કૉલમ: સીક્રેટ શૅર કરવાં કે નહીં?

09 May, 2019 02:06 PM IST  |  મુંબઈ | પ્રતિમા પંડ્યા

કૉલમ: સીક્રેટ શૅર કરવાં કે નહીં?

સીક્રેટ

પ્રતિમા પંડ્યા

અંગત અને ખાનગી વાતોને ખાનગી રાખવામાં શાણપણ છે અને પોતાનાં સીક્રેટ્સ કોઈ સાથે શૅર ન કરવાં એવું ચાણક્ય કહેતા ગયા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના સાઇકોલૉજીના પ્રોફેસર ‘ધ સાઇકોલૉજી ઑફ સીક્રેટ્સ’માં લખે છે કે મોટા ભાગના લોકો પાસે કેટલીક ખાનગી વાતો હોય જ છે અને એ શૅર પણ કરવામાં આવે છે. પોતાની અંગત વાતો અને છૂપા ડર જો વિશ્વસનીય વ્યક્તિ સાથે વહેંચવામાં આવે તો એના અઢળક હેલ્થ બેનિફ્ટિ્સ છે એવું ઘણાબધા અભ્યાસોમાં પ્રૂવ થતું આવ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કે સીક્રેટ ‘શેમ’ અથવા ‘ફિયર’ની લાગણી સાથે સંકળાયેલી બાબત છે અને એનો ભાર ઍડિક્શન, ડિપ્રેશન અને હિંસામાં વધારો કરતો હોય છે. એથી મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા તમામ નિષ્ણાતોએ લોકોને પોતાના મનમાં રહેલી દરેક દ્વિધા અને અંતરંગ વાતો ક્યાંક શૅર કરવાની હિમાયત કરી છે. મેન્ટલ હેલ્થ માટે આ જરૂરી છે. વહેંચવાથી દુ:ખ ઘટે અને સુખ વધે એ વાત તમને ખબર જ છે.

વષોર્ પહેલાં ‘હાફ મિલ્યન સીક્રેટ’ વિષય પર ટેડ ટૉક આપનારા અમેરિકન ભાઈ ફ્રૅન્ક વૉરેને એક કમ્યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત એક ચોંકાવનારું કાર્ય કર્યું. તેમણે પોતાના જાતઅનુભવ પરથી ‘પોસ્ટસીક્રેટ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું અને પોતાનું નામ લખ્યા વિના કે ઓળખ છતી કર્યા વિના તમારા મનમાં જે પણ સીક્રેટ્સ ધરબી રાખ્યાં છે એ અમારી સાથે શૅર કરો એવી અપીલ કરી. દસ લાખ કરતાં વધુ લોકોએ આ ભાઈને પોતાનાં સીક્રેટ લખીને પોસ્ટ કયાર઼્. સીક્રેટ લખેલા પોસ્ટકાર્ડનો પિરામિડ વૉરેનની હાઇટ કરતાં ઊંચો બની ગયો હતો. આવા ઘણા અખતરાઓ વિદેશમાં થયા છે. તમામનો નિચોડ એટલો જ નીકYયો કે લોકોને પોતાની અંગત વાતો શૅર કરવી છે, પરંતુ એ અજાણ્યા સાથે અને પોતાની ઓળખ છતી કર્યા વિના શૅર થાય એનો લોકોને વાંધો નથી. સીક્રેટ શૅર કરવાનું જોખમ ચાણક્યએ આપણને કહી દીધું છે. આજે જેની સાથેના સારા સંબંધોને કારણે આપણે આપણાં સીક્રેટ શૅર કરી રહ્યા છીએ એ ખરેખર કૂવો છે કે દરિયો એનો આપણને અનુભવ નથી. કૂવો હશે તો સહેજ સંબંધ વાંકો પડતાં તે તમારી બધી જ ખાનગી વાતોને જાહેરખબર બનાવીને નીચા જોવાપણું કરી જ શકે છે.

આપણી અંગત વાતો કોને, ક્યારે, કેટલી કહેવી એ આપણે જ નક્કી કરવાનું હોય છે. લોકો તો રસિક બનીને આપણી કથની સાંભળવા અને પછી તેમાં મરચુંમીઠું ભભરાવીને એને બીજા સુધી પહોંચાડવા આતુર જ હોય છે, આ વાત કેટલે અંશે સાચી છે?

સાઇકોલૉજિસ્ટ નિપા સંઘવી આ સંદર્ભે કહે છે, ‘તમે કોઈને તમારી અંગત વાત કે અંગત વ્યથા શૅર કરો તો તમારી બેચેની જરૂર ઓછી થાય. તમે કેવી વ્યક્તિ સાથે વાત શૅર કરો છો એ તમારી એની સાથેની રિલેશનશિપ પર નિર્ભર કરે છે. તેમની સલાહ એક હદ સુધી તમને મદદરૂપ થઈ શકે, પણ એમાંથી નીકળવાના પ્રયત્ન તો તમારે જ કરવા પડે. તમારી આજુબાજુના વર્તુળમાં સલાહ આપી શકે એવી વ્યક્તિ હોય તો એક ઇમોશનલ સિક્યૉરિટી મળે છે. જેને વાત કરી હોય એ યોગ્ય વ્યક્તિ ન હોય અને એ વાત બીજા સુધી ફેલાવે તો વાત કરનાર વ્યક્તિને, કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય એવી લાગણી થાય છે અને ભવિષ્યમાં એ બીજા પર ભરોસો મૂકતાં અચકાય છે. આવી બાબતોને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય એવું સામાન્ય રીતે થતું નથી, પણ યંગસ્ટર્સ જ્યારે રિલેશનશિપમાં હોય અને એકબીજાની વાત ફેલાવે ત્યારે સંબંધો લાંબું ટકતા નથી.

‘વિશ્વાસઘાત થાય ત્યારે વધુ અસર કોને થતી હોય છે, સ્ત્રીને કે પુરુષને?’ એમ પૂછતાં નિપા કહે છે, ‘એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય એનાથી કંઈ ફરક પડતો નથી. આ તો બધાના વ્યક્તિગત સ્વાભાવ પર આધાર રાખે. કોઈ સ્ત્રી વધુ સ્ટ્રૉન્ગ હોય તો તેને આવી વાતની અસર ન થાય અથવા ઓછી થાય અને પુરુષ વધુ સેન્સિટિવ હોય તો તેને વધુ અસર પણ થાય. એટલે આ બધી બાબત વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિની સેન્સિટિવિટી પર આધાર રાખે છે.’

૯૯ ટકા લોકો માટે આપણી વ્યથા મનોરંજનનું સાધન જ બનતી હોય છે : હાર્દિક ભટ્ટ, મ્યુઝિક પ્રોફેશનલ

આજે જ્યારે એકબીજાને પછાડવાની અને પોતાનું જ હિત જોવાની જે દોડ છે એમાં આપણી વ્યથાનું ગીત બીજા પાસે ગાવું કે નહીં એ ચિંતાનો નહીં, પણ ચિંતનનો વિષય છે. આવા સમયે કવિ રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિ યાદ આવી જાય છે... બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રે’વું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા; વેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!’... આજની પરિસ્થિતિમાં લોકોને બળતામાં ઘી હોમવામાં અને પોતાનો રોટલો શેકી લેવામાં જ રસ હોય છે, કારણ આવા લોકોના ચાવવાના અને દેખાડવાના જુદા જુદા દાંત હોય છે. ટેક્નૉલૉજીની દૃષ્ટિએ આપણી પ્રગતિ થઈ છે, પણ માનવતાની દૃષ્ટિએ સમાજની અધોગતિ થઈ છે. આપણી આસપાસ સગાંસંબંધી, પાડોશીઓ વગેરે આપણી દુખતી રગને દાબીને વિકૃત આનંદ માણતા હોય છે. છતાંય એકાદ ટકો એવા પુણ્યાત્મા અને સજ્જન આપણી આસપાસ હોય છે, જેનો આપણને સહવાસ સાંપડે તો તેની પાસે આપણી વ્યથાની વાત થાય, બાકી ૯૯ ટકા લોકો માટે આપણી વ્યથા મનોરંજનનું સાધન જ બનતી હોય છે.

યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની સલાહથી મુશ્કેલી હલ થઈ શકે છે : અલકા આનંદપરા, ટીચર

તમને શું લાગે છે, આપણે બીજા પાસે પેટછૂટી વાત કરવી જોઈએ કે નહી?’ ત્યારે મંદ સ્મિત કરતાં તેઓ બોલ્યાં, ‘દરેક વ્યક્તિના જીવનમાં ચઢાવ-ઉતાર આવવા સામાન્ય છે અને દરેકને પોતાની કથા કે વ્યથા હોય જ છે, પરંતુ વ્યક્તિ જ્યારે કોઈક સમસ્યાથી ઘેરાયેલી હોય ત્યારે તે પોતાની અંગત વાત પોતાની આસપાસની કોઈ ખાસ વ્યક્તિને કહી શકે એ જરૂરી છે. એ વ્યક્તિ ભલે મુશ્કેલીમાંથી બહાર ન કાઢી શકે, પણ સાચો માર્ગ જરૂર દેખાડે છે, જે માર્ગ ઘણી વાર આપણી સામે હોવા છતાં આપણને દેખાતો હોતો નથી.

આપણી વ્યથા અન્યને ન કહીને ગૂંગળાઈ જવાની જરૂર નથી. ઘણી વાર ન કહેવાથી પાછળથી પસ્તાવો થાય છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની સલાહથી મુશ્કેલી હલ થઈ શકે છે. એ યોગ્ય વ્યક્તિ નક્કી કરવા તમારી સમજનોય ઉપયોગ કરવો જોઈએ. મોટા ભાગે સાચો હિતેચ્છુ બીજા સુધી વાત નહીં જ ફેલાવે અને માનવસહજ રીતે કોઈના દ્વારા વાત આગળ જાય તો પણ ખાસ ફરક પડતો નથી, કારણ યોગ્ય વ્યક્તિ સાથે વહેંચતાં જ એ સમસ્યા ફૂલ જેવી નાજુક અને કોમળ બની જાય છે.

જીવનમાં દરેક વાત દરેક વ્યક્તિને ન કરી શકાય : દેવાંગ શાહ, શૅરબ્રોકર

જે વ્યક્તિ સાથે તમે તમારી અંગત વાત કરો છો તેની પોતાની માનસિક સજ્જતા, તેનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો છે, એના પર ઘણો આધાર છે. હું કોઈને ખાસ મિત્ર કે અંગત વ્યક્તિ માનતો હોઉં અને એ મારી અંગત વાતનો જાહેરમાં ઢંઢેરો પીટે તો આપણને આઘાત જરૂર લાગે છતાં જીવન એક એવી પ્રક્રિયા છે, જેમાં માણસને આવા અનુભવ પણ થતા રહે છે. આવા અનુભવથી આપણને બોધપાઠ મળે છે કે કોને કેટલી વાત કરવી. આવા અનુભવથી એ સમજ પણ કેળવાય છે કે જીવનમાં દરેક વાત દરેક વ્યક્તિને ન કરી શકાય. જીવન જ આપણને ઘણું બધું શીખવે છે. આપણે આપણી અંગત વાત કરીએ ત્યારે જોવું જોઈએ કે સામેની વ્યક્તિની પોતાની સમજ કે સ્થિરતા છે કે નહીં. ઉંમરનો આમાં પ્રશ્ન નથી, કોઈ યુવાન પણ સારી સમજણ ધરાવતો હોઈ શકે.

લોકો આપણી વાતમાં પોતાનું ઉમેરીને વધારે બગાડે : નીતા અજમેરા, વર્કિંગ વુમન

તમે બીજા પાસે હૃદય ઠાલવવા બાબત શું વિચારો છો?’ ત્યારે તે કહે છે, ‘દરેક વ્યક્તિને પોતાની કંઈક ને કંઈક કથા-વ્યથા રહેવાની જ, પણ મને લાગે છે કે મનની વ્યથા મનમાં જ રાખવી જોઈએ. કદાચ મન હળવું કરવા આપણે કોઈ સાથે શૅર કરીએ તો પણ એનો ઉકેલ તો અંતે આપણે જ લાવવાનો હોય છે. કોઈ મનનું મક્કમ ન હોય તો બીજાની સલાહ લઈ શકે, જેથી મનનો ભાર હળવો થાય, પણ એમાં પેલું ભયસ્થાન તો છે જ કે તેઓ આપણી વાતમાં પોતાનું ઉમેરીને વધારે બગાડે. હું એવું માનું છું કે આપણે સ્વભાવને એવો કેળવવો જોઈએ કે સમસ્યા સામે જાતે જ લડી શકીએ. સમયને સમજીને ચાલીએ. બાકી કર્મ કોઈને છોડતું નથી એવી સમજ પણ સ્થિરતા કેળવવા મદદરૂપ થાય. એટલે સામેની વ્યક્તિ આપણી વ્યથા સાંભળી એમાંથી આનંદ નથી જ લેવાની એવી ખાતરી હોય, એ વાત કરવાથી કંઈ રસ્તો નીકળવાનો હોય તો જ એની સાથે વાત કરાય!

બીજાને અંગત વાત કહેવામાં કયા પ્રકારની સાવચેતી રાખવી?

સામેની વ્યક્તિને સંપૂર્ણપણે ઓળખતાં હોવા જોઈએ

તે વ્યક્તિ આપણી હિતેચ્છુ હોય એની ખાતરી હોવી જોઈએ

તે વ્યક્તિની માનસિક સજ્જતા અને સ્થિરતાની ખાતરી હોવી જોઈએ

આ પણ વાંચો : કૉલમ: અમારે ત્યાં સુવિધા સારી તમારે ત્યાં વ્યવસ્થા સારી

આપણી પાસે બીજાની અંગત વાતો ખુલ્લી કરનારાથી સાવચેત રહેવું.

વ્યક્તિના સ્વભાવથી પહેલાં પૂર્ણપણે પરિચિત થવું.

તે વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જાણવો.

columnists