દર્દ કે બાઝાર મેં તરક્કી કમા રહા હૂં,પહલે છોટીસી દુકાન થી, અબ શોરૂમ ચલા રહા હૂં!

19 January, 2022 04:07 PM IST  |  Mumbai | Pravin Solanki

આજે પાવલી ચલણમાં નથી રહી એમ ખાનદાની પણ ચલણમાં નથી રહી. પાવલી શોધો તો જડેય ખરી, ખાનદાની તો આજે શોધતાંય જડતી નથી. મૂલ્યો ખોવાઈ ગયાં છે, કિંમત બચી છે અને એ પણ બહુ ઓછા લોકો કરી જાણે છે

દર્દ કે બાઝાર મેં તરક્કી કમા રહા હૂં,પહલે છોટીસી દુકાન થી, અબ શોરૂમ ચલા રહા હૂં!

૭૫ વર્ષની ઉંમર, પણ શરીર અડીખમ, મન મજબૂત ને આત્મા અહંકારથી ભરેલો. એકના એક દીકરા સાથે ફાવ્યું નહીં એટલે જુદા રહે, એકલા રહે. ઘર જુદું કર્યું, પણ મન જુદું નહોતું કર્યું. એવા એક વડીલ આકુળ-વ્યાકુળ બનીને રસ્તા પર, નીચું જોઈ કંઈક શોધી રહ્યા હતા. મેં પૂછ્યું, ‘વડીલ, શું શોધી રહ્યા છો?’ તેમણે સામે જોયા વિના જવાબ આપ્યો, ‘ખાનદાની પાવલી’  (ચાર આનાનો સિક્કો). મને નવાઈ લાગી. આજકાલ પાવલી ચલણમાં રહી છે જ ક્યાં? વળી આજકાલ તો રૂપિયાનો સિક્કો પડી ગયો હોય તો પણ લોકો શોધવાની તકલીફ નથી લેતા, અરે રસ્તા પર પડેલો એક રૂપિયાનો સિક્કો ઉપાડવાની દરકાર પણ નથી કરતા. 
 હું પણ તેમની સાથે પાવલી શોધવામાં લાગી ગયો એ જોઈને તેઓ બોલ્યા, ‘તમે મહેનત  કરવાનું રહેવા દો. મારી પાવલી હું જ શોધીશ અને એ મને જ મળશે.’ હું ચૂપચાપ ઊભો રહ્યો, પણ લાંબો સમય ચૂપ ન રહેવાયું, ‘આ ખાનદાની પાવલી એટલે શું?’ તેમણે કોઈ જવાબ ન આપ્યો. થોડી વાર પછી પાવલી મળી ગઈ. તેમણે હાથમાં લઈને ધોતિયાના છેડાથી સાફ કરી, માથે અડાડીને પછી ખિસ્સામાં મૂકી દીધી. ‘હં, તો તમે પૂછ્યું કે ખાનદાની પાવલી એટલે શું? બરાબર? આજે પાવલી ચલણમાં નથી રહી એમ ખાનદાની પણ ચલણમાં નથી રહી. પાવલી શોધો તો જડેય ખરી, ખાનદાની તો આજે શોધતાંય જડતી નથી. મૂલ્યો ખોવાઈ ગયાં છે, કિંમત  બચી છે અને એ પણ બહુ ઓછા લોકો કરી જાણે છે.’ 
મને તેમની આંખમાં કંઈક વ્યથા દેખાઈ. હંમેશાં ખુશમિજાજ રહેતા વડીલ આજે થોડા અલગ લાગ્યા. હું કાંઈ પૂછું એ પહેલાં તેમણે તેમના મિજાજની ઝલક દેખાડી, ‘મિત્રો મળે તો ચા પિવડાવવાની ખાનદાની હજી મેં જાળવી રાખી છે’ એમ કહીને મને ચાના બાંકડે ઢસડી ગયા. 
ચા પીતાં-પીતાં વડીલે વાત ઉખેડી, ‘‘વાત ૫૦ વર્ષ પહેલાંની છે. અમારા ખાનદાનમાં દર વર્ષે  કુળદેવીનાં દર્શન કરવા ગામ જવાનો રિવાજ હતો. એ વર્ષે હું એક જ દિવસ માટે એકલો ગામ ગયો. દિવસે ગામમાં સગાંસંબંધીઓને મળીને સાંજે કુળદેવીની આરતી કરીને બારોબાર મુંબઈ રવાના થઈ જવાનું વિચાર્યું. સાંજે નાથાભાઈની દુકાનમાંથી પૂજાપાઠની સામગ્રી અને  કેટલીક પરચૂરણ વસ્તુઓ ખરીદી. બિલ ૨૬ રૂપિયા થયું. પ્રથમ તો નાથાભાઈએ પૈસા લેવાની ના પાડી દીધી, પણ મેં કહ્યું, ‘માતાજીનું કામ છે. એ પોતાના પૈસે જ થવું જોઈએ.’ મેં બબ્બે  રૂપિયાની ૧૦ નોટ અને બાકીના ૬ રૂપિયા પાવલી 
દ્વારા ચૂકવી હું નાથાભાઈને રામરામ કરીને નીકળી ગયો. 
આ વાતને છ-આઠ મહિના થયા હશે ત્યાં એક દિવસ મેં મારા ઘરના આંગણે નાથાભાઈને ઊભેલા જોયા!! મને આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. આશ્ચર્ય એટલા માટે કે નાથાભાઈ  અવારનવાર મુંબઈ ખરીદી કરવા આવતા, પણ મારા ઘરે પહેલી વાર આવ્યા હતા. મેં તેમની  હરખભેર આગતા-સ્વાગતા કરી, ચા-નાસ્તો કરાવ્યો. પછી પૂછ્યું, ‘બોલો નાથાભાઈ, તમારી શું  સેવા કરી શકું?’ મને એમ હતું કે મારું કોઈક કામ હશે એટલે ઘરે આવ્યા હશે.
 નાથાભાઈએ બંડીના ખિસ્સામાં હાથ નાખીને નાનકડા રેશમી કટકામાં બાંધેલી વસ્તુ કાઢીને  મારા હાથમાં મૂકી. મેં પૂછ્યું, ‘આ શું છે?’ તેઓ બોલ્યા, ‘તમે ગામ આવ્યા ત્યારે મને ચૂકવેલા પૈસામાં એક પાવલી વધારે હતી. મેં એ સંભાળી રાખી હતી. મુંબઈ આવવાનું થયું એટલે તમને આપવા આવ્યો છું.
 હું દિગ્મૂઢ થઈ ગયો. પાવલી પાછી આપવા માટે મારા ઘર સુધી પહોંચવાના એ સમયે બે-ત્રણ  રૂપિયા તો થયા જ હશેને? આજકાલ આવી ખાનદાની જોવા મળે છે ખરી? આ ખાનદાની પાવલી મેં આજ દિવસ સુધી સાચવી રાખી છે, પણ આજે હું એ મંદિરમાં પધરાવવા જાઉં છું!!’’ મારાથી પુછાઈ ગયું, ‘કેમ?’ તેઓ મ્લાન હસ્યા. મને કહે, ‘હવે ખાનદાનીનો જમાનો પૂરો થયો.’ તેમના ચહેરા પરની કરચલીઓ તંગ થઈ, વળી પાછું હસ્યા. હસતાં-હસતાં બીજી ‘કટિંગ’ મગાવીને વાત આગળ વધારી. 
‘તમને ખબર છે કે હું મારા એકના એક દીકરાથી અલગ રહું છું. અમારાં સુખ અલગ છે, પણ દુઃખ નહીં.’ મેં પૂછ્યું, ‘એટલે?’ વડીલે નિઃસાસો નાખતાં કહ્યું, ‘મારા પુત્રની એકની એક દીકરી છૂટાછેડા લઈને ઘરે પાછી આવી ગઈ છે. બે વર્ષ પહેલાં ધામધૂમથી લગ્ન એટલા માટે  કરેલાં કે સામી પાર્ટી મોટી હતી. તેમનો મોભો જાળવવા દેખાડો કરવો પડ્યો. કરિયાવરમાં ૮૦ તોલાનાં તો ઘરેણાં કર્યાં હતાં. દીકરાનું એટલું બધું તો ગજું નહોતું એટલે મેં સામે ચાલીને ૨૫ લાખ રૂપિયાની મદદ કરી હતી એમ સમજીને કે કોરોનામાં ઊકલી ગયો હોત તો આખરે આ બધું તો દીકરાનું જ છેને.’ એમ બોલીને વડીલ એકશ્વાસે બીજી કટિંગ ગટગટાવી ગયા. મારાથી બોલાઈ ગયું, ‘વડીલ, તમે ખરેખર ગ્રેટ છો.’ તરત જ તેઓ તીખા સ્વરે બોલ્યા, ‘અરે ગ્રેટની મા પૈણો મા. આ તો હજી ટ્રેલર છે, મૂળ પિક્ચર તો બાકી છે.’ તેમની વાણીમાં ભળેલી કડવાશથી  હું ડઘાઈ ગયો. વડીલે ઊભા થઈને પૈસા ચૂકવવા બંડીમાં હાથ નાખ્યો તો પેલી ખાનદાની પાવલી હાથમાં આવી ગઈ. ઘડીભર પાવલીને તાકીને તેઓ જોતા રહ્યા, પછી માથે અડાડી  બીજા ખિસ્સામાં મૂકી દીધી. મેં વિવેક કર્યો, ‘પૈસા મને ચૂકવવા દો.’ તેઓ બોલ્યા, ‘ચા પીવા  હું તમને લઈ આવ્યો છું. અને મેં તમને મફતમાં નથી પિવડાવી. મારી રામકહાણી સાંભળવાનું  ભાડું ચૂકવું છું. આજકાલ હૈયું ઠાલવવાવાળું પાત્ર ક્યાં મળે છે? ચાલો બગીચાને બાંકડે  બેસીએ. બે કટિંગના બદલામાં ચાવાળાનો બાંકડો રોકી ન લેવાય.’ 
અમે ઊઠ્યા. મનમાં વિચારતો હતો કે શું હશે તેમની રામકહાણી? 
એની વાત આવતા સપ્તાહે... 
સમાપન 
સાદગી હી સિર્ફ એક ઐસી નિશાની હૈ 
જો બતાતી હૈ કિ કૌન કિતના ખાનદાની હૈ! 

columnists Pravin Solanki