યે પલ સબકે જીવન મેં આએ માં દૂધ પિલાએ, પત્ની રસોઈ પકાએ

03 August, 2022 05:45 PM IST  |  Mumbai | Pravin Solanki

આજની સ્ત્રીઓને નોકરી-વ્યવસાયને કારણે મોટા ભાગે બહાર રહેવું પડે છે, તો સામે દલીલ થાય છે કે આજની સ્ત્રીઓની મદદે અલાદીનના અનેક ચિરાગ છે. ગૅસ, કુકર, અવન, થ્રોઅવે પ્લેટ્સ, તૈયાર અથાણાં વગેરે-વગેરે ઘણુંબધું. સવાલ છે રસોઈ બનાવવાની ઇચ્છાનો.

યે પલ સબકે જીવન મેં આએ માં દૂધ પિલાએ, પત્ની રસોઈ પકાએ

સરળ લાગતી આ પંક્તિઓ આજે ખૂબ મહત્ત્વની બની ગઈ છે. આજે માતા બાળકને સ્તનપાન નથી કરાવતી અને પત્નીને રસોડાની રાણી બનવામાં બિલકુલ રસ નથી. 
કહેવાય છે કે સ્ત્રીએ પુરુષના હૈયા સુધી પહોંચવું હોય તો સૌથી પહેલાં તેના પેટ સુધી પહોંચવું પડે. પહેલાંના જમાનામાં ગૃહિણીઓ માટે રસોડું મંદિર સમાન અને રસોઈ પ્રસાદ સમાન હતાં. આજે રસોઈની કળા વીસરાઈ ગઈ છે અને રસોઈ પરનાં પુસ્તકો ઢગલાબંધ છપાઈ રહ્યાં છે. ‘રસોઈ એક કળા’ નામનો અરુણા જાડેજાએ લખેલો નિબંધ માણવા જેવો છે. 
‘શરદીથી મૂંઝાતા ગળાને ગરમાટો આપી જનારી ઘઉંના લોટની સૂંઠ-ગંઠોડાવાળી એ હૂંફાળી રાબ, તાવથી તતડી ઊઠેલા મોઢાને સ્વાદ લગાડી જનારા હિંગ-જીરાથી વઘારેલા ખાર ભંજણ મમરા, દૂધવાળી તપેલીને લૂછી-પૂસીને બંધાયેલા લોટની પોચી રોટલી, ઘીવાળી કડાઈમાં બંધાયેલા લોટની ભાખરી, જીભને ચટાકો લગાડી જનારો વાસી રોટલીનો ગળચટ્ટો લાડવો કે પછી ખારા-ગળ્યા પૂડલા સાથે ખવાતી ખીર, હમણાં જ ચાસણી રેડીને માંડ-માંડ ઠરતો લસલસતો મોહનથાળ કે ઘઉં-ચણાના પોંકનું મોમાં નાખતાં જ ઓગળી જાય એવું તાજેતાજું રેશમિયું જાદરિયું.

જીભના ટેરવાથી મગજના છેડા સુધીના જ્ઞાનતંતુઓ ‘સડાક’ ઊભા થઈ જાય એવી અનેરી રસઝટકો આપી જનારી આ રસોઈ આજે ક્યાં છે? 
‘ચોમાસે ઊતરી રહેલાં ગરમાગરમ કેળા-મેથીનાં ભજિયાં. કૃષ્ણ-કમોદની કણકીનું આદું-મરચાં-જીરાથી ખદખદતું સુગંધીદાર ખીચું, સત્યનારાયણની કથાના ઘીમાં શેકાતા શીરાનો મઘમઘાટ કે સીઝતી-વીસમતી ખીચડીનો સુગંધાનંદ, ચૂલે ચડેલી દાળમાં મેથીનો કે કઢીમાં મીઠા લીમડાનો છમકારો તો પરાણે નાક-કાનમાં પેસીને જ જંપે. લાંબી સોડ તાણેલી ભૂખ પણ તરાપ મારતી ઊભી થઈ જાય એનું નામ રસોઈ.
‘આજે હું થાકી ગઈ છું, બહાર જમી લઈએ...’ એ વાક્ય આજે સામાન્ય થઈ ગયું છે. આજે સ્વિગી અને ઝોમૅટો વીર વેતાલની જેમ સ્ત્રીઓની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે. 
 અરુણાબહેન આગળ લખે છે, ‘એક સમયે કુશળ ગૃહિણી માટે તો રસોઈ ડાબા હાથનો ખેલ ગણાતો. સમયનો બાધ કે કામનો થાક તેમને નડતો નહોતો. દળણાં, દૂઝણાં, વલોણાં, કચરાંપોતાં, કપડાં-વાસણ, સાફસૂફી વગેરે અનેક કામ છતાં રસોઈને પ્રાધાન્ય અપાતું. 
કહેવાય છે કે આજની સ્ત્રીઓને નોકરી-વ્યવસાયને કારણે મોટા ભાગે બહાર રહેવું પડે છે, તો સામે દલીલ થાય છે કે આજની સ્ત્રીઓની મદદે અલાદીનના અનેક ચિરાગ છે. 
ગૅસ, કુકર, અવન, થ્રોઅવે પ્લેટ્સ, તૈયાર અથાણાં વગેરે વગેરે ઘણું બધું. સવાલ છે રસોઈ બનાવવાની ઇચ્છાનો. 
રસોઈ બનાવવા માટે આજે ગૃહિણીઓ પાસે કેટકેટલી સગવડ છે. રસોઈ પરનાં પુસ્તકો તો ખરાં જ, પણ ઇન્ટરનેટ પર તો જલસા જ જલસા છે. ‘ફૂડ’ નામની વેબસાઇટમાં પેશો કે ‘ખુલ જા સિમ સિમ’ એમ જુદી-જુદી સાઇટ ખૂલતી જાય. રસોઈ વિશેની તમામ માહિતી તમને પ્રાપ્ત થાય. વિવિધ પાકકૃતિઓ કેમ બનાવવી એ તાદૃશ તમને જાણવા મળે. 
 શું ખરેખર આજની ગૃહિણીઓને કરવાની આળસ છે, સૂગ છે? આવું જ હોય તો પાકશાસ્ત્રનાં ઢગલાબંધ પુસ્તકો, ચૅનલો પર વાનગી બનાવવાની રીતોનો રાફડો કેમ ફાટ્યો છે? આનો એક જવાબ એ હોઈ શકે કે મહિલાઓને પરંપરાગત રસોઈ બનાવવાનો કંટાળો હશે, પરંતુ નવી-નવી વાનગી વારતહેવારે બનાવવામાં આનંદ આવતો હશે. 
એક વાત એ પણ લક્ષમાં લેવા જેવી છે કે કરીઅર બનાવવા બહાર રહેતી સ્ત્રીઓને રસોઈમાંથી મુક્તિ મળ્યાનો જે આનંદ મળે છે એ જોઈને નિયમિત રસોઈ કરતી ઘરેલુ ગૃહિણીઓને કદાચ ઈર્ષા આવતી હશે એટલે એ પણ અઠવાડિયામાં એક-બે વાર રસોઈમાં હડતાળ પાડી આઝાદીનો આનંદ લેતી હશે.
 સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર કે શિલ્પ, સીવણ કે ભરતગૂંથણ, લીંપણ કે ટીપણ જેવી અનેક કળાઓમાં સ્ત્રીઓની પારંગતતા ફૂલબહારમાં ખીલેલી જોવા મળે છે તો આજની સ્ત્રી ભૂલી રહી છે કે રસોઈ એ તો એક મૂળભૂત કળા છે. જીવનને રસવંતી કરવાનો કસબ આ કળામાં રહેલો છે. 
 સિંધી ભાષાના એક લેખક, કલાકાર, દિગ્દર્શક જે મારો ખાસ મિત્ર હતો અને જેણે મારાં ૬ નાટકો સિંધી ભાષામાં કરેલાં. સિંધી-હિન્દી ભાષાનાં નાટકોમાં કામ કરતી એક અભિનેત્રી સાથે તેણે લવ-મૅરેજ કરેલાં. અચાનક એક દિવસ આવી તેણે મારી સામે ધડાકો કર્યો, ‘ગુરુ, હમારા ખેલ ખતમ. હમ દોનોં અલગ હો ગયે - ડિવૉર્સ.’ હું ઘડીભર ડઘાઈ ગયો. લગ્ન પછી બન્ને વચ્ચે અણબનાવ હતો એની મને ખબર હતી, પણ અંજામ આટલો જલદી આવી જશે એનો મને અંદાજ નહોતો. 
મેં તેને ડિવૉર્સનું કારણ પૂછ્યું. તેણે જે જવાબ આપ્યો એનાથી વધારે આશ્ચર્ય થયું. તેણે ગુજરાતીમાં કહ્યું, ‘પ્રવીણભાઈ, આપણા વ્યવસાયને કારણે ગમે ત્યારે ઘરે જવાનું, ગમે ત્યાં જમી લેવાનું. બહારનું ખાઈ-ખાઈને હું ત્રાસી ગયો હતો. મને હતું કે મને ઘરનું ખાવાનું સદ્ભાગ્ય મળશે, પણ સાચું કહું, બે વર્ષમાં ભાગ્યે જ હું ઘરનું ખાવા પામ્યો છું. તેને ઍક્ટિંગ સિવાય દરેક કામનો કંટાળો આવે છે. અરે ત્યાં સુધી કે સવારે ઊઠ્યા પછી પલંગ પરની રજાઈ-ચાદરની ગડી પણ મારે કરવી પડે. મેં તેને ત્યાં સુધી કહ્યું કે ઘરનાં અન્ય કામમાં હું તને મદદ કરીશ, મને એની કોઈ શરમ નથી. મારી એક જ વિનંતી છે કે તું મને ઘરની રસોઈ જમાડ. પણ મારી એ વાતની કોઈ અસર ન થઈ. વાદ-વિવાદ વધવા લાગ્યા અને આખરે જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું.’ 
રસોડું છૂટાછેડાનું કારણ બની શકે છે એ ઉદાહરણનો હું જીવતોજાગતો સાક્ષી છું.

આજની સ્ત્રીઓને નોકરી-વ્યવસાયને કારણે મોટા ભાગે બહાર રહેવું પડે છે, તો સામે દલીલ થાય છે કે આજની સ્ત્રીઓની મદદે અલાદીનના અનેક ચિરાગ છે. ગૅસ, કુકર, અવન, થ્રોઅવે પ્લેટ્સ, તૈયાર અથાણાં વગેરે-વગેરે ઘણુંબધું. સવાલ છે રસોઈ બનાવવાની ઇચ્છાનો.

સમાપન
તુમ્હે અપના જીવનસાથી બનાયા હૈ
 તો હર કદમ પર સાથ નિભાઉંગા
 જબ તુમ રસોઈઘર મેં આટા ગૂંદોગી
 તો મૈં તુમ્હારે ચેહરે સે ઝુલ્ફ‍ેં હટાઉંગા

columnists Pravin Solanki