ઇજાઝત : વેઇટિંગ રૂમમાં રચાતી કવિતા

14 November, 2020 01:34 PM IST  |  Mumbai | Raj Goswami

ઇજાઝત : વેઇટિંગ રૂમમાં રચાતી કવિતા

ઇજાઝત

ઇજાઝત પ્રેમ કહાની નથી, પરંતુ પ્રેમભંગની અને એની પીડાની કહાની છે. ઈમાનદાર પણ બેબસ મહેન્દર, અપરિપક્વ પણ કલ્પનાઓમાં રાચતી માયા અને મક્કમ મનની પણ સમજદાર સુધાના માધ્યમથી ગુલઝારે એક કહાની રચી હતી; જેને તમે સારી કે ખરાબના લેબલ નીચે ન મૂકી શકો. ગુલઝારે એમાં કોઈ જજમેન્ટ આપ્યું નહોતું

માનવીય લાગણીઓ બહુ જટિલ હોય છે. કોઈ વ્યક્તિનો અમુક વ્યવહાર આપણા વિચારો કે માન્યતાને પ્રતિકૂળ હોય તો એને ‘ખરાબ’ની શ્રેણીમાં મૂકવો અને અનુકૂળ હોય તો ‘સારા’ની શ્રેણીમાં ગણવો એ જેટલી સહજ વૃત્તિ છે એટલી જ સહજતા એ વ્યક્તિના વ્યવહારની પણ હોય છે. લાગણીઓ કાળી કે ધોળી સ્પષ્ટ નથી હોતી, પણ વચ્ચે ક્યાંક ધૂંધળી હોય છે. એટલા માટે જ, જિવાતા જીવનમાં આપણે એવી તમામ માનવીય વૃત્તિઓના સાક્ષી બનીએ છીએ, જે આપણે ઘડેલી ‘આદર્શ’ પરિસ્થિતિમાં બંધ નથી બેસતી.

મુખ્ય ધારાની હિન્દી ફિલ્મો માનવીય લાગણીઓને મોટા ભાગે કાળી-ધોળી સીમાઓની અંદર ચીતરતી હોય છે, કારણ કે ફિલ્મોનું કામ (આપણે ધારી લીધા પ્રમાણે) માનવીય વાસ્તવિકતા બતાવવાનું નહીં પણ આદર્શનો પ્રચાર કરવાનું છે. તેમ છતાં અમુક ફિલ્મસર્જકો એવું સાહસ કરે છે જે ‘લોકો તો આવું જ જોવાનું પસંદ કરે છે’ની આગે સે ચાલી આવતી માન્યતાને તોડવાનું કામ કરે છે. ગુલઝારે ૧૯૮૭માં ‘ઇજાઝત’માં આવું સાહસ કર્યું હતું અને એમાં સફળ પણ રહ્યા હતા.
‘ઇજાઝત’ વિવાહેતર સંબંધની કહાની નહોતી, પરંતુ એક વિષમ પરિસ્થિતિમાં અટવાઈ ગયેલા એવા ત્રણ લોકોની એવી કહાની હતી જે એના તાણાવાણા છૂટા પાડવાની મથામણ કરતા હતા. આમ તો એક જ રાતની કહાની હતી, પરંતુ ગુલઝાર તેમની મોટા ભાગની ફિલ્મોમાં કરે છે તેમ ફ્લૅશબૅકથી પૂરી વાર્તા માંડે છે. આ કહાની એક એવા વિવાહિત યુગલ મહેન્દર અને સુધા (નસીરુદ્દીન શાહ અને રેખા)ની છે જે પરિસ્થિતિવશ અલગ થઈ ગયાં છે અને અમુક સમય પછી અચાનક એક રાત્રે એક રેલવે-સ્ટેશનની વેઇટિંગ રૂમમાં એકબીજાને ટકરાઈ જાય છે.

તેઓ વેઇટિંગ રૂમમાં એક રાત ગાળવા માટે મજબૂર છે એટલે બન્ને તેમની વીતેલી જિંદગીની નોટ્સની આપ-લે કરે છે. મહેન્દર ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોય છે અને તેના દાદા (શમ્મી કપૂર)નું બહુ સન્માન કરતો હોય છે. સંયોગથી, સ્કૂલ ટીચર સુધા સાથે તેના પાંચ વર્ષથી વિવાહ થયેલા છે અને તે લગ્ન માટે ગલ્લાંતલ્લાં કરે છે. તેના દાદા તેનાં લગ્ન નક્કી કરી નાખે છે.

મહેન્દર સુધાને જાણ કરે છે કે તે માયા (અનુરાધા પટેલ) નામની છોકરીને પ્રેમ કરે છે. માયા મનસ્વી અને જિદ્દી છોકરી છે. મહેન્દર માયાને લગ્નની જાણ કરવા ઘેર જાય છે, પણ માયા મહેન્દર માટે લખેલી કવિતાઓ મૂકીને ઘર છોડીને જતી રહી હોય છે. દાદાએ નક્કી કરેલી તારીખ પ્રમાણે મહેન્દર સુધા સાથે લગ્ન કરી લે છે.

બન્ને સુખરૂપ તેમનો સંસાર શરૂ કરે છે, પણ અચાનક માયાની વાપસીથી એમાં ખલેલ પડે છે. સુધા માયા માટે મહેન્દરના પ્રેમને સમજતી હોય છે. તેને ખબર છે કે તે મહેન્દરનો એકમાત્ર પ્રેમ નથી, છતાં તે મહેન્દર સાથે જીવન વિતાવવા માગે છે. સુધાને માયાની અલ્લડ વૃત્તિ માટે પણ સહાનુભૂતિ છે. તેને ખબર છે કે માયા મહેન્દર માટે ઝનૂની છે અને ખુદને નુકસાન કરે તેટલી જક્કી છે. ગુલઝારે આ ત્રણે વ્યક્તિઓની મજબૂરીને ‘સારા-ખોટા’નું લેબલ આપ્યા વગર અત્યંત સંવેદનશીલ રીતે પેશ કરી હતી.

ફિલ્મનો એક માર્મિક હિસ્સો એ છે જ્યાં નવપરિણીત મહેન્દર અને સુધા માયા વિશે વાતો કરે છે. ઘરમાં માયાની અનેક ચીજો આમતેમ પડેલી છે અને એ સુધાને માયાની હાજરીનો અહેસાસ કરાવતી રહે છે. સુધા એટલી સજ્જન છે કે તેને તેના પતિના ભૂતકાળના પ્રેમની નિશાનીઓ ગણીને સાચવે છે. સુધા જ મહેન્દરને આગ્રહ કરે છે કે આ બધી ચીજી સાચવીને માયાને પાછી આપી દેવી જોઈએ.

મહેન્દર બધી ચીજો પહોંચાડે છે તો માયા તેની લાગણીશીલતામાં ઓર નારાજ થઈ જાય છે અને તેની અસલામતી વધી જાય છે. એ લાગણીમાં તે મહેન્દરને એક પત્ર લખીને ‘અન્ય ચીજો’ જે બાકી રહી ગઈ છે એ પણ મોકલી આપવા કહે છે. મહેન્દર આ પત્ર સુધા સમક્ષ વાંચે છે અને સુધાને તેની ચીજો પાછી મોકલી આપવાનો અફસોસ થાય છે. તે મહેન્દરને માર્મિક રીતે કહે છે પણ ખરી, ‘યૂં ભી તો દિનરાત માયા હમારે સાથ રહ રહી હૈ, સામાન ભી રહ જાતા તો ક્યા હો જાતા?’

આ પત્ર ‘ઇજાઝત’ ફિલ્મનું (અને હિન્દી સિનેમાના સંગીતના ઇતિહાસનું) સૌથી બહેતરીન ગીત બની જાય છે. આ ખાલી ગીત જ નથી, ગુલઝારની કલમમાંથી નીકળેલી એક ઉમદા કવિતા પણ છે;
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ
સાવન કે કુછ ભીગે દિન રખ્ખે હૈં
ઔર મેરે એક ખત મેં લિપટી રાત પડી હૈ
વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો
આ ગીત હવે તો દંતકથા બની ગયું છે. ‘ઇજાઝત’ ફિલ્મ જો શેર હતી તો આ ગીત સવાશેર હતું. ગુલઝારે અછાંદસ ગીત લખ્યું હતું અને સંગીતકાર આર. ડી. બર્મન એને સાંભળીને અકળાઈ ગયા હતા. ગુલઝાર એને યાદ કરીને કહે છે, ‘મારા લિરિક્સ તેને આકળવિકળ કરતા હતા. એક તો બેચારે કી હિન્દી વીક થી ઔર ઉપર સે મેરી પોએટ્રી! મેં તેને મેરા કુછ સામાન આપ્યું તો કાગળ ફેંકી દઈને કહ્યું-કાલે ઊઠીને તું મને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની હેડલાઇન આપીને કહીશ કે આના પર ધૂન બનાવ.’
આ ઘટના બની ત્યારે આશા ભોસલે ત્યાં હાજર હતાં અને તેમણે ‘વો લૌટા દો’ શબ્દને જે રીતે ગણગણવાનું શરૂ કર્યું, એ સાંભળીને આર.ડી.એ હાર્મોનિયમ પર ધૂન સેટ કરવાનું શરૂ કર્યું અને પછી એક અદ્વિતીય ગીત પેદા થયું. આશા ભોસલેએ એક ઇન્ટરવ્યુમાં આ ગીતને આત્મકથાનાત્મક ગણાવ્યું હતું, ‘મેરા કુછ સમાન... આ ગીતમાં મારું જીવન છે. પંચમ (આર.ડી. બર્મન) મજાકમાં એને લગેજ સૉન્ગ કહેતો હતો.’
આશા અને ગુલઝારને આ જ ગીત માટે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.
આ ગીત સાથે જોડાયેલી બીજી એક વાત પણ દિલચસ્પ છે. ગીતમાં અંત ભાગે ગુલઝાર એક ખૂબસૂરત કલ્પના રચે છે;
એક સો સોલહ ચાંદ કી રાતેં,
એક તુમ્હારે કાંધે કા તીલ
ગીલી મેહંદી કી ખુશ્બૂ, ઝૂઠમૂઠ કે શિકવે કુછ
ઝૂઠમૂઠ કે વાદે ભી સબ યાદ કરા દો
સબ ભિજવા દો, મેરા વો સામાન લૌટા દો
વિશ્વાસ નેરુરકર અને વિશ્વનાથ ચૅટરજી નામના બે લેખકોએ ૨૦૧૦માં સંગીત કળા કેન્દ્ર તરફથી ગુલઝાર અને પંચમે બનાવેલાં ગીતોનો એક સંગ્રહ ‘કતરા કતરા’ બહાર પાડ્યો હતો. ગુલઝાર કહે છે કે પંચમે ધૂન સેટ કરી હોય એવાં મારાં ગીતોની તેમણે યાદી બનાવી તો ખબર પડી કે એની સંખ્યા એકદમ ‘એક સો સોલહ’ હતી. મેં અજાણતાં જ ૧૧૬ રાતોની વાત લખી હતી. ભારતના પૌરાણિક સાહિત્યમાં ચંદ્રની ૧૧૬ અવસ્થાનો ઉલ્લેખ પણ છે.

‘ઇજાઝત’માં બીજાં ત્રણ ગીતો હતાં. એમાં ‘કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો,’ ‘ખાલી હાથ શામ આયી હૈ, ખાલી હાથ જાએગી’ અને ‘ છોટી સી કહાની સે, બારીશોં કે પાની સે’ પણ બેહદ ખૂબસૂરત કવિતા હતી. ઇન ફૅક્ટ, ‘ઇજાઝત’ ફિલ્મ ખુદ એક કવિતા હતી. કવિતામાં અમુક વિચારો ભાવનાત્મક સ્વરૂપે રજૂ થાય છે, પણ વાસ્તવમાં કોઈ નક્કર ઘટના બનતી નથી.
‘ઇજાઝત’માં પણ કશું બનતું નથી. મહેન્દર અને સુધા વરસાદ તેમ જ ટ્રેનની ગરબડના કારણે રેલવે -સ્ટેશન પર અટવાઈ જાય છે, ભૂતકાળને યાદ કરે છે અને સવારે પતિ (શશી કપૂર) લેવા આવે છે ત્યારે સુધા મહેન્દરની ‘ઇજાઝત’ લઈને પતિ સાથે ત્યાંથી જતી રહે છે. ત્યારે મહેન્દરની ટ્રેનનો પણ સમય થઈ ગયો હોય છે. ગુલઝારને એટલું જ જાણવામાં રસ હતો કે ભૂતપૂર્વ કપલ વર્ષો પછી ભેગાં થાય તો તેમનો ભૂતકાળ વર્તમાનના પડદાને સંકોરીને કેવી રીતે ડોકિયાં કરતો રહે. દાખલા તરીકે;
વેઇટિંગ રૂમમાં મહેન્દર સિગારેટ સળગવા માટે માચીસ ફંફોસે છે અને મળતી નથી તો સુધા માચીસ આપે છે. એ જોઈને મહેન્દર બોલે છે, ‘અબ ભી માચીસ રખતી હો? પહલે તુમ મેરે લિએ રખતી થી...અબ?’
‘અપને લિએ રખતી હૂં.’
‘મતલબ... સિગરેટ પીના શુરુ કર દિયા ક્યા?’
‘નહીં... આપકી ભૂલને કી આદત નહીં ગઈ ઔર મેરી રખને કી આદત નહીં ગઈ.’
‘ઇજાઝત’ બંગાળી ફિલ્મ ‘જાતુગૃહ’ પર આધારિત હતી, જે સુબોધ ઘોષની બંગાળી નવલકથા પરથી બનાવવામાં આવી હતી. તપન સિંહાએ એને નિર્દેશિત કરી હતી અને ઉત્તમકુમારે એમાં કામ કર્યું હતું. એમાં કહાની થોડી જુદી હતી. શતદલ અને માધુરી બાળક નહીં થવાના કારણે છૂટાં થઈ ગયાં હોય છે અને અચાનક રેલવે-સ્ટેશન પર ભેગાં થઈ જાય છે ત્યાંરે તેમને ખ્યાલ આવે છે કે બન્ને વચ્ચેનો સ્નેહ ઘટ્યો નથી. ગુલઝારે એમાં માયા નામની ‘બીજી સ્ત્રી’નો ઍન્ગલ ઉમેરીને ફિલ્મને આધુનિક રંગ આપ્યો હતો.

‘ઇજાઝત’ પ્રેમ કહાની નથી, પરંતુ પ્રેમભંગની અને એની પીડાની કહાની છે. ઈમાનદાર પણ બેબસ મહેન્દર, અપરિપક્વ પણ કલ્પનાઓમાં રાચતી માયા અને મક્કમ મનની પણ સમજદાર સુધાના માધ્યમથી ગુલઝારે એક કહાની રચી હતી; જેને તમે ‘સારી’ કે ‘ખરાબ’ના લેબલ નીચે ન મૂકી શકો. ગુલઝારે એમાં કોઈ જજમેન્ટ આપ્યું નહોતું. ત્રણે પાત્રો પોતપોતાની સંવેદનાઓ પ્રમાણે વર્તતાં હતાં અને ‘આણે આમ કેમ કર્યું અને તેણે તેમ કેમ કર્યું’ એવા કોઈ પ્રશ્નો માટે એમાં સ્થાન નહોતું. ફિલ્મમાં ન તો કોઈ હીરો હતા કે ન કોઈ વિલન. ફિલ્મમાં માત્ર માણસો હતા, જે જાણે જીવનની વેઇટિંગ રૂમમાં મળે છે, છૂટા પડે છે અને એની વચ્ચે ભાવનાઓનું કૅલિડોસ્કોપ દૃશ્ય રચાય છે.

raj goswami columnists weekend guide