નકાબ સે સિર્ફ ચેહરા છિપ જાતા હૈ, કલંક ઔર કરતૂતેં નહીં

10 May, 2023 05:04 PM IST  |  Mumbai | Pravin Solanki

એક વખત સરકારી અમલદારોએ બે સ્ત્રીઓએ પહેરેલાં ઉપરનાં વસ્ત્રો ચીરી નાખ્યાં અને ઝાડ સાથે બાંધીને એનું સરેઆમ પ્રદર્શન કર્યું. આ બનાવના બહુ મોટા પ્રમાણમાં પ્રત્યાઘાત પડ્યા. દલિતો વીફર્યા અને ઉચ્ચ વર્ગના લોકોનાં ઘર-બાર સળગાવવા માંડ્યા.

પ્રતીકાત્મક તસવીર

હું, તમે કે કોઈ પણ જે વાત માનવા તૈયાર જ ન થઈએ એવી વાત આજે મારે કરવી છે. વાત ભારતીય સંસ્કૃતિના ગૌરવને હણનારી છે. વાત આપણું માથું શરમથી ઝૂકી જાય એવી છે. વાત આપણું લોહી ઊકળી આવે, આપણી નસનસમાં ખુન્નસ ઊભરાઈ આવે એવી છે. 

કોઈને પ્રશ્ન થશે કે આવી બેશરમ, નિંદનીય વાત જે જાણતા ન હોય તેને શું કામ જણાવવી જોઈએ. પ્રશ્ન અસ્થાને નથી, પણ એક પછાત ગણાતી સ્ત્રીના બલિદાનને, તેની કુરબાનીને, તેણે કરેલી મહાક્રાન્તિને અન્યાય તો ન જ થવો જોઈએ. વળી આપણી નબળાઈ, આપણી કલંકકથા, આપણી ભૂલોને ઢાંકી રાખીને આપણી સંસ્કૃતિના ગૌરવનાં નગારાં વગાડ્યા કરીએ એમાં પણ ઔચિત્ય કેટલું? આપણા ભવ્ય ભૂતકાળની ગાથા ગાવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી ભૂતકાળની ભૂલો જાણવાની પણ છે, સ્વીકારવાની અને ભૂલો સુધારવાની પણ છે. 

 આખરે વાત શું છે? લખતાં કલમ ધ્રૂજે છે, યોગ્ય શબ્દો જડતા નથી. ક્ષમા-યાચના. ધારો કે આપણી મા, બહેન, પત્ની કે પ્રિયતમાના ઉરુ ભાગ-સ્તનને કોઈ છડેચોક સ્પર્શ કરી એનું માપ કાઢે અને એની સાઇઝનો અંદાજ લગાવીને એના પર ટૅક્સ ભરવાની રકમ નક્કી કરે તો આપણને કેવું લાગે? જોકે આવું ધારવાનું કહેવું એ પણ અસંસ્કારી, હીણું છે. પણ લાચારી છે અને જરૂરી છે. 
આ માત્ર ધારવાની વાત નથી, ઇતિહાસની એક હકીકત છે. ભારતીય પરંપરા મુજબ સ્ત્રી એ શક્તિસ્વરૂપ છે, દેવી છે, દુર્ગા છે. નારીને નારાયણી ગણવામાં આવી છે, પણ ૧૮મી સદીમાં ભારતના ત્રાવણકોર એટલે કે હાલમાં કેરલા રાજ્યમાં રાજા માર્તનંદ વર્માને આ માન્ય નહોતું, તેણે રાજ્યમાં ફરમાન કાઢ્યું કે પછાત જાતિની સ્ત્રીઓએ કમરની ઉપરનો ભાગ ખુલ્લો રાખવો, કોઈ પણ સંજોગમાં ઢાંકવો નહીં, જાહેરમાં તો નહીં જ અને તેનાં સ્તનના માપ પ્રમાણે ટૅક્સ-કર ભરવો પડશે. રાજાના આ ફરમાનમાં ઉચ્ચ જાતિ-જ્ઞાતિનો સહકાર પણ હતો. આ ટૅક્સને ‘મુલ્લા કરમ’ તરીકે ઓળખવામાં આવ્યો હતો. 

એ સમયે ત્રાવણકોરમાં બે પછાત જાતિઓનું પ્રમાણ વધુ હતું, એક યજ્વા અને બીજી નાડર જાતિ. 

સાલ ૧૮૧૩માં પહેલી વાર આ ફરમાનનો વિરોધ યજ્વા જાતિની મહિલા નંગેલીએ કર્યો. તે કેરલાના ચેરથલાની રહેવાસી હતી. રાજાના ફરમાનને છડેચોક તેણે નકાર્યું અને પૂરતાં કપડાં પહેરી તે જાહેરમાં ફરવા લાગી. વાત છેક રાજાના કાન સુધી પહોંચી અને રાજા ભુરાયો થયો. 

એક દિવસ નંગેલીની ઝૂંપડીએ અધિકારીઓનું ટોળું પહોંચી ગયું. તેનાં ઉપરનાં વસ્ત્રો ચીરી નાખવામાં આવ્યાં. તેના ઉરુ ભાગનું માપ લેવામાં આવ્યું અને એ પ્રમાણે ટૅક્સની રકમ માગી. નંગેલીએ ધ્રૂજતા શરીરે આ બધું સહન કરી લીધું ને પછી માગેલી રકમ લેવાના બહાને તે ઝૂંપડીની અંદર ગઈ. ઘણી વાર થઈ છતાં નંગેલી આવી નહીં એટલે અધિકારીઓને ધ્રાસ્કો પડ્યો. એ લોકો અંદર તપાસ કરવા ગયા ત્યાં તો નંગેલી દેખાઈ, દૃશ્ય જોઈને અધિકારીઓ હેબતાઈ ગયા.

 નંગેલીની છાતી લોહીલુહાણ હતી. કેળના મોટા પાન પર પોતાનાં બંને સ્તન કાપીને રાખ્યાં હતાં. અધિકારીઓની સામે ધરીને બોલી, ‘જ્યાં સ્તન જ રહ્યાં નથી ત્યાં ટૅક્સ કેવો ને વાત કેવી?’ બોલતાં-બોલતાં તેને ચક્કર આવ્યાં અને તે જમીન પર ઢળી પડી. થોડી જ વારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેનો પતિ આ દુઃખ સહન ન કરી શક્યો. નંગેલીની ભડભડતી ચિતામાં તે પણ કૂદી પડ્યો. ભારતના ઇતિહાસમાં આ પહેલો પુરુષ હતો જે પત્નીની પાછળ (સતી) સતો થયો હોય. 

આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. યજ્વા જાતિએ પ્રચંડ વિરોધ કર્યો. બીજી પછાત જાતિઓ પણ એમાં જોડાઈ. પાંચ-પાંચ વર્ષ સુધી વિરોધનો વંટોળ ચાલ્યો, પણ રાજાના પેટનું પાણી હલ્યું નહીં. એ દરમ્યાન ૧૮૨૦માં એક બ્રિટિશ અફસરે તોડ કાઢ્યો કે પછાત જાતિની સ્ત્રીઓએ આ પરિસ્થિતિમાંથી છૂટવું હોય તો ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવો જોઈએ, કેમ કે આ કાયદો ફક્ત હિન્દુ ધર્મની પછાત સ્ત્રીઓ માટે છે. 

 આ પ્રસ્તાવનો ઊંચી જાતિના લોકોએ ખૂબ વિરોધ કર્યો અને પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો. પ્રસ્તાવ તો પાછો ખેંચાયો, પણ પછાત જાતિની મહિલાઓને આ ઉપાય ગમી ગયો. એ લોકોમાં મોટા પ્રમાણમાં ધર્માંતર થવા લાગ્યું. સ્થિતિ એવી બની કે ઘરના દાઝ્‍યા વનમાં ગયા તો વનમાં લાગી આગ, ધર્મપરિવર્તન કરનાર મહિલાઓ પર મોટા પ્રમાણમાં બળાત્કાર અને અત્યાચાર થવા લાગ્યા.

એક વખત સરકારી અમલદારોએ બે સ્ત્રીઓએ પહેરેલાં ઉપરનાં વસ્ત્રો ચીરી નાખ્યાં અને ઝાડ સાથે બાંધીને એનું સરેઆમ પ્રદર્શન કર્યું. આ બનાવના બહુ મોટા પ્રમાણમાં પ્રત્યાઘાત પડ્યા. દલિતો વીફર્યા અને ઉચ્ચ વર્ગના લોકોનાં ઘર-બાર સળગાવવા માંડ્યા. ખૂનખરાબા સુધી વાત પહોંચી ગઈ. નંગેલીનું લોહી રંગ લાવ્યું, ક્રાન્તિની શરૂઆત થઈ ગઈ. આ ક્રાન્તિ ઇતિહાસમાં ચન્નાર ક્રાન્તિ તરીકે ઓળખાઈ. 

ચન્નાર ક્રાન્તિના પરિણામસ્વરૂપે મદ્રાસના ગવર્નરે ત્રાવણકોરના રાજાને આ કાયદો પાછો ખેંચી લેવાની ફરજ પાડી. ૧૮૮૯માં આ કાયદો હળવો થયો અને ૧૯૧૫-’૧૬માં સંપૂર્ણપણે નાબૂદ થયો. 

૨૦૧૬માં લખાયેલા ત્રાવણકોરના ઇતિહાસમાંથી ચન્નાર ક્રાન્તિનું પ્રકરણ એટલા માટે કાઢી નાખવામાં આવ્યું કે આ પ્રકરણથી ભારતની સંસ્કૃતિ બદનામ થાય છે.

સમાપન

૧૯૬૬માં આવેલી ફિલ્મ ‘જોહર ઇન કશ્મીર’ના એક ગીતની પંક્તિઓ છે :
 બેગુનાહોં કા લહુ હૈ યે રંગ લાએગા 
 દાગ દામન પે હૈ તો દિલ પે આયેગા 
 આનેવાલા હૈ દિન કયામત કા
 કોઈ ઝાલિમ ન બક્ષા જાએગા!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists Pravin Solanki