કૉલમઃસમય ગૂંગા નહીં બસ મૌન હૈ, વક્ત પર બતાતા હૈ કિસકા કૌન હૈ

22 April, 2019 09:50 AM IST  |  | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

કૉલમઃસમય ગૂંગા નહીં બસ મૌન હૈ, વક્ત પર બતાતા હૈ કિસકા કૌન હૈ

Image Courtesy:elpais.com

અતીતને કોઈ અંત નથી હોતો, જરાક યાદ કરો કે તરત જીવંત થઈ જાય છે. દરેક માણસ પાસે એક ખરાબ ભૂતકાળ હોય છે. અને દરેક ખરાબ ભૂતકાળ પછી એક સોનેરી સવાર હોય છે.. શાસ્ત્રોમાં સુખને સહન કરવાનું અને દુ:ખને ભોગવવાનું લખ્યું છે. ભોગવવું એટલે ખમી લેવું એ નહીં, ભોગવવું એટલે માણવું. દુ:ખને આનંદપૂર્વક માણો. એ આવે ત્યારે એને આવકારો, એનું સ્વાગત કરો. વણમાગ્યા મહેમાનની જેમ એને જલદીથી ઘરની બહાર કાઢવાના પ્રયત્નો ન કરો. દિલથી એની આગતા-સ્વાગતા કરી રીઝવશો તો એ પોતે જ ખુશ થઈને, સમજીવિચારીને ચાલ્યું જશે. વળી કહે છે કે

કભી કભી ઠોકરેં ભી અચ્છી હોતી હૈ
રાસ્તે કો રૂકાવટ કા પતા ચલતા હૈ
સંભાલનેવાલે કૌન, કૌન ગિરાનેવાલે હૈ
ધીરે ધીરે ઉસકા ભી પતા ચલતા હૈ

વાત સુફિયાણી લાગે છેને? હજારવાર સાંભળેલી ને વાંચેલી લાગે છેને? પણ ના દોસ્તો, એક ખૂબ સરસ નાનકડી આધ્યાત્મિક વાત છે. એક દુ:ખી માણસે ઈશ્વરને ફરિયાદ કરી કે હે પ્રભુ! હું જેને-જેને અપનાવું છું તે મને છોડીને ચાલ્યા જાય છે અને એથી હું ખૂબ જ દુ:ખી-દુ:ખી થઈ જાઉં છું. પ્રભુ, મને કોઈ રસ્તો બતાવો. ઈશ્વરે કહ્યું, ‘રસ્તો બહુ સરળ છે. તું જેને-જેને અપનાવે છે તે ચાલ્યા જાય છેને? તો પછી તું દુ:ખને પણ અપનાવી લે, એ ચાલ્યું જશે.’

સુફિયાણી લાગે એવી આ સલાહ જીવનમાં ઉતારનાર મેં એકસાથે ૩૦ વ્યક્તિઓને હમણાં, મહિના પહેલાં જોઈ!

એક મહિના પહેલાં હેતલ જોષી અને રાજુલ દીવાન સંચાલિત અલ્ટિમા ઇવેન્ટ દ્વારા એક નોખી-અનોખી સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા ફક્ત મહિલાઓ માટે હતી. જે સ્તરી જીવનમાં સંઘર્ષ કરીને આગળ આવી હોય તેણે તેની આપવીતી એકોક્તિ દ્વારા માત્ર ૧૦ મિનિટમાં અભિનય સાથે રંગમંચ પર રજૂ કરવાની હતી. સંઘર્ષ કંઈક અંશે અસામાન્ય પ્રકારનો હોવો જોઈએ એટલું જ નહીં; એમાં કલ્પનાના અંશો બિલકુલ નહીં, કેવળ સત્ય હોવું જોઈએ એવી શરત હતી. તમે માનશો? મુંબઈની ૩૦ જેટલી મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો. ૩૦ મહિલાઓ! ૧૮ વર્ષથી લઈને ૮૭ વર્ષની મહિલાઓ! એમાંથી ૧૦ મહિલાઓ ‘ફાઇનલ’ રાઉન્ડ માટે પસંદગી પામી. પહેલું ઇનામ નીતા કઢી અને યામિની પટેલને સંયુક્ત ફાળે ગયું. બીજું ઇનામ ડૉ. ભારતી પંડ્યાને અને ત્રીજું ઇનામ ગીતા ત્રિવેદીને ફાળે ગયું. અંતિમ સ્પર્ધાના બાકીનાં છ સ્પર્ધકો હતાં ફાલ્ગુની પારેખ, સ્નેહા શુક્લ, સ્મિતા શાહ, નમ્રતા ત્રિવેદી, ખેવના મહેતા અને શૈલા શાહ. નર્ણિાયકો હતાં પ્રવીણ સોલંકી, હર્ષા જગદીશ, પ્રીતિ શાહ, ઍડ. રાજવી જોશી અને હેમાલી સોલંકી. સ્પર્ધાનું સંચાલન ડૉ. પ્રીતિ જરીવાલાએ કર્યું હતું.

એક ચોખવટ કરી લઉં. માત્ર માહિતી માટે મેં આ લેખ નથી લખ્યો. આ એક આગવો અનુભવ હતો. વ્યવસાયી રંગભૂમિ સાથે ન સંકળાયેલી સામાન્ય ગૃહિણીઓ અને મહિલાઓએ જે અદ્ભુત, હૃદયદ્રાવક, રોમાંચક કથનીઓ અભિનય દ્વારા રજૂ કરી એ ખરેખર કાબિલે તારીફ હતું. પ્રેક્ષકોએ જે ભાવપૂર્વક તેમને વધાવ્યાં એ જોઈ અમે સૌ નર્ણિાયકો મંત્રમુગ્ધ બની ગયાં! દરેક વ્યક્તિમાં એક કલાકાર છુપાયેલો છે એ ઉક્તિ સાર્થક થતી લાગી. આ એક અભિનવ પ્રયોગ હતો. સામાન્ય રીતે આપણા પ્રેક્ષકો નાટકો, ગીત-સંગીત, મિમિક્રી, ડાયરો, હસાયરો જોવા ટેવાયેલા છે. વીજળીના તાર પર બેસવા ટેવાયેલાં પંખીઓને વૃક્ષની ડાળ પર બેસવું ફાવતું નથી એ માન્યતા અહીં ખોટી ઠરી હતી. દરેક પ્રેક્ષક જી હા, દરેકે દરેક પ્રેક્ષકના ચહેરા પર કંઈક નવું જોયાનું-માણ્યાનું સ્મિત હતું. આવા પ્રયોગો દરેક સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓએ પોતાના સભ્યોને બતાવવા જોઈએ એવો સર્વમાન્ય મત રજૂ થયો.

એક બીજી અને ખાસ મહત્વની વાત જે વાતે મને આ લેખ લખવા પ્રેર્યો. આપણે સૌ જીવદયા પ્રેમીઓ છીએ. ગાયને ઘાસ, બિલાડીને દૂધ, કૂતરાને રોટલી ને કબૂતરને ચણ નાખવાની આદત ઘણાને હોય છે. ‘આદત’ શબ્દ ન ગમે તો ‘ધર્મ બજાવવાની ટેવ’ સમજવો. એનાથી પુણ્ય મળે છે કે નહીં એનું પ્રમાણ મારી પાસે કોઈ નથી, પણ આત્મસંતોષ મળ્યાનો આનંદ મારા અનુભવમાં છે.

વાત છે એક ગૃહિણીની. ૫૧ વર્ષની ગૃહિણી. નામ નમ્રતા ત્રિવેદી. મુકામ કાંદિવલી. પહેલી નજરે જોતાં ૩૫ વર્ષની લાગે. જી ના, ડાયટિંગ કે શરીરની માવજતને કારણે નહીં, કુદરતી રીતે પણ નહીં; તેના રોગને કારણે તેનો ગ્રોથ અટકી ગયો છે. ૧૭ વર્ષ પહેલાં તે આ રોગનો ભોગ બની હતી, આજે પણ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી. ભવિષ્યમાં સ્વસ્થ થશે કે નહીં એની કોઈ ખાતરી નથી. છેલ્લાં ૧૭ વર્ષથી તન, મન, ધનથી ખુવાર થયેલી નમ્રતાના ચહેરા પરનું સ્મિત આપણને આર્ય ઉપજાવે. તેની આ અવદશાનું કારણ સ્પર્ધામાં તેણે જે વ્યક્ત કર્યું એ વધારે આર્યજનક હતું. શું હશે કારણ? કોઈ કલ્પના કરી શકો છો? કારણ કબૂતરને ચણ નાખવાના પુણ્યકર્મનું. ધરમ કરતાં ધાડ પડી એ એનું નામ.

આ રોગનું નામ છે પીજન ઇન્ડયુસ્ડ હાઇપરસેન્સિટિવિટી ન્યુમિનાઇટિસ. એના નામ જેવો જ અટપટો રોગ છે. કબૂતરની ચરક અને એમાંથી ઊડતી ફંગસ-રજ આપણાં ફેફસાંમાં જાય અને આ રોગ ભરડો લે. એક પછી એક દરદની લાઇન લાગવા માંડે. કબૂતરના મળ-એની હગારમાં હિસ્ટોપ્લાઝમા નામની ફૂગ હોય છે. વળી પાંખ અને પીંછાંમાં અમુક પ્રકારનાં પ્રોટીન હોય છે. આ બધાં સતત હવામાં ઊડતાં રહે છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને અને દમ-અસ્થમા જેવી બીમારીથી પીડાતા માણસને એ આસાનીથી ભરડામાં લઈ લે છે.

કેટલો ખતરનાક છે આ રોગ એ આપણે જાણીએ. આ રોગથી શરૂઆતમાં સૂકી ખાંસી, શરદી, સતત નાક ગળતું રહે છે. છાતીમાં દુખાવો થાય. ચામડી પર લાલ દાણા જેવું ઊપસી આવે, લિવર ફૂલી જાય, વજન ઘટી જાય, આંખે ઝાંખપ આવે, હૃદયના વાલ્વમાં ખરાબી આવે, ક્યારેક ન્યુમોનિયા પણ થઈ શકે. સૌથી વધુ ખતરનાક વાત તો એ છે કે આ રોગ ક્યારેક વ્યક્તિની કરોડને અને મગજને પણ અસર કરે છે. ક્યારેક દિવસો સુધી ચિત્તભ્રમની અવસ્થા પણ આવે. મેનિન્જાઇટિસ પણ થઈ શકે. ટૂંકમાં ડૉક્ટરોના કહેવા મુજબ ૭૦થી વધુ પ્રકારના રોગો કબૂતરની હગારથી થઈ શકે છે.

ઉપર જણાવેલા તમામ રોગો નમ્પતા ત્રિવેદી ભોગવી ચૂકી છે. સતત ૧૫ વર્ષ સુધી એક વીર યોદ્ધાની જેમ તે લડી છે. હસતે મોઢે લડી છે અને આજે તે ટટ્ટાર ખડી છે. મંચ પર તેણે જ્યારે ધીમા સ્વરે પોતાની દાસ્તાન પુરાવા સહિત રજૂ કરી ત્યારે દરેક પ્રેક્ષક તેણે ગાયેલું ગીત ‘કબૂતર જા જા જા’નું મહત્વવ જાણતો-સમજતો થઈ ગયો!

કબૂતરને શાંતીનું પ્રતીક આપણે માનીએ છીએ.

આ પણ વાંચોઃ  જીવન કી ભાગદૌડ મેં ક્યોં વક્ત કે સાથ રંગત ખો જાતી હૈ

જીવનમાં આપણે ઘણીબધી વાતોને કોઈ પણ આધાર વગર સ્વીકારી લીધી છે-લઈએ છીએ. પરંપરાગત વાતો, રિવાજો જાણ્યા-સમજ્યા વગર અપનાવી લઈએ છીએ. પણ વાસ્તવિકતા જ્યારે સામે આવે ત્યારે એની અવગણના ન જ કરવી જોઈએ. જીવદયા ઉમદા વિચાર છે, પણ આપણા જીવને ભોગે એનો અમલ કરવો એ બેહૂદો અવિચાર છે. કદી ન ભૂલવું જોઈએ કે પહેલું સુખ તે જાતે નર્યા. માટે કબૂતરને શાંતિદૂત તરીકે ભલે સલામ કરો, પણ સરેઆમ એને દાણા નાખવાનું કામ તો ન જ કરો. દૂર રહો કબૂતરથી જો તમારે સ્વાસ્થ્યની સુખાકારી જોઈતી હોય તો.
અને છેલ્લે...

નમ્રતાની કહાણી જાહેર હિતની હતી એટલે વિસ્તારથી કહી, બાકી સ્પર્ધામાં દરેકનો વ્યક્તિગત સંઘર્ષ ખૂબ જ દિલધડક અને હૃદયસ્પર્શી હતો. ૩૦ મહિલાઓના વ્યક્તિગત સંઘર્ષને જાણવાનો-માણવાનો મને મોકો મળ્યો એ મારા જીવનનો એક અમૂલ્ય અવસર-અનુભવ હતો.


પ્રત્યેક માણસના જીવનમાં સંઘર્ષ લખાયેલો જ હોય છે. દેવોને પણ સંઘર્ષ કરવો પડ્યો છે. વર્ણ વ્યવસ્થાની આધુનિક પરિભાષા એ છે કે સંઘર્ષને જે શરણે થઈ જાય છે, એની સામે ઝૂકી જાય છે તે શૂદ્ર છે. સંઘર્ષ સામે જે મક્કમતાથી લડે છે, સંઘર્ષને પડકારે છે તે ક્ષત્રિય છે. સંઘર્ષ સાથે જે સમાધાન કરે-તડજોડ કરી લે તે વૈશ્ય છે અને સંઘર્ષ સાથે જે સંવાદિતા સર્જે તે બ્રાહ્મણ છે.

મૃત્યનો શોક દેખાડા માટે છે કે હૃદયપૂર્વકનો છે એ જાણવા માટેની કોઈ જ પારાશીશી નથીસમાપન 

પૂ. રત્નસુંદરવિજયની પંક્તિઓથી કરીએ

આખા શરીરે જ્યાં બેડીઓ જ જકડાયેલી હોય
ત્યાં બગીચાના હીંચકે ઝૂલવાની વાત ન કરાય,
પહેલી વાત તો એ બેડીઓ તોડવાની જ કરાય
શરીર ઢગલાબંધ રોગોથી જ જ્યારે વ્યાપ્ત હોય
ત્યારે રસગુલ્લાના ટેસની વાત પછી કરાય,
પહેલી વાત તો રોગમુક્ત થવાની જ કરાય
ચારેય બાજુ જ્યાં આગ લબકારા મારતી હોય
ત્યાં ઍર-કન્ડિશનની ચર્ચા પછી કરાય,
પહેલી વાત તો એ આગમાંથી છૂટવાની જ કરાય

columnists Pravin Solanki