કહાં જટાયુ રાવણ સે અબ લડતા હૈ નહીં લખન અબ રામ કે પીછે ચલતા હૈ

08 February, 2023 05:22 PM IST  |  Mumbai | Pravin Solanki

જૈન રામાયણમાં વિમલસૂરી કૃત ‘પઉમ્મ ચરિત્ર’ અને ગુણભદ્રકૃત ‘ઉત્તમ પુરાણ’ ઉપલબ્ધ છે. ‘ગિરિધરકૃત’ ગુજરાતીમાં અને મરાઠીમાં ‘એકનાથકૃત’ પ્રચલિત છે, તો તામિલમાં ‘કંબનકૃત’ રામાયણ ખૂબ જાણીતી છે.

કહાં જટાયુ રાવણ સે અબ લડતા હૈ નહીં લખન અબ રામ કે પીછે ચલતા હૈ

દુનિયા બદલાઈ ગઈ છે. લાગે છે કળિયુગ એના અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. દ્વાપર યુગથી ચાલી આવતી રામકથા સમયાંતરે જુદા-જુદા સ્વરૂપમાં અને જુદા-જુદા દેશમાં લખાતી ગઈ અને એટલી જ રસપ્રદ, જીવંત અને જનસમુદાયની લાગણીઓ સાથે ભળતી ગઈ. 

‘રામાયણ’ હોય કે ‘મહાભારત’ - સમયાંતરે કથામાં કેટલાક પ્રસંગો ઉમેરાતા ગયા, બદલાતા ગયા અને બાદ થતા ગયા અને એ સ્વાભાવિક પણ છે. દરેક સર્જક પોતાની સર્જનશક્તિ, કલ્પનાશક્તિ, માન્યતા કે વિચારશક્તિનો પડઘો પોતાના સર્જનમાં પાડતો જ હોય છે. કહેવાય છે કે દુનિયાભરમાં ૭૨થી ૮૦ પ્રકારની રામકથા લખાઈ છે. 

ભારતમાં વાલ્મીકિ-રામાયણ અને તુલસીકૃત રામાયણની પૂજા ઘર-ઘરમાં થાય છે. આ બન્ને રામકથા વંચાય છે, ગવાય છે. રામકથા વિશે ઘણી લોકવાતો પ્રચલિત છે. ક્યાંક એવું કહેવાયું છે કે સૌથી પહેલી રામકથા ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવી હતી. એવું પણ કહેવાયું છે કે સૌથી પ્રથમ રામકથા હનુમાનજીએ લખી હતી અને એવું પણ નોંધાયું છે કે વાલ્મીકિનો રામ સામાન્ય માનવ હતો તેને ભગવાન તુલસીદાસે બનાવ્યો હતો. 

જૈન રામાયણમાં વિમલસૂરી કૃત ‘પઉમ્મ ચરિત્ર’ અને ગુણભદ્રકૃત ‘ઉત્તમ પુરાણ’ ઉપલબ્ધ છે. ‘ગિરિધરકૃત’ ગુજરાતીમાં અને મરાઠીમાં ‘એકનાથકૃત’ પ્રચલિત છે, તો તામિલમાં ‘કંબનકૃત’ રામાયણ ખૂબ જાણીતી છે. 

આજે વાત કરવી છે વિદેશમાં રચાયેલા રામાયણની. આપણે ત્યાં જનમાનસમાં જે રામકથા પ્રચલિત છે એના કરતાં કેટલાક આશ્ચર્યકારક અને આઘાતજનક પ્રસંગો આલેખાયા છે. 
સૌથી પહેલાં સિયામની રામકથાની વાત કરીએ. સિયામમાં બે પ્રકારની રામકથા પ્રચલિત છે. એક ‘રામકિયેન’ અને બીજી ‘રામજનક’.

‘રામકિયેન’ની રામકથા વાલ્મીકિની રામાયણના આધારે છે, કમ્બોડિયાની રામકથા ‘રામકેયર’ અને જાવાની કથા ‘સેરિરામ’ને પણ અનુસરે છે. ‘રામકેયર’ની કથામાં ઘણા પ્રસંગો આપણને મૂંઝવણમાં મૂકે એવા છે; જેવા કે વિભીષણની પુત્રી ‘બૈજાકમા’ રામને ગફલતમાં નાખવા માટે સીતાજીનું સ્વરૂપ ધારણ કરે છે અને નદીમાં મૃતદેહ તરીકે રામને એ તરતું મળે છે. બીજો પ્રસંગ, સેતુબંધ બંધાઈ રહ્યો છે ત્યારે રામ ખુદ રાવણ પાસે જઈને યુદ્ધ ન કરવા અને સીતાજીને છોડી દેવા વિનંતી કરે છે અને રાવણ એનો અસ્વીકાર કરે છે. 

‘રામકેયર’માં હનુમાનજીના પાત્રનું જે રીતે પાત્રાલેખન થયું છે એ ભારતીય જનમાનસને કોઈ રીતે ગળે ઊતરી શકે એમ નથી. હનુમાનજી ગુપ્ત રીતે રાવણ પાસે જઈને પાટલી બદલવાની ઇચ્છા વ્યક્ત કરે છે, બદલામાં સંપત્તિ અને સ્ત્રીઓની માગણી કરે છે; એ તો ઠીક, રાવણના મૃત્યુ બાદ મંદોદરી સાથે લગ્ન પણ કરે છે. આવી ઢંગધડા વગરની વાત કઈ રીતે સહન થઈ શકે? 
 ‘રામજાતક’ની કેટલીક વાતો તો વધુ વસમી છે, એમાં રામ અને રાવણ કાકા-બાપાના દીકરા તરીકે ઓળખાયા છે. લક્ષ્મણ અને શાંતા એક જ માતાનાં સંતાન છે. રામને બહુપત્નીવાળા દર્શાવાયા છે. રામ સીતાની શોધમાં નીકળે છે એ દરમ્યાન સુગ્રીવની બહેન અને વાલીની વિધવા પત્ની સાથે લગ્ન કરે છે. 

આ પણ વાંચો : ના હારના ઝરૂરી હૈ, ના જીતના ઝરૂરી હૈ; જિંદગી એક ખેલ હૈ, બસ ખેલના ઝરૂરી હૈ

‘રામજાતક’ બૌદ્ધ જાતક કથાને મળતી છે. રામને બુદ્ધ, લક્ષ્મણને આનંદ, દશરથને સુદ્ધોધન, ભિક્ષુણી ઉપલાવણ્યા એટલે સીતા અને દેવસ્ત એટલે રાવણ. અઢારમી સદીમાં બહ્મદેશે સિયામ રાજ્ય સાથે લડાઈ કરીને જીત્યા. કેટલાક કેદીઓને બ્રહ્મદેશ લઈ ગયા. એ યુદ્ધકેદીઓ પ્રસંગોપાત્ત રામાયણની કથા પરથી નાટકનો પ્રયોગ કરતા. એ બધાં નાટકો ‘યમલે’ તરીકે જાણીતાં થયાં. વળી બ્રહ્મદેશના કવિ યુનોએ ‘રામકથા’ નામની ગેય રચના કરી. આ બન્ને કારણે બ્રહ્મદેશમાં રામાયણ પ્રચલિત બની.

જાવામાં રામકથા ‘કાકા વિત રામાયણ’ તરીકે જાણીતું છે અને એ વાલ્મીકિ રામાયણ આધારિત છે તો તુર્કસ્તાનનું રામાયણ ‘ખાતેની’ રામાયણ તરીકે ઓળખાય છે. એની કથા આપણને અળવીતરી અને ઉટપટાંગ લાગે. દશરથ રાજાને બે જ પુત્રો હતા; રામ અને લક્ષ્મણ. સીતા રાવણની દીકરી છે અને રામ, લક્ષ્મણ બન્નેના વિવાહ સીતા સાથે થાય છે. 

 આવી જ અવળચંડી રામકથા તિબેટની છે. દશરથ રાજાને બે જ રાણીઓ હતી, જ્યેષ્ઠા અને કનિષ્કા. આ કથામાં ભગવાન વિષ્ણુ કનિષ્કાની કૂખે ‘રામન’ નામે અવતરે છે. રામના જન્મ પછી જ્યેષ્ઠાની કૂખે લક્ષ્મણ જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા રાવણની દીકરી હતી. જ્યોતિષીએ આગાહી કરી કે આ પુત્રી ભવિષ્યમાં તેનો વધ કરાવશે એટલે રાવણ તેને જંગલમાં છોડી આવે છે. સીતા ભારત દેશમાં એક ખેડૂતને મળી આવે છે અને તે તેને ઉછેરે છે. 

દશરથ દુવિધામાં છે કે રાજવારસ કોને બનાવવો? લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે અને રામ કનિષ્કાનો. રામ પિતાની વ્યથા સમજીને સ્વેચ્છાએ વનવાસ સ્વીકારે છે અને પાલકપિતા ખેડૂતના આગ્રહવશ થઈ રામ સીતા સાથે લગ્ન કરે છે. વનવાસ દરમ્યાન તેઓ બન્ને અશોકવાટિકા તરફ આવે છે ત્યારે રાવણ સીતાનું હરણ કરે છે. તિબેટના રામાયણ પ્રમાણે રામ સીતાનો ત્યાગ લવ-કુશના જન્મ પછી કરે છે. 

 ભલે ભિન્ન-ભિન્ન સ્વરૂપે, પણ દુનિયાના ઘણા દેશોમાં રામકથા જોવા મળે છે. 

સમાપન

સબકો પાર લગાનેવાલા એક હી હૈ નામ
સબ કે પાપ મિટાનેવાલા હૈ સિયારામ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists ramayan Pravin Solanki