ફિટનેસમાં આગળ વધવા માટે જરૂરી છે પ્રૉપર ગાઇડન્સ

25 October, 2021 12:03 PM IST  |  Mumbai | Rashmin Shah

વેબ-સિરીઝમાં લીડ ઍક્ટર તરીકે દેખાનારા કુશાગ્ર દુઆ વેલનેસનાં અનેક ફૉર્મ ટ્રાય કરી ચૂક્યો છે અને પ્રૉપર ઇન્સ્ટ્રક્ટર ન હોય ત્યારે કેવું નુકસાન થાય એ પણ અનુભવી ચૂક્યો છે

ફિટનેસમાં આગળ વધવા માટે જરૂરી છે પ્રૉપર ગાઇડન્સ

મૉડલિંગથી શરૂઆત કરીને ‘એક વિવાહ ઐસા ભી’, ‘નઝર’, ‘દિવ્ય દૃષ્ટિ’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ રિયલ અને ‘ગર્લફ્રેન્ડ ચોર’ વેબ-સિરીઝમાં લીડ ઍક્ટર તરીકે દેખાનારા કુશાગ્ર દુઆ વેલનેસનાં અનેક ફૉર્મ ટ્રાય કરી ચૂક્યો છે અને પ્રૉપર ઇન્સ્ટ્રક્ટર ન હોય ત્યારે કેવું નુકસાન થાય એ પણ અનુભવી ચૂક્યો છે

હજી ૬ વર્ષ પહેલાં જ મુંબઈમાં શિફ્ટ થયો છું, એ પહેલાં દિલ્હીમાં રહેતો. ટિપિકલ પંજાબી ફૅમિલીનો છું એટલે શરીરને કસાયેલું રાખવાનું, પણ સાથે ખાઈ-પીને મસ્ત રહેવાનું અમારા જીન્સમાં હોય. લગભગ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડથી જ મેં ફિટનેસ-ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. એ સમયે તો બસ બૉડી-શૉડી બનાવવાનો વિચાર હતો, પણ હું અહીં કહીશ કે ઍક્ટિંગ-ફીલ્ડમાં નહોતો એ સમયે પણ સારા દેખાવું એ મારા માટે મહત્ત્વપૂર્ણ વાત હતી, જેને કારણે મારી ફિટનેસને બહુ સરસ રીતે જાળવવાનું કામ થઈ શક્યું. તમારું ફીલ્ડ શું છે એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે તમે ફિટ હો અને તમને જોઈને લોકોના મનમાં પૉઝિટિવિટી આવતી હોય. ફિટનેસ હંમેશાં પૉઝિટિવ બનાવે.  ટ્વેલ્થમાં હતો ત્યારે પણ હું રોજ બે કલાક વર્કઆઉટ કરતો. 
ફિટનેસ એ તમારી આદત હોવી જોઈએ અને એ માટે કૉન્શિયસલી પ્રયાસો પણ કરવા જોઈએ. ઍટ લીસ્ટ મારા સર્કલમાં આ વાત હું સતત બધાને કહેતો રહું છું કે તમારી ફિટનેસને તમે તમારા રૂટીનનો હિસ્સો બનાવો. 
હું અને મારું વર્કઆઉટ
વર્ષો સુધી મે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ પર ફોકસ કર્યું છે, જેમાં હું વેઇટલિફ્ટિંગ ખૂબ કરતો. આજે પણ કરું છું, પરંતુ હવે એ સિવાય પણ વર્કઆઉટમાં બીજાં અનેક એક્સરસાઇઝ-ફોમ મેં ઍડ કર્યાં છે, જેમ કે ક્રૉસ ફિટ. આ ક્રૉસ ફિટ ફંક્શનલ ટ્રેઇનિંગનો જ હિસ્સો ગણાય છે. ફંક્શનલ ટ્રેઇનિંગ એટલે એવી ટ્રેઇનિંગ જેમાં તમે રોજબરોજની જે ઍક્ટિવિટી કરતા હો એમાં શરીરના જે સ્નાયુઓની સૌથી વધારે જરૂર પડતી હોય એની સ્ટ્રેન્ગ્થ વધારવી અને એમાં ફ્લેક્સિબિલિટી લાવવી. ફંક્શનલ ટ્રેઇનિંગનો ફાયદો એ છે કે એમાં તમે તમારી લાઇફ-સ્ટાઇલને શ્રેષ્ઠ રીતે જીવી શકો. તમારી ઍક્ટિવિટીમાં કોઈ વિક્ષેપ ન પડે. આપણે આ બાબતે ધ્યાન આપવું જોઈએ, પણ મોટા ભાગના જિમમાં એના પર ધ્યાન નથી અપાતું.અને એનું કારણ એ પણ છે કે સામાન્ય લોકોને એના વિશે વધારે ખબર નથી. મોટી ઉંમરે જે લોકોને ચાલવાની, બેસતી વખતે કે પછી બેઠા પછી ઊભા થવાની તકલીફ પડે છે તેને આ નિયમિત ફંક્શનલ ટ્રેઇનિંગથી બહેતર કરી શકાય. 
મને ટ્રેડમિલ પર દોડવું નથી ગમતું. એના કરતાં હું ગાર્ડનમાં કે પાર્કમાં દોડવાનું વધુ પસંદ કરું. જોકે સાથે એ પણ કહીશ કે મને ગ્રુપમાં થતી બધી કાર્ડિયો-પ્રૅક્ટિસમાં મજા આવે છે. ઝુમ્બા અને એરોબિક ડાન્સ બધું જ કરું. આટલાં વર્ષોના મારા વર્કઆઉટ એક્સ્પીરિયન્સ પરથી હું જે સમજ્યો છું એના આધારે કહીશ કે કાર્ડિયો તમારી હેલ્થમાં બહુ મહત્ત્વનો એસ્પેક્ટ છે. પણ હા, તમારી બૉડી-ટાઇપ અને તમારી ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ પ્રમાણે તમારે શું કરવું જોઈએ એ માટે કોઈ પ્રૉપર, નૉલેજેબલ લર્નેડ જિમ-ટ્રેઇનર કે ઇન્સ્ટ્રક્ટર સાથે હોય એ જરૂરી છે; ખાસ કરીને શરૂઆતના સમયમાં.
આજ ખાને મેં ક્યા હૈ?
ખાવા-પીવાની સભાનતા હોવી એ ફિટનેસનો પહેલો નિયમ છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. હું પણ ડાયટનું પુષ્કળ ધ્યાન રાખું છું. અત્યારે શૂટિંગ માટે આઉટડોર છું એટલે નિયમિત જિમમાં જવાનો સમય નથી મળતો, પણ એની કસર હું ડાયટ-કન્ટ્રોલથી પૂરી કરું છું. ખાવાનો હું શોખીન છું એ પણ એટલું જ સાચું છે, પરંતુ ફિટનેસના ભોગે મને જીભનો સ્વાદ પોષવો ગમતો નથી. 
છોલે-ભટુરે, કુલ્ચા જેવી બધી વરાઇટી મારી ફેવરિટ છે, પણ હું બહુ કન્ટ્રોલ કરું છું, કારણ કે મને ખબર છે કે થોડી છૂટ લઈશ તો એ મારા શરીર પર તરત દેખાશે. ઘણા ડાયટ-પ્લાન પણ મેં ફૉલો કર્યા છે. ફિટનેસ-ઇન્ડસ્ટ્રીમાં ચાલતી અમુક દેખાદેખીથી સહેજ ચેતીને આગળ વધવું જોઈએ. જેમ કે હું કિટો ડાયટ ફૉલો કરતો હતો, પણ એમાં મેં હાઈ-પ્રોટીનના ચક્કરમાં કાર્બોહાઇડ્રેટ ફૂડમાંથી મળતાં મહત્ત્વનાં વિટામિન્સ અને ઍન્ઝાઇમ્સની કમી ન થઈ જાય એનું ધ્યાન રાખ્યું છે અને એને માટેનાં જરૂરી સપ્લિમેન્ટ્સ પ્રોટીન-ડાયટ સાથે પણ ચાલુ રાખ્યાં હતાં. આજે પણ ઓવરઑલ હાઈ-પ્રોટીન ડાયટ જ પ્રીફર કરું છું, પણ સાથે ચીટ-મીલના દિવસે કાર્બ્સને પણ ડાયટમાં સામેલ કરી લઉં. જોકે આજે ગૂગલ-ગુરુને કારણે બધાને બધી ખબર છે અને બધા બધી વસ્તુ ટ્રાય કરી લે છે, પરંતુ માહિતી અને સમજણપૂર્વકનું જ્ઞાન એ બન્ને જુદી બાબત છે. હું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ કરું છું. મારી બૉડી પર એનું શ્રેષ્ઠ રિઝલ્ટ મળ્યું છે. દરેકને રેકમેન્ડ કરીશ, પરંતુ અગેઇન, કન્સલ્ટ ધ સ્પેશ્યલિસ્ટ ફર્સ્ટ. પ્રોટીન-ડાયટ પર રહેનારા લોકોને વિટામિન-એ, વિટામિન-સી, મૅગ્નેશ્યમ જેવા કાર્બોહાઇડ્રેટમાંથી મળતાં ન્યુટ્રિયન્ટ્સ નથી મળતાં. તમેે કીટો ડાયટ-પૅટર્ન ફૉલો કરો અને સપ્લીમેન્ટ્સ બહારથી ન લો તો તમારા શરીરને કીટોથી ફાયદો નહીં, નુકસાન જ થશે, પણ આ જાણકારી એક્સપર્ટ પાસેથી જ મળે.

 ગોલ્ડન વર્ડ્સ
શરીરને મંદિરની જેમ સાચવો, જો તમે કૅર કરશો તો જરૂર પડ્યે શરીર તમારી કૅર કરશે. 

columnists Rashmin Shah