મૅસ્ટરબેશનની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો

03 December, 2020 07:42 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

મૅસ્ટરબેશનની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મને મહિનામાં દસ-બાર વાર મૅસ્ટરબેશન કરવાની આદત છે. મોટા ભાગે ડૉ. પ્રકાશ કોઠારી કહેતા હોય છે કે હસ્તમૈથુન કરવાથી કોઈ જ નુકસાન નથી થતું, પણ શું એની ફ્રીક્વન્સી સેટ કરવી જોઈએ ખરી? ક્યારેક મૅસ્ટરબેશન વખતે ખૂબ જ ઓછું વીર્ય નીકળે છે એટલે ચિંતા થાય છે. પહેલાં મને વારંવાર નાઇટફૉલ થતો હતો જે સમસ્યા હવે નથી રહી. નાઇટફૉલ વખતે ઘણું ગાઢું વીર્ય નીકળતું હતું, હવે પાતળું આવે છે. ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો. ક્ષમતા સુધારવા માટે શું કરવું? મારો એક દોસ્ત ક્યારેક એક રાતમાં બે વાર મૅસ્ટરબેટ કરે છે. મારા કેસમાં એવું શક્ય બનતું નથી. એ દોસ્તનું લગ્નજીવન ખૂબ સારું છે. મારાં લગ્ન હજી બાકી છે એટલે એ રીતની સલાહ આપજો.

જવાબ: હસ્તમૈથુન એ વ્યક્તિગત જાતીય આવેગોને ખાળવાનો અતિ અંગત વિકલ્પ છે. પાર્ટનર ન હોય અથવા તો સાથ આપી શકે એમ ન હોય ત્યારે જાતીય આવેગોને શમાવવાનો અને જાતે જ આનંદ મેળવવાનો આ ઉત્તમ રસ્તો છે. મૅસ્ટરબેશન વધુમાં વધુ કેટલી વાર કરી શકાય એ સવાલનો કોઈ જવાબ ન હોઈ શકે, કેમ કે એ વ્યક્તિની ઇચ્છા પર નિર્ભર છે. ઉંમર મુજબ બદલાતા હૉર્મોન્સના પ્રવાહના આધારે આ ઇચ્છામાં બદલાવ આવતો રહે છે. તમે ઉંમર કહી નથી, પણ લગ્ન બાકી છે એટલે હજી ૨૦-૩૦ વર્ષના જ હશો એવું ધારી લઉં છું. આ ઉંમરે કામેચ્છા વધુ પ્રબળ હોવાથી વધુ મન થતું હોય એ સ્વાભાવિક છે. જો ફ્રીક્વન્ટ્લી હસ્તમૈથુન કરવામાં આવે તો બીજી-ત્રીજી વારના મૅસ્ટરબેશનમાં વીર્યની માત્રા ઘટી જાય એ સ્વાભાવિક છે. જ્યારે તમે અમુક દિવસો સુધી મૅસ્ટરબેશન કરો નહીં ત્યારે ફરી વીર્યની માત્રામાં વધારો થાય છે.

એક વાત સમજી લેવી જોઈએ કે હસ્તમૈથુન એ કોઈ એવી ક્રિયા નથી જેમાં કૉમ્પિટિશન કરી શકાય. ફલાણી વ્યક્તિ આટલી વાર કરે છે માટે મારે પણ એનાથી વધુ વાર કરવું અને તો જ હું સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ કહેવાઉં એવી જો ધારણા હોય તો એ યોગ્ય નથી. તમે આ ક્રિયા આનંદ મેળવવા માટે કરો છો, કોઈને બતાવવા કે વધુ સંખ્યા ગણાવવા માટે નહીં એટલું હંમેશાં યાદ રાખો. કામાનંદમાં ક્વૉન્ટિટી નહીં, હંમેશાં ક્વૉલિટી જ મૅટર કરે છે.

columnists dr ravi kothari sex and relationships