લિખ રહા હૂં મૈં અંજામ જિસકા, કલ આગાઝ આએગા મેરે લહુ કા હરેક કતરા, ઇન્કિલાબ લાએગા!

15 December, 2021 04:49 PM IST  |  Mumbai | Pravin Solanki

દેશની અંદરના અને બહારના દુશ્મનો આપણા દેશના જવાનોની નૈતિકતાને ખંડિત કરવા માગે છે, જવાનોના જુસ્સાને ઓગાળવા માગે છે, આત્મવિશ્વાસને ઘટાડવા માગે છે.

લિખ રહા હૂં મૈં અંજામ જિસકા, કલ આગાઝ આએગા મેરે લહુ કા હરેક કતરા, ઇન્કિલાબ લાએગા!

દેશનો સૌથી મોટો અન્નદાતા એટલે કિસાન અને સૌથી મોટો જીવનદાતા એટલે જવાન. છતાં  આપણે કિસાન અને જવાનની હિફાઝત કરવામાં ઘણા ઊણા ઊતર્યા છીએ એ હકીકત છે. 
૮ ડિસેમ્બરની ગોઝારી બપોરે સીડીએસનું હેલિકૉપ્ટર ક્રૅશ થયાના સમાચાર આવ્યા ને માત્ર દેશમાં જ નહીં, દુનિયાઆખીમાં ખળભળાટ મચી ગયો. જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત અને બીજા ૧૧ લશ્કરી અધિકારીઓ ભોગ બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. બપોર સુધીમાં તો કેટલાક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ તો સીડીએસ જનરલ બિપિન રાવતના નિધન વિશે ટ્વીટ પણ કરી લીધું. સામાન્ય માણસને તો આ સીડીએસની ટર્મ શું છે  એની ખબર પણ નહોતી. 
આપણા લશ્કરની ત્રણ પાંખ-ત્રણ વિભાગ હોય છે; ભૂમિસેના, વાયુસેના અને જળસેના. ત્રણેય પાંખના વડા અલગ અલગ હોય છે. જનરલ બિપિન રાવત ૩૧ ડિસેમ્બર ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી લશ્કરી વડા હતા. જાન્યુઆરી ૨૦૨૦થી રાવત દેશના સૌથી પ્રથમ સીડીએસ નિમાયા. સીડીએસ એટલે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ. તેમનું કામ સેનાની ત્રણેય પાંખ વચ્ચે સંકલન કરવાનું હોય છે. એ રૂએ જનરલ રાવત ભારતીય લશ્કરના સર્વોચ્ચ હોદ્દા પર હતા. 
એક મત મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલી દુર્ઘટનાઓમાં આ સૌથી વધારેમાં વધારે દુખદ  અને હાનિકારક દુર્ઘટના છે, શરમજનક પણ. થોડા સમય પહેલાં નાગાલૅન્ડમાં આતંકવાદ વિરોધી ઑપરેશનમાં કાચું કપાયું અને ૧૪ નાગરિકોનાં મૃત્યુ થયાના સમાચારની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં આ દુર્ઘટનાના સમાચારે લશ્કરની છાપ ખરડી. 
જનરલ રાવત એક બાહોશ અફસર હતા. તેમના શૌર્ય અને પરાક્રમ માટે એક આખું પુસ્તક લખી શકાય. ૨૦૧૫માં સરહદપાર મ્યાનમારમાં તેમણે કરેલું ઑપરેશન જગજાહેર છે તો  ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તેઓ દૂરંદેશી હતા, આધુનિક વિઝન ધરાવતા હતા. લશ્કરને આત્મનિર્ભર બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. લશ્કરમાં અનેક હોદ્દા કુશળતાપૂર્વક સંભાળ્યા હતા. ૪૦ વર્ષની લાંબી લશ્કરી કારકિર્દીમાં  તેમણે ૧૮ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. 
છેલ્લા કેટલાક સમયથી સરહદ પર ચીન-પાકિસ્તાન ઊંબાડિયાં કર્યા જ કરે છે. રાવતે  સીડીએસનો હોદ્દો સંભાળ્યા પછી બન્ને સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. રોજેરોજ સરહદ પરની સ્થિતિની સમીક્ષા કરતા હતા. ‘કૌન બનેગા કરોડપતિ’માં જો એક સવાલ પુછાયો હોત કે વડા પ્રધાન મોદી સાથે દરરોજ વ્યક્તિગત રીતે મળનાર કે વાત કરનાર વ્યક્તિ કોણ છે તો એનો જવાબ જનરલ બિપિન રાવત હોત. આના પરથી સમજાય છે કે હાલના સમયમાં તેમનું મહત્ત્વ શું હતું અને આ દુર્ઘટના માટે આટલો ઊહાપોહ કેમ છે? 
ન બનવાનું બન્યું, કબૂલ, પણ એ પછી જે બની રહ્યું છે એનાથી સંભાળવાનું છે. આ ઘટનાથી પાડોશી દેશના દુશ્મનો રાજી થાય એ સ્વાભાવિક છે, પણ દેશમાં રહેલા દુશ્મનો પણ રાજી  થાય એ કમનસીબી છે. સાવચેત થઈ જવાની જરૂર છે. 
દેશની અંદરના અને બહારના દુશ્મનો આપણા દેશના જવાનોની નૈતિકતાને ખંડિત કરવા માગે છે, જવાનોના જુસ્સાને ઓગાળવા માગે છે, આત્મવિશ્વાસને ઘટાડવા માગે છે. ચીન જેવા દેશના મુખ્ય અખબારે છાપ્યું કે ‘ભારતની વાયુસેનાના હેલિકૉપ્ટરની દુર્ઘટના દર્શાવે છે કે ભારતનું લશ્કર અકુશળ છે, અણઘડ છે, શિસ્તનો અભાવ છે એની સાબિતી આ બનાવ છે.’ ભારતીય લશ્કરના જવાનોનું આ ઘોર અપમાન છે. ભારતીય લશ્કરની જવાંમર્દી અને કુશળતાનો પરિચય ચીન-પાકિસ્તાનને તો ઠીક, દુનિયાઆખીને મળી ગયો છે. એને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. 
આપણે આત્મવંચનામાં ન રહેતાં કેટલાક સવાલના જવાબ તો મેળવવા જ રહ્યા. વાયુસેનાના  હેલિકૉપ્ટરની દુર્ઘટના અવારનવાર કેમ બને છે? નાગરિક વિમાનોનું રોજનું ઉડાન બહુ જ  મોટા પ્રમાણમાં હોય છે, એની સરખામણીમાં વાયુસેનાનાં વિમાનોનું ઉડાન ખૂબ અલ્પ માત્રામાં હોય છે છતાં ૧૯૭૦ના દાયકામાં વાયુસેનાનાં ૮૦ વિમાનોને અકસ્માત નડ્યા, ૮૦ના દાયકામાં ૪૦, ૯૦ના દાયકામાં ૩૦ અને ૨૦૦૦ના દાયકામાં ૧૧૦થી ૧૨ વિમાનો  ભોગ બન્યાં. એવું આશ્વાસન ન લઈ શકાય કે ઉત્તરોત્તર સંખ્યામાં ઘટાડો થતો ગયો છે, કારણ કે ઉત્તરોત્તર વિમાનો અદ્યતન પણ થતાં ગયાં છે. 
MI17 વિમાન તો એકદમ અદ્યતન હતું. કહેવાતું હતું કે એના ઉડાનમાં અકસ્માત થવાની કોઈ સંભાવના નહોતી અને એ નાઇટ વિઝન ટેક્નૉલૉજી ધરાવતું હતું. મોસમ, રણ, દરિયો, તોફાન કે કોઈ પણ આપત્તિ સામે સક્ષમ માનવામાં આવતું. બધી માન્યતાઓનો છેદ કેમ ઊડી ગયો? દરેક વખતે તપાસપંચ નિમાય છે, લાંબા સમય પછી અહેવાલ આવે છે અને છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ રહે છે, (સમજી ગયાને). આ વખતે આવું ન થાય એવી આશા રાખીએ. 

 દેશની અંદરના અને બહારના દુશ્મનો આપણા દેશના જવાનોની નૈતિકતાને ખંડિત કરવા માગે છે, જવાનોના જુસ્સાને ઓગાળવા માગે છે, આત્મવિશ્વાસને ઘટાડવા માગે છે. 

સમાપન : 
‘દરો દીવાર પે હસરત સે નઝર કરતે હૈં 
ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈં...’
ભગત સિંહ આવા શબ્દો બોલીને ફાંસીને માંચડે લટકીને શહીદ થયા ત્યારે દેશ ગર્વથી ઝૂમી ઊઠ્યો હતો. 
એક જવાન ઘરેથી રણસંગ્રામમાં જવા એમ કહીને નીકળ્યો કે ‘અગર હમ વાપસ ન આયે તો  કહ દેના લોગોં સે કિ હમને અપના આજ ઉનકે લિએ કુરબાન કર દિયા હૈ!’ આ સાંભળી આપણી છાતી ગજગજ ફૂલી હતી.
લડતાં-લડતાં શહીદ થનારા જવાનોને આપણે સો સો સલામ કરીએ છીએ. 
પણ આમ કોઈ પણ કારણ વિના ફુગ્ગાની જેમ ફૂટી ગયેલા જનરલ રાવત માટે શું કહીશું? 
‘મૈં રહૂં યા ના રહૂં પર યે વાદા હંમેશાં તુમસે કિ મેરે બાદ વતન પર મરનેવાલે લોગોં કા  સૈલાબ આયેગા.’

columnists Pravin Solanki