ભગવાન મહાવીરની પરંપરામાંથી ઊતરેલી ધ્યાનની અનોખી પદ્ધતિ પ્રેક્ષાધ્યાન

20 August, 2020 08:41 PM IST  |  Mumbai | Ruchita Shah

ભગવાન મહાવીરની પરંપરામાંથી ઊતરેલી ધ્યાનની અનોખી પદ્ધતિ પ્રેક્ષાધ્યાન

પ્રેક્ષા શબ્દ ઈશ ધાતુથી બન્યો છે, જેનો અર્થ થાય છે જોવું. પ્ર+ઇક્ષા એટલે કે ઊંડાણપૂર્વક જોવું.

પ્રેક્ષા એટલે મનના ગમા-અણગમા વિના ઊંડાણપૂર્વક જોવું. પાંચેય ઇન્દ્રિયોને અંદરની તરફ વાળીને અચેતન મન સુધી પહોંચવાની અને સ્વભાવ, મનના દોષોને દૂર કરવા ઉપરાંત સંપૂર્ણ વ્યક્તિત્વને નવી ઊંચાઈઓ સુધી લઈ જનારી આ કમ્પ્લીટ મેડિટેશન ટેક્નિક
વિશે જાણીએ.

પર્યુષણ એના અંતિમ ચરણમાં છે ત્યારે જૈનોના તેરાપંથી સમુદાયના આચાર્યશ્રી તુલસી અને આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ જૈન આગમોનો સંદર્ભ લઈને આપેલી પ્રેક્ષાધ્યાન પદ્ધતિ વિશે જાણવું પ્રાસંગિક રહેશે. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાં ધ્યાન સાતમું અંગ છે. હિન્દુ, જૈન, બુદ્ધ એમ તમામ પરંપરામાં ધ્યાનને સાધનાનું ઉચ્ચતમ પરિબળ ગણવામાં આવ્યું છે. વર્ષો સુધી ધ્યાન, મેડિટેશન પર હાઈ ડિગ્રી સાધના કરતા યોગીઓના જ કૉપીરાઇટ્સ રહ્યા છે, પરંતુ હવે એ આમ જનતાના જીવનમાં મહત્ત્વનું સ્થાન પામી રહ્યું છે અને એના ઘણાબધા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો પણ મળી રહ્યા છે એના વૈજ્ઞાનિક પુરાવા પણ છે જેના વિશે ભૂતકાળમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. જોકે આ પ્રેક્ષાધ્યાન શું છે? ધ્યાનની અન્ય પદ્ધતિ અને પ્રેક્ષાધ્યાનની આ મેથડમાં અંતર શું છે? આપણે એને આપણા જીવનમાં કેવી રીતે સ્થાન આપી શકીએ અને એના લાભ શું થશે એ તમામ પ્રશ્નોના જવાબ તમને લેખના આગળના હિસ્સામાં મળશે.
કેવલ જોવું
પ્રેક્ષા શબ્દ ઈશ ધાતુથી બન્યો છે, જેનો અર્થ થાય છે જોવું. પ્ર+ઇક્ષા એટલે કે ઊંડાણપૂર્વક જોવું. વિપશ્યનામાં શ્વાસને જોવાની વિધિ છે, જ્યારે પ્રેક્ષામાં તમારા શરીર અને મન સાથે જોડાયેલી પ્રત્યેક હરકતને જોવાની છે. પ્રાચીન ગ્રંથમાં આપેલી માહિતીના આજના સંદર્ભમાં પ્રેક્ષાધ્યાનની પદ્ધતિમાં રજૂ કરવામાં આવી છે એમ જણાવીને છેલ્લાં ૩૭ વર્ષથી પ્રેક્ષાધ્યાન કરતા અને કરાવતા તેમ જ પ્રેક્ષાધ્યાનના ટ્રેઇનરોને ટ્રેઇન કરતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજેન્દ્ર મોદી કહે છે, ‘આ ૧૯૬૨ની વાત છે. એક અગ્રણી અખબારના માલિકે આચાર્ય તુલસીજીને પૂછ્યું કે શું જૈનોની કોઈ વિધિવત સાધના પદ્ધતિ છે? એ આગમોમાં હતી, પરંતુ એક પુસ્તક ફૉર્મમાં નહોતી. આચાર્ય તુલસીજીએ પોતાના શિષ્ય આચાર્ય મહાપ્રજ્ઞજીને આગમોનો અભ્યાસ કરીને ધ્યાનની પદ્ધતિને લોકોપયોગી બને એ રીતે મૂકવાનો આદેશ આપ્યો. તેમણે લગભગ બાર વર્ષ સુધી સતત અધ્યયન અને સ્વસાધના કર્યાં. વર્તમાન સમયના વિષયો સાથે એની સાર્થકતા સિદ્ધ કરવા તેમણે બાયોલૉજી અને વિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો અને ૧૯૭૫માં જયપુરમાં પહેલી વાર પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ જનસમુદાય સમક્ષ મૂકવામાં આવી. પ્રેક્ષાનો અર્થ છે કે મનના કોઈ પણ આગ્રહ વિના ઊંડાણપૂર્વક જોવું. સામાન્ય રીતે આપણે કોઈ પણ બાબત જોતા હોઈએ છીએ ત્યારે એમાં આપણા ગમા-અણગમાના ભાવો જોડાયેલા હોય છે, પરંતુ ધ્યાનની આ પદ્ધતિમાં લાઇક્સ-ડિસલાઇક્સને બાજુ પર રાખીને જોવાની વાત છે જેનું અંતિમ લક્ષ્ય શરીર અને આત્માની ભિન્નતાને જોવાનું છે.’
કોઈ પણ સાધનમાં બે સૂત્ર મહત્ત્વનાં છે. જાણો અને જુઓ. વિચાર્યા વિના, તમારો મત પ્રગટ થયા વિના, એમાં ઇન્વૉલ્વ થયા વિના માત્ર જુઓ. સાક્ષીભાવથી જુઓ. દૃષ્ટાભાવથી જુઓ. એની પાછળનું લૉજિક એ છે કે જ્યારે આપણે શુદ્ધપરિશુદ્ધ માત્ર જોવાની ચેષ્ટામાં હોઈએ છીએ ત્યારે વિચારો આપમેળે સમાપ્ત થઈ જાય છે. એટલે જ આચાર્ય મહાપ્રજ્ઞજી કેવલ શબ્દનો ઉપયોગ કરે છે. કેવળ જોવું. માત્ર જોવું. વિચારો સાથે માત્ર જોવું શક્ય જ નથી. વિચારોની જે અનંત હારમાળા ચાલી રહી છે એને રોકવાનો એક જ રસ્તો છે. કેવલ જોવું. સ્થિર થઈને તમારા શરીરની ભીતર જોવું, તમારા વિચારોને જોવા, શરીરનાં અંતરંગ કંપનોને જોવાં. જોવાની ક્રિયા એટલીબધી સૂક્ષ્મ થઈ જાય કે તમે તમારી અંદર રહેલા ચેતના તત્ત્વ અથવા તો જેને આપણે આત્મા કહીએ છીએ કે જેના વિના આપણું શરીર શબ બની જાય છે એને પણ જોવા સુધી પહોંચવાની યાત્રા એ છે પ્રેક્ષાધ્યાનની યાત્રા.
પદ્ધતિસરનું જ્ઞાન
ઉપર આપણે જે વાત કરી એ સાંભળવામાં કે વાંચવામાં સરળ છે, પરંતુ શું એને અમલમાં મૂકવું સરળ છે? નથી. એટલે જ આચાર્ય મહાપ્રજ્ઞજીએ તેની પદ્ધતિઓ દેખાડી છે. રાજેન્દ્ર મોદી કહે છે, ‘પ્રેક્ષાધ્યાનનાં આઠ અંગ છે અથવા તો કહો કે આ પ્રયોગ છે. પ્રેક્ષાધ્યાનનાં આઠ અંગ અને ચાર સહાયક અંગ નીચે મુજબ છે.
૧-કાયોત્સર્ગ ઃ શરીરની, મનની અને વચનની ચંચળતાને દૂર કરવી. કાયોત્સર્ગ સાધનાનું પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ પણ છે.
૨-અંતરયાત્રા ઃ મેરુદંડના મધ્ય ભાગમાં એક સુષુમ્ણા નાડી છે. ત્યાં સ્પંદન અને પ્રાણનો અનુભવ હોય છે. જ્યાં પ્રાણ છે ત્યાં ઊર્જાનો પ્રભાવ વધુ હોય છે. સુષુમ્ણા નાડી પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક શ્વાસ સાથે ઊર્જાના પ્રભાવને ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ લઈ જઈ સુષુમ્ણાની શક્તિ કેન્દ્રથી થતી ગતિને મહેસૂસ કરવી.
૩-દીર્ઘશ્વાસ પ્રેક્ષા ઃ ધીરે-ધીરે લાંબા શ્વાસ લેવા અને છોડવા, સંપૂર્ણ ધ્યાન શ્વસન પર લગાવવું.
૪-શરીર પ્રેક્ષા ઃ શરીરના કણ-કણને માત્ર દૃષ્ટાભાવથી જોવો.
૫-ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા ઃ જેમ યોગમાં ચક્રોનું વર્ણન છે એ જ વાતને પ્રેક્ષાધ્યાનમાં ચૈતન્ય કેન્દ્ર કહેવાય છે. આપણા શરીરમાં તેર ચૈતન્ય કેન્દ્ર હોય છે જેમાં દરેક પર માત્ર જ્ઞાતા અને દૃષ્ટા ભાવથી ધ્યાન ટકાવો. એના પર ચિત્તને એકાગ્ર કરવાથી ચૈતન્ય કેન્દ્રની શુદ્ધિ થઈ જશે.
૬-લેશ્યા ધ્યાન ઃ ચૈતન્ય કેન્દ્રો પર રંગોથી ધ્યાન કરવું એ લેશ્યા ધ્યાન છે.
૭-અનુપ્રેક્ષા ઃ એક પ્રકારના પૉઝિટિવ અફર્મેશન જેમાં જૂના સંસ્કારોને હટાવીને નવાને સ્થાપિત કરવાની પ્રોસેસ હોય છે. જેમ કે જેને ખૂબ ડર લાગતો હોય તો તેને અમે અભયની અનુપ્રેક્ષા કરાવીએ. વારંવાર અફર્મેશન આપવામાં આવે ત્યારે એ ડીપર લેવલ પર ‍પહોંચી જાય છે અને પછી તેના સ્વભાવનો હિસ્સો બની જાય છે.
૮- ભાવના ઃ ભાવના ખૂબ ઊંડો પ્રયોગ છે જેમાં ચેતનાના સ્તર સુધી ધ્યાનને કેન્દ્રિત કરવાનું છે. આ આઠ અંગને ચાર સહાયક અંગ પણ છે ધ્વનિ, મુદ્રા, આસન અને પ્રાણાયામ. એનો પણ પ્રેક્ષાધ્યાનના વિવિધ પ્રયોગમાં ઉપયોગ કરવામાં આવે છે.’  
ફાયદા શું?
આજની લાઇફસ્ટાઇલમાં ટેન્શન અને સ્ટ્રેસ બહુ વધારે છે. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ત્રણેય લેવલનાં સ્ટ્રેસ પ્રેક્ષાધ્યાનથી દૂર થાય છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘પ્રેક્ષાધ્યાનથી આપણા શરીરની એન્ડોક્રાઇન ગ્લૅન્ડ્સનું સીક્રેશન સંતુલિત થઈ જાય છે જેથી અંદરનું મેકૅનિઝમ સ્ટ્રૉન્ગ થઈ જાય છે કે એ તનાવપૂર્ણ પરિસ્થિતિ હોય તો પણ અંદરથી શાંત, સ્ટ્રૉન્ગ અને કૅપેબલ વ્યક્તિ આસાનીથી એનો સામનો કરી શકે છે. વ્યક્તિના મનના કષાયો દૂર થાય છે અને વ્યક્તિના અંતઃકરણ અને સ્વભાવને બદલી શકે છે. એકાગ્રતા વધે છે, યાદશક્તિ વધે છે, નિર્ણય શક્તિનો વિકાસ થાય છે અને ધીરજનો ગુણ પણ વિકસે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વ્યવહારમાં સ્થિરતા અને મધુરતા આવે છે. એના આધ્યાત્મિક ફાયદા તો શબ્દાતીત છે જે દરેક વ્યક્તિને અનુભવ પરથી જ ખબર પડી શકે છે. ઘણી ધ્યાન પદ્ધતિઓમાં દરેક પ્રશ્નના જવાબ નથી. સાધના અધૂરી રહી ગયાની લાગણી સાધકોને થતી હોય છે, જ્યારે પ્રેક્ષાધ્યાન તમને પરિપૂર્ણ ધ્યાન પદ્ધતિ લાગશે. આખી પદ્ધતિ તબક્કાવાર અને પડાવ મુજબ આગળ વધે છે.’

દીર્ઘ શ્વાસ પ્રેક્ષાધ્યાન
સવારના બ્રાહ્મ મુરતમાં શાંત અને સ્વચ્છ જગ્યાએ સુખાસનમાં ટટ્ટાર પણ કરોડરજ્જુમાં અક્કડ ન હોય એ રીતે બેસી જાઓ. હવે ધીમે-ધીમે તમારું ધ્યાન નાભિ ચક્ર અને તમારા શ્વાસની ગતિ પર કેન્દ્રિત કરો. તમારા શ્વાસ દીર્ઘ, ધીમા અને લયબદ્ધ હોવા જોઈએ. પ્રત્યેક શ્વાસ સાથે નાભિનું હલનચલન અને કંપનને મહેસૂસ કરો, બને એટલા ઊંડાણ સાથે ધીમે-ધીમે ધ્યાનને શ્વાસ પર સ્થિર થઈ જવા દો. વિચારો આવે તો આવવા દો. તમે એ વિચારોને જોવાનું છોડી દો. તમે માત્ર તમારા શ્વાસને જોઈ રહ્યા છો. માત્ર શ્વાસને જુઓ અને એને જાણવાની કોશિશ કરો.

આપણા શરીરની એન્ડોક્રાઇન ગ્લૅન્ડ્સનું સીક્રેશન સંતુલિત થઈ જાય છે જેથી અંદરનું મેકૅનિઝમ સ્ટ્રૉન્ગ થઈ જાય છે કે એ તનાવપૂર્ણ પરિસ્થિતિ હોય તો પણ અંદરથી શાંત, સ્ટ્રૉન્ગ અને કૅપેબલ વ્યક્તિ આસાનીથી એનો સામનો કરી શકે છે.
- રાજેન્દ્ર મોદી

ruchita shah columnists