ખુશી તો યે હૈ કિ ચલના સીખા રહા હૂં ઉસે જો શખ્સ મુઝ સે ભી આગે નિકલના ચાહતા હૈ!

17 August, 2022 04:44 PM IST  |  Mumbai | Pravin Solanki

બીજો આગળ આવે એ માટે પોતે પાછળ રહી જાય એવી રહમદિલ વ્યક્તિ આજે ક્યાં જોવા મળે છે?

ખુશી તો યે હૈ કિ ચલના સીખા રહા હૂં ઉસે જો શખ્સ મુઝ સે ભી આગે નિકલના ચાહતા હૈ!

બીજો આગળ આવે એ માટે પોતે પાછળ રહી જાય એવી રહમદિલ વ્યક્તિ આજે ક્યાં જોવા મળે છે?

આપણે સૌ આઝાદીનો અમૃત ઉત્સવ ઊજવવામાં વ્યસ્ત છીએ તો સાથોસાથ એવી વ્યક્તિને પણ યાદ કરીએ જે આજે મળવી દુર્લભ છે, જેમણે આઝાદીની ચળવળની સાથોસાથ દીનદુખિયાઓની સેવા કરી હતી. જેમણે મહાત્મા ગાંધીને એવું કહેવા પ્રેર્યા હતા કે અભાગા માનવ મેરા ઈશ્વર હૈ, જે મજૂરોના મસીહા હતા, ગરીબોના બેલી હતા, જે એકમાત્ર એવી વ્યક્તિ હતા જે ગાંધીજીને ‘મોહન’ કહીને બોલાવતા હતા. જે મહાત્મા ગાંધી, આંબેડકર, ગોપાલકૃષ્ણ ગોખલે, લાલા લજપતરાય, ટી. વી. સપ્રુ, રવીન્દ્રનાથ ટાગોર જેવી વ્યક્તિઓના મિત્ર હતા. ભારત સરકારે જેમના નામની ટપાલ-ટિકિટ બહાર પાડી હતી.

ખ્યાલ આવે છે? કોણ છે આ વ્યક્તિ? ચાર્લ્સ ફ્રેઇર ઍન્ડ્રુઝ. હજી પણ ખ્યાલ ન આવે તો  ‘દીનબંધુ ઍન્ડ્રુઝ’થી જરૂર આવી જશે. ઍન્ડ્રુઝનો જન્મ ૧૮૭૧ની ૧૨ ફેબ્રુઆરીએ થયો હતો. તેઓ ઇંગ્લૅન્ડમાં પાદરી હતા, સમાજસુધારક હતા. આફ્રિકાથી ભારત આવી માનવહક માટે આંદોલન કરવાની સલાહ ગાંધીજીને ઍન્ડ્રુઝે આપી હતી.

બ્રિટિશ નાગરિક હોવા છતાં જલિયાંવાલા બાગ હત્યાકાંડને તેમણે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. એટલું જ નહીં, બ્રિટિશ સરકારને દોષી પણ ઠરાવી હતી. ભારતીય સ્વાધીનતા માટે અવારનવાર તેઓ ‘મૅન્ચેસ્ટર ગાર્ડિયન’, ‘ધ હિન્દુ’, ‘મૉડર્ન રિવ્યુ’ જેવાં એ વખતનાં જાણીતાં સમાચારપત્રોમાં લેખ પણ લખતા હતા.

૧૯૦૩માં દિલ્હી કૅ​મ્બ્રિજ બ્રધરહૂડના સદસ્યરૂપે ધર્મનો પ્રચાર કરવા તેમની નિમણૂક થઈ અને ૧૯૦૪માં ઍન્ડ્રુઝ સેન્ટ સ્ટીફન કૉલેજનો કારભાર સંભાળવા ભારત આવ્યા. ભારતમાં સૌથી પ્રથમ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે મુલાકાત થઈ અને ગોખલેજીએ તેમની મુલાકાત ગાંધીજી સાથે કરાવી. આ મુલાકાત માટે ઍન્ડ્રુઝ લખે છે કે ‘અમારી પહેલી મુલાકાતમાં જ અમારાં દિલ મળી ગયાં. જાણે કોઈ પૂર્વજન્મનો સંબંધ કે ઋણાનુબંધ હોય એવી લાગણી થવા લાગી હતી બન્નેને.’ એ પછી આંબેડકર, દાદાભાઈ નવરોજી વગેરે નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ અને સમય જતાં ભારતીય રંગે રંગાતા રહ્યા. ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ સરકાર સામે તેમણે પણ ઝુકાવ્યું હતું. 

સામાજિક સુધારા માટે જે રીતે ટાગોર ચિંતિત હતા એનાથી ઍન્ડ્રુઝે પ્રભાવિત થઈને શાંતિ નિકેતન-કલકત્તામાં પોતાનું મુખ્યાલય બનાવ્યું, ઍન્ડ્રુઝે ખ્રિસ્ત્રી અને હિન્દુ વચ્ચે સંવાદિતા સર્જી. તેમણે ‘બહિષ્કૃતની અસ્પૃશ્યતા’ પર પ્રતિબંધ લગાવવા આંદોલન કર્યું. ૧૯૨૫માં પ્રસિદ્ધ વાઇકૉમ સત્યાગ્રહમાં સહભાગી થયા અને ૧૯૩૩માં દલિતોના ઉદ્ધાર માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરને સાથ આપ્યો. 

ગરીબો, દલિતો અને ભારતીય સ્વતંત્રતા માટેના તેમના યોગદાનને લક્ષ્યમાં લઈને સેન્ટ ​​સ્ટીફન કૉલેજના વિદ્યાર્થીઓ તેમ જ ગાંધીજીએ તેમને ‘દીનબંધુ’ (ગરીબોના બેલી) બિરુદ આપ્યું. 
ઍન્ડ્રુઝનું મૃત્યુ ૧૯૪૦ની પાંચમી એપ્રિલે કલકતાની યાત્રા દરમ્યાન થયું હતું.

પિતાનું નામ જૉન ઍડ્મિન અને માતાનું નામ શાર્લોર હતું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ પ્રમાણે બાળપણથી જ ભાવનાશીલ અને ભક્તિપ્રધાન હતા તેઓ. બાળપણમાં ચાર્લ્સ ઍન્ડ્રુઝ શાળાએ ચાલતો જતો. રસ્તામાં કબ્રસ્તાન આવતું, કબ્રસ્તાન પાસે તે ઊભો રહેતો અને વિચારતો કે એક દિવસ જરૂર ફરીથી ભગવાન ઈશુનો જન્મ થશે અને ફરીથી કબ્રસ્તાનમાં સૂતેલાં મડદાં બેઠાં થઈ જશે. ક્યારેક તો તેને એવો પણ ભાસ થતો કે મડદાં બધાં બેઠાં થઈ ગયાં છે ને એ છળી મરતો, પછી આંખ મીંચીને પ્રાર્થના કરતો, ‘હે પ્રભુ, મારો ભાસ જલદીથી સત્ય બને એવું કંઈક કરો.’

એક દિવસ ચાર્લ્સે પિતાને પૂછ્યું, ‘બાપુ, આ ભીંત પર ટાંગેલો ફોટો દાદાજીનો છેને? તેઓ મૃત્યુ કેવી રીતે પામ્યા?’ પિતા ઘડીભર તેની સામે જોઈ રહ્યા. આંખમાં ઝળઝળિયાં સાથે તેમણે વાત માંડી, ‘બેટા, તારા દાદાજી શિક્ષક હતા. એવા પ્રેમાળ હતા કે કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીને ઊંચે સાદે વઢ્યા નહોતા, ક્યારેક કોઈને નેતરની સોટી મારી નહોતી. અરે વિદ્યાર્થીઓ જાતે જ તેમને પૂછતા કે અમને કોઈ દિવસ ધમકાવતા કેમ નથી? સોટી મારશો તો વિદ્યા ચમચમ આવશે.’ ત્યારે દાદાજી તેમને કહેતા, ‘વહાલાં બાળકો, નેતરની સોટી કરતાં પ્રેમની સોટી વધારે ચમચમે છે.’ ચાર્લ્સે પિતાને કહ્યું, ‘આ વાત હું હંમેશાં યાદ રાખીશ.’ પિતા ગદ્ગદ થઈ ગયા. પછી તેમણે દાદાના મૃત્યુની વાત શરૂ કરી, ‘બેટા, એક વખત હું અને તારા દાદા ફરવા ગયેલા. રસ્તામાં નારંગીનાં છોતરાં પડેલાં, એમાં તારા દાદાજીનો પગ પડ્યો અને તેઓ લપસી ગયા. માથામાં ભારે ઈજા સાથે તેમને હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. એ દૃશ્ય યાદ કરીને આજે પણ હું કંપી ઊઠું છું. રસ્તામાં કેળાની કે સંતરાની છાલ પડેલી જોઉં છું ને મને મારા બાપુ યાદ આવી જાય. એ દિવસથી હું રસ્તા પર પડેલી કોઈ પણ છાલ ઉપાડીને કચરાટોપલીમાં નાખું નહીં ત્યાં સુધી મને જંપ ન વળે.’ પિતા વાત પૂરી કરે એ પહેલાં જ ચાર્લ્સ બોલ્યો, ‘બાપુ, આજથી હું પણ એમ જ કરીશ.’ ટૂંકમાં સંસ્કાર તેમને વારસામાં મળ્યા હતા. 

સમાપન
ઍન્ડ્રુઝના પિતાને હિસાબકિતાબમાં ગતાગમ પડતી નહોતી. તેમનો પૈસાનો બધો વ્યવહાર કુટુંબનો એક ભાઈ જ કરતો હતો. એ ભાઈએ બધા પૈસા સટ્ટામાં ઉડાડી દીધા હતા. ચાર્લ્સના પિતાને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમણે હાથમાં બાઇબલ લઈને ખોલ્યું તો બાઇબલનો એ જ ફકરો સામે આવ્યો, ‘માફ કરી દો તેમને જેને તમે ભૂલી નથી શકતા અને ભૂલી જાઓ તેમને જેમને તમે માફ નથી કરી શકતા.’ સંસ્કારનો આ વારસો સંપૂર્ણપણે ઍન્ડ્રુઝે જાળવ્યો હતો. 
અસ્તુ.
તાક : ઍન્ડ્રયુઝ અને ઍન્ડ્રુઝ બન્ને ઉચ્ચાર પ્રચલિત છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki