કોરોના સામે લડવા માટે અમલમાં મૂકવામાં આવેલા આ વિચારના કેન્દ્રમાં શું છે

22 March, 2020 09:37 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના સામે લડવા માટે અમલમાં મૂકવામાં આવેલા આ વિચારના કેન્દ્રમાં શું છે

પ્રતીકાત્મક તસવીર

આજે જનતા કરફ્યુ છે. જનતા કરફ્યુ શું છે એ હવે કોઈને કહેવું પડે કે સમજાવવું પડે એવું રહ્યું નથી. બે દિવસમાં એટલા મેસેજ આ બાબતના આવી ગયા કે હવે તો આ શબ્દ પણ ફૅમિલિયર બની ગયો છે, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતે આ જનતા કરફ્યુ શબ્દ પહેલી વાર સાંભળ્યો છે, જાણ્યો છે. ‘જનતા રેઇડ’ નામનો એક શબ્દ છે. આ શબ્દથી પ્રજા વાકેફ છે. કહી કહીને, ફરિયાદ કરી કરીને પ્રજા થાકી જાય અને એ પછી પણ પ્રશાસન કોઈ પગલાં ન લે ત્યારે પ્રજા કાયદો હાથમાં લે અને પોતે જઈને જ્યાં ખોટું કામ ચાલતું હોય ત્યાં રેઇડ પાડી કસૂરવારોને પકડે કે પછી તેમને કામ કરતા અટકાવે એને ‘જનતા રેઇડ’ કહેવામાં આવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર દેશમાં ‘જનતા કરફ્યુ’નું એલાન કર્યું છે. મારે તમને રોકવા નથી, મારે કોઈને ટોકવા નથી. આ કામ તમે જ કરો અને તમે જ તમારી જાતને કાબૂમાં લાવો.
બસ, આવા જ ભાવ સાથે આ પગલાં લેવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ‘જનતા કરફ્યુ’ની આવશ્યકતા આપણને સૌકોઈને હતી એ નિખાલસપણે કબૂલ કરવું જોઈએ. કહેવામાં આવતું હતું ત્યાં સુધી આપણે બધાએ આ વાતને જરા પણ ગંભીરતા વિના જ લીધા કરી. કહેવામાં આવ્યું કે નીકળવાનું ટાળો તો માન્યા નહીં, કહેવામાં આવ્યું કે ઘરમાં રહો તો માન્યું નહીં, કહેવામાં આવ્યું કે બાળકોને ઘરે રાખો તો પણ માન્યા નહીં. આપણે ત્યાં એક નિયમ છે. નિયમ હશે તો આપણે એનું પાલન કરીશું, પણ જો નિયમ નહીં હોય, બંધન મૂકવામાં નહીં આવે તો કોઈ વાતને અનુસરવી નથી. સેલ્ફ-ડિસિપ્લ‌િનના અભાવને પગલે આજની આપણી આ સિચુએશન ઊભી થઈ છે.
જાળવવું પડશે, નિયમો પાળવા પડશે અને જાત માટે પણ નિયમો બનાવવા પડશે. જો તમે તમારા નિયમો નહીં બનાવો તો કોઈ ત્રાહિત આવીને નિયમ બનાવી જશે. એવું બને એના કરતાં તો બહેતર છે કે તમે તમારા નિયમો બનાવો, વાજબી રીતે અને સર્વજનના સુખ માટેના નિયમો બનાવો અને એનું પાલન કરો. ‘જનતા કરફ્યુ’નો આજે અમલ કરવાનો છે, પણ જો એનો અમલ ન થયો કે પછી લોકોએ હજી પણ એમાં બેદરકારી દાખવી તો ચોક્કસપણે દેશમાં કે પછી અનિવાર્ય હોય એવાં રાજ્યોમાં કરફ્યુ લગાડીને પણ લોકોને ઘરમાં રાખી શકાય છે. જે સમયે એ સ્ટેપ લેવાશે એ સમયે લોકો ઘરમાં પડ્યા રહેવા રાજી પણ થશે, પરંતુ એવું કરવામાં માત્ર એક જ પ્રૉબ્લેમ છે. સામાન્ય લોકોના મનમાં કોરોનાનો ડર બહુ ખરાબ રીતે ફેલાશે અને એવું અત્યારે થાય એ વાજબી નથી. શક્ય હોય ત્યાં સુધી વાત કાબૂમાં રહીને કન્ટ્રોલમાં આવી જાય એવી નીતિ રાખવી જોઈએ અને એ જ સાચી રીત છે. ઍટ લીસ્ટ એટલા તો સ્વાર્થી બનો કે તમે તમારું ધ્યાન રાખતા થઈ શકો. યાદ રાખજો, અમરપટ્ટો લઈને કોઈ નથી આવ્યું, પરંતુ એનો અર્થ એવો નથી કે વહેલા જવા માટે પણ બધા તૈયાર હોય. ના, કોઈ જવા રાજી નથી અને ખાસ તો, આવી મહામારીને કારણે જવું પડે એવું તો કોઈ નહીં ઇચ્છે. બસ, માત્ર એટલું કહેવું છે કે નિયમ તમારા હાથમાં છે ત્યારે સહકાર આપો, સહયોગી બનો.

manoj joshi columnists coronavirus janta curfew covid19