બસ કંઠ હી હમારા નીલા નહીં હૈ, વરના ઝહર હમને ભી કમ નહીં પિયા!

02 November, 2022 04:30 PM IST  |  Mumbai | Pravin Solanki

કેટલાક માણસો મનના એવા મક્કમ હોય છે કે જેનું તમે ગમે એટલું અપમાન કરો, ગાળ આપો, બેઇજ્જત કરો, પણ કશું લાગે જ નહીં;

પ્રતીકાત્મક તસવીર

કોઈ સાચું બોલે ને આપણને અપમાન લાગે, સાચી સલાહ આપે કે સાચી ટીકા કરે ત્યારે પણ આપણને અપમાન લાગે. આને અપમાન ગણી શકાય? આપણને જે અપમાન લાગે એ બીજાને મન કર્તવ્ય બનતું હોય એવું ઘણી વાર નથી થતું?

તમારે લાંબું જીવવું છે? શાંતિથી જીવવું છે? તો અપમાનને ગળી જતાં શીખો અને હિસાબ કરવાનું છોડી દો. શીર્ષકની પંક્તિઓની જેમ મને ‘ઝેર જીવનનાં જીરવી જાણો, ચાલો રમીએ શંકર શંકર’ પણ અતિપ્રિય છે. 

અપમાન ગળી જવું એટલે શું? સ્વમાન જાળવવું નહીં? ના, સ્વમાન એ અપમાનનો વિરોધી શબ્દ નથી. સ્વમાન એક સ્વતંત્ર શબ્દ છે. અપમાન શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. કોઈ આપણી નિંદા કરે, ગાળ આપે, ટીકા કરે, દુર્વ્યવહાર કરે, કોઈ શારીરિક ખામી વિશે મજાક કરે, કોઈ જ્ઞાતિ-જાતિ વિશે ટીકા કરે, ઉંમર-પદનો મલાજો ન જાળવે, બેઇજ્જત કરે ત્યારે આપણને અપમાન જેવું લાગે છે. 

અપમાન થયું છે કે નહીં એ કોણ નક્કી કરે? આપણે પોતે જ; આપણું મન, આપણા વિચારો આપણા સંજોગો. કેટલાક માણસો મનના એવા મક્કમ હોય છે કે જેનું તમે ગમે એટલું અપમાન કરો, ગાળ આપો, બેઇજ્જત કરો, પણ કશું લાગે જ નહીં; જાણે પથ્થર પર પાણીનો ધોધ. તો કેટલાક માણસોનાં મન કાચી માટીના ઘડા જેવાં હોય છે. લાગણી કે અપમાનની એક નાનીસરખી કાંકરી વાગતાં જ ભાંગીને ભુક્કો થઈ જાય. કેટલાક માણસોનાં મન લજામણીના છોડ જેવાં હોય છે, જરીક અડતાં ઓછું આવી જાય. 

કેટલીક વ્યક્તિ માન-અપમાનની પરિભાષા સમજતી જ નથી કે આપણે સમજી શકતા નથી. ‘ફલાણો માણસ મને રસ્તામાં સામે મળ્યો તો આડું જોઈ ગયો, આ પહેલી વારનું નથી, હંમેશાં આવું જ કરીને મને અપમાનિત કરે છે.’ બોલો, આવી નજીવી બાબતમાં અપમાન લાગે એવા માણસ માટે શું કહેવું?

તાજેતરમાં મને થયેલો એક જાતઅનુભવ કહું. બનાવ સામાન્ય છે, અવારનવાર બનતો રહે છે, પરંતુ અપમાનના પ્રકારમાં અનેરો છે. નવા વર્ષ નિમિત્તે હું એક મિત્રના ઘરે ગયો ત્યારે અન્ય મહેમાનો પણ બેઠા હતા. ક્ષણભર પછી ઘરની વડીલ મહિલાએ રસોડામાંથી આવી મીઠાઈની તાસક બધા સામે ધરી. અમે બધાએ ચાખી, પણ એક ગૃહસ્થે ન લીધી અને બોલ્યા, ‘સૉરી, હું મીઠાઈ નથી ખાતો.’ 
મહિલાએ હસતાં-હસતાં કહ્યું, ‘આજે ના ન પડાય. આજે તો બધું ચાલે.’ 
ભાઈએ કહ્યું,‘પ્લીઝ, આગ્રહ ન કરો.’
મહિલાએ કહ્યું, ‘કેમ ન કરું? મીઠું મોઢું કર્યા વગર ચાલ્યા જાઓ એ કેમ ચાલે?’ 
‘ઠીક છે, મને એક કાજુનો ટુકડો આપી દો,’ ગૃહસ્થ બોલ્યા. 
‘એ તો બધું આવશે જ. નાસ્તો-પાણી કરાવ્યા વગર અમે થોડા જવા દેવાના છીએ?’ 
આ રકઝક ચાલતી હતી ત્યાં ઘરનાં વહુ વચ્ચે તાડૂક્યાં, ‘આટલોબધો ભાવ શું કામ ખાઓ છો? મમ્મીજી આટલો આગ્રહ કરે છે તો તેમનું એટલું તો માન રાખો.’ 
પેલા ભાઈ હજી પણ રકઝક કરતા હતા ત્યાં ઘરના વડીલે ઝુકાવ્યું, ‘તમે લોકો શું કામ માથાકૂટ કરો છો? આપણા ઘરની મીઠાઈ એ ન ખાય તો તમે જ્યારે તેમના ઘરે જાઓ ત્યારે તમે પણ ન ખાતા, હિસાબ ચૂકતે. એમાં આટલી ધડ શું કામ કરો છો?’ 
વાતનું વતેસર થઈ ગયું. આટલી નાની-સાધારણ વાતમાં માન-અપમાનનો અહમ્ ટકરાયો અને સંબંધોમાં તિરાડ પડી ગઈ. 
અપમાનની જે પ્રચલિત વ્યાખ્યાઓ છે એ સિવાય પણ અપમાનને જુદા-જુદા દૃષ્ટિકોણથી તોળવાં જરૂરી બને છે. 
કોઈ સાચું બોલે ને આપણને અપમાન લાગે, સાચી સલાહ આપે કે સાચી ટીકા કરે ત્યારે પણ આપણને અપમાન લાગે. આને અપમાન ગણી શકાય? આપણને જે અપમાન લાગે એ બીજાને મન કર્તવ્ય બનતું હોય એવું ઘણી વાર નથી થતું? 

બહુ પ્રચલિત કહેણી છે કે અન્યાય કરનાર જેટલો ગુનેગાર છે એના કરતાં વધારે ગુનેગાર અન્યાય સહેનાર છે અને એ જ રીતે અપમાન કરનાર જેટલો ગુનેગાર છે એનાથી વધારે ગુનેગાર અપમાન સહન કરનારો છે. બોલો, હવે આમાં અપમાન ગળી જવાની વાત કઈ રીતે માનવી? 
હકીકત એ છે કે દરેક ઉપદેશ લખવા-બોલવા પૂરતો બરાબર છે, પણ એને અમલમાં મૂકવો બહુ અઘરો છે. માણસ માત્ર પરિસ્થિતિને વશ હોય છે, સંજોગોને આધીન છે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે એક જ પરિસ્થિતિમાં માણસ જુદી-જુદી રીતે વર્તતો જોવા મળે છે. દીકરી મા સામે બોલે તો એ નાદાન છે એમ સમજી આંખમિચામણાં કરતી મા, ને ઘરની વહુ સામે બોલે ત્યારે મોટું અપમાન થયું હોય એવું લાગે. 

‘હિસાબ કરવાનું છોડી દો’ એ માત્ર વાક્ય નથી, એક આધ્યાત્મિક વિચાર છે, જેનો અમલ મુશ્કેલ છે. હા, એટલું વાંચવું ગમશે કે જ્યાં હરખ હોય ત્યાં હિસાબ ન હોય અને જ્યાં હિસાબ હોય ત્યાં હરખ ન હોય, પરંતુ આ વાત પણ બહોળા અને માર્મિક અર્થમાં જ લેવી ઘટે. 
બાકી એક વાત સત્ય છે કે માન-અપમાનને કારણે જ ઇતિહાસ રચાયો છે, એમાં પણ ‘મહાભારત’ ગ્રંથ તો આખો અપમાનોના ભંડારથી ભરેલો છે. શરૂઆતથી જ જુઓ. વિદુરે ધૃતરાષ્ટ્રને નેત્રહીન ગણાવી રાજ્યશાસન કરવાથી વંચિત રાખ્યા, દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર કહીને સ્વયંવરમાં અપમાન કર્યું, દ્રૌપદીએ ભરીસભામાં દુર્યોધનને ‘આંધળાનો પુત્ર આંધળો જ હોય’ એવું કહીને અપમાનિત કર્યો, કૌરવોએ ભરીસભામાં દ્રૌપદીનાં ચીર હરણ કરી અપમાન કર્યું, દુર્યોધને વિષ્ટિ સમયે કૃષ્ણને ધૂત્કાર્યા, દુર્યોધને યુદ્ધમાં ભીષ્મપિતામહને કડવાં વચન કહ્યાં, અર્જુને યુદ્ધમાંથી ભાગી આવેલા યુધિષ્ઠિરને ન કહેવાનાં વચન કહ્યાં. 

આવાં અનેક ઉદાહરણો યાદ કરીએ તો અપમાન પ્રસંગોનો જ એક આખો ગ્રંથ લખવો પડે. 

સમાપન
કોઈ માણસને જાનવર કહેવો એ જાનવરનું અપમાન છે. 
તૂ ક્યા સમઝતા હૈ મૈં મરા નહીં હૂં?
મૈં કઈ બાર બેઇજ્જત હુઆ હૂં!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki