦૫) માં ગુલઝાર લખે છે, ‘તેરી બાતોં મેં કીમામ કી ખુશ્બૂ હૈ...’

રોમૅન્ટિક સંબંધોની બદમાશીઓ અને પીડાઓને ગુલઝારે તેમની બધી જ ફિલ્મોમાં નૉન-જજમેન્ટલ બનીને પેશ કરી છે. ‘ખુશ્બૂ’માં બાળપણમાં જ પરણાવી દેવાયેલી અને પછી અપશુકનિયાળ ગણીને ત્યજાયેલી કુસુમનો નારીવાદ આજે ઘણાને નબળો લાગે, પણ આજીવન માણીગર માટે ઇન્તેજાર કરતી અને તે મળે ત્યારે તેને પોતાની શરત પર સ્વીકારતી કુસુમમાં બહુ ડિગ્નિટી હતી.

૨૦મી સદીના આરંભે સરતચંદ્રએ સિંગલ વુમનની વાર્તા લખી હતી. તે સ્વતંત્ર છે, બુદ્ધિશાળી છે અને સાહસિક છે. તે તેના સંઘર્ષને તેની શરતે જીવે છે. તમે તેને આજની સ્ત્રી કહી શકો. ગુલઝાર કહે છે, ‘સરતચંદ્રએ મને પરિવારની જટિલતાઓથી પરિચય કરાવ્યો હતો.’

‘ખુશ્બૂ’માં બે ગીતોમાં આખી ફિલ્મનો નિચોડ અને કુસુમ તેમ જ વૃંદાવનની પરિસ્થિતિનું બયાન હતું. કુસુમ જ્યારે વૃંદાવનના દીકરા ચરનની લાડકી જાય છે અને ત્યારે જ વૃંદાવનની મા તેના માટે વહુ જોવા શહેર જાય છે. એક પરિચિત મહિલા કુસુમને કહે છે, “તને ખબર છે કે વૃંદાની મા તેના વિવાહ માટે શહેર ગઈ છે તો પણ તે વૃંદા અને તેના છોકરાને ઘરમાં રાખ્યા છે?’ ઉદાસ કુસુમ ત્યારે કહે છે, ‘જીવનમાં થોડીક ખુશીઓ મેળવવાનો મારા માટે આ છેલ્લો અવસર છે. કદાચ આજ પછી મને મોકો નહીં મળે અને બધી આશાઓ ખોવાઈ જશે.’

પછી એક દિવસ વૃંદાવન કુસુમને કહે છે કે મા શહેરથી પછી આવી ગઈ છે અને તે હવે પાછો ઘરે જશે ત્યારે કુસુમ ભાવાવેશમાં નિર્દોષ સવાલ પૂછે છે, ‘ચરન પણ સાથે આવશે?’ વૃંદાવન હા કહે છે. ત્યારે તે સરળતાથી કહે છે, ‘હું ચરનને તૈયાર કરી દઈશ.’ એ રાત કુસુમ માટે અઘરી હોય છે. તેણે આખું જીવન વૃંદાવનની રાહ જોઈ હતી અને હવે સવારે તે કદાચ કાયમ માટે જતો રહેવાનો છે. ગુલઝારે કુસુમની એ ભાવનાને ઉજાગર કરવા લખ્યું હતું ઃ

દો નૈના મેં આંસુ ભરે હૈં

નિંદિયા કૈસે સમાયે

ડૂબી ડૂબી આંખોં મેં, સપનોં કે સાયે

રાત ભર અપને હૈં, દિન મેં પરાયે

કૈસે નૈનોં મેં નિંદિયા સમાયે

આ ગીત કુસુમના જીવનની કથા છે. એનું ફિલ્માંકન પૂરી ફિલ્મ પર ભારે પડે છે. ગીત ધીમી ગતિએ વહે છે અને વચ્ચે-વચ્ચે મૌન આવે છે. કૅમેરા એકદમ નજીકથી કુસુમ અને વૃંદાવનના હાવભાવ પકડીને પ્રસ્તુત કરે છે. ગીતની વચ્ચે અચાનક કોઈ અવાજ સાંભળીને કુસુમ ચૂપ થઈ જાય છે. પડછાયા પરથી તેને સમજાય છે કે વૃંદાવન આવ્યો છે. પછીના દૃશ્યમાં પડછાયો દૂર થઈ જાય છે. નિર્દેશક ગુલઝારની આ કમાલ હતી કે તે આ રીતે વૃંદાવનના જતા રહેવાની વાતને રજૂ કરે છે. 

બાકી હતું એ કિશોરકુમારે પૂરું કર્યું. ‘ઓ માંઝી રે, અપના કિનારા, નદિયા કી ધારા...’માં કિશોરે સંભાળનારાઓનાં દિલ નિચોવી નાખેલાં. કહે છે કે જ્યારે આ ગીત રેકૉર્ડ થતું હતું ત્યારે કિશોરના અવાજમાં જે પીડા હતી એ સૌની આંખો ભીની કરી ગઈ હતી. કિશોરનાં ગીતોમાં આ સૌથી શ્રેષ્ઠ ગીત છે. એમાં પાછળ બૅકગ્રાઉન્ડમાં આર. ડી. બર્મને ક્યાંક રહી ગયેલી સંગિનીને યાદ કરી રહેલા વૃંદાવન (જિતેન્દ્ર)ની ખિન્નતાને વહેતા પાણી જેવા સંગીતમાં બખૂબી પેશ કરી હતી. ગુલઝારે ૧૯૭૭માં હેમા અને જિતેન્દ્રને ફરીથી ‘કિનારા’માં રિપીટ કર્યાં ત્યારે એ ટાઇટલ આ ‘ઓ માંઝી રે...’ગીતમાંથી આવ્યું હતું.

ડૉ. વૃંદાવનના માથે એક તરફ પ્લેગના દરદીઓની સારવાર કરવાની જવાબદારી છે ત્યારે બીજી તરફ કુસુમની કુણી લાગણીનું શું કરવું તેના માટે ગૂંચવણમાં છે. ગુલઝારે વૃંદાવનની આ કશ્મકશને અદ્ભુત રીતે આ ગીતમાં પેશ કરી હતી. આ ગીતમાં ગુલઝારની પોએટ્રી ખરેખર અવિસ્મરણીય છે. નાનપણમાં કાગળની હોડીને જેમણે વરસાદના પાણીમાં ફેરવી હશે તેને ખબર હશે કે એનો કોઈ કિનારો નથી હોતો, એની કોઈ દિશા નથી હોતી અને એનો કોઈ નાવિક નથી હોતો:

સાહિલોં પે બહનેવાલે કભી સુના તો હોગા કહીં

કાગજોં કી કશ્તીઓં કા કહીં કિનારા હોતા નહીં

ઓ માંઝી રે,

કોઈ કિનારા જો કિનારોં સે મિલે વો અપના કિનારા હૈ

પાનીઓ મેં બહ રહે હૈં, કઈ કિનારે ટૂટે હુએ

રાસ્તો મેં મિલ ગએ હૈં, સભી સહારે છૂટે હુએ

કોઈ સહારા મઝધારે મેં મિલે જો, અપના સહારા હૈ...

ઓ માંઝી રે,

અપના કિનારા નદિયા કી ધારા હૈ

ગુલઝારે એક વાર કહ્યું હતું, ‘મારાં ગીતોમાં ગુસ્સો નથી, કડવાહટ નથી; કારણ કે મારામાં કડવાહટ નથી. એક કલાકાર તરીકે મારે માત્ર મારા કે મારાં બાળકોના નહીં, પણ પૂરી દુનિયાના ભવિષ્ય માટે આશાવાદી રહેવું પડે.’

‘ખુશ્બૂ’ એ આશાની વાર્તા હતી.

raj goswami weekend guide columnists