મુઝે તેરા સાથ ઝિંદગીભર નહીં ચાહિએ બલ્કિ જબ તક તૂ સાથ હૈ તબ તક ઝિંદગી ચાહિએ!

01 June, 2022 10:20 AM IST  |  Mumbai | Pravin Solanki

મિત્રોની મહેફિલ જામી હતી. ત્યાં એક મિત્રે આવીને ઉપરની શાયરી ફટકારી - ‘તૂ સાથ હૈને બદલે તુમ્હારા સાથ હૈ’ શબ્દ બદલીને. મિત્રોએ તાળીઓ પાડી. કોઈ પણ મહેફિલમાં તાળીઓ પડાવવી હોય તો પ્રસંગને અનુરૂપ પાંચ-પચીસ શાયરીઓ મોઢે હોવી જ જોઈએ

મુઝે તેરા સાથ ઝિંદગીભર નહીં ચાહિએ બલ્કિ જબ તક તૂ સાથ હૈ તબ તક ઝિંદગી ચાહિએ!

મિત્રોની મહેફિલમાં ઘણુંબધું બનતું હોય છે. બોલવા જેવા શબ્દો કરતાં ન બોલવા જેવા શબ્દો વધારે બોલાતા હોય છે, ચર્ચવા જેવા વિષયો કરતાં ન ચર્ચવા જેવા વિષયો પર વધારે ચર્ચા થતી હોય છે. વળી વિષયનું સાતત્ય તો રહેતું જ નથી. એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા વિષય પર ફંટાતા રહે છે.
અમારી ચર્ચા ફિલ્મી હીરો-હિરોઇનની જોડીઓ વિશે ચાલતી હતી. અશોકકુમાર-નલિની જયવંત, નર્ગિસ-રાજ કપૂર, ધર્મેન્દ્ર-હેમા, દેવ આનંદ-સુરૈયા, દિલીપકુમાર-મધુબાલા, શાહરુખ-કાજોલ વગેરે જોડીએ ફિલ્મની સફળતામાં કેટલો ભાગ ભજવ્યો એની ચર્ચા ચાલતી હતી. ત્યાં એક મિત્ર આડો ફંટાયો, ‘અરે, ફિલ્મમાં તો સૌથી વધારે સંગીતકારોની જોડીઓએ ધૂમ મચાવી છે. હુસ્નલાલ ભગતરામ, શંકર-જયકિશન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, નદીમ-શ્રવણ, જતીન-લલિત, વિશાલ-શેખર, સલીમ-સુલેમાન, આનંદ-મિલિંદ, સચિન-જિગર...’ ત્યાં એકે વચ્ચે ટપકું મૂક્યું, ‘અરે, જોડી તો જવા દો. સંગીતકારોમાં તો તિગડી પણ છે - શંકર, એહસાન, લોય.’ 
‘છોડો યાર જોડીઓની વાત... જોડીઓ તો દેવદેવીઓના કાળથી ચાલતી આવી છે. રાધાકૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ, શંકરપાર્વતી. આ વાત મૂકીને ચા-કૉફીની જોડીની વ્યવસ્થા કરો.’ 
ચા પીતાં-પીતાં મને નાટકોની જોડીઓ યાદ આવી. મેં કહ્યું, ‘અમારા જમાનામાં નાટકોમાં પણ મશહૂર જોડીઓ હતી. અમૃત પટેલ-સુરેશ સંઘવી, ભરત દવે-ભદ્રકાન્ત ઝવેરી, અસલમ શેખ-નીલેશ રૂપાપરા, છેલ-પરેશ.’ 
‘પ્રવીણ, એ વખતે તારી અને અરવિંદ ઠક્કરની જોડીએ તો ધમાલ મચાવી હતી.’ એકે કહ્યું. 
‘હા, પણ અમારી જોડીમાં હું લેખક હતો અને તે દિગ્દર્શક. અમારું ક્ષેત્ર જુદું-જુદું હતું.’ ત્યાં બીજાએ ટહુકો કર્યો, ‘અત્યારની એક જોડીને કેમ ભૂલી જાઓ છો? સુધીર શાહ-સંગીતા જોશીની. બંને સાથે પ્રવાસવર્ણનો અને નવલકથાઓ લખે જ છેને?’ 
‘પણ સાલું મારા ભેજામાં આ જ ઊતરતું નથી કે આ જોડીઓ કામ કઈ રીતે કરતી હશે? સંગીતકારો જોડીમાં ગીત કઈ રીતે બનાવતા હશે? જોડીમાં નાટકો-વાર્તાઓ કઈ રીતે લખતા હશે?’ મેં કહ્યું, દરેકની પદ્ધતિ જુદી-જુદી હોય. ત્યાં મારા મોબાઇલની રિંગ વાગી. હું બહાર ગયો. 
દસ મિનિટ પછી મહેફિલમાં પાછા આવતાં મેં હર્ષભેર કહ્યું, ‘અરે યાર, ગજબનો યોગાનુયોગ થયો છે. આપણે જોડીઓની વાત કરતા હતા અને જોડીનો જ ફોન આવ્યો.’ ‘કઈ જોડી?’ 
‘રાજુ-રાજેનની જોડી.’
રાજુ અડોદરા અને રાજેન ઉપાધ્યાય. કોણ છે આ બંને? 
‘અરે, તમે કોઈ તેમને નથી ઓળખતા? ટીવી-સિરિયલોના લેખનમાં મશહૂર જોડી છે.’ મશહૂર હોય તો અમે તેમનું નામ કેમ નથી સાંભળ્યું? બધા હસ્યા, પણ મને ન ગમ્યું. 
રાજુ-રાજેન થોડી વારમાં મને મળવા આવવાના છે એ જાણીને બધા મિત્રો છૂટા પડ્યા મને દ્વિધામાં નાખીને. મને થયું કે આવું પણ બને? જે લેખક જોડીએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના ૧૧૦૦ જેટલા એપિસોડ લખ્યા હોય, ઈ-ટીવી ગુજરાતી માટે ૨૫૦૦ જેટલા એપિસોડ કર્યા હોય, નીરજ ગુલેરી માટે ‘હમ સાથ-સાથ હૈં’ સિરિયલનું વાર્તાલેખન કર્યું હોય, સચિન પિળગાંવકર સાથે સહારા પર ‘ગિલ્લી દંડા’ અને સ્ટાર પર ‘કડવી ખટ્ટી મીઠી’ કરી હોય, સાઉથમાં સિલિબેલીના ૧૨૦૦ અને કન્નડમાં પાપા પાંડુના ૧૦૦૦ જેટલા એપિસોડ કર્યા હોય તેમનું નામ લોકો સુધ્ધાં ન જાણે? એ પણ અમારી નાટકની દુનિયાના?
મૂળ વાત એ છે કે લોકો પડદા પર કે રંગમંચ પર દેખાતા કલાકારોનાં નામ જ જાણે છે, તેમને ઓળખે છે. વળી નાટકની જેમ શરૂઆતની ઉદ્ઘોષણામાં નામો બોલતાં નથી. ટીવી પર લખાયેલાં નામ એટલી ઝડપથી ચાલી જાય છે કે લોકોને વાંચવાનો સમય જ નથી મળતો. આમ પણ લોકોને કલાકારોમાં વધુ રસ હોય છે, કસબીઓમાં ઓછો. 
થોડોઘણો વાંક રાજુ-રાજેનનો પણ છે. બન્ને એટલા સીધા-સાદા અને સરળ છે કે તેમને પોતાની પિપૂડી વગાડતાં ફાવતું જ નથી. એટલે જ નવા કલાકારોને તક આપવા માટે જાણીતા નિર્માતા અસિત મોદીએ આપેલી તકનો લાભ પણ ન લઈ શક્યા.
 રાજુ અડોદરા અને રાજેન ઉપાધ્યાય બન્ને ચુપચાપ કામ કરવાવાળા લેખકો છે. બંનેમાં અજબનું સામ્ય છે. બંનેનાં નામ ‘ર’થી શરૂ થાય છે, બંનેની હાઇટ સરખી છે, બંનેનાં જૂતાંનાં માપ સરખાં છે, બન્ને ઓછાબોલા છે, બન્નેએ પોતપોતાના ફ્લૅટ પણ સાથે ખરીદ્યા હતા અને બન્નેએ સંઘર્ષ પણ સાથે જ કર્યો છે. 
જોડીની વાત પરથી જેમ આ જોડીનો લેખ લખવાનો યોગાનુયોગ થઈ ગયો એનાથી વધારે આશ્ચર્યની એ બની કે ભૂતકાળના સંઘર્ષના દિવસોમાં રાજુ તારક મહેતા પાસે પોતે લખેલો લેખ લઈને તેમનો અભિપ્રાય-માર્ગદર્શન લેવા ગયો. તારક્ભાઈએ વાંચ્યા પછી કહ્યું, ‘રાજુ, આવું તો હું લખું જ છું. તું કંઈક બીજું લખ.’ અને વરસો પછી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ લખવાનું તેના ભાગે આવ્યું. 

columnists Pravin Solanki