ગિરતે હુએ પત્તે સબસે બડા ઉદાહરણ હૈ કિ બોઝ બન જાઓગે તો આપકો અપને ભી ગિરા દેંગે!

15 June, 2022 08:46 PM IST  |  Mumbai | Pravin Solanki

થોડી વારે બહારથી આવેલા એક મુસાફરે પૂછ્યું, ‘ભાઈ, તું આ જ ગામનો છે?’ ‘હા, કેમ?’ ‘હું બીજે ગામથી આવું છું, મારે થોડા દિવસ આ ગામમાં રહેવું છે, તો મને કહે કે આ ગામના લોકો કેવા છે?’

ગિરતે હુએ પત્તે સબસે બડા ઉદાહરણ હૈ કિ બોઝ બન જાઓગે તો આપકો અપને ભી ગિરા દેંગે!

દૃષ્ટાંતો એટલે ગાગરમાં સાગર. પાંચસો પાનાં પણ લખીને ન કહી શકાય કે ન સમજાવી 
શકાય એવી વાતો પાંચ પાનાંમાં સમજાવવાની કળા. દૃષ્ટાંતો જીવનના મર્મને ટૂંકામાં ટૂંકી રીતે સમજાવે છે.. 
એક માણસ ચાલતી બસમાં કૂદકો મારીને ચડી ગયો. ચડ્યા પછી કન્ડક્ટરને પૂછ્યું ‘આ બસ ક્યાં જાય છે?’ આપણે જીવનમાં પણ આવું નથી કરતા? 
એક વૃદ્ધ મોચી ગામને સીમાડે એક વૃક્ષની છાયામાં ગૂણપાટ નાખીને બેઠો-બેઠો પોતાનો ધંધો કરતો હતો. થોડી વારે બહારથી આવેલા એક મુસાફરે પૂછ્યું, ‘ભાઈ, તું આ જ ગામનો છે?’ ‘હા, કેમ?’ ‘હું બીજે ગામથી આવું છું, મારે થોડા દિવસ આ ગામમાં રહેવું છે, તો મને કહે કે આ ગામના લોકો કેવા છે?’ ‘તમે જે ગામથી આવો છો એ ગામના લોકો કેવા હતા?’ મોચીએ પૂછ્યું. 
‘બહુ ખરાબ, નપાવટ, સ્વાર્થી, લાલચુ, હરામખોર હતા.’
‘તો ભાઈ, આ ગામના લોકો એનાથી પણ વધુ ખરાબ છે. જા ભાઈ જા, તારું આ ગામમાં કામ નથી.’ પેલો ચાલ્યો ગયો. 
 થોડી વાર પછી એક બીજો આગંતુક આવે છે. મોચીને આ જ સવાલ પૂછે છે, ‘ભાઈ હું વખાનો માર્યો આ ગામમાં રહેવા માગું છું. આ ગામના લોકો કેવા છે?’ મોચીએ તરત જ પૂછ્યું, ‘તમે જે ગામથી આવો છે એ ગામના લોકો કેવા હતા?’ આગંતુકે કહ્યું, ‘બહુ સારા, ભલા-ભોળા, નિખાલસ હતા.’
‘તો આ ગામના લોકો એનાથી પણ વધારે ભલા, ભોળા, સાલસ, નિખાલસ માણસો છે. તમે અહીં નિરાંતે રહી શકો છો.’
બાજુમાં ઊભેલી એક વ્યક્તિ આ બધું સાંભળતી હતી. તેને આશ્ચર્ય થયું. પૂછ્યું, ‘ભાઈ, તેં બન્નેને જુદા-જુદા જવાબ કેમ આપ્યા?’ 
 મોચીએ કહ્યું, ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ. પહેલો માણસ પોતે જ ખરાબ હતો એટલે તેને બીજા પણ ખરાબ જ લાગતા હતા, જ્યારે બીજો સારો હતો એટલે તેને બધા સારા લાગતા હતા. સારા માણસો ગામમાં આવે તો સારું જ છેને?’ 
એક માણસ એક ઓળખીતા સજ્જન પાસે આવ્યો, ‘સાહેબ મારી પાસે કોઈ કામ નથી, મારા લાયક કોઈ કામ આપોને.’
 ‘તમારા લાયક એટલે?’ પેલાએ કહ્યું, ‘જેમાં થાક ન લાગે, કંટાળો ન આવે એવું.’ સજ્જને શાંતિથી કહ્યું, ‘ભલા માણસ, થાક કોઈ દિવસ કામનો લાગતો જ નથી, આરામનો લાગે છે. જે માણસને કામમાં કંટાળો આવે છે એ માણસ જેવો બીજો કોઈ નકામો માણસ નથી. તને મારે ત્યાં તો શું ક્યાંય કામ નહીં મળે.’
એક કરોડપતિ માણસની ધરપકડ થઈ. કોઈકે પૂછ્યું, ‘આવા કરોડપતિ માણસની ધરપકડ શું કામ થઈ?’ જવાબ મળ્યો, ‘ચોરી કરવા માટે.’ પૂછનારને આશ્ચર્ય થયું? ‘ચોરી?’ ‘હા, ચોરી! ધંધામાં ઘાલમેલ કરી.’ ‘પણ શું કામ, તે તો કરોડપતિ છે.’ ‘તેને અબજોપતિ થવું હતું એટલે તેણે દુઃખ વેચાતું લેવાની ચેષ્ટા કરી.’
લોભ-લાલચને કારણે માણસ પોતે દુઃખના દસ્તાવેજો પર જાતે જ સહી કરી દેતો હોય છે.
એક બાળક ચીસ પાડી-પાડીને રડવા માંડ્યું. ઘરના બધા દોડી આવ્યા. બાળકે રડતાં-રડતાં બધાને કહ્યું, ‘તમે બધા ક્યાં હતા?’ ‘અમે બધા પોતપોતાના કામમાં હતા. તારી પાસે, સામે આટલાં બધાં રમકડાં પડ્યાં છે તો તું રમતો કેમ નથી?’ 
‘રમકડાં તો છે, પણ સાથે કોઈ રમવાવાળું ક્યાં છે?’ બહુ સૂચક રૂપક છે. રમકડાં તો ઘણાં બધાં પાસે હોય છે, પણ કોઈ રમવાવાળું નથી હોતું.
 એક મહિલા ઘરની બહાર આવી અને તેણે જોયું કે સામે ત્રણ સફેદ વસ્ત્રધારી સાધુ ઊભા હતા. મહિલાએ પૂછ્યું, ‘આપ કોણ છો? શું જોઈએ છે તમારે?’ ‘અમે સાધુ છીએ. અમારે ભોજન જોઈએ.’ મહિલાએ કહ્યું, ‘ભલે, આપ ઘરમાં પધારો.’ વચલા સાધુએ પૂછ્યું, ‘ઘરમાં કોણ કોણ છે?’ મહિલાએ કહ્યું, ‘ઘરમાં હું ને મારા પતિ બે જ છીએ, પણ પતિ કામસર બહાર ગયા છે.’
ત્રણેય સાધુ એકબીજાને જોવા લાગ્યા, પછી એકે કહ્યું, ‘હે પુત્રી, અમે ઘરની અંદર નહીં આવીએ, જ્યારે તારો પતિ ઘરે આવે પછી બોલાવજે, અમે ઝાડ નીચે બેઠા છીએ.’ 
થોડી વાર પછી મહિલાનો પતિ ઘરે આવ્યો. મહિલાએ સાધુવાળી વાત કહી. પતિએ કહ્યું, ‘મને કોઈ વાંધો નથી, બોલાવ તેમને ઘરમાં.’
મહિલાએ સાધુ પાસે જઈને કહ્યું, ‘મહાત્માઓ, મારા પતિ આવી ગયા છે. હવે આપ પધારો.’ એક સાધુએ જવાબ આપ્યો, ‘અમે ત્રણેય કોઈ ઘરે એકસાથે નથી જતા. બેટા, મારી ડાબી બાજુ જે સાધુ ઊભા છે તેનું નામ સફળતા છે, જમણી બાજુ જે છે તેનું નામ ધન છે અને મારું નામ પ્રેમ છે. પતિ પાસે જા અને વિચારવિમર્શ કરી પછી મને જવાબ આપ કે અમારા ત્રણમાંથી કોણ આવે?’ 
પત્નીએ અંદર જઈને પતિને બધી વાત કરી. પતિ તો રાજીનો રેડ થઈ ગયો. તેને થયું કે કદાચ આ કુદરતી સંકેત હશે ધનવાન થવાનો. તેણે પત્નીને કહ્યું, ‘જા ‘ધન’ નામના સાધુને અંદર બોલાવી લાવ.’ 
પત્નીએ દલીલ કરી, ‘ધન’ શું કામ? આપણે સફળતાને બોલાવીએ તો? પતિએ કહ્યું, ‘સફળતા માટે મહેનત કરવી પડશે, ધન જો એમ ને એમ આવતું હોય તો વાંધો શું છે?’ 
લાંબી ચર્ચા બાદ મહિલા સાધુઓ પાસે આવીને બોલી, ‘અમે બન્નેએ નક્કી કર્યું છે કે ધન અથવા સફળતા બન્નેમાંથી કોઈ પણ એક આવી શકો છો.’
 મહિલાની વાણી સાંભળીને ત્રણેય સાધુ ચાલવા માંડ્યા. મહિલાએ રોકતાં પૂછ્યું, ‘કેમ શું થયું?’ પ્રેમે કહ્યું, ‘દીકરી, અમે જ્યાં-જ્યાં જઈએ છીએ ત્યાં આ જ જવાબ મળે છે. મને તો કોઈ બોલાવતું જ નથી. ધને કહ્યું, ‘જે પ્રેમને બોલાવશે તેના ઘરે હું અને સફળતા એક પછી એક આવીશું.’
અને ત્રણેય અદૃશ્ય થઈ ગયા. 

columnists Pravin Solanki