Fan Ka Fan

29 May, 2020 05:51 PM IST  |  Mumbai | J D Majethia

Fan Ka Fan

આપણે વાત કરીએ છીએ ‘ફૅનકાફૅન’ની. ગયા શુક્રવારે આપણે આ વિષય પર શરૂઆત કરી અને પહોંચ્યા હતાં ત્યાં જ્યાં મને દ્વારકા પાસેના એક યુવકનો વિડિયો મળ્યો. સાચે જ કહીએને રૂંવાડાં ઊભાં થઈ જાય એવો એ વિડિયો હતો. બિચારો સારું બોલતો હતો. તેણે પોતાની વાતમાં ને વાતમાં એવું કહ્યું કે મારો વાંધો નથી. હું અને મારો પરિવાર સરકારે કહ્યું એમ કરી રહ્યાં છીએ. અમારાથી જેકાંઈ થાય એના અમે પ્રયત્ન કરીએ છીએ, પણ સાહેબ, આમ ને આમ મારા છોકરા અમારા ખોળામાં મરી જશે.

બોલતાં-બોલતાં તે બિચારો ગળગળો થઈ ગયો હતો. એ વિડિયો જોયો ત્યારે જ નહીં, અત્યારે અને આ ઘડીએ પણ હું આ વાત બોલું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે, મને કંઈક થવા માંડે છે.

એક યંગ બાપે આવો વિચાર કરવો પડે અને આવું બોલવું પડે! લૉકડાઉન શરૂ થયું એના પહેલા-પહેલા દિવસોની વાત કરું તો અમારી ઇન્ડસ્ટ્રીમાં ૧૭ માર્ચથી જ લૉકડાઉન અનાઉન્સ થઈ ગયું હતું. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ માર્ચથી એ દેશભરમાં લાગુ કર્યું અને ઘરમાં રહેવાનું શરૂ થયું. શરૂઆતમાં તો આપણે બધાએ થાળી અને તાળી વગાડી અને દીવડા પણ પ્રગટાવ્યા. બધાને એમ કે આ બધું થોડા દિવસમાં પતી જશે એટલે મનમાં આછીસરખી રાહત અને રાહત એટલે ગમે એ બધું કરીએ. મારી વાત કહું તો સાંજ પડે એટલે રસોઈ બનાવવાનું મેં ચાલુ કર્યું અને રસોઈના એ ફોટો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનું પણ ચાલુ કર્યું. લોકોને પણ મજા આવવા માંડી. અરે જેડીભાઈએ આજે મસાલા ઢોસો બનાવ્યો અને જેડીભાઈએ પનીર-પાલક બનાવ્યું. આ બધી હસીખુશી ચાલતી હતી અને એની વચ્ચે પેલો વિડિયો આવ્યો અને એ વિડિયોએ મારો મૂડ ચેન્જ કરી નાખ્યો. ક્યાંક ને ક્યાંક આપણે સૌ કેન્દ્રિત થઈ જતા હોઈએ છીએ અને આપણે પરિઘની સાપેક્ષ રહેતા હોઈએ છીએ, પણ એ વાજબી નથી. અત્યારના આ સમયમાં ઘણું-ઘણું કરવાનું હોય અને જેટલું થઈ રહ્યું છે એ ઇનફ નથી, પૂરતું નથી. આ બધાથી ઉપર આવીને અત્યારની જે સિચુએશન છે એ સિચુએશનમાં દેશ પ્રત્યેની પણ તમારી એક જવાબદારી છે અને એ જવાબદારી તમારે નિભાવવાની છે. આ એમપી કે પછી બીજા ૫૦૦ ટોચના અને મોટા ગજાના લઈ લો આપણા દેશને ચલાવનારા, તો આ ૧૦૦૦ લોકો થોડો અત્યારની આ સિચુએશનમાં દેશ ચલાવી શકવાના કે સંભાળી શકવાના?

ના, જરાય નહીં. આ પરિસ્થિતિ અઘરી છે અને આકરી છે. મને થયું કે ના, ના, ના. આ જવાબદારી આપણી પણ છે. જવાબદારી આપણી છે પણ એને માટે શું કરી શકીએ? મનોમંથન શરૂ થયું અને વિચારતાં મને વિચાર આવ્યો કે એકલા કંઈ ન કરી શકીએ અને એ અઘરું પણ છે, પરંતુ નાના હતા ત્યારે માએ કીધેલી વાર્તા - ‘એક મુઠ્ઠીમાં બહુ તાકાત હોય અને પાંચ લાકડીનો ભારો બનાવીએ તો એ આસાનીથી ન તૂટી શકે એટલે સમૂહમાં શક્તિ છે’વાળી વાત. એ વાર્તાઓ અને એ બોધપાઠ વચ્ચે મથામણ ચાલતી હતી ત્યાં વિચાર આવ્યો કે જો આખી ટીવી-ઇન્ડસ્ટ્રી ભેગી થઈ જાય તો આપણે ઘણુંબધું કરી શકીએ, કારણ કે ટીવી-સેટ તો ઘરે-ઘરે છે અને આપણે તો ઘરે-ઘરે પહોંચીએ છીએ અને દરેક ઘરમાં, દરેક વ્યક્તિનો કોઈક ને કોઈક ફેવરિટ શો હશે જ હશે અને કોઈને કોઈની એક ફેવરિટ સેલિબ્રિટી હશે એટલે જો આ બધી ફેવરિટ સેલિબ્રિટીઓને એક છત્રી નીચે લઈ આવીએ તો એવી જ રીતે બીજા બધા ઘર પણ એક છત્રી નીચે બંધાઈ જાયને, સમજાઈ તમને મારી વાત? એક છત્રી નીચે બધી સેલિબ્રિટી આવી જાય તો તેમના બધા ચાહકો એક છત્રી નીચે આવી જાયને, જ્યાં ટીવી છે એ બધા અહીં આ છત્રી નીચે ભેગા થઈ શકેને? તો એ લોકોને કહેવા માટે, એ લોકોને એક કરીને બધા સુધી વાત પહોંચાડવા માટે મેં વિચાર કર્યો કે સૌકોઈને એક કરીએ. પહેલાં તો મનમાં જ વિચારને રહેવા દીધો. મનોમંથન કર્યું, આત્મચિંતન પણ કર્યું અને એ પછી મનમાં ને મનમાં જ રૂપરેખા પર વિચાર કર્યો એટલે

લાગ્યું કે આ વિચાર સારો છે તો હવે આપણે શું કરી શકીએ?

વિચાર્યું કે જે સેલિબ્રિટીના ફૅન્સ હોય એ ફૅન્સને તેમની જ ફેવરિટ સેલિબ્રિટી દ્વારા અપીલ કરીએ અને મદદની માગણી કરીએ, કારણ કે આ સમય બહુ તકલીફવાળો છે અને અઘરો સમય હજી આવવાનો છે. બધાને મદદની જરૂર પડવાની છે. અહીં વાત એ પણ છે કે કેવી રીતની મદદ કરવાની છે. ફ્રેન્ડ્સ, એક વાત કહું તમને, આપણા દેશમાં ઇનઇક્વલિટીનો પ્રૉબ્લેમ બહુ મોટો છે. આ જ વાતમાંથી જવાબ મળ્યો, જેની પાસે છે તેની પાસેથી લઈને જેની પાસે જરાય નથી તેને એ પહોંચાડવાનો એક રસ્તો કરીએ. કેવી રીતે આ રસ્તો કરવાનો? બહાર નીકળવાનું અલાઉડ નહોતું. આ હું વાત કરું છું માર્ચ-એન્ડની. એકદમ સ્ટ્રિક્ટ લૉકડાઉન હતું. મદદ માટે જે તૈયાર થવાનું હતું એને કહી પણ નહોતું શકાતું કે જે મદદ કરવા જશે તેને અમે આમ કરીશું કે કોઈ હેલ્પ કરશે તેને અમે આમ કરીશું. કારણ કે મદદ કે હેલ્પ કરવા જવા માટે બહાર તો નીકળવું પડે અને બહાર નીકળે તો જીવનું જોખમ. કોઈને જીવના જોખમે મદદ માટે જવાની પ્રેરણા આપવી એ પણ ખોટું છે, પાપ છે.

ઘરે બેઠાં-બેઠાં ખૂબ વિચાર કર્યો. આ વિચાર દરમ્યાન એ વાત પણ મનમાં હતી કે ચૅરિટી કામ માટે પૈસા ભેગા કરવા એ જેટલું અઘરું કામ છે એનાથી પણ અઘરું કામ જો કોઈ હોય તો એ છે કે ભેગા થયેલા એ પૈસાનું ડિસ્ટ્રિબ્યુશન કરવું. કેવી રીતે, કોને, ક્યાંથી આપવું એ સમજણ અને એની સિસ્ટમ બહુ મહત્ત્વની છે અને લૉકડાઉનમાં એ સિસ્ટમ ઊભી કરવી બહુ અઘરી હતી તો એનું પણ શું કરવું એ પણ ગડમથલ હતી, પરંતુ આ ગડમથલ તો એક જ સેકન્ડમાં મનમાંથી નીકળી ગઈ. એ કાઢવાનું કામ કર્યું પીએમ કૅર્સ ફન્ડે. આ સિસ્ટમ જ છે અને એવી સિસ્ટમ છે જેના પર આંખ મીંચીને ભરોસો થઈ શકે.

પીએમ કૅર્સ ફન્ડમાં જ બધા ડોનેશન આપે, જેના પર આપણને પણ વિશ્વાસ છે અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબ, તેમની આગેવાનીમાં જિંદગીમાં ૧ રૂપિયાનું પણ કરપ્શન થાય એ શક્ય જ નથી. હું એ માનતો જ નથી અને હું ક્યારેય નહીં માનું. મેં જોયું છે કે તેમની પાસેથી પૈસાનું જે સંચાલન થાય છે એમાં ક્યાંય એક રૂપિયાનું પણ કરપ્શન થાય એવું તમને એક વાર પણ દેખાશે નહીં અને પાછું આ જે પીએમ કૅર્સ ફન્ડ છે એ કોવિડ-19ને ફાઇટ કરવા માટે જ છે તો મને લાગ્યું કે આ બેસ્ટ ફન્ડ છે. આમાં પૈસા આવે તો એ રાઇટ પર્સન સુધી અને રાઇટ પર્પઝ માટે પહોંચી જાય. હવે મુદ્દો એ હતો કે એવું શું કરીએ કે લોકો પીએમ કૅર્સ ફન્ડમાં પૈસા મોકલે. પૈસા તો આમ પણ ભરતા જ હતા પણ આપણે શું કરીએ કે લોકો એમાં વધારે પૈસા ભરે. વિચાર આવ્યો કે જે ફૅન છે આખા દેશમાં એ લોકોને એક આહ્‍વાન કરીએ, અપીલ કરીએ કે તમે આમાં પૈસા આપો. હવે આવું કહીએ તો શું પૈસા આપી દે અને જો એવું હોય તો આપણા દેશમાં મોદીસાહેબથી મોટા કોઈ સ્ટાર જ નથી તો લોકોએ આપી જ દીધું હોત ફન્ડ પણ ના, એવું નથી. ઘણા લોકોને ખબર નથી કે કેવી રીતે કરવું અને શું કરવું?

નક્કી કર્યું કે આપણે આની એક અવેરનેસ વધારીએ, લોકોમાં જાગૃતિ લાવીએ. જેને કરવું છે એ પણ કરવા આગળ આવે અને તેને પણ જરાક વધારે લાભ મળે એવું કંઈક ઉમેરીએ. હવે એવું કરવું શું? વિચારો ચાલુ જ હતા અને એમાં એક વિચાર આવ્યો કે કલાકારોની સાથે સેલ્ફી કે પછી કલાકારો સાથે વાતો કરવી એવી વાતોને આમાં જોડી દેવી જોઈએ. લોકોને આવું બધું ગમતું હોય છે. અમે વિચાર કર્યો કે આપણે એવું કરીએ જેનાથી આ ફૅન ખુશ થાય અને આઇડિયા આવ્યો ‘ફૅનકાફૅન’નો.

એટલે કે કલાકાર જે છે તેણે અપીલ કરવાની કે જો તમે આ પીએમ કૅર્સ ફન્ડમાં ફૅનકાફૅન થ્રુ પૈસા ડોનેટ કરશો અને એની જે રિસીટ હશે એ તમે અમને દેખાડશો કે જો અમે આ ડોનેટ કર્યું તો તમને તમારી જે ગમતી સેલિબ્રિટી છે જે અમારા ફૅનકાફૅન ડૉટકૉમના લિસ્ટ પર છે તેના તરફથી થૅન્ક યુ વિડિયો મળશે. એટલું જ નહીં, એમાં તમારો એક ફોટો પણ લાગેલો હશે. એમાં તમારું નામ ચાલતું હશે અને સાથે-સાથે તમારો આ ફોટો અમે વૉલ ઑફ ફૅન્સ, જે અમારી વેબસાઇટ પર છે એના પર મૂકીશું, જેમાં બીજી સેલિબ્રિટી પણ છે. છેને મજાની વાત. કોઈને પણ મોટિવેટ કરે એવી વાત છેને એટલે ફૅન્સ પોતાની મનગમતી સેલિબ્રિટી પાસેથી એક વિડિયો લેવા માટે પણ ડોનેટ કરી શકે છે, પણ એટલું યાદ રાખજો કે આ વિડિયો હેતુ ન હોવો જોઈએ. મનમાં ભાવ તો આપણાં ભાઈઓબહેનોને સાથ આપવાનો જ હોવો જોઈએ. વધુ વાતો પછી કરીશું, પણ પહેલાં અચૂક વિઝિટ કરે: FanKaFan.com

columnists JD Majethia