જો સિરફિરે હોતે હૈં વહી ઇતિહાસ લિખતે હૈં, સમઝદાર લોગ તો સિર્ફ ઉનકે બારે મેં પઢતે હૈં!

09 November, 2022 05:18 PM IST  |  Mumbai | Pravin Solanki

લેખક મણિમુગ્ધ શર્મા તેમના પુસ્તક ‘અલ્લાહુ અકબર અન્ડરસ્ટૅન્ડિંગ ધ ગ્રેટ મુગલ ઇન ટુડેઝ ઇન્ડિયા’માં લખે છે કે ફિલ્મ ‘જોધાબાઈ’માં જોધાબાઈને રાજા ભારમલની દીકરી ને અકબરની બેગમ તરીકે દર્શાવાઈ છે એ સત્ય નથી

ફિલ્મ જોધાઅકબર

અકબરે ગવર્નર મિર્ઝા સૈફુદ્દીનને પૂરણમલથી દૂર રહેવાનું ફરમાન કરી ભારમલને નિર્ભય કરી દીધો અને બદલામાં ભારમલે પણ વચન પાળીને હરખાબાઈનાં લગ્ન અકબર સાથે કરાવી દીધાં.

અકબરની પત્ની કોણ હતી એવો સવાલ કરવામાં આવે તો ૯૯ ટકા જવાબમાં ‘હા’ આવશે, પણ ૧ ટકો ‘ના’માં જવાબ આપનારને તમે મૂર્ખ ગણશો? જો આનો જવાબ ‘હા’ આપવાના હો તો પહેલાં આ લેખ વાંચી જજો. 

ઇતિહાસથી માંડીને ફિલ્મોમાં પણ અકબરની બેગમ જોધાબાઈ હતી એવો ઉલ્લેખ થયો છે. છતાં કોઈ એમ કહે કે અનારકલીની માફક જોધાબાઈ પણ કાલ્પનિક પાત્ર છે તો ઘણાને નવાઈ 
લાગશે! પરંતુ સી. રેહાન ફઝલને આમાં કોઈ નવાઈ નથી લાગતી.

રેહાન ફઝલે બીબીસીના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પ્રખ્યાત ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ અને ‘મહારાણી જોધાબાઈ’ એ બન્ને કાલ્પનિક પાત્રનો સહારો લઈને જ બની છે. કે. આસિફે ફિલ્મ બનાવતાં પહેલાં સંશોધન કર્યું હતું કે નહીં એની ખબર નથી, પરંતુ આશુતોષ ગોવારીકરે અનેક વિદ્વાનો અને પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો, પણ તેમને અકબરની બેગમ જોધાબાઈ છે એવો ક્યાંય ઉલ્લેખ મળ્યો નહોતો, પરંતુ અનારકલીની સફળતાથી પ્રેરાઈને તેમણે ‘હાંક સુલેમાન ગાલ્લી’નો રવૈયો અપનાવ્યો હશે.

ભારતના ૩૦૦ વર્ષના મોગલકાળના ઇતિહાસમાં ઘણી ક્ષતિઓ છે એવું તેમનું માનવું છે. લેખક મણિમુગ્ધ શર્મા તેમના પુસ્તક ‘અલ્લાહુ અકબર અન્ડરસ્ટૅન્ડિંગ ધ ગ્રેટ મુગલ ઇન ટુડેઝ ઇન્ડિયા’માં લખે છે કે ફિલ્મ ‘જોધાબાઈ’માં જોધાબાઈને રાજા ભારમલની દીકરી ને અકબરની બેગમ તરીકે દર્શાવાઈ છે એ સત્ય નથી. હકીકત એ છે કે આમેરની રાજકુમારી હીરાકુંવર ઉર્ફે હરખાબાઈ અકબરની ચોથી બેગમ હતી. તેમની પહેલી પત્ની રુકૈયા તેમની માનીતી હતી, કારણ કે તે તેમની પિતરાઈ હતી, એટલું જ નહીં, તે મોગલ હતી, તેમની બરોબરીની હતી. 
હરખાબાઈ આમેરના રાજા ભારમલ કછુઆહની પુત્રી હતી. આમેર એક નાનું રાજ્ય હતું. ભારમલના ભાઈ પૂરણમલની નજર આમેરની રાજગાદી પર હતી અને એ માટે બન્ને ભાઈઓ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પૂરણમલને મોગલ ગવર્નર સૈફુદ્દીનનું સમર્થન હતું.

એક અન્ય લેખિકા ઇરા મુખાટ્ટી પણ પોતાના પુસ્તકમાં લખે છે કે આમેરના રાજા ભારમલે ભાઈ પૂરણમલના ડરથી અકબર પાસે મદદ માટે હાથ લંબાવ્યો હતો, એટલું જ નહીં, બદલામાં પોતાની દીકરી હરખાબાઈ સાથે શાદી કરવાનું વચન આપ્યું હતું.

 આ પહેલાં પણ મોગલ બાદશાહો હિન્દુ રાજાની દીકરીને વરી ચૂક્યા હતા. મારવાડના રાજા રાવ માલદેવની પુત્રીનાં લગ્ન ગુજરાતના સુલતાન મેહમૂદ સાથે થયાં હતાં. અકબરે ગવર્નર મિર્ઝા સૈફુદ્દીનને પૂરણમલથી દૂર રહેવાનું ફરમાન કરી ભારમલને નિર્ભય કરી દીધો અને બદલામાં ભારમલે પણ વચન પાળીને હરખાબાઈનાં લગ્ન અકબર સાથે કરાવી દીધાં.

લગ્ન પછી હરખાબાઈનું નામ મરયમ-ઉજ-ઝમાની બન્યું, પણ માત્ર રિવાજ પૂરતું. આમ ૧૫૬૨માં મોગલ જનાનખાનામાં હરખાબાઈને સાદર પ્રવેશ મળ્યો. ત્યાં હરખાબાઈને દરેક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી, એટલું જ નહીં, તેનું ધર્મપરિવર્તન પણ કરવામાં આવ્યું નહોતું.

અબ્દુલ કાદીર બદાયૂંની નામના લેખકે તેમના પુસ્તકમાં એક વાત બીજી, પણ મહત્ત્વની એ લખી છે કે હરખાબાઈ સાથે તેનો ભાઈ ભગવંતદાસ અને ૧૧ વર્ષનો ભત્રીજો માનસિંહ પણ મોગલ દરબારમાં ભળ્યા. તેમણે એ પણ નોંધ્યું છે કે જ્યારે હરખાબાઈના પુત્ર સલીમનાં લગ્ન ભગવંતદાસની પુત્રી સાથે હિન્દુ વિધિ પ્રમાણે કર્યાં એમાં અકબરે દરેક વિધિમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં, બાદશાહે રાજકુમારીના ઘરથી રાજમહલ સુધીના રસ્તા પર સોનાના સિક્કા ઉછાળ્યા હતા.

આ બધી અસર હરખાબાઈના પ્રભાવની હતી. રુકૈયાનું સ્થાન હરખાબાઈએ લઈ લીધું હતું. હરખાબાઈએ અકબરની જીવનશૈલી બદલી નાખી હતી ત્યાં સુધી કે અકબરે ગૌમાંસ ખાવાનું છોડી દીધું, લાંબી દાઢી કઢાવી નાખી, ફક્ત મૂછો રાખી.

ઇતિહાસકાર અબુ ફઝલે અકબરનામામાં આ બાબતે હરખાબાઈનાં વખાણ કર્યાં હતાં. એમાં એ પણ નોંધાયું છે કે અકબરે હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથો રામાયણ-મહાભારતના અનુવાદનું કાર્ય પણ હાથ ધરાવ્યું હતું.

જહાંગીરે તેમની આત્મકથામાં અકબર વિશે લખ્યું છે કે અકબરનું માથું પહોળું હતું. પાંપણ લાંબી હતી, દાઢી મૂંડાવી નાખી હતી, તેમના વાળ વાંકડિયા હતા, ચાલતી વખતે જમણો પગ સહેજ ખોડંગાતો હતો. તેમને અરબી ઘોડા, ઊંટ, કબૂતર, શિકારી કૂતરાઓ પર વિશેષ લગાવ હતો.

બંદૂકથી નિશાન તાકવામાં તેઓ લાજવાબ હતા. તેમની યાદશક્તિ આશ્ચર્યજનક હતી. દરેકનાં નામ તેમને યાદ રહેતાં હતાં. આ બધા ગુણો હરખાબાઈને કારણે વધારે વિકસ્યા હતા. ખેર, આપણે માટે અકબર કેવો હતો એ મહત્ત્વનું નથી. હરખાબાઈ કોણ હતી એ મહત્ત્વનું છે. જોધાબાઈ એ જ હરખાબાઈ હતી?

જોધાબાઈનો ભાઈ માનસિંહ અને હરખાબાઈનો ભાઈ પણ માનસિંહ? કુછ તો ગરબડ હૈ? ઘણા પ્રશ્નો સામે આવીને ઊભા રહે છે, પરંતુ રેહાન ફઝલે જે રીતે સંદર્ભ આપીને વાત કરી છે તો વળી એક પ્રશ્ન એ પણ થાય છે કે પ્રચલિત માન્યતાને વળગી રહેવું કે હકીકત માટે સંશોધન કરવું? ને એ કરે કોણ? જવા દો. એક વાત નક્કી છે કે આવી રસપ્રદ ઉલઝન મગજને કસરત જરૂર કરાવે છે.

 

સમાપન

કેટલીક વિવાદાસ્પદ વાતોથી આપણે ટેવાઈ ગયા હોઈએ છીએ અને એ જ વાત આપણે પોતે પણ આગળ વધારતા રહીએ છીએ. એક નાનો, પણ સચોટ દાખલો જોઈએ. સેંકડો વર્ષોથી આપણે એક કહેવત બોલીએ છીએ, ‘વર મરો કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો.’ આપણે ક્યારેય વિચાર નથી કર્યો કે કોઈને મારીને ગોર પોતાનું તરભાણું ભરવાનું વિચારી શકે ખરા? હકીકતમાં કહેવત છે, ‘વર વરો, કન્યા વરો, પણ ગોરનું તરભાણું ભરો.’ આ વધારે સુસંગત પણ લાગે છે. આ જ રીતે તુલસીદાસને નામે જે પ્રચલિત છે, ‘ઢોર, ગંવાર, પશુ, અરુ નારી સબ તાડન કે અધિકારી.’ કહે છે કે તાડન શબ્દનો ગલત ઉપયોગ થયો છે. સાચો શબ્દ છે ‘તારન કે અધિકારી.’ ‘એક પ્રશ્ન કે કઇ ઉત્તર મિલ જાતે હૈં, લેકિન એક ઉત્તર કે ફિર સે કઇ પ્રશ્ન ખડે હો જાતે હૈં. જો સિરફિરે હોતે હૈં વહી ઇતિહાસ લિખતે હૈં સમઝદાર લોગ તો સિર્ફ ઉનકે બારે મેં પઢતે હૈં!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki