ઝહર કા ભી અજીબ કિસ્સા હૈ, મરને કે લિયે જરા સા મગર જીને કે લિયે બહુત પીના પડતા હૈ

20 July, 2022 02:58 PM IST  |  Mumbai | Pravin Solanki

રાજ કપૂર કૅમ્પમાં જે સ્થાન શંકર-જયકિશનનું હતું એવું જ સ્થાન રવિનું બી. આર. ચોપડાના કૅમ્પમાં હતું. શંકર-જયકિશન પાસે જેમ શૈલેન્દ્ર અને હસરત જયપુરી હતા એમ રવિ પાસે સાહિર લુધિયાનવી હતા. મોહમ્મદ રફી અને આશા ભોસલેની જોડી રવિની સફળતાના સ્તંભ હતા.

ઝહર કા ભી અજીબ કિસ્સા હૈ, મરને કે લિયે જરા સા મગર જીને કે લિયે બહુત પીના પડતા હૈ

દરેક મા-બાપને આશા હોય છે કે દીકરા દિવસ બદલાવશે (દીકરા દી વાળશે). આવી આશા જેની ફળી હોય તે મા-બાપ ભાગ્યશાળી ગણાય. કેટલાક દીકરાઓ દી ન વાળી શક્યા હોય એનો રંજ ભલે ન થાય, પણ મા-બાપની રાતની ઊંઘ હરામ કરી દે એવા નીવડે ત્યારે એ દુઃખની પરાકાષ્ઠા જ ગણાય. 
જીવનની એ જ કઠણાઈ છે કે તમે જેની પાસે હકથી આશા રાખી શકો છો એ જ વ્યક્તિ તમને નિરાશ કરે, એ પણ નાહક. 
રવિને બે દીકરી અને એક દીકરો. સંઘર્ષમય જીવન હોવા છતાં રવિએ ત્રણેય સંતાનનું ખૂબ લાડ-પ્યારથી જતન કરેલું. બન્ને દીકરીઓને ખૂબ ધામધૂમથી પરણાવી, પરંતુ દીકરા અજયે રવિનાં જ વાજાં વગાડી દીધાં. 
દીકરો અજય મરાઠી અભિનેત્રી વર્ષા ઉસગાવકર સાથે પ્રેમમાં પડ્યો અને રવિના દુઃખના દિવસો શરૂ થયા. પ્રસિદ્ધિની ટોચ પર પહોંચેલા સંગીતકાર રવિનું જીવન ખાઈમાં ગબડવાની અણી પર આવી ગયું.
રવિ અને તેમનાં પત્ની બન્ને ઇચ્છતાં હતાં કે અજય કોઈ અભિનેત્રી સાથે લગ્ન ન કરે, છતાં અજયની જીદ સામે, દીકરાના સુખને ખાતર બન્ને ઝૂકી ગયાં. 
લગ્ન પછી અજયે પોતાનું પોત પ્રકાશ્યું. વર્ષા વિખ્યાત અભિનેત્રી છે અને તેને પ્રાઇવસીની જરૂર છે. તે સંયુક્ત કુટુંબમાં નહીં રહી શકે એવા બહાના હેઠળ જુદાં રહેવાની વાત કરી. એ તો ઠીક પણ રવિ પોતે નવો ફ્લૅટ ખરીદી આપે એવી માગણી પણ કરી. 
આ માગણીએ રવિને ચોંકાવી દીધા. દીકરો આંખ સામેથી અળગો ન થાય એવો રવિએ એક તોડ કાઢ્યો. સાંતાક્રુઝમાં ‘વચન’ બંગલો બે મજલાનો હતો, પહેલે મજલે જ્યાં તેની રેકૉર્ડિંગ રૂમ, ટ્રોફીઓ અનેક ફોટોગ્રાફ્સ, ભેટ-સોગાદો હતાં એ ફ્લોર અજયને રહેવા માટે આપી દીધો. ત્યાં આવવા-જવાની અલગ વ્યવસ્થા પણ કરી આપી.
આ સમાધાન રવિને ખૂબ મોંઘું પડ્યું. અજયે પહેલા મજલા પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવી દીધો. એટલું જ નહીં, રવિ સહિત કુટુંબના કોઈ પણ સભ્યને ત્યાં આવવાની મનાઈ ફરમાવી દીધી. રવિએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ રાબેતા મુજબ કાંઈ ઊપજ્યું નહીં, કેમ કે વર્ષાના પિતા એ.કે.જી. ઉસગાવકર ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા. સમજી ગયાને?
 મામલો અદાલતે પહોંચ્યો. ‘એશિયન એજ’ના ઇન્ટરવ્યુમાં રવિએ કહ્યું, ‘મારા પુત્ર અને પુત્રવધૂએ મારું જીવન ઝેર કરી નાખ્યું છે. હું ખૂબ હતાશ-નિરાશ થઈ ગયો છું.’ એ હતાશામાં જ રવિએ પોતાના વિલમાં લખાવ્યું કે ‘મારા મૃત્યુ બાદ મારી તમામ સંપત્તિ, સ્થાવર જંગમ મિલકત મારી બન્ને પુત્રીઓને મળે. મારાં પુત્ર-પુત્રવધૂનો એના પર કોઈ હક નથી. મારા મૃત્યુ સમયે મારું મોઢું જોવાના હકથી પણ હું બન્નેને વંચિત કરું છું.’ 
‘ઝિંદગી ઇત્તફાક હૈ, કલ ભી ઇત્તફાક થી આજ ભી ઇત્તફાક હૈ...’ રવિની આ રચના તેના જીવનનું સત્ય છે. ઇત્તફાકથી જ તેની મુલાકાત હેમંતકુમાર સાથે થઈ અને સંજોગોએ જ ગુરુ દત્ત, બી. આર. ચોપડા, મોહમ્મદ રફી સાથે તેમનું મિલન થયું. રાજ કપૂર કૅમ્પમાં જે સ્થાન શંકર-જયકિશનનું હતું એવું જ સ્થાન રવિનું બી. આર. ચોપડાના કૅમ્પમાં હતું. શંકર-જયકિશન પાસે જેમ શૈલેન્દ્ર અને હસરત જયપુરી હતા એમ રવિ પાસે સાહિર લુધિયાનવી હતા. મોહમ્મદ રફી અને આશા ભોસલેની જોડી રવિની સફળતાના સ્તંભ હતા. આશા ભોસલેએ રવિનાં ૨૮૫ ગીતોને કંઠ આપ્યો હતો. સાહિર લુધિયાનવીના શબ્દોએ રવિની ધૂનમાં ચાર ચાંદ લગાવ્યા. મહેન્દ્ર કપૂર અને સલમા આગાને પ્રસિદ્ધિ અપાવવામાં રવિનો મુખ્ય ફાળો હતો. 
એવું નહોતું કે લતાજી સાથે તેમને અણબનાવ હતો, પણ પ્રોડ્યુસરોના આર્થિક હિસાબે લતાજી તેમને ન મળ્યાં. ખાસ કરીને બી. આર. ચોપડા એવું માનતા હતા કે તેમની ફિલ્મો વાર્તા અને દિગ્દર્શનને કારણે ચાલે છે; કોઈ હીરો-હિરોઇન કે ગાયકના આધારે નહીં. 
રવિની ખાસિયત એ હતી કે તેઓ પહેલાં ગીત લખાવતા અને પછીથી ધૂનો તૈયાર કરતા. 
રવિની બીજી બે રસપ્રદ વાતો... 
દિલ્હીમાં તેમનો એક ખાસ મિત્ર હતો. પત્ની ઘણી ખૂબસૂરત હતી. એક વાર રવિએ મિત્રને મજાકમાં કહ્યું કે ‘તારી પત્ની ફિલ્મમાં હિરોઇન બનવાને લાયક છે.’ આ વાત મિત્રએ તો બહુ ધ્યાનમાં ન લીધી, પરંતુ પત્નીના મનમાં ઘર કરી ગઈ. પત્નીનું નામ હતું વિમ્મી. 
પત્નીની જીદ સામે મિત્રએ ઝૂકી જઈને મુંબઈ પ્રયાણ કર્યું. રવિએ વિમ્મીની ઓળખાણ બી. આર. ચોપડા સાથે કરાવી. એ સમયે સાહિર લુધિયાનવી પણ ત્યાં હાજર હતા. વિમ્મીનું રૂપ જોઈને બન્ને દંગ રહી ગયા. બી. આર. ચોપડાએ તેને ‘હમરાઝ’ માટે કરારબદ્ધ કરી લીધી. સાહિર લુધિયાનવીએ એ રૂપની પૂતળી પર તાત્કાલિક એક ગીત પણ રચી નાખ્યું. 
‘કિસી પથ્થર કી મૂરત સે 
મોહબ્બત કા ઇરાદા હૈ 
પરસ્તિશ કી તમન્ના હૈ, 
ઇબાદત કા ઇરાદા હૈ!’
બીજી વાત. બી. આર. ચોપડાએ ‘નિકાહ’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. પરંપરા મુજબ સંગીત-નિર્દેશન માટે રવિના નામની જ ઘોષણા થઈ. ચોપડાના કેટલાક મિત્રો, હિતેચ્છુઓને એ પસંદ ન પડ્યું. તેઓએ સલાહ આપી કે ‘નિકાહ’માં મુસ્લિમ વાતાવરણ હોવાથી રવિ તેને પૂરો ન્યાય નહીં આપી શકે. એ માટે નૌશાદ કે એવા અન્યનો વિચાર કરવો જોઈએ. બી. આર. ચોપડાએ કહ્યું, ‘મારી ફિલ્મ મારા નામે ચાલે છે ને રવિ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. મારી પસંદગી ખોટી હોઈ જ ન શકે.’ 
રવિએ એ પુરવાર પણ કરી બતાવ્યું. ‘નિકાહ’નું સંગીત તો હિટ થયું જ અને સલમા આગા ‘દિલ કે અરમાં આંસુઓં મેં બહ ગયે’ ગીતથી સ્ટાર બની ગઈ. 
રવિનું મૃત્યુ ૨૦૧૨ની ૭ માર્ચે થયું હતું.

columnists Pravin Solanki