ઝિંદગી જો શેષ બચી હૈ, ઉસે વિશેષ બનાઇએ ‘સાહબ’ બાદ મેં તો અવશેષ હી હોના હૈ! - ધીરેન્દ્ર

06 July, 2022 03:55 PM IST  |  Mumbai | Pravin Solanki

 ‘વર્ષો પહેલાં ભગવાન બુદ્ધ થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, તુલસીદાસજી, તુકારામ, કબીર જેવી વ્યક્તિઓ થઈ ગઈ, 

ઝિંદગી જો શેષ બચી હૈ, ઉસે વિશેષ બનાઇએ ‘સાહબ’ બાદ મેં તો અવશેષ હી હોના હૈ! - ધીરેન્દ્ર

એક વ્યક્તિને ત્યાં તેના ગુરુ પધાર્યા. વ્યક્તિ શ્રીમંત હતી. આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગે દરેક શ્રીમંત વ્યક્તિને કોઈ એક ચોક્કસ ગુરુ હોય છે. કારણમાં એટલું જ કહી શકાય કે  ગુરુને કારણે વ્યક્તિ શ્રીમંત બની હશે કે શ્રીમંત વ્યક્તિને કારણે ગુરુને પ્રતિષ્ઠા મળી હશે; જે હોય એ, પરંતુ બન્ને એકબીજાનો ઉપયોગ સારી રીતે કરતા હોય છે. બધી ઔપચારિક ક્રિયા પછી વ્યક્તિએ કહ્યું, ‘ગુરુજી એક સવાલ પૂછું?’ 
 ‘પૂછો.’ 
 ‘વર્ષો પહેલાં ભગવાન બુદ્ધ થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, તુલસીદાસજી, તુકારામ, કબીર જેવી વ્યક્તિઓ થઈ ગઈ, પરંતુ છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવી કોઈ વિભૂતિ કેમ ન થઈ?’ 
 ગુરુજી જવાબ આપે એ પહેલાં જ બીજો સવાલ કર્યો, ‘સંતની વાત જવા દો, સાહિત્યકારમાં પણ શેક્સપિયર, કાલિદાસ, ભવભૂતિ જેવા મહાકવિઓ-મહાન સાહિત્યકારો કેમ ન મળ્યા?’ 
 ગુરુજીએ સવાલનો જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો, ‘જગદીશચંદ્ર બોઝ, ન્યુટન, આઇન્સ્ટાઇન, ગૅલિલિયો જેવા વૈજ્ઞાનિકો પણ ક્યાં થયા છે?’ 
‘ના ગુરુજી, વૈજ્ઞાનિકો તો ઢગલાબંધ થયા છે. રોજ કોઈ ને કોઈ નવી શોધ, નવા આવિષ્કાર થયા જ કરે છે. હર ઘડી હર પળ નવી-નવી શોધ થઈ રહી છે, નવાં-નવાં ઉપકરણો, જુદાં-જુદાં ગૅજેટ્સ બજારમાં ખડકાયા જ કરે છે, વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોએ માણસજાતની જીવવાની આખી શૈલી જ બદલી નાખી છે.’
 ‘અચ્છા...’ ગુરુજી વ્યગમાં બોલ્યા. 
‘અરે માણસે ધરતી તો શું આકાશ પણ સર કરી લીધું છે.’ 
 ‘માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે, પાતાળ ખોદી રહ્યો છે. અરે હવે તો બોલી  શકે, સમજી શકે એવો રોબો પણ બની રહ્યો છે.’ ગુરુજી વચ્ચે બોલીને તેનો ઉત્સાહ ભંગ કરવા નહોતા માગતા એટલે તેને બોલવા જ દીધો. 
 ‘મહાત્મા, આપ જાણતા નહીં હો, પહેલાં ગણ્યાગાંઠ્યા અબજોપતિ, કરોડપતિ હતા. આજે ગલી-ગલીમાં કરોડપતિ છે. આ વિરાટ સૃષ્ટિને માણસે સાંકડી બનાવી દીધી છે. તમે કલાકોમાં એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકો છો, ઘરે બેઠાં-બેઠાં અમેરિકા, લંડન કે ફ્રાન્સમાં રહેતા તમારા સ્વજનો સાથે વાત કરી શકો છો, આ બધું કોના પ્રતાપે? વૈજ્ઞાનિકોના જને.’ 
 ગુરુજી હસ્યા. વ્યક્તિએ મૂંઝાઈને પૂછ્યું, ‘હસો છો કેમ?’ ગુરુજીએ કહ્યું, ‘તારા સવાલના જવાબ તો તું જાતે જ આપતો જાય છે.’ 
‘હું કાંઈ સમજ્યો નહીં.’
 ‘વિજ્ઞાને હરણફાળ ભરી છે અને તત્ત્વજ્ઞાન તળિયે ગયું છે. ધનની પૂજા થાય છે અને ધર્મમાં ધતિંગ શરૂ થયાં છે. સુખ-સગવડ અને સાધનોને કારણે તે કુદરતથી બહુ દૂર નીકળી ગયો છે,  ભૌતિક પ્રવૃત્તિમાં તે એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે પ્રકૃતિને માણી શકતો નથી...’ 
ગુરુજીને અટકાવી વ્યક્તિ બોલી, ‘આપ શું બોલો છો એ મને કાંઈ સમજાતું નથી.’ 
ગુરુજીએ સીધો જવાબ આપવાને બદલે પૂછ્યું, ‘તારે બે નાનાં બાળકો છેને? શું બનાવવા માગે છે તું તેમને.’ 
‘દીકરો ડૉક્ટર બને અને દીકરી ફૅશન-ડિઝાઇનર બને એવું ઇચ્છું છું.’ 
‘એવું કેમ નથી ઇચ્છતો કે દીકરો સાહિત્યકાર અને દીકરી મીરાબાઈ બને?’ 
અને વ્યક્તિ એકદમ ચૂપ થઈ ગઈ, વાતનો મર્મ પામી ગઈ. 
 માણસ ભૌતિકવાદમાં ભટકી ગયો છે. સગવડ-સાધનોનો વિકાસ થયો છે, પણ હૃદય અને મન સંકુચિત થયાં છે. સૌકોઈ ઇચ્છે છે કે પોતાનું સંતાન એન્જિનિયર થાય, ડૉક્ટર થાય, બૅરિસ્ટર થાય, અંબાણી બને, અદાણી બને. સંત, સાહિત્યકાર કે માણસ બનવામાં કોઈને રસ નથી.
હકીકત તો એ છે કે સંત-સાહિત્યકાર બનતા કે બનાવાતા નથી, જન્મે છે, ઘડાય છે. એ માટે નોખું વાતાવરણ, નોખી માટી, બુદ્ધિ અને હૃદયનું સમતોલપણું જોઈએ. એ જ સાચો સંત બની શકે છે જે આરંભ અને અંત સુધી જીવનને દ્રષ્ટા તરીકે જોઈ શકે અને એ જ સાચો સર્જક બની શકે જે સર્જન માટે પોતાની જાતનું વિસર્જન કરી શકે. 
 થોડાં વર્ષો પહેલાં ‘હ્યુગો’ નામની ફિલ્મને ઑસ્કર માટે ૧૧ નોમિનેશન મળ્યાં હતાં. મને એ ફિલ્મનો મધ્યવર્તી વિચાર ખૂબ સ્પર્શી ગયો હતો. વાર્તા યાદ નથી, પરંતુ સચોટ રીતે યાદ છે વાર્તાનો સાર. 
‘હ્યુગો’ બાર-તેર વર્ષનો ગરીબ છોકરો છે. પૅરિસના એક રેલવે-સ્ટેશનની બાજુમાં આવેલા ખાંચામાં રહે છે અને સ્ટેશનની ઘડિયાળને દરરોજ ચાવી આપવાનું કામ કરે છે. ઘડિયાળ અને ચાવી રૂપક તરીકે છે. 
નાનપણમાં પિતાએ કરેલી વાત હ્યુગોના મનમાં એકદમ ઘર કરી ગઈ છે, ‘દીકરા દુનિયાઆખી એક યંત્ર છે અને આપણે સૌ એ યંત્રનો એક નાનકડો ભાગ-પાર્ટ છીએ. વિશ્વ આવા કેટલાય નાના-મોટા પાર્ટને કારણે ચાલતું રહ્યું છે. શરત એટલી કે આપણે આ યંત્રને દરરોજ ચાવી આપી ચાલતું રાખવું જોઈએ.’ 
નાનકડા હ્યુગોના મનમાં આ વાત જડબેસલાક બેસી ગઈ હતી.
હ્યુગોની પાછળ પોલીસ પડી હતી, કારણ કે હ્યુગોના અંતરમનમાં એવું ઠસી ગયું હતું કે તેનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો છે અને એને કારણે તે કંગાળ અને ગરીબ અવદશા ભોગવી રહ્યો છે. એટલે તે યંત્રના જુદા-જુદા પાર્ટની ચોરી કરવા લાગ્યો હતો. 
 જ્યૉર્જ નામની વ્યક્તિની રમકડાંની દુકાનમાં તે નોકરી કરે છે. રોબો નામના રમકડાના યંત્રના પાર્ટ્સનો તે અભ્યાસ કરે છે. પછી ચોરેલા પાર્ટ્સથી તે જાતે એક રોબો બનાવે છે. રોબો તો બન્યો, પણ એને ચલાવવાની ચાવી નથી મળતી. પછી અવિરત ચાવીની શોધખોળ ચાલે છે ત્યાં હ્યુગોની મુલાકાત ઇઝાબેલ નામની છોકરી સાથે થાય છે જે જ્યૉર્જની પુત્રી છે. આ મુલાકાત ચમત્કાર સર્જે છે. હ્યુગો ઇઝાબેલના ગળામાં એક લૉકેટ જુએ છે, જેમાં હૃદય આકારની ચાવી છે. હ્યુગોને જીવનયંત્ર ચલાવવાની ચાવી મળી ગઈ. 
વાત માનવયંત્રની, માનસશાસ્ત્ર અને ભૌતિકવાદની અટપટી અને અઘરી છે, પરંતુ કોઈ પણ અઘરામાં અઘરા તાળાની ચાવી હૃદય છે એ સ્પષ્ટ થાય છે.

સંત-સાહિત્યકાર બનતા કે બનાવાતા નથી; જન્મે છે, ઘડાય છે. એ માટે નોખું વાતાવરણ, નોખી માટી, બુદ્ધિ અને હૃદયનું સમતોલપણું જોઈએ. એ જ સાચો સંત બની શકે છે જે આરંભ અને અંત સુધી જીવનને દૃષ્ટા તરીકે જોઈ શકે અને એ જ સાચો સર્જક બની શકે જે સર્જન માટે પોતાની જાતનું વિસર્જન કરી શકે.

columnists Pravin Solanki