કુછ ઇસ તરહ સે સૌદા કિયા મુઝસે મેરે વક્તને તઝુર્બે દેકર મુઝસે વો મેરી નાદાનિયાં લે ગયા!

07 September, 2022 02:04 PM IST  |  Mumbai | Pravin Solanki

ફિલ્મી દુનિયામાં લલિતા પવાર જેટલી લાંબી અને સફળ કારકિર્દી કોઈ પણ સ્ત્રીકલાકારની નથી

લલિતા પવાર

હું, ફિરોઝ ભગત અને ટીમ અમારા નવા નાટકની પાત્રવરણી માટે મસલત કરતાં હતાં. એક સ્ત્રીપાત્ર માટે એક નામનું સૂચન થયું કે બીજાએ તરત કહ્યું, ‘ના ચાલે ભાઈ, ના ચાલે, તમે લોકોએ એને જોઈ નથી, મેં જોઈ છે. અસ્સલ ‘લલિતા પવાર’ જેવી છે. 

બધા વિખેરાયા, પણ મારા મનમાં લલિતા પવાર નામ ઘૂમરાવા લાગ્યું! એ ‘લલિતા પવાર’  જેવી છે એટલે શું? એ અજ્ઞાનીને ખબર નહોતી કે લલિતા પવાર તેમના જમાનાનાં રૂપસુંદરી ગણાતાં. તો તેઓ રૂપસુંદરીમાંથી કુરૂપસુંદરી ક્યારે, કેમ બન્યાં? તેમનું નામ ખરેખર લલિતા હતું?

આમ જનતાની દૃષ્ટિએ લલિતા પવાર એટલે મંથરા, કર્કશા, વહુનું શોષણ કરનાર ઈર્ષાળુ સાસુ. પરંતુ હકીકતમાં વૅમ્પની ભૂમિકાની સાથોસાથ તેમણે એટલી બધી વિવિધ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે કે ફિલ્મરસિકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. ‘અનાડી’ ફિલ્મની ‘મિસિસ ડીસા’ કે ‘શ્રી ૪૨૦’ ફિલ્મની ‘કેલેવાલી’ને તો લોકો આજે પણ યાદ કરે છે, જેમણે આ બન્ને ફિલ્મ હજી પણ ન જોઈ હોય તેમને ખાસ જોવા ભલામણ છે. 

ફિલ્મી દુનિયામાં લલિતા પવાર જેટલી લાંબી અને સફળ કારકિર્દી કોઈ પણ સ્ત્રીકલાકારની નથી. ૮૨ વર્ષની ઉંમર સુધી તેમણે કામ કર્યું હતું. ૭૦ વર્ષની કારકિર્દીમાં તેમણે લગભગ ૭૦૦ ફિલ્મો કરી હતી. આ એક અદ્ભુત સિદ્ધિ હોવા છતાં તેમની નોંધ બહુ ઓછી લેવાઈ છે. તેમની છેલ્લી ફિલ્મ ૧૯૯૭માં રિલીઝ થઈ ‘ભાઈ’, જેમાં તેમણે ઓમ પુરીની માતાની ભૂમિકા ભજવી હતી.
લલિતા પવારનો જન્મ ૧૯૧૬ની ૧૮ એપ્રિલે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણરાવ શગુન. લલિતા પવારનું મૂળ નામ અંબા લક્ષ્મણરાવ શગુન. નાનપણથી જ તેઓ ચંચળ, ચતુર, ચાલાક અને ચુલબુલી હતાં. 

૧૯૨૭ તેઓ ભાઈ અને પિતા સાથે પુણે આવી ગયાં. પુણેમાં તેમને ‘આર્યન પ્રોડક્શન’ના ‘પતિત ઉદ્ધાર’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રોલ મળ્યો. પિતા લક્ષ્મણરાવ પણ નાના-મોટા પ્રોડક્શન સાથે સંકળાયેલા હોવાથી આ શક્ય બન્યું. 

 ‘પતિત ઉદ્ધાર’ ફિલ્મમાં તેમના પાત્રનું નામ હતું ‘લલિતા.’ તેમણે એ પાત્ર એટલી સુંદર રીતે ભજવ્યું હતું કે એ પછી તેઓ લલિતા તરીકે જ ઓળખાવા લાગ્યાં. જેમ ‘રોમિયો’નું પાત્ર ભજવ્યા પછી ‘છગન રોમિયો’ બની ગયા હતા. 

૧૯૩૨માં તેઓ પ્રોડ્યુસર બન્યાં. ‘કૈલાશ’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું. એમાં તેમણે એકસાથે ત્રણ પાત્રો ભજવ્યાં; માતા, નાયિકા અને ખલનાયિકાનાં. ૧૯૩૨માં જ તેમણે બોલતી ફિલ્મ ‘દુનિયા ક્યા હૈ?’નું નિર્માણ કર્યું હતું. 

જ્યારે તેમના નામના ડંકા વાગવાના શરૂ થયા એ અરસામાં જ એક દુખદ ઘટના બને છે. ‘જંગે આઝાદી’ ફિલ્મમાં લલિતા પવારના કહેવાથી જ ભગવાનદાદાને રોલ મળે છે. એક સીનમાં દાદાએ લલિતા પવારને તમાચો મારવાનો હતો, દાદાએ એટલો જોરથી તમાચો માર્યો કે લલિતા પવારનું મોઢું વિકૃત થઈ ગયું. લકવો થઈ ગયો. આંખો ત્રાંસી થઈ ગઈ. તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડવાં પડ્યાં. આ વાતનો અફસોસ ભગવાનદાદાને જિંદગીભર રહ્યો. 

ચાર વર્ષ તેમની સારવાર ચાલી, પણ હિંમત ન હાર્યાં. વિકૃત ચહેરાને વરદાન સમજીને તેમણે બીજી ઇનિંગ્સ શરૂ કરી, વૅમ્પ-ખલનાયિકાના રોલ ભજવીને મશહૂર બની ગયાં. જાતજાતની અને ભાતભાતની ભૂમિકા ભજવી - ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક, કૉમેડી, સંગીત આધારિત ફિલ્મ - બધા જ પ્રકારની ફિલ્મમાં સફળતાપૂર્વક ભૂમિકા ભજવી ઇતિહાસ રચ્યો. 
તેમની યાદગાર ફિલ્મોની યાદી બહુ લાંબી છે, પરંતુ રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં ‘કેલેવાલી બાઈ’ની અને ‘અનાડી’માં ‘મિસિસ ડીસા’ની ભૂમિકા પર લોકો વારી ગયા હતા. તેમની ભૂમિકાવાળી ‘ચતુર સુંદરી’એ એ સમયે લાંબામાં લાંબો સમય ચાલવાનો વિક્રમ કર્યો હતો. એટલું જ નહીં, એ ફિલ્મમાં ૧૭ વિવિધ ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 
કલાકારો અંગત જીવનની કડવાશ ઘૂંટડે-ઘૂંટડે ગળી જઈને લોકોનું મનોરંજન કરતા હોય છે. લલિતા પવારના અંગત જીવનમાં અનેક કાંટા પથરાયેલા હતા. તેમનાં પહેલાં લગ્ન ગણપતરાવ પવાર સાથે થયાં હતાં, પરંતુ થોડા જ સમયમાં એ લગ્નની લંકા લૂંટાઈ ગઈ. ખલનાયિકા બની લલિતા પવારની નાની બહેન. બન્ને એકમેકની નજીક આવ્યાં, પ્રેમમાં પડ્યાં અને પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. બન્નેના ડિવૉર્સ થયા. લલિતા પવારનાં બીજાં લગ્ન નિર્માતા રાજ પ્રકાશ ગુપ્તા સાથે થયાં. 

લલિતા પવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સાથીકલાકારો મારાથી અતડા રહેતા હતા. વાત કરવાનું ટાળતા, કેમ કે તેઓ શિક્ષિત નહોતાં, સુંદર નહોતાં, ફૅશનેબલ નહોતાં. ‘અછૂત’ શબ્દ તેમના જીવનમાં બીજા પ્રસંગ સાથે પણ વણાયેલો છે. ‘અમૃત’ ફિલ્મમાં તેમણે એક અછૂતની ભૂમિકા એવી સચોટ રીતે ભજવી હતી કે એ પછી જાહેર જીવનમાં પણ લોકો તેમને અછૂત ગણીને ટાળવા માંડ્યા. પોતે અછૂત નથી એવું સાબિત કરવા માટે તેમણે શાળામાંથી જાતિ પ્રમાણપત્ર મેળવવું પડ્યું હતું. 

લલિતા પવારના અંતિમ દિવસો દુઃખદાયક હતા. પતિ સાથે પુણેમાં રહેતાં અને દીકરા-વહુ બાંદરા-મુંબઈમાં. જે અરસામાં તેમને મોઢાનું કૅન્સર થયું એ જ અરસામાં પતિનું ગળાનું ઑપરેશન કર્યું હોવાથી હૉસ્પિટલમાં હતા. લલિતા ઘરમાં એકલાં હતાં. ૨૪ ફેબ્રુઆરીએ દીકરાએ પુણે ફોન કર્યો, કોઈએ ઉપાડ્યો નહીં, ૨૫મીએ ફરીથી કર્યો, એ જ હાલત. દીકરાએ એક દોસ્તને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું. બેલ માર્યા છતાં બારણું ન ખૂલતાં દોસ્ત દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો તો તેણે શું જોયું? લાશ! પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પ્રમાણે મૃત્યુ ૩ દિવસ પહેલાં જ થઈ ચૂક્યું હતું!

સમાપન

લોગ કહતે હૈં હમ મુસ્કુરાતે બહુત હૈ, ઔર હમ થક ગયે દર્દ છુપાતે છુપાતે!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Pravin Solanki columnists