સ્ટ્રેસને પહોંચી વળવાની તમારી ક્ષમતા વધી જાય એ ગમે તમને?

03 December, 2020 04:25 PM IST  |  Mumbai | Ruchita Shah

સ્ટ્રેસને પહોંચી વળવાની તમારી ક્ષમતા વધી જાય એ ગમે તમને?

પ્રતીકાત્મક તસવીર

ગયા વખતે આપણે જોયું કે તન અને મનની તંદુરસ્તી માટે અને ઓવરઑલ વ્યક્તિત્વના ટ્રાન્ફૉર્મેશન માટે નાડીઓનું શુદ્ધિકરણ થાય એ યોગશાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વની બાબત મનાય છે. નાડીઓ વિશે પણ ટૂંકમાં જાણ્યું અને ઈડા અને પિંગલા નાડીની વિશેષતા તેમ જ એની આપણા મન તથા શરીર પર થતી ડાયરેક્ટ અસર પર પણ આપણે વાત કરી. હવે આજે એ જ વાતને થોડીક વધુ આગળ વધારીએ.

આપણા ચેતાતંત્રના બે મહત્ત્વના હિસ્સા નાડીશુદ્ધિ પ્રાણાયામ પ્રભાવિત કરે જ છે. આપણી ઓવરઍક્ટિવ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમને બ્રેક આપીને શરીરને હીલિંગ મોડ એટલે કે પૅરાસિમ્પથેટિક મોડ પર લઈ જાય છે. આ તમે પોતે પણ અનુભવ્યું હશે. જેણે પણ સાચી રીતે નાડીશુદ્ધિ પ્રાણાયામ કર્યા છે તેમનો એક કૉમન અનુભવ હશે કે મનમાં શાંતિ અને સ્પષ્ટતા આવી અને વધુ એનર્જેટિક ફીલ થયું છે. આ વાતને પ્રમાણિત કરતા ઢગલાબંધ સંશોધનો પણ છે. જેમ કે ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ યોગમાં છપાયેલા એક સર્વેક્ષણ મુજબ વીસ લોકોમાં ડાબી અને જમણી બાજુથી શ્વસનમાં બદલાવ કરાવીને આવેલા ફેરફારોને નોંધવામાં આવ્યા હતા, જેમાં તેમને જાણવા મળ્યું જે ડાબી બાજુથી શ્વસન કર્યા પછી લોકોના કાર્ડિયો-વૅસ્ક્યુલર પૅરામીટર્સ એટલે કે હૃદયના ધબકારા અને બ્લડ-પ્રેશરમાં નોંધનીય ફેરફાર થયો હતો. રિસર્ચ ગેટમાં છપાયેલા અન્ય એક રિપોર્ટ મુજબ મેડિકલના પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓના સ્ટ્રેસ લેવલ પર નાડીશુદ્ધિની અસર પર એક સર્વેક્ષણ થયું, જેમાં તેમના સ્ટ્રેસ લેવલ અને કાર્ડિયો-વૅસ્ક્યુલર ફંક્શન નોંધવામાં આવ્યાં અને એમાં પણ હકારાત્મક પરિણામ મળ્યું. નાડીશુદ્ધિની તાત્કાલિક અસર શું થાય છે એના પર પણ કેટલાંક સર્વેક્ષણ થઈ ચૂક્યાં છે. જેમ કે મણિપાલના રિસર્ચર એ. કે. સકસેના અને અર્બન ડિસોઝાએ દસ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ પર કરેલા એક સર્વેક્ષણમાં જોયું કે વીસ મિનિટ કન્ટિન્યુઅસ નાડીશુદ્ધિ કરે તો વ્યક્તિના બ્રેઇન ફંક્શનમાં, પલ્મનરી ફંક્શન અને હૃદય સાથે સંકળાયેલા ફંક્શનમાં તાત્કાલિક હકારાત્મક ઇફેક્ટ દેખાવા માંડે છે. માત્ર વીસ મિનિટ કરો અને તરત જ લાભ મેળવો એ તેમણે સાબિત કર્યું છે. આપણા બ્રેઇનમાં સતત ચાલતી રિધમિક ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટી પર પણ નાડીશુદ્ધિનું હકારાત્મક પરિણામ સંશોધકોને મળ્યું છે. આ પ્રાણાયામ તમને રિલૅક્સ કરતા આલ્ફા વેવનું મગજમાં પ્રમાણ વધારે છે એવું નિષ્ણાતોનું કહેવું છે. કેટલાક કેસમાં બીટા વેવનું પ્રમાણ વધ્યું હોવાનું પણ તેમણે નોંધ્યું છે જેમાં તેમનું માનવું હતું કે આ પ્રાણાયામ કરવાથી કેટલાક લોકો ઍક્ટિવ થવા છતાં મનથી શાંત અને સ્પષ્ટ રહી શકતા હોય છે. આ પ્રાણાયામ નિયમિત કરનારા લોકોની સ્ટ્રેસને હૅન્ડલ કરવાની, સ્ટ્રેસને કોપ કરવાથી ક્ષમતા વધી જાય છે.

નાડી અશુદ્ધ કેવી રીતે થાય?

ગયા વખતે આપણે જાણ્યું હતું કે નાડી આપણા શરીરની એવી એનર્જી ચૅનલ છે જેને ડાયરેક્ટલી જોઈ નથી શકાતી. સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે અને એમાંથી પ્રાણ ઊર્જાનું વહન થાય છે. હવે પ્રશ્ન એ ઊઠે છે કે આ નાડીને શુદ્ધ ત્યારે જ કરવી પડે જ્યારે એ અશુદ્ધ હોય. સૂક્ષ્મ શરીર અશુદ્ધ કેવી રીતે થાય? જે સ્થૂળ છે એટલે કે જે દેખાય છે એને તમે જે રીતે અશુદ્ધ કરો એની અસર તમારા સૂક્ષ્મ શરીર પર પણ પડતી હોય છે. જેમ કે તમે ખોટો આહાર લો, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જીવો તો એ માત્ર ફિઝિયોલૉજિકલી જ નહીં પણ પ્રાણિક ફ્લોની દૃષ્ટિએ પણ તમારામાં અશુદ્ધિઓનું સર્જન કરવા માંડે. સૂક્ષ્મ શરીરની અશુદ્ધિ અહીં અટકી નથી જતી. એ આગળ વધે છે. એટલે કે ખોટી રીતે શ્વાસ લો તો પણ પ્રાણિક ફ્લો ખોરવાય. ખોટા વિચારો કરો, ખોટું જુઓ, ખોટું બોલો, ખરાબ બાબતો સાંભળો એમ પાંચેય ઇન્દ્રિયોનો અશુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરો તો એની પણ સૂક્ષ્મ શરીર પર અસર થતી હોય છે. તમારા મનમાં દુઃખ, ગ્લાનિ, એકલતા.ચિંતા જેવા કોઈ પણ ભાવ હોય તો એ મેન્ટલ ડિસઑર્ડર પણ નાડીને અશુદ્ધ કરી શકે છે. ટૂંકમાં તમારી નાડીનું અશુદ્ધિકરણ આ રીતે મન, વચન અને કાયાથી એમ ત્રણેય રીતે થઈ શકે છે. પાંચેય ઇન્દ્રિય મળીને નાડીને અશુદ્ધ કરવામાં ભૂમિકા ભજવી શકે છે. આ વાંચ્યા પછી કમ સે કમ જ્યારે પણ ખોટા વિચારો આવે, મન કપટ, ક્રોધ કે પ્રપંચથી ઘેરાઈ જાય ત્યારે આ વાત યાદ કરજો કે આનાથી તમે જે એનર્જી જનરેટ કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના શરીરની નાડીઓના મુક્ત ફ્લોમાં બ્લૉકેજ ક્રીએટ કરી રહી છે.

લક્ષણો શું?

જ્યારે નાડી અશુદ્ધ થઈ હોય ત્યારે એની અસર તમારા ધબકારા પર, તમારા શ્વાસની ગતિ પર ડાયરેક્ટ દેખાતી હોય છે. તેમ જ ગયા વખતે વાત કરી એ રીતે કોઈ એકાદ નાડી વધુ બ્લૉક હોય તો એની અસર જુદી હોય છે. જેમ કે ચંદ્ર નાડી અસંતુલિત હોય તો શરદી, ડિપ્રેશન, માનસિક થાક જેવાં લક્ષણો દેખાય છે. જ્યારે પિંગલા નાડી બરાબર કામ ન કરતી હોય ત્યારે ઇરિટેશન, ગુસ્સો, શરીરમાં ખંજવાળ, સ્કિનમાં ડ્રાયનેસ, ભૂખ ખૂબ લાગવી, ગળુ સુકાવું, વધુપડતી એનર્જી, સેક્સ પ્રત્યેની અર્જ વધી જવી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. આ લક્ષણો બન્નેમાંથી કઈ નાડી વધુ ઍક્ટિવ છે અને કઈ ઓછી ઍક્ટિવ છે એના પર બદલાતાં હોય છે. આ અશુદ્ધિઓ વધુ ક્રૉનિક બીમારીઓ તરફ પણ આગળ જતાં ધકેલી શકે છે. આજે મોટા ભાગના રોગોને સાઇકોસમૅટિક કૅટેગરીમાં મૂકવામાં આવી રહ્યા છે. ૮૫થી ૯૦ ટકા પ્રૉબ્લેમ્સ મનની અસ્વસ્થતાને કારણે શરીર પર દેખા દે છે. યોગશાસ્ત્રની દૃષ્ટિએ મનોમય કોષથી પ્રાણમય અને પ્રાણમયથી અન્નમય એટલે કે શરીર પર રોગો દેખાવાના શરૂ થાય છે. આ પ્રાણમય વચ્ચે છે એ આપણા શ્વાસ, પ્રાણ ઊર્જા અને નાડીઓ સાથે સંકળાયેલી બાબત છે. એટલે એમ કહી શકાય કે નેવું ટકા રોગો નાડીઓના વધતા જતા અશુદ્ધિકરણથી આવે છે. એટલે જો નાડીને શુદ્ધ કરવાનું સાધન મળી જાય તો કદાચ આ રોગોને તડીપાર કરવાનું પણ સાવ અશક્ય નથી રહેતું. અનુલોમ વિલોમ પ્રાણાયામથી બહેતર સાધન બીજુ કયુ હોઈ શકે?

columnists ruchita shah