ડાયપર જનરેશન માટે અઘરી‍ છે પૉટી-ટ્રેઇનિંગ

19 November, 2021 04:44 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે જાણીએ બાળકોની પૉટી-ટ્રેઇનિંગની કેટલીક ક્યુટ સ્ટોરીઝ અને શા માટે એ સમયસર થવું જોઈએ એના મહત્ત્વ વિશે

રિંકલ દીકરા શિવાંશ સાથે

બાળક નાનું હોય ત્યારે તેને સુસુ અને પૉટી બન્ને ટૉઇલેટમાં જઈને કરવાનું શીખવવું એ મમ્મીઓ માટે એક મોટો ટાસ્ક હોય છે. એમાં પણ ડાયપરે મમ્મીઓના આ કામને વધુ અઘરું બનાવ્યું છે, કારણ કે ડાયપરની ફૅસિલિટીને કારણે ઘણાં બાળકો ૪-૫ વર્ષ સુધી પૉટી-ટ્રેઇન થતાં નથી. આજે જાણીએ બાળકોની પૉટી-ટ્રેઇનિંગની કેટલીક ક્યુટ સ્ટોરીઝ અને શા માટે એ સમયસર થવું જોઈએ એના મહત્ત્વ વિશે

નાનાં બાળકોના જીવનમાં મહત્ત્વનાં કામ આ છે - ખાવું, સુસુ (અને પૉટી) કરવું અને સૂવું. મા બિચારી સતત બાળકને ખવડાવતી, તેનાં ડાયપર બદલતી અને તેને સુવડાવતી જ જોવા મળે. વળી ડાયપર ભરી-ભરીને સુસુ કરતાં બાળકોને એ આદત પાડવી કે સુસુ માટે ટૉઇલેટ જેવી પણ એક જગ્યા છે, જેનો ઉપયોગ જરૂરી છે એ શીખવાડવામાં મમ્મીઓને નાની યાદ આવી જતી હોય છે, કારણ કે એ એટલું પણ સહેલું નથી હોતું. જોકે બાળકો માટે સુસુ અને પૉટી બન્ને એક્સપ્લોર કરવાની બાબત બની જતી હોય છે. ઘણાં બાળકો તો નાનાં હોય ત્યારે પૉટીને ચૂંથે તો ઘણાં બાળકો સુસુમાં છબછબિયાં પણ કરતાં હોય છે. ઘણાને એની વાસથી તકલીફ હોય છે તો ઘણા એને એટલી હદે ગંદું માનતાં હોય છે કે પૉટી કરવા પણ તૈયાર નથી હોતાં. દરેક મા પાસે તેના બાળકની પૉટી-ટ્રેઇનિંગની એક અવનવી, ફની અને જીવનભર યાદ રહી જાય એવી કોઈને કોઈ સ્ટોરી તો હોય જ છે, કારણ કે અંતે મા માટે આ એક સ્ટ્રગલ પણ છે જે મહિનાઓ સુધી તેણે કરી હોય છે. આજે વર્લ્ડ ટૉઇલેટ ડે નિમિત્તે જાણીએ કેટલીક મમ્મીઓની આ સ્ટ્રગલ વિશે. 
પૉટી-સીટ છે કે ટૉય?
ત્રણ વર્ષના દીકરા શિવાંશને પૉટી-ટ્રેઇનિંગ કરાવતી તેની મમ્મી રિંકલ છાડવાએ જ્યારે શિવાંશ અઢી વર્ષનો હતો ત્યારે પૉટી-ટ્રેઇનિંગ શરૂ કરી. એ બાબતે રિંકલ કહે છે, ‘મને લાગ્યું હતું કે હજી વાર છે. બાળક થોડું મોટું થાય પછી જલદી સમજશે. પરંતુ આ તો ઊલટું થયું. મોટું થાય ત્યારે શીખવતાં વાર લાગે છે. મને અફસોસ છે કે મેં તેને જલદી ટ્રેઇનિંગ આપી હોત તો ઘણું સારું હોત. જનરલી બાળકો નાનાં હોય ત્યારે ઊભાં-ઊભાં સુસુ-પૉટી કરતાં હોય છે. શિવાંશને એ સમજાવવું કે બેસીને પણ એ થઈ શકે છે એ અઘરું પડે છે. આમ પણ એ એટલો ચંચળ છે કે એ કોઈ જગ્યાએ પાંચ મિનિટ બેસતો જ નથી. જોકે પહેલાં કરતાં થોડું-થોડું સમજતો જાય છે તો ધીમે-ધીમે શીખશે. હું ધીરજ રાખીને બેઠી છું.’
રિંકલને લાગ્યું હતું કે એ પૉટી-સીટ અલગથી જોશે કે બાળકોની પૉટી-સીટ તેને મળશે તો તે આકર્ષાઈને એના પર બેસશે. પણ થયું ઊલટું. શરૂઆતમાં શિવાંશને એ રમકડા જેવું લાગ્યું. રિંકલ તેને એના પર બેસાડે તો એ બેસે નહીં, ઊલટું ગળે લટકાવીને રમતો હોય. કાર સમજીને ચલાવતો હોય. પહેલાં તેના માટે એ ટૉય હતું અને પૉટી કરીને એ એને ગંદું કરવા માગતો નહોતો. પછી માંડ રિંકલે તેને સમજાવ્યું કે આ ટૉય નથી, આમાં પૉટી કરવાની હોય. 
મમ્મી, ફ્લોરે સુસુ કર્યું!
૧૯ મહિનાની મહેરની મમ્મી પૂર્તિ શેઠ પોતાની દીકરી માટે તેની કમ્ફર્ટનું ધ્યાન રાખવા કાપડનાં ડાયપર્સ જ વાપરે છે. એક સમયનો ફની બનાવ જણાવતાં પૂર્તિ કહે છે, ‘સામાન્ય રીતે કાપડના ડાયપરમાં વચ્ચે જે પૅડ્સ બન્યાં હોય છે એમાંથી લીક થતું નથી. પરંતુ એક દિવસ લીક થયું અને ફ્લોર પર ફેલાઈ ગયું. તો મહેરે એ જોયું અને તરત મારી પાસે દોડી આવી. મને કહે કે મમ્મી, ફ્લોરે સુસુ કર્યું. હું એ સાંભળીને ખૂબ હસી. મહેરને થયું કે આ સુસુ ફ્લોરે કર્યું છે, તેણે નહીં.’
મહેરને આમ તો એ નાની હતી ત્યારથી એ સમજ આપવામાં આવી છે કે પૉટી ટૉઇલેટમાં જ થાય. સુસુ માટે તેની ટ્રેઇનિંગ ચાલી રહી છે. પહેલાં તેને દર કલાકે મમ્મી ટૉઇલેટમાં લઈ જતી અને કહેતી કે સુસુ કરી લે, પરંતુ એ કરતી જ નહીં અને જેવી ટૉઇલેટની બહાર નીકળે એ પછી ૧-૨ મિનિટમાં એ બહાર કરતી. જમતી હોય તો હંમેશાં અડધું જમવાનું બાકી હોય ત્યારે જ સુસુ લાગે. ટ્રેઇનિંગની મુશ્કેલીઓ વર્ણવતાં પૂર્તિ કહે છે, ‘કોવિડમાં અમે ફ્લાઇટથી ટ્રાવેલ કરવાના હતા. અમારા ડૉક્ટરે અમને કહેલું કે સેફ્ટી માટે તમે તેને ફ્લાઇટમાં ડાયપર ચેન્જ ન કરાવતા. એટલે હું ઍરપોર્ટ પર તેને ટૉઇલેટમાં લઇ ગઈ. તેને સુસુ-પૉટી કરાવી લીધું. 
મને હાશ હતી કે હવે કંઈ નહીં થાય. પરંતુ જેવી ફ્લાઇટ ઊપડી કે તેણે ફરી પૉટી કરી. અને એક વાર એ થયા પછી તો એ શાંત થાય જ નહીં. મેં તેને સમજાવ્યું કે ડાયપર હમણાં નહીં કાઢીએ પરંતુ તેને એવું ગંદું ગમે નહીં. એટલે તેણે જાતે જ ડાયપર ખોલી નાખ્યું. પ્લેનની સાંકડી સીટ પર મહામુસીબતે મેં તેને સાફ કરી અને તેનું ડાયપર બદલ્યું.’
 
મોડું ન કરવું 

મહેર નાની છે એટલે તેની પૉટી-ટ્રેઇનિંગની પૂર્તિને ખૂબ ઉતાવળ તો નથી એટલે પૂર્તિ પૂરતી ધીરજ રાખીને એની ટ્રેઇનિંગ કરાવી રહી છે. પૉટી-ટ્રેઇનિંગમાં મોટા ભાગની મમ્મીઓની ધીરજ ખૂટી જતી હોય છે. એ વિશે વાત કરતાં અંધેરીનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘પહેલાંના સમયમાં કપડાનાં પોતિયાં બાળકોને પહેરાવવામાં આવતાં જેને વર્ષો સુધી સાફ ન કરવાં પડે એ માટે મમ્મીઓ બાળકોને પૉટી-ટ્રેઇન વહેલાં જ કરી દેતી. પરંતુ હવે ડાયપર્સનો સહારો છે. પૉટી-ટ્રેઇનિંગ ખૂબ મહેનત માગી લે છે. એના માટે સતત પ્રયાસ કરતા રહેવા પડે છે, જે ડાયપર્સના સહારે મમ્મીઓ ટાળે છે. એને લીધે ૪-૫ વર્ષ સુધી બાળકો પૉટી-ટ્રેઇન થતાં નથી, જે ચિંતાનો વિષય છે. આદર્શ રીતે બાળક વ્યવસ્થિત બેસતાં શીખે એટલે કે ૯ મહિનાની ઉંમર પછીથી એ સમજ વિકસાવવાનું શરૂ કરવું જોઈએ કે ટૉઇલેટનો ઉપયોગ જરૂરી છે.’ 

મોડું કરવામાં થતું નુકસાન

પૉટી-ટ્રેઇનિંગનો ફાયદો ફક્ત એ નથી કે બાળક સફાઈ સાથે રહે પરંતુ એનું મહત્ત્વ એ પણ છે કે બાળકનો પોતાના બ્લૅડર પર કન્ટ્રોલ રહે. ગમે ત્યાં, ગમે ત્યારે સુસુ કે પૉટી ન થાય એ માટે પોતાના પર એક કન્ટ્રોલ રાખતાં એ શીખે. એ જરૂરી છે. એ નાનપણથી શીખવો એટલું સારું. પૉટી-ટ્રેઇનિંગ મોડી શીખવાથી થતા ગેરફાયદા જાણીએ ડૉ. ઝીનલ પાસેથી. 
સુસુ અને પૉટીની માત્રા ઉંમર સાથે વધતી જાય છે. એટલી માત્રામાં એ ગંદકી જ્યારે ડાયપરમાં રહે અને એને તરત જ બદલવામાં ન આવે તો સ્કિનને એ ખરાબ કરે છે. લાલ ચાઠાં, ડ્રાય સ્કિન, ખંજવાળ અને રૅશિસ થવાની શક્યતા રહે છે. 
યુરિન વાટે જે બૅક્ટેરિયા શરીરની બહાર નીકળે છે એ ડાયપર ભરેલું હોવાને કારણે ફરીથી અંદર પણ જતા રહે છે અને યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે. આ તકલીફ છોકરીઓમાં વધુ જોવા મળે છે. 
વધુ ઉંમર સુધી બાળકને આ કન્ટ્રોલ ન હોય તો સ્કૂલે જાય કે બહાર કોઈ પણની સામે એ ડાયપરમાં જાય ત્યારે લોકો વાતો કરે જ છે કે આને હજી નથી આવડતું? આ પ્રકારની વાતો બાળકમાં હીન ભાવના જન્માવે છે. એની અસર સાઇકોલૉજિકલી પડે છે. મોટી ઉંમરે રાત્રે પથારી ભીની કરતું બાળક ઘણી સાઇકોલૉજિકલ તકલીફોથી ઝૂઝતું હોય છે.

columnists Jigisha Jain