હું કિચનમાં જાઉં એટલે....છરી-ચમચી ઊડે અને શાકભાજી ફાઇટિંગ કરે

20 January, 2021 02:36 PM IST  |  Mumbai | Rashmin Shah

હું કિચનમાં જાઉં એટલે....છરી-ચમચી ઊડે અને શાકભાજી ફાઇટિંગ કરે

માય અચીવમેન્ટ્સઃ લૉકડાઉન શરૂ થયું ત્યારે હું ઢબ્બુનો ઢ હતી પણ અહીં દેખાય છે એ બધી વરાઇટી મેં લૉકડાઉનમાં બનાવી અને એ પણ લાઇફમાં પહેલી વાર

ગુજરાતી-હિન્દી સિરિયલનાં જાણીતાં પ્રોડ્યુસર મીના ઘીવાલા હસતાં-હસતાં પોતાની જાતને ‘તારે ઝમીં પર’ના દર્શિલ સફરી સાથે સરખાવે છે અને કહે છે કે તેને મૅથ્સના આંકડાઓમાં પ્રેતાત્મા આવતા દેખાતા અને મને કિચનની એકેક આઇટમમાં. લાઇફમાં ક્યારેય કિચનમાં પગ નહીં મૂકનારાં મીનાબહેને લૉકડાઉનમાં પહેલી વાર રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને જાતને કેવી રીતે સર્વાઇવ કરી એ હિન્દી મસાલા ફિલ્મ જેવો અનુભવ કેવો રહ્યો એની વાત તે અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે શૅર કરે છે...

હું જબરદસ્ત ફુડી પણ કિચનમાં જવું મને જરાપણ ગમે નહીં અને ફૂડ મેકિંગનો શોખ પણ નહીં. જો તમે મને મારા જ કિચનમાં લઈ જાઓ તો પણ મારી હાલત ‘તારે ઝમીં પર’ના પેલા દર્શિલ સફરી જેવી થઈ જાય. તેને જેમ ફિલ્મમાં અક્ષરો ઊડતા અને આંકડાઓ ફાઇટિંગ કરતા દેખાતા એમ મને છરી-ચમચી ઊડતાં અને શાકભાજી ફાઇટિંગ કરતાં દેખાય. દસકાઓથી મારે ત્યાં બે ટાઇમના ફૂડ માટે મેઇડ આવે. મારા ફૂડી મુડની વાત કહું તો એક મેઇડના હાથનું ફૂડ રિપીટ ન કરવું પડે એટલે મેં બપોર અને રાતના ફૂડ માટે મેઇડ પણ અલગ-અલગર રાખી હતી. પણ વર્ષોનો આ નિયમ-સિનારિયો બદલાયો આ વર્ષે. સીન કહો તો સીન ને વાર્તા કહો તો વાર્તા, સાવ જ બદલાયાં અને એ દિવસ હતો ગયા વર્ષની બાવીસ માર્ચનો.

લૉકડાઉન અને લૉકડાઉનથી મારે જાતે જ રસોઈ બનાવવી પડે એવું બન્યું. હું એકલી રહું એટલે મારી પાસે બીજી પણ કોઈ હેલ્પ નહીં. મારે જ બધું બનાવવાનું આવ્યું અને મેં દસકાઓ પછી કિચનમાં પગ મૂક્યો. સાચું કહું તો હું કિચનમાં એન્ટર થઈ ત્યારે મારી હાલત કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. મારા જ કિચનમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, મસાલાથી માંડીને તેલ ક્યાં પડ્યું છે કે પછી ઘરમાં કઈ આઇટમ કેટલી ક્વૉન્ટિટીમાં છે એની મને જ ખબર નહોતી. અરે તમને હસવું આવશે પણ મારા ફ્રિજમાં પણ શું છે એ રીતસર મારે શોધવું પડતું હતું. મારી રિયલ લાઇફ હૉરર, થ્રિલર અને સસ્પેન્સ હિન્દી મસાલા ફિલ્મ જેવી થઈ ગઈ.

ક્રેડિટ્સ...

મારી મમ્મી એક્સપર્ટ કુક, એટલી સરસ કુક કે તેના હાથે કોઈ પણ વરાઇટી વધે તો પણ એ બહાર કચરામાં જાય નહીં. તે એનો યુઝ કરીને પણ સરસ મજાની નવી કોઈ બનાવી જાણે. અમારું ફૅમિલી બહુ મોટું અને રહીએ અમે સંયુક્ત કુટુંબમાં. ફૅમિલીના બધા મેમ્બર મારાથી મોટા. કાકા-કાકી, દાદી, પપ્પા-મમ્મી, મારાથી મોટા ચાર ભાઈ અને બે બહેન. બધાંમાં સૌથી નાની હું. નાના હોઈએ એટલે મમ્મી કિચનમાં હેલ્પ માટે બોલાવે એટલે કિચનમાં જવાનું ત્યારથી જ બનતું પણ મને કુકરથી બહુ જ ડર લાગે. આજે પણ એ ડર અકબંધ છે. કુકરમાં રસોઈ બનાવવાની હોય એટલે મારે બે વાર વિચાર કરવો પડે. હું કોઈના સુપરવિઝનમાં જ કુકરમાં રસોઈ બનાવું એવો આગ્રહ મારો પોતાનો પણ હોય.

સંયુક્ત કુટુંબ એટલે રસોઈની ક્વૉન્ટિટીનો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. રસોઈ માટે પણ બધાંની ડ્યુટી વહેંચાયેલી હોય, સાંજના કટિંગ-ચૉપિંગ મારે કરવાનું તો મારી એક બહેન રોટલી વણતી જાય અને બીજી બહેને રોટલી બનાવતાં જવાનું.

ફ્લૅશબૅક...

દાળ-છાશ. આજે પણ મને જો નાનપણની કોઈ ખાસ વરાઇટી યાદ આવતી હોય તો એ છે મમ્મીના હાથની દાળ-છાશ. આ દાળ-છાશ પણ બની હતી વધારાની દાળમાંથી. બન્યું એવું કે તુવેરની દાળ વધી. મમ્મીએ એમાં છાશ નાખીને નવેસરથી પણ આછો સરખો કહેવાય એવો વઘાર કરીને સરસ મજાની દાળ-છાશ બનાવી. એ આઇટમ હતી ટેમ્પરરી પણ અમને બધાને એટલી ભાવી કે એ પછી તો મેઇન કોર્સની વરાઇટી બની ગઈ અને અમે બધા મમ્મી પાસે ખાસ આ દાળ-છાશ બનાવડાવતાં. એવી જ બીજી એક વરાઇટી હતી ભાતની પૅટીસ. આજે બધા આ ભાતની પૅટીસ યુટ્યુબ પર વિડિયો જોઈ-જોઈને બનાવે છે પણ મારી મમ્મી વર્ષો પહેલાં રાતના વધેલા ભાતનો સવારે આવો ક્રીએટિવ ઉપયોગ કરતી. વધેલા ભાતમાં વેજિટેબલ્સ અને લોટ ઍડ કરીને તે ભાતની પૅટીસ અમારા બધાના નાસ્તા માટે બનાવે. નાનાં હતાં એટલે નવું-નવું ભાવે પણ સમય જતાં તો મારો આ ફૂડ શોખ ખૂબ વધ્યો. બધેબધું જ ખાવાનું અને એવું જરા પણ નહીં રાખવાનું કે સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાનું. ના રે, જરા પણ નહીં. બિન્દાસ ખાવાનું. બસ, એક શરત. ક્લેન્લીનેસ હોવી જોઈએ.

ગુજરાતી થાળી મને ભાવે, બર્મીઝ ફૂડ ભાવે, પંજાબી ભાવે અને ખાસ તો પ્યૉર વેજ હોય એ બધી વરાઇટી મને ભાવે.

સ્ટોરી...

ફૂડી એટલે બધું જ ખાવાનું થાય પણ એમાં મને પ્રૉપર સેટઅપ જોઈએ. એના વિના જરા પણ ન ચાલે. ગુજરાતી ભાણું જમવામાં હોય તો મને એકદમ વ્યવસ્થિત રીતે થાળી પીરસાયેલી જોઈએ. થાળીમાં મને સાથે સૅલડ જોઈએ, આંબા-હળદર જોઈએ, અથાણું પણ હોવું જોઈએ, એકાદ તળેલું કે પછી કટકી કરેલું વઘારેલું મરચું જોઈએ અને એ બધા સાથે થાળી પણ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલી હોવી જોઈએ. રેસ્ટોરેન્ટમાં ગઈ હોઉં તો કાંદા એકદમ પતલા સુધારેલા હોવા જોઈએ. કાંદા પર થોડું બ્લૅક પેપર, સૉલ્ટ અને લીંબુ મને નાખવા જોઈએ. બીજાઓની નજરથી કહીએ તો જમવામાં મારી થોડી કચકચ હોય. 

લૉકડાઉન પૂરું થયા પછી ટિફિન સર્વિસ શરૂ થઈ એટલે છેલ્લા ત્રણ મહિનાથી મારે ત્યાં ટિફિન આવે છે. ટિફિનનું ફૂડ તો તમને ખબર જ હોય પણ હું એવી રીતે ન ખાઉં. ટિફિન આવે એટલે પહેલાં એને ખોલીને અલગ-અલગ વાસણમાં કાઢીને ગરમ કરવાનું, પછી એને બરાબર વ્યવસ્થિત રીતે સેટઅપ કરી બધી વરાઇટી બાઉલમાં કાઢવાની અને એ પછી થાળી તૈયાર કરીને જ જમવા બેસવાનું. આ તો ઘરમાં છું એટલે હું ફુલ કોર્સ મીલ નથી લેતી બાકી જો રેસ્ટોરન્ટમાં જાઉં તો ફૂડ ઑર્ડર કોર્સ મુજબ જ થાય. પહેલાં સૂપ આવે, પછી સ્ટાર્ટર આવે અને પછી મેઇન કોર્સ અને છેલ્લે ડિઝર્ટ. એક વાત કહી દઉં, ડાયાબિટીઝ છે એટલે હું સ્વીટ લેવાનું અવૉઇડ કરું પણ બાકી બધું મન ભરીને ખાઉં. જો આજે પણ ચોપાટી જાઉં તો એકને બદલે ત્રણ પ્લેટ જ પાણીપૂરી ખાધી હોય. એક સમયે વડાપાંઉ મારું સ્ટેપલ ફૂડ હતું. વડાપાંઉ બહુ ભાવે એટલે જ્યારે કામમાં હોઉં કે પછી જમવાનો સમય મળે એમ ન હોય ત્યારે મેં બેસ્ટ વડાપાંઉ શોધીને એ ખાધાં હોય. એકલી રહું છું એટલે મારી સવાર મોડી શરૂ થાય.

ઇન્ટરવલ

સવાર મોડી હોય એટલે ફૂડનું ટાઇમટેબલ પણ મોડું હોય. અગિયાર વાગ્યે નાસ્તો, પછી બપોરે ત્રણેક વાગ્યે જમવાનું, એ પછી પાંચ-છ વાગ્યે નાસ્તો, દસેક વાગ્યે જમવાનું અને રાતે મોડે સુધી જાગ્યા હોય અને ભૂખ લાગે તો લાઇટ નાસ્તો. વહેલા ઊઠવું મને ગમતું નથી પણ જો અમુક લોકોને મિસળ ખાવાની ઇચ્છા થઈ હોય તો વહેલા જાગીને નીકળી જવામાં મને વાંધો ન આવે. ખાસ કરીને એવાં મિસળ જે સવારે સાતથી દસ જ મળતાં હોય. ખાવા માટે જાગવાનું કષ્ટ લેવું ખોટું પણ નથી.

હવે આવીએ મારા લૉકડાઉન સમયના પાકશાસ્ત્ર પર, પણ એ પહેલાં મારે એક વાત કહેવી છે. ૧૯૮૪માં મારાં નાની બીમાર પડ્યાં ત્યારે હું તેમની પાસે વઢવાણ છ મહિના રોકાઈ હતી. તેમને ત્યાં ચૂલો અને વાટવાળો સ્ટવ હતો. એમાં જ રસોઈ કરવી પડે. એ સમયે મને કુકિંગનું ઘણું શીખવા મળ્યું હતું જે મને આ લૉકડાઉનમાં ધીરજ આપવાનું કામ કરી ગયું. પણ એમ છતાં મારે કહેવું જોઈએ કે કિચનમાં પગ મૂકતાં વેંત જ મારા પગ ધ્રૂજવા માંડ્યા હતા.

ક્લાઇમૅક્સ

કિચનમાં પગ મૂકતાંની સાથે જ મમ્મીના હાથનું વેલણ યાદ આવી ગયું. મજબૂરી હતી એટલે અંદર પગ મૂક્યો કે તરત જ મમ્મીની વઢ પણ યાદ આવવા માંડી. હું કિચનમાં સાવ એકલી હતી અને મને કોઈ ઍડ્વાઇઝ આપવાવાળું પણ નહોતું. પણ હા, મારી ફ્રેન્ડ શ્રુતિ ઘોલપે મને ખાસ્સી હેલ્પ કરી. કિચનમાં જઈને બધી આઇટમ શોધવામાં જ મારા થોડા દિવસો ગયા એવું કહું તો જરા પણ અતિશિયોક્તિ નહીં કહેવાય. મારી આદત પણ જવાબદાર, મને બધું પર્ફેક્ટ અને ફુલ ભાણું જોઈએ. જોઈએ એ તો ઠીક, એ બનાવવું પણ પડેને! તમે માનશો, મેં જે કંઈ પણ બનાવ્યું એ બધું શ્રુતિના ઑબ્ઝર્વેશનમાં.

શ્રુતિ પહેલાં મને પૂછે કે મારે શું ખાવું છે. હું કહું કે રોટલી-શાક એટલે શ્રુતિ મને મેસેજ કરીને સામગ્રીઓનું લિસ્ટ મોકલે કે આ બધું ભેગું કરી રાખ. રેડી થઈ જાય એટલે હું મેસેજ કરું એટલે શ્રુતિ મને વિડિયો કૉલ કરીને સમજાવતી અને શીખવતી જાય અને હું એમ કરતી જાઉં અને આમ મારી રસોઈ તૈયાર થાય. આ વિડિયો કૉલ એ મારી જ્ઞાનશાળા, મેં ક્યારેય યુટ્યુબ જોયું નહીં. રોટલી પહેલાં ગોળ નહોતી થતી, જાડી પણ ન થાય અને પાતળી પણ ન થાય. એક બાજુથી જાડી થાય તો બીજી બાજુથી પાતળી થઈ જાય. આકાર તો દર વખતે નવા-નવા દેશના મૅપ જેવો બને પણ પછી એમાં પણ હથરોટી આવી અને એ બધામાં શ્રુતિનો ફાળો.

નૉર્મલ આઇટમ બનવા માંડી એટલે મેં ઇચ્છાઓ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. ભજિયાં, પાણીપૂરી, રગડા-પૅટીસ ને એવું બીજું ઘણું. એક વાર ખીચડી બનાવવાના ચક્કરમાં તો મેં આખું કુકર બાળી નાખ્યું હતું. ત્રણ દિવસે કુકર બરાબર સાફ થયું. શ્રુતિ મને કૉલ પર કહે કે ત્રણ સીટી વાગે એટલે ખીચડી બની જાય. મારા કુકરમાં સીટી જ નહીં. બસ, ફુસ-ફુસ અવાજ આવે પણ સીટી વાગે નહીં. સિટી વાગે એની રાહ જોવામાં આખું કુકર બાળી નાખ્યું મેં. કુકરની મને બીક એ તો તેં તમને પહેલાં જ કહ્યું એટલે હું અડીને પણ જોઉં નહીં.  કુકર બળ્યું પણ પછી કુકરની મોડસ ઑપરેન્ડી ખબર પડી ગઈ અને બીજાં કામમાં પણ હવે ફાવટ આવી ગઈ છે. સમજાયું કે આ કુકિંગનું સાઇકલ જેવું છે. એક વાર પેડલ લાગવા માંડે અને બૅલૅન્સ રહે એટલે આપોઆપ કૉન્ફિડન્સ આવી જાય અને મારો કૉન્ફિડન્સ હવે બુલંદ છે.

columnists Rashmin Shah