ઇસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ ગૈર તો ગૈર હૈં, અપનોં કા સહારા ન હુઆ

13 July, 2022 02:48 PM IST  |  Mumbai | Pravin Solanki

બહુ ઓછા લોકોને ખબર હશે કે હેમંતકુમારના સંગીત હેઠળ તૈયાર થયેલી ફિલ્મ ‘નાગિન’ની પ્રચલિત ધૂનની તર્જ રવિએ બનાવી હતી. ધૂન એકદમ લોકપ્રિય બની. સંગીતકાર તરીકે હેમંતકુમારનું નામ ગાજ્યું.

ઇસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ ગૈર તો ગૈર હૈં, અપનોં કા સહારા ન હુઆ

લોગ રો-રો કે ઇસ દુનિયા મેં જી લેતે હૈં
એક હમ હૈ કી હંસે ભી તો ગુજારા ન હુઆ
ભિખારીઓને આ ગીત ગાતાં મેં વારંવાર સાંભળ્યા છે. ચાર-પાંચ ગીતો એવાં છે જાણે ભિખારીઓ માટે અનામત હોય ઃ (૧) એક પૈસા દે દે, ઓ જાનેવાલે બાબુ, એક પૈસા દે દે (૨) ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા (૩) તુઝકો રખે રામ, તુઝકો અલ્લા રખે, દે દાતા કે નામ, તુઝકો અલ્લા રખે. 
એ જ રીતે વિચાર કરો કે એવો કયો લગ્નપ્રસંગ હશે જ્યાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’, ‘બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે’ કે ‘ડોલી ચડકે દુલ્હન સસુરાલ ચલી’ ગીત ગવાયું - વાગ્યું ન હોય? 
 પ્રિયતમાની તારીફ કરતી વખતે લગભગ આ જ ગીત ‘ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો’ ગવાય. લગ્નતિથિ કે દામ્પત્યજીવનનો કોઈ પ્રસંગ હોય તો ‘અય મેરી જોહરા જબીં, તુઝે માલૂમ નહીં’ અવશ્ય સાંભળવા મળે. 
બે પ્રેમીઓ સંજોગોના માર્યા જુદા પડે ત્યારે આ પંક્તિ અવશ્ય હોઠે આવે... ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનોં’. આ બધામાં સર્વસામાન્ય બાબત કઈ? યાદ આવે છે? સંગીતકાર રવિ. જી હા, રવિ શંકર શર્મા! 
જ્યારે-જ્યારે હિન્દી ફિલ્મના સંગીતની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે નૌશાદ, શંકર-જયકિશન, સી. રામચંદ, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, એસ. ડી. બર્મન કે ઓ. પી. નૈયરનાં જ નામ લેવાય. રવિને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. 
હકીકત એ છે કે હિન્દી ફિલ્મનાં ૫૦૦ હિટ ગીતોની યાદીમાં રવિનાં ૧૦૦ ઉપરાંત ગીતો છે. એટલું જ નહીં, વધારેમાં વધારે જ્યુબિલી ફિલ્મો રવિના નામે છે. 
રવિનો જન્મ ૩ માર્ચ ૧૯૨૬માં દિલ્હીમાં થયો. નાનપણથી જ સંગીતનો શોખ. પિતા ભજન ગાતા અને રવિ હાર્મોનિયમથી તેમની સાથે સંગત કરતા. તેમનો મૂળભૂત શોખ તો ગાવાનો હતો અને સપનું ગાયક બનવાનું હતું. જોકે સંગીતનું કોઈ ઔપચારિક શિક્ષણ તેમણે લીધું નહોતું. ગુજરાન માટે ઇલેક્ટ્રિશ્યનની તાલીમ લીધી હતી. 
ગાયક બનવા માટે ૨૪મા વર્ષે દિલ્હી છોડીને મુંબઈ એકલા આવ્યા. માત્ર એક સપનું લઈને. બાકી રહેવાનું ઠેકાણું નહોતું કે નિર્વાહ માટે નહોતા ખિસ્સામાં પૈસા. શરૂઆતમાં ફુટપાથ કે મલાડ રેલવે સ્ટેશન તેમનું ઍડ્રેસ હતું. 
કામ માટે દર-દર ભટકતાં-ભટકતાં એક દિવસ તેમની મુલાકાત હેમંતકુમાર સાથે થઈ. તેમણે ફિલ્મ ‘આનંદમઠ’માં ‘વન્દે માતરમ્’ ગીત માટે કોરસમાં ગાવાનો ચાન્સ આપ્યો (એવું પણ કહેવાય છે કે સૌથી પહેલું કોરસમાં ગીત એસ. ડી. બર્મનની ફિલ્મ ‘નૌ બહાર’માં ગાયું). હેમંતકુમારે તેમનો ઉત્સાહ, ધગશ અને લગન જોઈને તેમને મદદનીશ તરીકે રાખી લીધા. 
 ત્રણ વર્ષ પછી એટલે કે ૧૯૫૫માં તેમણે આંચકો આપતાં કહ્યું, ‘આવતી કાલથી હું તને છૂટો કરું છું. આપણો સંગ અહીં પૂરો થાય છે.’ એ સાંભળીને રવિના માથે તો જાણે વીજળી પડી. એકદમ સ્તબ્ધ થઈ ગયા. હેમંતકુમારે હસતાં-હસતાં કહ્યું, ‘તું મદદનીશ માટે લાયક નથી. તારી પ્રતિભા એનાથી ઘણી વિશેષ છે. તને હું સ્વતંત્ર સંગીતકાર બનાવવા માગું છું.’ 
 હેમંતકુમારે રવિની ઓળખાણ નિર્માતા-દિગ્દર્શક દેવેન્દ્ર ગોયલ સાથે કરાવી અને રવિનો રવિ સોળે કળાએ ખીલી ઊઠ્યો. દેવેન્દ્ર ગોયલની ફિલ્મ ‘વચન’ માટે તેમને કરારબદ્ધ કરવામાં આવ્યા અને તેમના નસીબનું પાંદડું ફરી ગયું. 
‘વચન’નાં બે ગીતો ખૂબ જ પ્રખ્યાત થયાં : ‘ચંદા મામા દૂર કે, પુએ પકાએ બૂર કે’ અને ‘એક પૈસા દે દે’. ફિલ્મનું સંગીત પણ વખણાયું અને સંગીતની દુનિયામાં રવિનું સ્થાન પાકું થઈ ગયું. 
હેમંતકુમાર રવિ પર આફરીન શું કામ થઈ ગયા હતા? બહુ ઓછા લોકોને ખબર હશે કે હેમંતકુમારના સંગીત હેઠળ તૈયાર થયેલી ફિલ્મ ‘નાગિન’ની પ્રચલિત ધૂનની તર્જ રવિએ બનાવી હતી. ધૂન એકદમ લોકપ્રિય બની. સંગીતકાર તરીકે હેમંતકુમારનું નામ ગાજ્યું. ક્લેવાયોલિન પર કલ્યાણજીભાઈએ ધૂન વગાડીને ખૂબ વકરો કરી લીધો, પણ તર્જ બનાવનાર રવિ પાર્શ્વભૂમિમાં જ રહ્યા (એ સમયે કલ્યાણજી-આણંદજીના કલ્યાણજીભાઈને ‘નાગિન’ની બીન વગાડવા ભારતભરમાંથી કાર્યક્રમો મળતા થયા હતા). 
રવિનાં લગ્ન ૧૯૪૬માં ક્રાંતિ નામની યુવતી સાથે થયાં હતાં. ‘વચન’ ફિલ્મ પછી પત્નીના મુંબઈ આવ્યા બાદ રવિનું નસીબ ઊઘડી ગયું. ઊઘડ્યું તો એવું ઊઘડ્યું કે ગણતરીનાં વર્ષોમાં જ તેણે સાંતાક્રુઝ-વેસ્ટમાં મીરાબાગ કૉલોનીમાં બે માળનો એક આલીશાન બંગલો બાંધી દીધો. ત્રણ સંતાનો થયાં : અજય, વીણા અને છાયા. અજયનાં લગ્ન મરાઠી-હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી વર્ષા ઉસગાંવકર સાથે થયાં. 
રવિની પ્રખ્યાત ફિલ્મો એટલે ‘વચન’, ‘દિલ્હી કા ઠગ’, ‘દુલ્હન’, ‘ઘર સંસાર’, ‘ઘરોંદા’, ‘ચિરાગ કહાં રોશની કહાં’, ‘નયી રાહેં’, ‘અપના ઘર’, ‘ચૌદવીં કા ચાંદ’, ‘ઘૂંઘટ’, ‘તૂ નહીં તો ઔર સહી’, ‘ચાઇના ટાઉન’, ‘ગુમરાહ’, ‘ખાનદાન’, ‘વક્ત’, ‘દો બદન’, ‘ફૂલ ઔર પત્થર’, ‘હમરાઝ’, એક ફૂલ દો માલી’, ‘નિકાહ’ વગેરે વગેરે. 
રવિને ભારત સરકાર તરફથી ૧૯૭૧માં પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત થયો. ‘ઘરાના’ અને ‘ખાનદાન’ માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ રવિનું ખૂબ મોટું યોગદાન હતું અને એ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. આ ઉપરાંત લતા મંગેશકર પુરસ્કાર અને કવિ પ્રદીપ શિખર સન્માન પણ મળ્યું. 
રવિને નસીબે જેટલું આપ્યું એના કરતાં વધારે છીનવી લીધું. માણસના જીવનમાં સુખ, દુઃખ, તડકો-છાંયો તો આવ્યા જ કરે છે; પરંતુ પાછલી ઉંમરમાં પોતાના પરાયા થઈ જાય એ દુઃખ એકદમ અસહ્ય હોય છે. રવિની પાછલી જિંદગીની કહાણી અને અન્ય વાતો આવતા સપ્તાહે. 

columnists Pravin Solanki