સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહીં દેતે ન કિસી કી નઝરોં મેં, ન કિસી કે કદમોં મેં!

29 June, 2022 08:35 PM IST  |  Mumbai | Pravin Solanki

માણસના દરેક કાર્ય પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછળ બદલાની-ફળની આશા તો રહેવાની જ. ફળની આશા ન રાખવી એવો ભાવ પણ એક ફળની આશા જ છે.

સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહીં દેતે ન કિસી કી નઝરોં મેં, ન કિસી કે કદમોં મેં!

ક્યાંક વાંચેલી એક વાત યાદ આવે છે. કહેવાય છે કે દોસ્ત અને દવાને ગાઢ સંબંધ છે. દોસ્તો ત્રણ પ્રકારના હોય છે; આયુર્વેદ જેવા, ઍલોપથી જેવા અને ત્રીજા હોમિયોપથી જેવા. 
આયુર્વેદી દોસ્ત એટલે જેનાં ગુણગાન બધા જ ગાય, પરંતુ ઇમર્જન્સીમાં કામ ન આવે. એના ફાયદા કદાચ લાંબા ગાળે થાય કે ન પણ થાય.
 ઍલોપથી દોસ્ત એટલે જે ઇમર્જન્સીમાં કામ આવે અને એની અસર તાત્કાલિક થાય, પણ એની કઠણાઈ એ છે કે ભવિષ્યમાં એની આડઅસર થવાની ઘણીબધી શક્યતા હોય છે. 
હોમિયોપથી દોસ્ત એટલે જે ઇમર્જન્સીમાં કામ નથી આવતા, તો લાંબા ગાળે નુકસાન પણ નથી કરતા. એની અસર ધીમે-ધીમે થાય કે કદાચ ન પણ થાય.
 નક્કી કરો, આપના મિત્રો કેવા પ્રકારના છે? મદદ કરીને ઉપકારની ભાવના રાખનારા કે મદદ કરીને ભૂલી જનારા કે બદલાની ભાવના રાખી મદદ કરનારા. 
 ફ્રૉઇડ કહે છે કે માણસના દરેક કાર્ય પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછળ બદલાની-ફળની આશા તો રહેવાની જ. ફળની આશા ન રાખવી એવો ભાવ પણ એક ફળની આશા જ છે. 
અહીં હું એક ચોથા પ્રકારના મિત્રની વાત કરવા માગું છું. આવા મિત્રો દુર્લભ હોય છે, જેઓ પોતે મદદ કરી છે એનો બિલકુલ અહેસાસ જ થવા નથી દેતા.
 બે મિત્રો હતા. લંગોટિયા મિત્રો. આપણે તેમને રાજુ અને હિતુ તરીકે ઓળખીશું. રાજુ શ્રીમંત, હિતુ ગરીબ. હિતુ ભણવામાં હોશિયાર, રાજુ ઠોઠ. 
રાજુ પરીક્ષામાં હિતુમાંથી કૉપી કરીને જ પાસ થતો અને હિતુ હોંશે-હોંશે તેને કૉપી કરવા દેતો. ઘણી વાર રાજુ તોફાન કરતો, ગુનો કરતો અને હિતુ એ ગુનો પોતાને માથે ઓઢીને સજા ભોગવી લેતો. આવી ગાઢ દોસ્તી બન્ને વચ્ચે હતી. 
એક વાર શાળામાં વકૃત્વ હરીફાઈ હતી. વિષય હતો, ‘લક્ષ્મી ચડે કે સરસ્વતી?’ રાજુ-હિતુ બન્નેએ એમાં ભાગ લીધો હતો. રાજુએ લક્ષ્મીનાં ભરપૂર ગુણગાન ગાયાં અને લક્ષ્મી જ સર્વસ્વ છે એવું જોરજોરથી ઠસાવ્યું. રાજુને હતું કે હિતુ તેની સામે બોલવા ઊભો નહીં જ થાય અને પોતાને જિતાડશે, પણ બન્યું ઊલટું. હિતુએ સરસ્વતીને શ્રેષ્ઠ પુરવાર કરીને ઇનામ મેળવ્યું, પણ એ ઇનામે બન્નેની દોસ્તી વચ્ચે ડંખ પેદા કર્યો. રાજુએ હિતુને કહ્યું, ‘ભવિષ્યમાં તને બતાવી આપીશ કે કોનો પ્રતાપ વધારે છે, લક્ષ્મીનો કે સરસ્વતીનો.’ 
વર્ષોનાં વહાણાં વાયાં. બન્ને પરણ્યા, પરિવાર થયો, બન્ને શહેરમાં આવ્યા. રાજુ મોટો બિઝનેસમૅન બન્યો, પણ હિતુએ ઘણી મહેનત કર્યા છતાં તેનું શહેરમાં કંઈ જામતું નહોતું. એમાં વળી તેના નાના દીકરાને પોલિયો છે એની સારવાર માટે ૨-૩ લાખ રૂપિયાની જરૂર છે. પત્ની વારંવાર હિતુને રાજુ પાસે મદદ માગવા ટોક્યા કરે છે. આખરે નાછૂટકે દીકરા ખાતર તે રાજુના ઘરે જાય છે. 
રાજુ અને તેનો ભાગીદાર વસંત બન્ને ઘરમાં બેઠા છે અને ત્યારે જ રાજુનું આવવાનું થાય છે. આમ તો વસંત તેના ગામનો જ છે અને બન્નેની ગાઢ દોસ્તીનો સાક્ષી છે એટલે ભોળિયા હિતુએ વસંતની હાજરીમાં જ પોતાની રામકહાણી કહી. વસંત બોલી ઊઠ્યો, ‘અરે તારે તો રાજુને હુકમ કરવાનો હોય, વિનંતી નહીં. બે-ત્રણ લાખ રૂપિયા તો રાજુ માટે ચણા-મમરા જેવા છે.’ 
 પણ રાજુનો મિજાજ જુદો હતો. વસંતની હાજરીમાં તેણે હિતુનું અપમાન કર્યું, ઉતારી પાડ્યો કહ્યું, ‘ક્યાં ગયો તારી સરસ્વતીનો પ્રતાપ? આજે તારે લક્ષ્મીના આંગણે ભીખ માગવા આવવું પડ્યુંને? હું તને એક પાઇની પણ મદદ કરવાનો નથી, એટલું જ નહીં, આજ પછી મારી અપૉઇન્ટમેન્ટ લીધા વગર મને મળવા આવતો નહીં.’
હિતુ ડઘાઈ ગયો હતો, સમસમી ગયો, પણ રાજુના વ્યવહારે તેના સ્વમાનને જાગ્રત કરી દીધું. જીવનમાં કંઈ કરી બતાવી આપવાનું મનમાં ઠાની લીધું, પણ પૈસા વગર કરવું શું? 
શુભ વિચાર કરો તો જીવનમાં શુભ સંકેત જ મળે. વસંત હિતુની મદદે આવ્યો. હિતુને કહ્યું, ‘રાજુએ તારી જેમ મારું પણ અપમાન કર્યું છે, હું તેનાથી છૂટો થઈ ગયો છું. હવે તારી બુદ્ધિ, મારા પૈસા. આપણે બન્ને રાજુને બતાવી દઈએ.’ 
 કહે છેને કે ‘દેનેવાલા જબ ભી દેતા હૈ, છપ્પડ ફાડકે દેતા હૈ.’ પાંચ વર્ષમાં હિતુ-વસંતે મોટો ખેલો કરી નાખ્યો. હિતુના અભ્યાસ અને દૂરંદેશીએ વસંતના પૈસાનો મોટો ગુણાકાર કરી નાખ્યો. હવે હિતુ પાસે બધું જ છે, પણ શાંતિ નથી. તેનું ધ્યેય એક જ છે રાજુને બરબાદ કરવાનું. 
અચાનક વસંત ખબર લાવ્યો કે રાજુને કૅન્સર છે અને હૉસ્પિટલમાં છે. આ સમાચારે હિતુનો ચહેરો ક્ષણભર ચમકી ગયો. વસંત રાજુની ખબર કાઢવા જવાનું સૂચન કરે છે, પણ હિતુ સાફ ઇનકાર કરે છે. એ બાબતે બન્ને વચ્ચે મોટો વિવાદ જાગે છે. વસંત કહે છે, ‘રાજુ ગમે તેવો હોય, પણ તારો દોસ્ત હતો અને મારો ભાગીદાર.’ હિતુથી બોલાઈ જાય છે, ‘તારે જવું હોય તો તું જઈ શકે છે. બાકી તે મરે કે જીવે એમાં મને બિલકુલ રસ નથી.’ આટલું તે બોલ્યો નથી કે વસંત તેને જોરદાર બે-ત્રણ તમાચા મારી દે છે. 
‘બેવકૂફ, મૂરખ, સાચી વાત જાણીશ તો તારા પગ નીચેની ધરતી સરકી જશે. હું તારો પાર્ટનર બન્યો એ તો માત્ર એક નાટક હતું, રાજુના કહેવાથી કરેલું નાટક. તારું સ્વામાન જગાવવા, તારું ખમીર જીવંત કરવા, તારી બુદ્ધિની ધાર સતેજ કરવા તેણે તારું અપમાન કરીને તને ઉશ્કેર્યો હતો. મને કહ્યું હતું, ‘હું જો તેને બે-પાંચ લાખ રૂપિયાની મદદ કરીશ તો તેના દીકરાની સારવાર માટે કામ આવશે, પણ મારે તેની આખી જિંદગી સુધારવી છે. ડોબામાં બુદ્ધિ છે, પણ સાહસ નથી, હિંમત નથી, મહેનત કરવાની ધગશ નથી. આ બધું જગાડવા જ મેં તેનું અપમાન કર્યું હતું.’ તારો પાર્ટનર બનીને તારા દીકરાની સારવાર અને ધંધા માટે આર્થિક મદદ કરવા તેણે પોતાના ભાગમાંથી ૧૦ લાખ રૂપિયા આપીને મને આ નાટક કરવા મજબૂર કર્યો હતો.’ 
વસંતની વાત સાંભળીને હિતુ દિગ્મૂઢ થઈ ગયો.

columnists Pravin Solanki