અચ્છા હૈ ચાંદ તૂ ટંગા હૈ આસમાન મેં ઝમીં પર હોતા તો વિવાદોં સે ઘિરા હોતા ઈદ ઔર કરવાચૌથ મેં કિસકા હૈ તૂ ચલ રહા..

26 April, 2023 06:32 PM IST  |  Mumbai | Pravin Solanki

અદાલતમાં સોપો પડી ગયો. ત્યાં એક ડૂસકું સંભળાયું. દિનુ રડતો હતો. મા દોડીને તેને વળગી પડી, ‘રડ નહીં બેટા, મને ખબર નહીં કે મેં તારી ઔકાત કરતાં વધારે માગી લીધું છે. મને માફ કર.’

પ્રતીકાત્મક તસવીર

આ એક એવા મુકદ્દમાની વાત છે જે આજના જમાનામાં સર્વસામાન્ય બનાવ ગણાય, પણ એક જમાનામાં એ ઘટના ગણાતી. બનાવ હતો માએ દીકરા પર કરેલો મુકદ્દમો. સગા દીકરાને મા અદાલતમાં ઢસડી ગઈ એ બનાવ ચકચાર જગાવી ગયો, ચર્ચાનો વિષય બની ગયો. 

અદાલતમાં હકડેઠઠ ભીડ જામી હતી. લોકો અંદરોઅંદર ગુસપુસ કરતા હતા કે દિનકર દેસાઈ જેવા શહેરના નામી વેપારી સામે તેની માને શું વાંધો પડ્યો હશે કે છેક અદાલત સુધી વાત લઈ ગઈ. લોકો જાતજાતના તર્કવિતર્ક કરવા લાગ્યા. દયાબહેનને કઈ વાતની કમી હતી? પૈસા હતા, પ્રતિષ્ઠા હતી, દરેક જાતની સગવડ-સાહ્યબી હતી, તો પછી દીકરાને અદાલતનો દરવાજો દેખાડવાનું કારણ શું હશે? 

આખરે ન્યાયાધીશ ખંડમાં પધાર્યા. સન્નાટો છવાઈ ગયો. લોકોની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી. ન્યાયાધીશે થોડીક ક્ષણો પોતાની પાસે આવેલાં પેપર્સ પર નજર નાખી, ત્યાર બાદ એક પછી એક બન્ને પક્ષના વકીલોની દલીલો શાંતિથી સાંભળી. બન્ને પક્ષના વકીલો જે રીતે દલીલો કરતા હતા એના પરથી લોકોને સમજાયું નહીં કે મૂળ કેસ શેનો છે? અચાનક ન્યાયાધીશે દયાબહેનને સાક્ષીના પીંજરામાં બોલાવ્યાં. 

દયાબહેનનું વ્યક્તિત્વ જાજરમાન હતું. ૭૦ વર્ષની વય છતાં તેમની ચાલ ટટ્ટાર હતી, મુખ પર તેજ, આંખમાં ભેજ હતો, પણ એને છુપાવવાની કળા તેમનામાં હતી. વાળની સફેદી તેમના વ્યક્તિત્વને ઑર નિખારતી હતી. જજસાહેબે સવાલ કર્યો, ‘મિસિસ દેસાઈ, મને ખુલ્લા દિલે જણાવશો કે દીકરા સામે આપને વાંધો શું છે? મારપીટ કરે છે? ખાવા-પીવા નથી આપતો? પૈસા નથી આપતો?’ 

જવાબમાં દયાબહેન ફિક્કું હસતાં બોલ્યાં, ‘માનનીય જજસાહેબ, એક મા માટે ખાવું-પીવું અને સુખ-સાહ્યબી જ જરૂરી છે? એનાથી વધારે દીકરાની કોઈ ફરજ નથી?’ 

 ‘આખરે તમે ઇચ્છો છો શું તમારા દીકરા પાસેથી?’ જજે પૂછ્યું.
 ‘એ મારે કહેવું પડે એવી પરિસ્થિતિ જ મારે માટે દુઃખદાયક છે.’
‘આમ મભમ ન બોલો, મોકળા મને વાત કરો.’ 
 ‘માગવાથી જે મળે એ બધું મારો દીકરો મને આપે છે. મારે જોઈએ છે જે વણમાગ્યું મળે.’ 

‘દાખલા તરીકે?’’ 
‘મારા અસ્તિત્વનો સ્વીકાર...’ 
‘એટલે? જરા વિસ્તારથી સમજાવો.’

 ‘નામદાર, મારા પતિના અવસાન પછી મેં તેને એકલા હાથે ઉછેર્યો, ભણાવ્યો. અનેક મુસીબતો, આફતો, વિટંબણાઓ સહન કરી તેને મોટો કર્યો. એ બધાં કરજની મારે કિંમત જોઈએ છે.’ અદાલતમાં ગણગણાટ શરૂ થઈ ગયો, ‘આ તે કેવી મા? દીકરાના ઉછેરની કિંમત માગે છે.’ 

દીકરા દિનકરનો ગુસ્સો આસમાને ગયો, તે તાડુક્યો, ‘કિંમત જોઈતી હતી તો ઘરમાં જ કહેવું હતુંને. અદાલતમાં ધજાગરો કરવાની શી જરૂર હતી? બોલ, કેટલાનો ચેક ફાડું?’
જજે તેને વચ્ચે બોલતો અટકાવ્યો. માએ આગળ શરૂ કર્યું. 

‘નામદાર, દીકરાને જન્મ આપતી વેળાએ મને અનેક શારીરિક મુશ્કેલીઓ નડી હતી છતાં મેં મન મક્કમ રાખીને તેને જન્મ આપ્યો, પણ મારા કમનસીબે તેનો બુદ્ધિઆંક ઓછો નીકળ્યો. તે ઓછું સમજતો, ઓછું બોલતો. ચાર વર્ષનો થયો ત્યાં સુધી પથારીમાં જ પેશાબ કરતો. અજાણ્યા માણસો સામે ભડકતો. મારા પતિ આથી ખૂબ ચિડાતા. હું તેમને ધીરજ રાખવા સમજાવતી. પતિની સામે બહુ ઓછું આવવા દેતી. પડકાર ઝીલીને મેં દિનુને સારો કરવા બીડું ઝડપ્યું હતું. રાત-દિવસ મેં તેની સાર-સંભાળ રાખી, દોરા-ધાગા કર્યા, પતિથી છાની તેની ટ્રીટમેન્ટ કરીને માંડ ગાડું ઠેકાણે આવ્યું ત્યાં મારા પતિનું અવસાન થયું.’ 

એટલું બોલતાં-બોલતાં દયાબહેનને શ્વાસ ચડી ગયો. તેમણે પાણી પીને ફરીથી શરૂ કર્યું, ‘ધંધામાં ભાગીદારે દગો કર્યો. ધંધો ઠપ થઈ ગયો, પણ હું હિંમત ન હારી. મારી પાસે જે જર-ઝવેરાત હતું એ વેચીને દિનુની સારવાર ચાલુ રાખી. આખરે ઈશ્વરે મારી સામે જોયું, દિનુ ગ્રૅજ્યુએટ થયો, મેં ધંધામાં લગાડ્યો, હું પણ તેની સાથે જવા માંડી. અમને અમારું પાંદડું ફરતું દેખાવા લાગ્યું. દિનુએ પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કર્યાં ને હું મારા સુખના દિવસો પાછા આવ્યાનાં સપનાં જોવા લાગી. પૌત્ર-પૌત્રીને ખોળામાં રમાડવાની, લાડ લડાવવાની મારી ઇચ્છા પૂરી થવા માંડી...’ 

અદાલતમાં ઊમટેલા લોકોની સહાનુભૂતિ માતા તરફ વળી ગઈ. બધા માની હિંમત અને મહેનતની સરાહના કરવા લાગ્યા. ત્યાં માનું ડૂસકું સંભળાયું, ‘પણ નામદાર, અચાનક મારાં સપનાંની ઇમારત કકડભૂસ થઈ ગઈ. મારી પુત્રવધૂને હું આંખમાં કણાની માફક ખૂંચવા લાગી. મારી વિરુદ્ધ કાન ઉશ્કેરીને મને આઉટહાઉસની એક ખોલીમાં ધકેલી દીધી. ચા-પાણી, જમવાનું બધું નોકર દ્વારા મોકલવામાં આવતું. અઠવાડિયા-દસ દિવસે દીકરો બહાર ઊભો-ઊભો જ મારા ખબરઅંતર પૂછી લેતો. બસ એટલો જ વ્યવહાર રાખ્યો છે તેણે.

જજે કહ્યું, ‘કાયદામાં આવા ગુનાની કોઈ સજા છે કે નહીં એનો મારે અભ્યાસ કરવો પડશે.’ 

માએ તરત જવાબ આપ્યો, ‘નામદાર, દીકરાને સજા કરવા માટે મેં આ મુકદ્દમો કર્યો જ નથી. મારી એક જ માગણી તે પૂરી કરે એવી મારી ઇચ્છા છે.’

 ‘કઈ?’ 

માએ આંસુ ભરી આંખે કહ્યું, ‘રોજ સવારે ચા-નાસ્તો આપવા નોકરને બદલે મારો દીકરો આવે. મારી સાથે ચા-નાસ્તો કરે, જેથી હું મારા દીકરાને ધારી-ધારીને જોઈ શકું, તેના માથે હાથ ફેરવી શકું. તેને ખબર પડે કે હું જીવતી છું કે નહીં...’

અદાલતમાં સોપો પડી ગયો. ત્યાં એક ડૂસકું સંભળાયું. દિનુ રડતો હતો. મા દોડીને તેને વળગી પડી, ‘રડ નહીં બેટા, મને ખબર નહીં કે મેં તારી ઔકાત કરતાં વધારે માગી લીધું છે. મને માફ કર.’

દિનુ માને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. માનો હાથ પકડીને પોતાને ઘરે લઈ જવા ન્યાયાધીશને વિનંતી કરી. સમાધાન થઈ ગયું. ન્યાયાધીશને ચુકાદો આપવાનો મોકો જ ન મળ્યો. બધાની આંખ ભીની થઈ ગઈ હતી, ન્યાયાધીશ સહિત. તેમને પણ તેમની માને મળવાની ઉતાવળ હતી. ૬ મહિનાથી તેમણે પણ માનું મોઢું નહોતું જોયું. 
માની મમતા વિશેની બે વાત મેં ક્યાંક વાંચી કે સાંભળી હતી જે મને ખૂબ સ્પર્શી ગયેલી. એની એક વાત આજે અને બીજી આવતા સપ્તાહે. 

સમાપન
 
રાત સે કહ દો કી ઝરા ધીરે સે ગુઝરે 

 કાફી મિન્નતોં કે બાદ આજ દર્દ સો રહા હૈ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Pravin Solanki columnists