ધીરે ચલોગે તો બાર બાર મિલોગે, તેજ ચલોગે તો હરદ્વાર મિલોગે!

26 October, 2022 04:45 PM IST  |  Mumbai | Pravin Solanki

કોઈ પણ સમારંભના સંચાલકે પ્રસંગને અનુરૂપ પાંચ-પચીસ શાયરીઓ મોઢે કરવી જ પડતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

‘માલિક કી ગાડી ડ્રાઇવર કા પસીના, ચલતી હૈ રોડ પર બનકર હસીના.’ 
‘ભૂત, પ્રેમ ઔર માસૂમ બીબી  મન કા વહેમ હૈ, ઐસા કુછ નહીં હોતા.’ ‘મરના હૈ તો મરો વતન કી મિટ્ટી કે લિયે, હસીના ભી દુપટ્ટા ઉતાર દેગી કફન કે લિયે.’ 

સૌથી પ્રથમ તો વાચકો અને ‘મિડ-ડે’ પરિવારને દિવાળી અને નવ વર્ષની હૃદયપૂર્વક શુભકામના. મીઠાઈથી મોઢું મીઠું કરાવવાની શક્યતા ન હોવાથી મુખ પર મલકાટ લઈ આવે એવી વાનગી પીરસું છું. 

 ટ્રક, આપણે દેશી ભાષામાં જેને ખટારો કહીએ છીએ એની પાછળ આ શાયરી વાંચી મુખ મલકી ગયું. ખટારા પાછળ લખાતી શાયરીની એક અનોખી આલમ હોય છે. એમાં શાયરી હોય છે, ઉપદેશ હોય છે, જ્ઞાન અને તત્ત્વજ્ઞાન હોય છે, જીવનદર્શન હોય છે, હાસ્ય અને કરુણ રસ પણ હોય છે. 

શાયરી સાહિત્યનો એક એવો પ્રકાર છે જેણે જનસામાન્યને કવિતામાં રસ લેતા કરવામાં મોટો અને મહત્ત્વનો ફાળો આપ્યો છે. કોઈ પણ સમારંભમાં મોટા ભાગના વક્તાઓ શાયરીના સહારે જ તાળીઓ મેળવતા હોય છે. કોઈ પણ સમારંભના સંચાલકે પ્રસંગને અનુરૂપ પાંચ-પચીસ શાયરીઓ મોઢે કરવી જ પડતી હોય છે. કવિતા ખાસ રસિક માણસોને પ્યારી હોય છે, શાયરી સર્વજન દુલારી છે. શાયરી આપણને માત્ર ખટારા પાછળ જ નહીં, વાળ કાપનાર સલૂનની દીવાલ પર, પાનવાળાના ગલ્લે, મંદિરની ભીંત પર, ટ્રેનના ડબ્બામાં, સ્મશાનની દીવાલ પર, સ્કૂલ-કૉલેજની ભીંત પર, અરે જાહેર શૌચાલયમાં પણ વાંચવા મળશે. 

બે દાયકા પહેલાં ખટારા પાછળ મોટા ભાગે એકસરખી શાયરી કે સુવાક્યો વાંચવા-જોવા મળતાં. દા.ત. : ગંગા તેરા પાની અમૃત, માં કા આશીર્વાદ હૈ, યૂં હી ચલતે રહેંગે, બુરી નઝરવાલે તેરા મુંહ કાલા, આજ ભરકે ચલે કલ ખાલી કરકે ચલે, ઘર કબ આઓગે, આ અબ લૌટ ચલે, દેખો મગર પ્યાર સે, ચલો એક બાર અજનબી બન જાયે, સાજન મેરે ઘર આના. હવે અનેક વિવિધતા જોવા મળે છે જે જાણવા અને માણવા જેવી છે. 

‘વાહન ચલાતે સમય સૌંદર્ય દર્શન ન કરે વરના દેવદર્શન હો સકતે હૈં.’ 
‘હમારી ચલતી હૈ, લોગોં કી જલતી હૈં.’ 
‘શીખ લે ડ્રાઇવર, ફૂટે તેરે કરમખાના મિલેગા કભી કભી, સોના અગલે જનમ.’ 

ડ્રાઇવર-ક્લીનર પર એક આખું પુસ્તક લખી શકાય. ‘કાળી મજૂરી’ શબ્દ તેમના જીવનને બરાબર લાગુ પડે છે. ‘બેઢંગી રફ્તાર જો આગે સે ચલી આતી હૈ’ એવું બેધડક ડ્રાઇવર જ કહી શકે. ન ખાવાનાં ઠેકણાં, ન પીવાનાં કે ન સૂવાનાં. ૨૪ કલાક માથે સાહસ અને જોખમનો ભાર. ‘ટાઢ, તડકો, ખાડા-ટેકરા, નદી-નાળાં ને સહન કરવાં એ તો તેમનો નિત્ય ક્રમ. મન થાય ત્યારે પાણીની પ્યાસ બુઝાવી ન શકાય અને ન ગમે છતાંય પરસેવાને રોકી ન શકાય. ક્યારેક માલિકની ગાળ સહન કરવી પડે, ક્યારેક કુદરતનો કેર. એટલે જ હતાશ થઈને ખટારા પાછળ લખતા હશે... 
‘વક્ત સે પહલે ઔર નસીબ સે ઝ્‍યાદા ઇસ દુનિયા મેં કુછ નહીં મિલતા હૈ.’ 

 તો કોઈ ખટારા પાછળ વાંચવા મળ્યું, 

‘યે દુનિયા બડી ઝાલિમ હૈ, હર રાઝ છુપાના પડતા હૈ, દિલ મેં કિતને ભી ગમ હો, મહફિલ મેં મુસ્કુરાના પડતા હૈ.’ 
આશ્વાસન લેવા કદાચ લખતા હશે, ન કોઈ નઝર બુરી હોતી હૈ  ન કોઈ મુંહ કાલા હોતા હૈ સબ કુછ કરનેવાલા તો ભાઈ  ઉપરવાલા હોતા હૈ.’ 
બીજી કેટલીક રસપ્રદ શાયરી જોઈએ... 
‘અબ ભગવાન બચાયે ઇન તીનોં સે; 
 ડૉક્ટર, પુલિસ ઔર ખૂબસૂરત હસીનાઓં સે.’
‘યહ નીમ કા પેડ ચંદન સે કમ નહીં હમારા રાજસ્થાન લંડન સે કમ નહીં.’ 
‘નીંદ ચુરાની હૈ હોંશ ઉડાને હૈં, ફલાણવાકી બેટી સપનવા મેં આતી હૈ.’ 
‘ટ્રક કા કૅબિન હમે લગતા હૈ સુહાના,  હોતા ઉસ મેં હી હૈ ખાના, પીના ઔર સોના.’ 
‘રોડ પર ચલતી હૈ કાર તો લગતી હોગી હસીના, પર ટ્રક કો મેરે દેખકર આતા હોગા પસીના.’ 
અન્ય ચાલકોને જાણે ચેતવણી આપતા હોય એમ લખે છે, 
‘અભી ગાડી કી કિસતેં બાકી હૈ થોડી સી દૂરી બનાયે રખિયે.’ તો રાહદારીઓને, 
‘જિન્હેં જલ્દી થી વો ચલે ગયે, તુઝે જલદી હૈ તો તૂ ભી જા.’ 
‘તબિયત તેરી અચ્છી હૈ તો કિસ્મત તેરી દાસી હૈ,  કર્મ તેરે અચ્છે હૈં તો ઘર મેં હી મથુરા-કાશી હૈ.’ 
ક્યારેક મોંઘવારી પર કટાક્ષ કરી લે છે... 
‘જરા કમ પી રાની, બહુત મૈંઘા હૈ ઈરાન કા પાની.’ 
દેશદાઝ અને તત્ત્વજ્ઞાન પણ તેઓ ભૂલતા નથી. 

‘માલિક કી ગાડી ડ્રાઇવર કા પસીના, ચલતી હૈ રોડ પર બનકર હસીના.’ 
‘ભૂત, પ્રેમ ઔર માસૂમ બીબી  મન કા વહેમ હૈ, ઐસા કુછ નહીં હોતા.’ 
‘મરના હૈ તો મરો વતન કી મિટ્ટી કે લિયે  હસીના ભી દુપટ્ટા ઉતાર દેગી કફન કે લિયે.’ 
‘જીના હૈ તો ઐસે જિયો કી બાપ કો ભી લગે કી મૈંને એક શેર પાલા હૈ.’ 
‘ઉતાર ચડાવ તો આતે હી રહેંગે બસ જિંદગી કી ગાડી કે ગિયર બદલતે રહેં.’ 
‘સૌ મેં સે નબ્બે બેઈમાન, મેરા ભારત મહાન.’ 

‘જબ બેટી નહીં બચાઓગે તો બહૂ કહાં સે લાઓગે.’ 
‘ઇશ્ક તો કરતા હૈ હર કોઈ, મેહબૂબ પે મરતા હૈ હર કોઈ, 
કભી અપને વતન કો મેહબૂબ બનાકે દેખ.’

સમાપન

હાસ્ય કે વ્યંગ પણ ભૂલ્યા નથી 

‘રામ યુગ મેં દૂધ મિલા, કૃષ્ણ યુગ મેં ઘી 
 ઇસ યુગ મેં દારૂ મિલી, ખૂબ દબાકર પી.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki