જીવન કી ભાગદૌડ મેં ક્યોં વક્ત કે સાથ રંગત ખો જાતી હૈ

15 April, 2019 12:16 PM IST  |  | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

જીવન કી ભાગદૌડ મેં ક્યોં વક્ત કે સાથ રંગત ખો જાતી હૈ

કલ, આજ ઔર કલ! સમયના ત્રણ એકમ. એ પણ મનુષ્યે ઘડેલા. સમય સાપેક્ષ છે. આપણે ત્યાં જ્યારે ‘આજ’ હોય ત્યારે દુનિયાના અન્ય ભાગમાં ગઈ કાલ કે આવતી કાલ પણ હોઈ શકે. માણસના જીવનનું ગણિત ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આવેલી ક્ષણ, વીતેલી ક્ષણ અને આવનારી ક્ષણ. આશ્ચર્ય એ વાતનું છે કે માણસ આવેલી ક્ષણને જીવતો નથી, વીતેલી ક્ષણને ભૂલતો નથી અને આવનારી ક્ષણની ચિંતામાં જીવન માણતો નથી.

ભૂતકાળ એટલે યાદોનું મધુવન. ભૂતકાળ એટલે માણેળી સફળતાનાં સંભારણાં અને નિષ્ફળતાના થયેલા જખ્મોને વાગોળવાનો કાળ, ભૂતકાળ એટલે થયેલી કે કરેલી ભૂલોના સરવાળા-બાદબાકી કરવાનાં લેખાં-જોખાં. આમ જુઓ તો આપણે આવતી કાલનો ભૂતકાળ જ છીએ. વર્તમાનકાળ ક્ષણભંગુર છે. ક્ષણ પછી એ ભૂતકાળ બની જાય છે. વર્તમાન સારો હોય તો ભૂતકાળ ભૂલી જવામાં સાર લાગે અને વર્તમાન ખરાબ હોય તો ભૂતકાળ ભવ્ય લાગે. આ આપણી માનસિકતા છે.

વૃદ્ધજનોની એક ખાસિયત ઊડીને આંખે વળગે એવી હોય છે. તેઓ મોટે ભાગે ભૂતકાળને સુવર્ણકાળ તરીકે ચીતરવામાં મણા નથી રાખતા. વર્તમાનકાળની દરેક વ્યવસ્થા, અવસ્થા અને દશાને ઉતારી પાડતા હોય છે. અમારા જમાનામાં આમ હતું કે અમારા જમાનામાં તેમ હતું એવી રેકૉર્ડ સતત વગાડતા હોય છે. હકીકત એ છે કે દરેક જમાનાને એની પોતાની તાસીર હોય છે. દરેક જમાનામાં એની તાસીર મુજબની વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા હોય છે.

મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો પોતાના અંગત ભૂતકાળ સાથે સામાજિક અને આર્થિક વ્યવસ્થાની વાતો વધારે વાગોળતા હોય છે. સંસ્કાર અને સોંઘવારી તેમનો મુખ્ય મુદ્દો હોય છે. એક ૯૧ વર્ષના સાહિત્ય-સંગીત રસિક નામે પ્રભુદાસભાઈ પાસે ભૂતકાળ માટે જે વાતો મેં સાંભળી હતી એ આજે આ લખતાં-લખતાં અચાનક યાદ આવી ગઈ. તે જ્યારે-જ્યારે ભૂતકાળની વાતો માંડતા ત્યારે શરૂઆત આમ જ કરતાં કે તુમ કહતે હો કાગજ લિખો, મૈં કહતા હૂં નયન દેખો તેમની કેટલીક વાતો આપણે સૌએ અનુભવી હશે. તે કહેતા, ‘ભાઈ, અમારા જમાનાની વાત ન્યારી હતી. ત્યારે માણસ માણસની જેમ જીવતો. આજે તે જાનવર બની ગયો છે. ગધેડાની જેમ ભાર ઊંચકે છે, બિલાડાની જેમ લૂસ-લૂસ ખાય છે. ઘોડાની જેમ દોડાદોડી કરે છે. કાગડાની જેમ એંઠું ખાવાની શરમ નથી રહી. કેટલું ખાવું, ક્યારે ખાવું ને કેમ ખાવું એ વિચારતો જ નથી. બસ, કોનું ખાવું એ જ વિચારતો હોય છે.’

તેમની વાતો ક્રમબદ્ધ ન હોય, જે યાદ આવે એ બોલે; પણ જે બોલે એમાં મજા આવે. આપણા અનુભવનું પણ પ્રતિબિંબ દેખાય. ‘અમે સવારના મોંસૂઝણું થાય એ પહેલાં ઊઠી જતા. હાથમાં લોટો લઈને અડધો ગાઉ ચાલીને નિત્યક્રમ કરતા. અત્યારનું અમારું આ મૉર્નિંગ વૉક. બાવળનું લીલું દાંતણ અને રોટલા ને ગોળનું શિરામણ કરતા. પછી ગામના કૂવે કે નદીએ ના’વા જતા. ક્યારેક કૂવાના ‘કોસ’ના પાણીથી નાહીએ તો ક્યારેક નદીમાં ધુબાકા મારીએ. પાછા વળતાં રસ્તામાં આંબલીનું ઝાડ આવે તો ‘કાતરા’ પાડતા. એના પર મીઠું મરચું ભભરાવી ખાવાની જે લિજ્જત આવતી એની પાસે આજના જલેબી-ગાંઠિયા પાણી ભરે!

અમારા જમાનામાં ૧૩ રૂપિયા તોલો સોનું મળતું. અઢી રૂપિયામાં ચોખ્ખા ઘીનો ડબ્બો! ઘરમાં આખા વર્ષનું અનાજ (દાણાપાણી) ભરી લેવાનો રિવાજ હતો. ઘરની સ્ત્રીઓ માથે ઓઢીને જ વાત કરે. ઘરકામ જાતે જ કરવાનું. માથે બેડું લઈ કૂવે પાણી ભરવા જવાનું ને નદીએ કપડાં ધોવાનાં.

આજે મારા હાળા બધા જ ધર્મનો વેપાર કરે છે. અમારા જમાનામાં વેપારમાં ધર્મ હતો, જબાનની કિંમત હતી, વટનો વેપાર હતો. વચનના પાક્કા હતા. અત્યારે હાïળું અભી બોલા અભી ફોક. ધંધો ઉધારીમાં વધારે થતો, પણ ઉઘરાણીમાં ઓછપ ભાગ્યે જ આવતી. ટાંટિયા તોડીને કે ઘોડા પર ઉઘરાણીએ ગામેગામ જતા ને તેમને ત્યાં જ રોટલા-પાણી કરતા. દેવાદાર લેણદારનું હસીને સ્વાગત કરતા, માલ્યાની જેમ મોઢું ન’તા છુપાવતા.

અમારા જમાનામાં રવિવારનું કોઈ માન નહીં, મહkવ નહીં. દુકાનો દર અમાસે બંધ રહેતી. એમાં એક જ દુકાન ખુલ્લી રાખવાની રજા મળતી. દુકાન ખુલ્લી રાખવાના ‘વારા’ નીકળતા. એટલે આ અમાસે ‘અ’નો વારો તો બીજી અમાસે ‘બ’નો વારો. જેની દુકાનનો વારો હોય તેને મહાજનમાં અમુક રકમ આપવી પડતી.

આ પણ વાંચોઃ મૃત્યનો શોક દેખાડા માટે છે કે હૃદયપૂર્વકનો છે એ જાણવા માટેની કોઈ જ પારાશીશી નથી

લગનનો માહોલ તો કંઈ ઓર જ રહેતો. પાંચ-છ દિવસ પહેલાં લગ્નના ઢોલ વાગવા માંડતા. વંડે કે વાડીએ જમણવાર થતો. વંડો એટલે નાતની ચારે બાજુથી બાંધેલી જગ્યા! જમવાનાં ‘તેડાં’ થતાં. ‘તેડાં’ એટલે ઘરે-ઘરે જઈને જમવા બોલાવવાનું આમંત્રણ. મજાની વાત તો એ થતી કે એકાદ ઘરે તેડું ન થયું હોય-ભુલાઈ ગયું હોય તો એ ઘર રિસાઈ જતું. પછી રિસામણાં-મનામણાં થતાં. જમવા જતાં સાથે વાડકા-લોટો લઈને જતા. જમવાનું પત્રાવલિ-દુનામાં (સૌરાષ્ટ્રમાં કેટલાક ‘દડિયા’ પણ કહે) પિરસાતું. પીરસવામાં ગામના જુવાનિયાઓ રહેતા. સ્ત્રીઓની પંગતમાં પીરસવામાં હુંસાતુંસી થતી. જમણવારમાં તાણ થતી. એટલે અતિશય આગ્રહ થતો. કોઈને આગ્રહ ન કરો તો ખોટું લાગી જતું.

ગામથી શહેરમાં આવ્યો ત્યારે થોડો વખત અડવું-અડવું લાગ્યું. ખુલ્લા આકાશમાં ભમતો જીવ જાણે નાનકડા પીંજરામાં પુરાઈ ગયો. નહીં ફિïળયું ન પરસાળ, ઓરડામાં બાકોરા એવી બારીઓ. નસીબદાર હોય તેને રસ્તા પર પડે. હોટેલમાં જમવા જતાં લોકો શરમાતા. નાછૂટકે જતા. સ્ત્રીઓ તો ભાગ્યે જ જાય. જે સ્ત્રી એકલી હોટેલમાં જાય તેની વાતો-ચર્ચા થતી. પાંચ આનામાં ફિલ્મની ટિકિટ મળતી. મોંઘામાંં મોંઘી ટિકિટ ૧ રૂપિયા પાંચ આનાની. જ્યારે એ ટિકિટમાં ફિલ્મ જોઈ હોય ત્યારે એનું અડધિયું ત્રણ દિવસ સાચવી રાખતા, લોકોને બતાવી ગર્વ અનુભવતા.

એ વખતે મુંબઈમાં ટ્રામ દોડતી. કોલાબાથી માટુંગા સુધી ટ્રામના પાટા હતા. ૧ આનામાં કોલાબાથી માટુંગા સુધી જવાતું. ટૅક્સીના ભાવ ૬ આના હતા. ઘોડાગાડીનું ચલણ બહુ વધારે હતું. નાના છોકરાઓ ઘોડાગાડીની પાછળના શેડમાં (સળિયાનાં) ટિંગાઈને સ્કૂલે કે ફરવા જતા. ‘ગાડીવાલા, પીછે ચાબુક’ની અદેખા છોકરાઓની બૂમ બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ સરકાર ક્યારે કોના પર મહેરબાન કે કોપાયમાન થાય તેનો તાગ ન મેળવી શકાય

સમયનું ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે અને ચાલતું જ રહેશે. આજની વૃદ્ધ વ્યક્તિ તેમનાં યુવાન સંતાનોને જે વાત કરે છે એ જ યુવાનો તેમની વૃદ્ધાવસ્થામાં તેમનાં સંતાનો સાથે શું વાત કરશે એની કલ્પના કરો.‘અમારા જમાનામાં તો ૩૦ હજાર રૂપિયામાં એક તોલો સોનું મળતું. લોકોને એય મોંઘું લાગતું. બે-ત્રણ કરોડ રૂપિયામાં તો વન કે ટૂ બેડરૂમનો ફ્લૅટ આરામથી મળી જતો. તમે માનશો, ૧૦૦ રૂપિયાનો મસાલો ઢોસો મળતો. તમે મસાલો ઢોસો કે વડાપાંઉ જોયા નથી, પણ મારી પાસે ફોટો છે એ હું તમને બતાવીશ. આજે તમે જે શુદ્ધ હવા પાઇપલાઇનમાંથી મેળવો છો એ હવા અમને મફતમાં મળતી. પાણી તો સાવ ફોગટ! અમે બબ્બે બાલદીથી રોજ નાહતા, બાલ્દી ખબર છે? મોટા ટમ્બલર જેવું વાસણ. રસોઈ તો અમે ઘરે જ બનાવતા. સ્ત્રીઓ એવી મર્યાદા જાળવતી કે અર્ધું અંગ તો ઢાંકેલું હોય જ. પુરુષો પણ શર્ટ-પૅન્ટ પહેરતા. એવા ઝબ્બા આવતા કે આખું અંગ ઢંકાઈ જાય. આ બધું શહેરના મ્યુઝિયમમાં જઈને તમે જરૂર જોજો! અમારે ફિલ્મ જોવા જવું હોય તો છેક થિયેટર સુધી જવું પડતું. ફક્ત ૧૫૦થી ૫૦૦ રૂપિયાની ટિકિટ હતી. એ વખતે ‘સેલફોન’નામની એક વસ્તુ હતી જે અમારા દરેકના હાથમાં રહેતી. એ જ રીતે દરેક ઘરમાં ટીવી પણ હતું. આ ટીવી, સેલફોન, પેટ્રોલવાળી કાર, સ્કૂટર, સાઇકલ, લોકલ ટ્રેન બધું જ તમે મ્યુઝિયમમાં ખાસ જોવા જજો. મજા આવશે. ખાસ કરીને ડામરના ખરબચડા રસ્તા, મ્યુનિસિપાલિટીની ગટરો, સ્ટ્રીટમાં ઊભેલા થાંભલાની લાઇટો જોઈને તમારું દિલ તરબતર થઈ જશે. ઓકે? કમૉન, હવે ઊંઘની સ્વિચ દબાવી સૂઈ જાઓ.
ગુડ નાઇટ!’

columnists Pravin Solanki