હમ પ્રવાસિયોં કે લિએ ખુશી કા સબસે બડા પૈગામ હોતા હૈ, જબ ગાંવ કી રેલ રિઝર્વેશન લિસ્ટ મેં અપના નામ હોતા હૈ

16 November, 2022 05:07 PM IST  |  Mumbai | Pravin Solanki

જનરલ ડબો એટલે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક; નાત-જાત-ધર્મના કોઈ ભેદ નહીં, અહીં દુશ્મની થાય એટલી ઝડપથી દોસ્તી પણ થઈ જાય

પ્રતીકાત્મક તસવીર

જનરલ ડબો એટલે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક; નાત-જાત-ધર્મના કોઈ ભેદ નહીં, અહીં દુશ્મની થાય એટલી ઝડપથી દોસ્તી પણ થઈ જાય. એક ફિલોસૉફિકલ વાક્ય તો અચૂક સાંભળવા મળે ‘ભાઈ, આ તો પંખીનો માળો છે, કોણ, ક્યારે ને ક્યાં ઊડી જશે એની ખબર પણ નહીં પડે.

ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત આગામી નાટ્યસ્પર્ધાની ચર્ચા કરવા એલએલડીસી (લિવિંગ ઍન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર) ભુજના અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરવા અચાનક ભુજ જવાનું થયું. હું, લલિત શાહ, રમાકાંત ભગત ત્રણેય ૭૫ પ્લસ. શકુંતલાની વીંટીની જેમ શારીરિક રીતે ત્રણેયનાં સ્વાસ્થ્ય ખોવાયેલાં હતાં એટલે પ્લેનમાં જવાનું નક્કી કર્યું. ટિકિટના ભાવ એક તરફના ૧૧,૦૦૦ નીકળ્યા. ભુજ પહોંચવાના જ ૩૩,૦૦૦ થાય. સંસ્થાના પૈસા આ રીતે કેમ વપરાય? રેલવે તરફ નજર કરી. કોઈ ક્લાસમાં રિઝર્વેશન ઉપલબ્ધ નહીં. હવે? તોડ કાઢ્યો, અહીંથી અમદાવાદ જવું અને અમદાવાદથી એલએલડીસીની ગાડી અમને ભુજ લઈ જાય. દીપેશભાઈ શ્રૉફ ઝિંદાબાદ. 

અમદાવાદનું રિઝર્વેશન તો મળ્યું - ગઢ આવ્યો પણ સિંહ ગયો. રિઝર્વેશન ​સ્લિપમાં લોઅર બર્થ માટે ખાસ તાકીદ કરી હતી, પણ ન મળી. કોને ફરિયાદ કરવી? એટલો સમય પણ ક્યાં હતો? છાપામાં રેલવે ઢોલ વગાડીને શું કામ જાહેરાત કરતી હશે કે સિનિયર સિટિઝનને લોઅર બર્થ મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

ખેર, જે કામ રેલવેએ ન કર્યું એ કામ અમને સહ-પ્રવાસીઓએ કરી આપ્યું. મને લોઅર બર્થ તો મળી, પણ આંખ ન મળી. ઘરમાં પણ ઊંઘ નથી આવતી તો ટ્રેનમાં ક્યાંથી આવે? એસી સુપરફાસ્ટ ટ્રેનમાં તો ન કોઈ બીજું સ્ટેશન આવે કે ન કોઈ બીજા મુસાફરોની ચડ-ઊતર થાય, ન કોઈ ફેરિયા આવે કે ન કોઈ ભિક્ષુક. આવે તો ફક્ત જાતજાતના વિચારો, ક્યારેક અવિચારો પણ.  મને આવ્યા બાળપણ અને યુવાનીમાં કરેલી મુસાફરીના વિચારો. ત્યારે રિઝર્વેશન કરીને મુસાફરી કરવી એ લક્ઝરી ગણાતી. મુસાફરી માટે ૩ ક્લાસ હતા; થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ. થર્ડ ક્લાસના અનારક્ષિત ડબામાં જગ્યા મેળવવા માટે જંગ ખેલવો પડતો. ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે કે ડબાની બારીમાંથી જમ્પ મારીને ભડવીર મુસાફરો અંદર ઘૂસી જતા અને સીટ પર પાથરણું પાથરીને કે પોતે લાંબા થઈને સૂઈ જતા. પતરાનું ટ્રન્ક, પાણીનો કુંજો અને બિસ્તરો અનિવાર્ય ગણાતો. આજના યુવાનોને બિસ્તરો એટલે શું એ કદાચ ખબર જ નહીં હોય.  અનારક્ષિત ડબા (કમ્પાર્ટમેન્ટને આપણે ‘ડબો’ જ કહીએ છીએ)માં પ્રવાસ કરવાથી જિંદગીના ઘણાબધા પાઠ ભણવા-જાણવા મળે છે. 

ચાર માણસની બેઠક પર આઠ માણસો કેવી રીતે બેસી શકે એનું જ્ઞાન મળે છે, પચાસ માણસો ઊભા રહી શકે એવી જગ્યામાં ડબલ માણસો કેવી રીતે ખડકાઈ શકે છે એ કળાનું ભાન થાય છે. ટ્રેનના ડબામાં પ્રવેશ કરવાની ખાસ ટે​ક્નિક આત્મસાત્ કરવી પડે. ટ્રેન ઊપડ્યા પછી અનોખું દૃશ્ય જોવા મળે. ઉપરની બર્થના માણસો ટૂંટિયું વાળીને બેઠાં-બેઠાં એવી રીતે હસતા જોવા મળે જાણે તેમણે મોટો મીર માર્યો હોય. ગાડી હલે પણ ઊભેલા માણસો હલી ન શકે એટલી ભીડમાં કેટલાક તો ઊભાં-ઊભાં જ ઊંઘવા માંડે. 

ટ્રેનમાં જેને બેસવા મળ્યું હોય એ લોકો ‘ઇડરિયો ગઢ જીત્યા’ની લાગણી અનુભવે છે અને જેને બારીવાળી જગ્યા મળી હોય તે એ દિવસનો સુલતાન થઈ જાય. જનરલ ડબામાં મુસાફરોને કુદરતી હાજત પર કન્ટ્રોલ કરવો આવશ્યક હોય છે, કેમ કે બેઠકથી બાથરૂમ સુધી પહોંચવાનું કામ હિમાલય સર કરવા જેટલું અઘરું હોય છે. ભીડમાંથી માર્ગ કરવાની કળા ભિક્ષુકો અને ફેરિયાઓ પાસે શીખવા જેવી હોય છે. 

એ દિવસોમાં એક્સપ્રેસ, સુપરફાસ્ટ કે દુરૉન્તો જેવી ટ્રેનો હતી નહીં. પૅસેન્જર ટ્રેન અને મેલ ટ્રેન એમ બે વિભાગ જ હતા. મેલ ટ્રેન પણ અસંખ્ય ઠેકાણે ઊભી રહેતી. જેવી ટ્રેન પ્લૅટફૉર્મ નજીક આવે કે ચાય ગરમ... ચાય ગરમ, ભજિયા લો ગરમાગરમ, પાણી બ્રાહ્મણિયા પાણીના હોંકારા-દેકારા સંભળાવા માંડે. પૅસેન્જરો ડબામાં ઘૂસવા પ્લાસીનું યુદ્ધ કરવા માંડે. દરવાજા પર અંદર રહેલા પ્રવાસીનો એક તકિયાકલામ ડાયલૉગ અચૂક સાંભળવા મળે, ‘અલ્યા, આ જ ડબો ભાળ્યો છે, બાજુના ડબામાં જા, ખાલી છે.’ પેલો તેને હડસેલીને જવાબ આપે, ‘ખાલી છે તો તું ત્યાં જાને, અહીં શું કામ પડ્યો છે.’ ચાલુ ટ્રેને જુદાં-જુદાં ઠેકાણે, જુદાં-જુદાં દૃશ્યો ભજવાતાં હોય છે, ‘એ રોન્ચા, પગ હલાવ-હલાવ ન કર, મને વાગે છે.’ 

‘જાણીજોઈને થોડો કરું છું? ગાડી હલે તો પગ પણ હલે. એટલો શાહુકાર-સુંવાળો છે તો ફર્સ્ટ-ક્લાસમાં જાને.’ બીજે ઠેકાણે ભાતાના ડબ્બા ખુલ્લા થાય અને થેપલાં-બટાટાની સૂકી ભાજી, ગોળપાપડી, શ્રીખંડ ને અથાણાંની સુગંધ ડબામાં પ્રસરી જાય. સામે બેઠેલા અજાણ્યા પૅસેન્જરને પણ ઑફર થાય, ‘લ્યો કાકા, એકાદ થેપલું તમે પણ ચાખો, ગોળપાપડી ચાખો, શુદ્ધ ઘીની છે.’ ‘હશે, પણ હું કોઈએ આપેલું ટ્રેનમાં નથી ખાતો. જમાનો ખરાબ છે. લોકો ખાવાનું આપી, બેભાન કરી લૂંટી લે છે એવું સાંભળ્યું છે. તમે તો સારા માણસ છો, પણ સાવચેતી રાખવી સારી.’ 

ઑફર કરનાર વ્યક્તિ મનમાં શબ્દકોશમાં ન હોય એવી ગાળો બોલતાં ચૂપચાપ ખાવા માંડે. એ જમાનામાં આરક્ષિત ડબામાં પણ જનરલ ડબા જેવી જ હાલત હતી, ‘આપણે નંબર શોધતાં-શોધતાં આપણી સીટ પાસે આવીએ ત્યારે ત્યાં કોઈ બેઠેલું જ હોય. 

‘ભાઈ, આ સીટ મારી છે, ઊઠો.’ 
‘તારી છે એટલે? તારા બાપની છે?’ 
‘મેં રિઝર્વ કરાવી છે.’ 
‘તો વહેલા આવવું જોઈએને... સામેની સીટ ખાલી છે, જા ત્યાં બેસી જા.’ 
‘ન બેસાય. કોઈ રિઝર્વેશનવાળો આવીને ઉઠાડે તો આબરૂ જાય.’ 
‘મંદિરમાં દાખલ થતાં પહેલાં પગરખાં બહાર કાઢીને જઈએ છીએ એમ ટ્રેનના ડબામાં ચડતાં પહેલાં આબરૂ બહાર મૂકીને ચડવું જોઈએ.’
‘તમે એમ નહીં માનો, હું ટીસીને બોલાવું છું.’
‘ટીસીએ જ મને અહીં બેસાડ્યો છે. ૧૦ રૂપિયા લીધા છે.’

જનરલ ડબો એટલે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક; નાત-જાત-ધર્મના કોઈ ભેદ નહીં, અહીં દુશ્મની થાય એટલી ઝડપથી દોસ્તી પણ થઈ જાય. એક ફિલોસૉફિકલ વાક્ય તો અચૂક સાંભળવા મળે ‘ભાઈ, આ તો પંખીનો માળો છે, કોણ, ક્યારે ને ક્યાં ઊડી જશે એની ખબર પણ નહીં પડે. બધાં પોતપોતાનાં સ્ટેશન આવે એટલે ઊતરી જવાના, સાથે શું લઈ જવાના? 
ખરા અર્થમાં વધુ ‘રસિક’ ભાગ આવતા બુધવારે. 

સમાપન

કહેવાય છે કે કયો મુસાફર કયા શહેરનો છે એ એના વર્તન પરથી ખબર પડી જાય. પોતાનું સ્ટેશન આવે કે લહેરી લાલાની જેમ આજુબાજુ જોયા વગર ઊતરી જાય તે સુરતી, પોતાનો સામાન બરાબર આવી ગયો છે કે નહીં એની ખાતરી કરી ઊતરનારો મુંબઈગરો, પણ પોતાનો સામાન બરાબર છે કે નહીં એ જાણ્યા પછી કોઈ બીજો પોતાનો સામાન ભૂલી ગયો છે કે નહીં એ તપાસ કરનારો અમદાવાદી... સમજ્યા?

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki