જો ભૂલ ચુકા હૈ વો યાદ ભી કરેગા બસ ઉસકે મતલબ કે દિન આને દો

10 August, 2022 02:06 PM IST  |  Mumbai | Pravin Solanki

કેટલીક વ્યક્તિ એવી હોય છે જે જરૂરિયાત માટે નહીં, પણ તેમણે કરેલા વિશિષ્ટ કાર્ય માટે તેમને યાદ કરે છે અને ક્યારેક આવી વ્યક્તિઓનું સન્માન પણ કરે છે. 

ભગત સિંહ કોશ્યારી

લોકો વ્યક્તિને-સંબંધને આસાનીથી ભૂલી જાય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે પાછી યાદ આવતાં વાર પણ નથી લાગતી. 
કેટલીક વ્યક્તિ એવી હોય છે જે જરૂરિયાત માટે નહીં, પણ તેમણે કરેલા વિશિષ્ટ કાર્ય માટે તેમને યાદ કરે છે અને ક્યારેક આવી વ્યક્તિઓનું સન્માન પણ કરે છે. 
શનિવાર ૩૦ જુલાઈએ મહારાષ્ટ્રના રાજ્યપાલ માનનીય ભગત સિંહ કોશ્યારીજીના શુભ હસ્તે ૧૨ ગુજરાતીઓનું સન્માન તેમના જુદા-જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ થયું. ગુજરાતીઓ માટે ખરેખર એ ગૌરવની વાત ગણાય છતાં એ ગૌરવની નોંધ બરાબર લેવાઈ નહીં એમાં કોઈ નવાઈની વાત નથી. બીજી તરફ ‘મરાઠી માણૂસ’ની વાત જોઈએ. 
તાજેતરની એક ઘટનાનો દાખલો ચાક્ષુષ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે એક ખાનગી સમારંભ જે એક મારવાડી સંસ્થા દ્વારા યોજાયો હતો એમાં કહ્યું, ‘મુંબઈમાં ગુજરાતી અને મારવાડી ન હોત તો મુંબઈ કદાચ આર્થિક રાજધાની ન હોત.’ આવા મતલબના વિધાન માટે વાતનું વતેસર કરીને માતૃભાષાપ્રેમી-મરાઠી રાજકારણીઓએ વિરોધ કરી, હંગામો કરીને રાજ્યપાલને આ વિધાન બદલ માફી માગવા મજબૂર કરી દીધા. 
બધા જાણે છે કે રાજકીય નેતા જે-તે સંસ્થાના સમારંભમાં ભાષણ કરે છે જે મોટા ભાગે જનસમૂહને રીઝવવા માટે જ કરે છે. તેમના શબ્દો પારંપરિક હોય છે, તેઓ દિલથી નથી બોલતા, એક વ્યવહાર નિભાવવા માટે બોલે છે. તેમના શબ્દોનું મૂલ્ય જે-તે ક્ષણ પૂરતું જ હોય છે.
શક્ય છે કે રાજ્યપાલે મારવાડી-ગુજરાતી કોમને ખુશ કરવા માટે આવું વિધાન કર્યું હોય. ધારો કે આ વિધાનથી હોબાળો ન મચ્યો હોત તો રાજ્યપાલનું ભાષણ બીજા દિવસે હવામાં ઓગળી ગયું ન હોત? 
એક રમૂજ એવી પણ પ્રચલિત છે કે એક નેતા અનાથાશ્રમના ઉદ્ઘાટનમાં બોલ્યા, ‘આ અનાથાશ્રમ શહેર-શહેરમાં ખૂલે, ફૂલેફાલે એ માટે અમારી સરકાર ભરપૂર પ્રયત્ન કરશે. રમૂજ બાજુએ મૂકીએ તો આવા ઘણા બફાટ થયા છે. 
એક બીજી વાત, રાજ્યપાલ જે બોલ્યા એમાં સત્યનો અંશ નથી? અને ન પણ હોય તો એક ચોક્કસ ભાષી રાજકારણીઓએ જ વિરોધ કેમ કર્યો? મુંબઈના વિકાસમાં પારસીઓનો પણ અમૂલ્ય ફાળો છે, ખ્રિસ્તીઓનો પણ છે, દરેક કોમનો છે. 
મરાઠી-ગુજરાતી પ્રજા હંમેશાં સંપીને રહી છે, જ્યારે-જ્યારે પણ દંગા થયા છે એ રાજકારણ પ્રેરિત જ થયા છે. આમજનતાને આવા વિખવાદમાં કોઈ રસ નથી.
આ લેખ લખવાનો આશય એ જ છે કે અત્યારે દેશમાં અનેક સમસ્યા છે; આર્થિક, સામાજિક, રાજકીય દરેક ક્ષેત્રે અરાજકતા છે. બેરોજગારી-મોંઘવારીએ માઝા મૂકી છે. રાજકારણીઓ દેશના હિત માટે નહીં, પરંતુ વ્યક્તિગત કે પક્ષના હિત માટે કામ કરી રહ્યા છે.
અત્યારે સરકાર અને પ્રજા બન્ને દિશાહીન છે. સરકાર ‘કટપ્પા કો કિસને મારા?’ જેવા વાહિયાત સવાલ ઊભા કરીને પ્રજાનું ધ્યાન મૂળભૂત પ્રશ્નથી ભટકાવે છે. નાના-નાના ગૌણ પ્રશ્નોની આડમાં નેતાઓ પોતાની ભાખરી શેકી રહ્યા છે. 
નેતાઓની ધરપકડ, નેતાઓનાં કૌભાંડ, કંગના રનોટ, સંજય રાઉતની દાદાગીરી, સુશાંત સિંહની હત્યા કે આત્મહત્યા? દિશા સાલિયનનું મોત કે કમોત? અર્પિતાનો અખૂટ ખજાનો, હનુમાન ચાલીસાના પાઠ ક્યારે અને ક્યાં કરવા, ક્રિકેટમાં ભારત જીત્યું કે પ્લેયર સદી ફટકારે એની ચર્ચામાં સૌ મશગૂલ છે. 
ધારાસભા કે વિધાનસભામાં લોકો દેશની સમસ્યાની ચર્ચા કરવાને બદલે હું...તું...તું... ખોખોની રમત રમી રહ્યા છે. પ્રજા કે સરકારને દેશ અને દુનિયા કેવા ગંભીર ખતરામાંથી પસાર થઈ રહી છે એની જાણે ગતાગમ જ નથી. શ્રીલંકા, પાકિસ્તાન, ઇથિયોપિયા જેવા દેશો નાદારીને કાંઠે કેમ ઊભા છે એનો જરાસરખોય વિચાર નથી આવતો. 
૭૫ વર્ષની મૂળભૂત સમસ્યા રોટી, કપડા, મકાનની જ રહી છે; જેનો હલ આજ દિવસ સુધી નથી આવ્યો. દેશમાં ભૌતિક પ્રગતિ થઈ છે અને દેશનું નામ દુનિયામાં મોખરે થયું છે એવા લુખ્ખા આશ્વાસનથી ભૂખ્યા લોકોનું પેટ ભરાતું નથી.
‘આઝાદ થતે આબાદ થઈ ગ્યા, કહેતા શાણા નેતા તો બરબાદ ગલીમાં રોટી-રોટીના પોકાર શા માટે?’ 
દોસ્તો, ગરીબ લોકોની વાત એક બાજુએ રાખીએ તો એક મધ્યમ વર્ગના માનવીની આજે શું દશા છે? સૌને હું એક વણમાગી સલાહ આપું છું કે આજે જો તમે ૫૦,૦૦૦ રૂપિયામાં ઘર ચલાવતા હો તો ૬ વર્ષ પછી સવા લાખ રૂપિયાની ઇન્કમ થાય એવો પ્લાન તમારે કરવો જોઈ‍શે. તમે જાણો છો કે આજે પચાસ હજાર કમાતો માણસ બાળકોને બે ટંક દૂધ નથી પીવડાવી શકતો કે ફ્રૂટ નથી ખવડાવી શકતો. પચાસ હજારમાંથી વીસ હજાર અનાજ, પાણી, શાકભાજીમાં જાય, વીસ હજાર મકાનનું ભાડું, બાળકોના શિક્ષણનો ખર્ચ, વીજળીનું બિલ, સામાજિક વ્યવહારમાં વપરાય, બે હજાર ઇન્કમ-ટૅક્સમાં જાય, પાંચ હજાર વાહનવ્યવહાર અને પરચૂરણ ખર્ચમાં, ત્રણ હજાર દવા-દારૂ વગેરેમાં જાય, લો પચાસ હજાર થઈ ગયા પૂરા. હવે એ ચર્ચા કરીને બસ આનંદ કરો કે મોદી કેમ આવું બોલ્યા, કોશ્યારીજીએ આવું ન બોલવું જોઈએ વગેરે વગેરે. 
સરકાર વ્યક્તિની આવક વધે એના કરતાં દેશનું નુકસાન થાય એવું કરી રહી છે. મફત અનાજ, મફત ભોજન, મફત વીજળીબિલ, મફત સાઇકલ, મફત લૅપટૉપ, વિવિધ વર્ગને કરજમાફીની ઘોષણા કરે છે એ પ્રજાના કલ્યાણ માટે નહીં, પણ ચૂંટણી જીતવાના પેંતરા માટે કરે છે, પણ કોના ભોગે? ભાર તો કન્યાની કેડ પર એટલે કે પ્રજા પર જ આવે છેને. 
સમાપન : માનનીય રાજ્યપાલના હસ્તે ૧૨ વ્યક્તિઓનું નહીં, ૧૨ ગુજરાતીઓનું-ગુજરાતી અસ્મિતાનું સન્માન કર્યું એ બદલ સાંસ્કૃતિક ફોરમના અધિકારીઓને ખૂબ-ખૂબ ધન્યવાદ.

columnists Pravin Solanki