નગીનબાપા વિદ્વાન નહોતા, વિદ્યાપુરુષ હતા

19 July, 2020 10:30 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

નગીનબાપા વિદ્વાન નહોતા, વિદ્યાપુરુષ હતા

કોઈ પણ સાહિત્યપ્રેમી ગુજરાતી એવો નહીં હોય જે ચુનીલાલ મડિયાના નામથી અને યોગદાનથી અજાણ હોય. ૧૯૬૦-’૬૫ના અરસામાં મડિયાએ એક વાર્તાલાપમાં કહ્યું હતું કે પેટવડિયું રળવા ખાતર એમએ થઈને પ્રોફેસર થયેલાઓ હકની રૂએ ભાષાના સમીક્ષક બની જાય છે. જે કૉલેજમાં પ્રોફેસર હોય તેમને આપણે વિદ્વાન માનીએ છીએ. મડિયાએ કહેલી વાત અક્ષરશઃ આમ નહીં હોય, પણ ભાવાર્થ તો લગભગ આવો જ હતો.

વિદ્વાન અને વિદ્યાપુરુષ એ બન્ને સમાનાર્થી શબ્દો નથી. વિદ્વાન તો શબ્દકોશને પણ ગણાવી શકાય. શબ્દકોશમાં જે-તે વિદ્યાશાખાના બધા જ શબ્દોનો સમાવેશ થાય છે, પણ એથી કાંઈ આ શબ્દકોશ વિદ્યાપુરુષ નથી બની જતો. ગયા અઠવાડિયે‍ પદ્‍મશ્રી અને શતાયુ વિદ્યાપુરુષ નગીનદાસ સંઘવીના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે આવા બધા વિચારો આવ્યા. છેલ્લા બેએક ‌દાયકા જેટલા સમયથી નગીનભાઈ સંઘવીસાહેબ કે એવા કોઈ સંબોધનથી દૂર થઈ ગયા હતા. હવે તેઓ નગીનબાપા તરીકે ઓળખાતા હતા. નગીનબાપાનું આ હુલામણું નામ તેમને મોરારિબાપુએ આપ્યું હતું. છેલ્લાં પંદર-વીસ વર્ષથી નગીનબાપા મોરારિબાપુનો પડછાયો બની રહ્યા હતા. વિદેશોમાં જ્યાં પણ બાપુની કથા થાય ત્યાં તેમનું સંક્ષિપ્ત અંગ્રેજી ભાષાંતર નગીનબાપા વળતે દિવસે શ્રોતાઓ સમક્ષ કરી આપે. આમ વિદેશમાં વસતી તરુણ ગુજરાતી પેઢી રામાયણ-મહાભારતનાં કથાનકો અને ઉપદેશ તરફ વળે.

નગીનબાપાએ વિદ્યાર્થીઓની ત્રણ પેઢીને વર્ગોમાં ભણાવી. આમ તો ઇતિહાસ અને રાજકારણ એ તેમના ક્લાસરૂમના વિષયો, પણ તેમણે માત્ર વિષયો નથી ભણાવ્યા, તરુણ પેઢીને તૈયાર પણ કરી છે. ખરેખર ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૦માં ભાવનગર પાસેના ભુંભલી ગામે તેમનો જન્મ. ભાવનગરની શામળદાસ કૉલેજમાં અભ્યાસ કર્યો અને પછી ૧૯૪૪થી મુંબઈ કર્મભૂમિ બનાવી. કાંદિવલીમાં ૧૯૬૫થી અમારો પરિચય જીવા દેવશીની ચાલી અને પછી કમલા નેહરુ રોડ તેમનું નિવાસસ્થાન. લગભગ દરરોજ રાતે અમારે મળવાનું થાય એટલાં નિકટ અમારાં નિવાસસ્થાન.

આ જ અરસામાં નગીનબાપાએ ‘સમકાલીન’ દૈનિકમાં રામાયણ વિશે એક લેખમાળા લખી. ‘રામાયણની અંતર્યાત્રા’ એ એનું નામ. આ લેખમાળાએ ભારે ઊહાપોહ મચાવ્યો હતો. હસમુખ ગાંધી જેવા ૫૬ ઇંચની છાતીવાળા તંત્રીએ પણ આ લેખમાળા છાપવાનું અટકાવી દીધું. નગીનબાપાએ રામાયણની સાવ સાચેસાચી વાત લખી હતી, પણ આ સાચી વાતને એવી ઉઘાડી કરીને લખી હતી કે કોઈ પણ સરેરાશ માણસને જીરવવી આકરી થઈ જાય. સત્ય હતું, પણ સત્ય સુધ્ધાં કૅપ્સ્યૂલ બનાવીને ગળા હેઠે ઉતારી શકાય એ વાત નગીનબાપાને આરંભથી જ મંજૂર નહોતી. સત્યમાં વળી મીઠાશ શું અને કડવાશ શું? જેવું હોય એવું કહેવાનું.

‘રામાયણની અંતરયાત્રા’ લેખમાળા ‘સમકાલીન’માં તો ફરી પ્રગટ ન થઈ, પણ કોઈ પ્રકાશક પુસ્તકરૂપે છાપવા પણ તૈયાર ન થાય. નગીનબાપાએ એને પોતાના હિસાબે અને જોખમે પ્રકાશિત કરી અને પછી થેલીમાં ભરી-ભરીને દુકાને-દુકાને વેચી.

પણ એ પછી નગીનબાપા વિદ્વપુરુષ બન્યા. તેમણે મહાભારત, ગીતા, શ્રીકૃષ્ણ જેવા બધા વિષયો પર મન પ્રસન્ન થઈ જાય એવું લખ્યું. હવે તેઓ માત્ર‌ વિદ્યાર્થીઓની તરુણ પેઢીને યુનિવર્સિટીનો અભ્યાસક્રમ ભણાવતા ક્લાસરૂમ-પ્રોફેસર નહોતા રહ્યા. હવે સમાજકારણ, રાજકારણ, ઇતિહાસ ઇત્યાદિ વિષયોને જ્ઞાનના આકાશમાંથી ઉતારી-ઉતારીને લોકોમાં લહાણી કરાવવા માંડી. થાકવાનું નામ પણ નહીં. વહેમ પડે ત્યાં જાતતપાસ કર્યા વિના એક ડગલું આગળ ન વધે.

વચ્ચે એક વાર સમાચાર આવ્યા કે વિરાર પાસે કોઈક સ્થળે કોઈક જૈન મુનિ હાથ ફેલાવીને વાસક્ષેપની પડીકી કાઢતા. હવામાંથી એટલે કે અદૃશ્યમાંથી આ વાસક્ષેપની પવિત્ર ચંદનની ભસ્મ શી રીતે નીકળે એ બૌદ્ધિક કક્ષાએ સમજાતું નહોતું. હું અને નગીનબાપા આ નજરોનજર જોવા એક સાંજે વિરાર ગયા. અમે નજરોનજર જોયું, મુનિમહારાજે અમને આશીર્વાદ આપ્યા અને હાથ હવામાં હલાવીને કાગળમાં વીંટાળેલી બે પડીકી અમને પ્રસાદરૂપે આપી. અમે જોઈ રહ્યા, પ્રસાદનો સ્વીકાર કર્યો, પણ વાત ગળે ઊતરે નહીં. બહાર આવીને રસ્તા પર નગીનબાપાએ બન્ને પડીકી ખોલી, પડીકીનો કાગળ કોઈક અખબારની રદ્દી હતી. એ બન્ને નાના ટુકડાને ખૂબ ઝીણવટથી જોયા પછી બોલ્યા, ‘આ બન્ને કાગળના ટુકડા ગઈ કાલના છાપાના છે, ફલાણા છાપાના છે, હવે જો ભગવાને છાપાના આ ટુકડામાં ભસ્મ વીંટાળી હોય તો એ ગઈ કાલે કે આજે પૃથ્વી પર પધાર્યા હોવા જોઈએ.’

ગયા મહિને સુરતથી તેમનો ટેલિફોન આવ્યો. મને કહે, ‘મહાભારતના અમુકતમુક વિષયને લગતું સાહિત્ય તમારી પાસે છે?’ મેં મારી પાસે જે માહિતી હતી એ આપી, પણ નગીનબાપા એનાથી ધરાયા નહીં. મહાભારતના આ વિષય પર તેઓ એક લેખ લખવા માગતા હતા. આખા કથાનકમાં એક વાક્યનો સંદર્ભ તેમને સંતોષ આપતો નહોતો. મને કહે, ‘આ વિષયનું જે પુસ્તક તમારી પાસે છે એ હું જોવા માગું છું. આવતા ગુરુવારે હું સુરતથી મુંબઈ આવું છું. તમારું આ પુસ્તક જોવા-તપાસવા આવીશ.

નક્કી થયેલા સમયે ૧૦૦મા વર્ષમાં પ્રવેશી ચૂકેલા નગીનબાપા ‌ટટ્ટાર ચાલે રિક્ષામાં બેસીને આવ્યા. મારી પાસેનાં પુસ્તકો ફંફોસ્યાં. અમે બેએક કલાક બેઠા અને જે સંદર્ભ તેમને જોઈતો હતો એ શોધી કાઢ્યો. નગીનબાપા છેલ્લાં ઘણાં વર્ષોથી જુદાં-જુદાં અખબારોમાં કટાર લખતા અને આવી એક કટારમાં રોજિંદો લેખ લખવા માટે તેમણે આ સંદર્ભ શોધ્યો હતો.

અહીં નગીનબાપાનું સર્વોચ્ચ સ્વરૂપ પ્રગટ થાય છે. એક કટારના એક અઠવાડિક, મર્યાદિત શબ્દોના લેખ માટે પણ આટલી સતર્કતા નગીનબાપા સિવાય ક્યાં જોવા મળશે?

ગયા વર્ષે યોગાનુયોગ હું પણ ત્યાં હતો. નગીનબાપા બોલવા ઊભા થયા ત્યારે સભાના આયોજકોએ તેમને બેસીને બોલવા માટે ખુરસી આપવાનો વિવેક કર્યો. ૧૦૦ વર્ષ પૂરાં નહોતાં થયાં, પણ ૯૯ થઈ ચૂક્યાં હતાં. નગીનબાપાએ ખુરસી પર બેસીને બોલવાનો ઇનકાર કર્યો. કાયા પૂરી ટટ્ટાર રાખીને સવા કલાક સુધી તેઓ ઊભા-ઊભા જ બોલ્યા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેમના વક્તવ્યમાં ક્યાંય સ્મૃતિદોષ થતો નહોતો. તેમને યાદ હતું કે જેકાંઈ વાંચ્યું હતું એ બધું જ બરાબર યાદ હતું. તેમણે પુસ્તકો નહોતાં વાંચ્યાં, વિદ્યા સંપાદન કરી હતી એટલે નગીનબાપા વિદ્વાન નહોતા, વિદ્યાપુરુષ હતા.

જીવનના ઉત્તરાર્ધમાં કેટલાક સમયથી પારિવારક ધોરણે તેમનો નિવાસ સુરતમાં હતો. લગભગ આખી જિંદગી મુંબઈમાં ગાળ્યા પછી સુરતમાં રહેવાનું તેમને ખાસ ગમ્યું નહોતું. તેમની છેલ્લી મુલાકાતમાં મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે કહેલું, ‘સુરતમાં મુંબઈ જેવું તો ગમતું નથી, પણ બધે જ આપણને ગમતું હોય એવું મળે એવું તો બનતું નથી.’

નગીનબાપાની વિદાયથી ગુજરાતનું વિદ્યાક્ષેત્ર રાંક બન્યું છે. તેમને પ્રણામ.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists dinkar joshi