પ્રિમાઇસ એક અને સ્વતંત્ર નાટક ત્રણ

03 January, 2022 02:16 PM IST  |  Mumbai | Sanjay Goradia

છોકરો અતિસામાન્ય દેખાવ ધરાવતો હોય અને તે હિરોઇનના પ્રેમમાં પડે એ એક વાતને લઈને અમે અત્યાર સુધી ત્રણ નાટકો બનાવ્યાં અને ત્રણેત્રણ નાટકને ઑડિયન્સે દિલથી વધાવ્યાં પણ ખરાં

નાટક ‘છગન મગન તારાં છાપરે લગન’ માટે અમે ઇમ્તિયાઝ પટેલનો કૉન્ટૅક્ટ કર્યો અને ઇમ્તિયાઝ ખુશી-ખુશી તૈયાર થયો. એ પછી તો ઇમ્તિયાઝ સાથે અનેક નાટકો કર્યાં અને એ બધાં નાટકો સુપરહિટ રહ્યાં. ઇમ્તિયાઝ, વી મિસ યુ. વી વિલ નેવર ફર્ગેટ યુ.

આપણે વાત કરીએ છીએ મલયાલી પિક્ચરની. વાતો સાંભળતાં-સાંભળતાં મનમાં સ્ફુરેલી એક નવી વાર્તા પરથી જે નાટક બન્યું એ ‘છગન મગન તારાં છાપરે લગન’ની. ગયા સોમવારે તમને કહ્યું એમ, વાર્તા હતી બાબલાની. ૩૫ વર્ષનો બાબલો દેખાવે કદરૂપો. પીઠે ખૂંધ અને દાંત આગળથી બહાર નીકળી ગયા છે, પણ આ બાબલો તેની મા માટે તો કલૈયાકુંવર જેવો, તે બિચારી ઇચ્છે છે કે મારા દીકરાનાં લગ્ન થઈ જાય. દિવ્યાંગ કૅટેગરીમાં મળેલું ટેલિફોન-બૂથ બાબલો ચલાવે છે અને પોતાની મસ્તીમાં જીવે છે. લગ્ન થાય કે નહીં એનાથી બાબલાને ફરક નથી પડતો, પણ હા, તેને પ્રેમ થાય છે. છોકરીઓ તેને ભાવ નથી આપતી. કહે છેને કે દરેક વ્યક્તિનો એક દિવસ આવે. એવું જ બાબલા સાથે બને છે અને બાબલાના ટેલિફોન-બૂથ પર એક દિવસ ફોન કરવા એક સુંદર બ્લાઇન્ડ છોકરી આવે છે. બાબલો એ છોકરીને બહુ હેલ્પ કરે છે અને છોકરી તેના પ્રેમમાં પડી જાય છે. બાબલાને પણ પ્રેમ થાય છે. બાબલો છોકરીની આંખની ટ્રીટમેન્ટ માટે અને છોકરી દેખતી થઈ જાય એ માટે ઘણા ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર પાસે જવાની આ જર્ની દરમ્યાન બાબલાને તેનો એક મિત્ર કહે છે કે તું આ આંધળીને આંખો આપશે અને તે દેખતી થઈ જશે તો સૌથી પહેલાં તને જોઈને જ બેભાન થઈ જશે અને પછી ભાનમાં આવીને સૌથી પહેલું કામ તને રિજેક્ટ કરવાનું કરશે. 
બાબલો છોકરીને આંખના ડૉક્ટર પાસે લઈ જવાનું બંધ કરે છે, પણ સમહાઉ એ છોકરીને કોઈની આંખો મળે છે અને તે દેખતી થાય છે. બાબલો હવે તેનાથી દૂર ભાગતો ફરે છે. છોકરી બાબલાના એક હૅન્ડસમ ફ્રેન્ડને બાબલો સમજી લે છે અને બાબલો પણ કોઈ ફોડ પાડતો નથી. વાત છેક લગ્ન સુધી પહોંચી જાય છે. બાબલો જ એ લગ્નની તૈયારીમાં લાગે છે અને બધી જવાબદારી પોતાના પર લઈ લે છે. હસ્તમેળાપ વખતે છોકરીને ખબર પડે છે કે આ એ સ્પર્શ નથી, જે છોકરાને હું ઓળખું છું. એ વખતે ભાંડો ફૂટે છે અને છોકરીને ખબર પડે છે કે સાચો બાબલો કોણ છે.
આનંદ ગોરડિયાએ આ મિત્રનો રોલ બહુ સરસ કર્યો હતો. નાટકમાં એવું દેખાડ્યું હતું કે બાબલાના એ મિત્રને તો ખબર પણ નથી હોતી કે બાબલાનું અને પેલી છોકરીનું અફેર ચાલતું હતું. પ્રેમમાં કોઈને સેક્રિફાઇસ કરવાનું કહેવાનું ન હોય, પ્રેમમાં તો જતું કરવાની ભાવના તમારે દેખાડવાની હોય એ પ્રકારની આ વાર્તા. આ વાર્તાને અને પેલી મલયાલી ફિલ્મને કંઈ લાગે-વળગે નહીં. ગયા સોમવારે કહ્યું એમ, લોખંડવાલાથી બોરીવલી જતી વખતે રસ્તામાં જ આ વાર્તા ઘડી કાઢી હતી. વિપુલ મહેતાને પણ વાર્તા ગમી, પણ હવે નાટક લખવા કોને આપવું એની વાત આવી.
અમે ઇમ્તિયાઝ પટેલ પાસે ગયા. ઇમ્તિયાઝ પટેલ. બહુ સફળ નાટ્ય-લેખક અને પછી નાટ્ય-દિગ્દર્શક તરીકે પણ ખૂબ સારી લોકચાહના મેળવી. ઇમ્તિયાઝ હવે આપણી વચ્ચે નથી. કૅન્સરને કારણે ગયા વર્ષે તેનું અવસાન થયું અને ગુજરાતી રંગભૂમિને ખૂબ મોટી ખોટ પડી, સાચા અર્થમાં ખોટ પડી. ઇમ્તિયાઝની ઉંમર ખૂબ નાની હજી તો. તેનાં ઘણાં સપનાં હતાં. ફિલ્મ-પ્રોડ્યુસર પણ બની ગયો હતો અને નાટકો પણ પ્રોડ્યુસ કરવા માંડ્યો હતો. અંગત દોસ્તી હોવાને કારણે કહી શકું કે તેણે તેના ભાઈઓ માટે પણ ખૂબ ભોગ આપ્યો હતો. એક ખાસ વાત કહું તમને. ઇમ્તિયાઝ નવલકથા પણ લખવા માગતો હતો. તેણે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે એની તૈયારીઓ પણ શરૂ કરી હતી, પણ હશે, જેવી ખુદાની મરજી.
‘છગન મગન તારાં છાપરે લગન’ માટે અમે ઇમ્તિયાઝનો કૉન્ટૅક્ટ કર્યો ત્યારે પણ તે ઇન્ડસ્ટ્રીનો એસ્ટૅબ્લિશ રાઇટર હતો. ‘હમ પાંચ’ નામની ટીવી-સિરિયલ જેનાથી એકતા કપૂરની કરીઅરની શરૂઆત થઈ હતી એ તેણે લખી હતી, તો એ સિવાય પણ અનેક સુપરહિટ સિરિયલ ઇમ્તિયાઝે લખી હતી. આ ઉપરાંત ઇમ્તિયાઝે ૭થી ૮ ફિલ્મો ડેવિડ ધવન માટે લખી હતી અને એ હિટ પણ થઈ હતી. આજે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં જે સ્ક્રીનપ્લે-રાઇટર છે એ યુનુસ સજાવલ મૂળ ઇમ્તિયાઝનો કો-રાઇટર, પણ એક તબક્કે બન્ને છૂટા પડ્યા અને ગુજરાતી રંગભૂમિના સદ્નસીબે ઇમ્તિયાઝ નાટકો તરફ વળ્યો. ઇમ્તિયાઝે ઘણાં નાટકો લખી લીધાં હતાં, પણ અમારા માટે ઇમ્તિયાઝે હજી સુધી કંઈ લખ્યું નહોતું એટલે અમે ફ્રેશનેસ માટે તેનો કૉન્ટૅક્ટ કર્યો અને ઇમ્તિયાઝ ખુશી-ખુશી તૈયાર પણ થઈ ગયો. વાર્તામાં તેણે ઘણા ફેરફાર સૂચવ્યા જે સરસ હતા એટલે અમે એ નાટકમાં ઇન-કૉર્પોરેટ પણ કર્યા અને આમ અમારું લેખનનું કામ શરૂ થયું. 
મિત્રો, મારે અહીં એક આડવાત કરવી છે. અતિસામાન્ય દેખાવ ધરાવતો છોકરો હોય અને તેનાં લગ્ન થતાં ન હોય અને તે બ્યુટિફુલ કહેવાય એવી છોકરીના પ્રેમમાં પડે. એ વાત પર આ મારું ત્રીજું નાટક હતું. અગાઉ અમે ‘કરો કંકુનાં’ નાટક કર્યું હતું, જેનું બેઝિક પ્રિમાઇસ આ જ હતું. ‘કરો કંકુનાં’ નાટકમાં મુખ્ય ભૂમિકા મેં કરી હતી તો વિપ્રા રાવલ નાટકની લીડ ઍક્ટ્રેસ હતી. એ પછી અમે બનાવ્યું ‘જલસા કરો જયંતીલાલ.’ એમાં કૅરૅક્ટર આખો દિવસ પૈસાની પાછળ ભાગતો હોય છે. લેંઘો અને બંધ ગળાનું શર્ટ પહેરતો, માથામાં તેલ નાખતો હીરો. આવા દેખાવના એક પણ છોકરાના પ્રેમમાં છોકરી પડે નહીં અને એ પછી ભાઈ પોતે છોકરીના પ્રેમમાં પડે છે અને છોકરી બીજાના પ્રેમમાં પડે છે, પણ જયંતીલાલને થાય છે કે છોકરી તેના પ્રેમમાં છે. બેઝિક પ્રિમાઇસ એ જ. નાટક જુદું, વાર્તા જુદી. એક પણ સીનને બીજા નાટકના સીન સાથે નાહવા-નિચોવવાનો સંબંધ નહીં અને એ પછી પણ નાટકનો જીવ એ જ, સત્ત્વ એ જ. હવે વાત કરીએ ‘છગન મગન તારાં છાપરે લગન’ની.
પ્રિમાઇસ એ જ. કદરૂપો છોકરો અનેક છોકરીઓના પ્રેમમાં પડે, પણ છોકરી તેને ભાવ આપે નહીં. એક છોકરી પ્રેમમાં પડી તો તે પણ બ્લાઇન્ડ એટલે આમ જોઈએ તો પ્રેમનું ભરેલું નાળિયેર, પેલી દેખતી થાય તો સૌથી પહેલાં પોતાની લાઇફમાંથી જેને હાંકી કાઢે તે આ જ છોકરો હોય. નાટક જુદું, વાર્તા અને વાત જુદી, ક્યાંય કોઈ સીનને એકબીજા સાથે નિસબત નહીં અને છતાં નાટકનો જીવ, સત્ત્વ અને સુગંધ એ જ.
તમને થશે કે અત્યારે હું તમને આ બધી વાત શું કામ કહું છું તો એનો જવાબ તમને હું આવતા સોમવારે આપીશ, પણ એ પહેલાં કહીશ કે માઇનર કોવિડ પછી હું ઘરમાં જ ક્વૉરન્ટીન છું અને મારી તબિયત સારી છે. ફિકર કરવાની કોઈ જરૂર નથી. ઓમાઇક્રોન જરાય ખતરનાક નથી કે પછી એ જરાય હેરાન કરતો નથી. ડાહ્યા બાપનો ડાહ્યો દીકરો હોય એવો મારો અત્યાર સુધીનો અનુભવ છે, પણ એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે એ આવે તો વાંધો નહીં. ઓમાઇક્રોન કે પછી કોવિડના અગાઉના વેરિઅન્ટ, કોઈએ આવવું ન જોઈએ અને એને માટે જે ચીવટ લેવાની હોય એ લેતા રહેજો.
મળીશું આવતા અઠવાડિયે, આજના દિવસે અને આ જ સમયે.

columnists Sanjay Goradia