સત્તા નહીં, સત્તાને લાયક બનવા માટેની તમારી ક્ષમતા પર બધો આધાર છે

18 August, 2020 02:28 PM IST  |  Mumbai | Manoj Joshi

સત્તા નહીં, સત્તાને લાયક બનવા માટેની તમારી ક્ષમતા પર બધો આધાર છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં પોઝિશન માટે બહુ લડવામાં આવે છે. લડવામાં પણ આવે છે અને એના નામે વિરોધબાજીઓ પણ બહુ થાય છે. સરકાર બદલે એટલે સ્વાભાવિક રીતે નિગમ, ઑર્ગેનાઇઝેશનથી માંડીને કૉર્પોરેશન અને અન્ય જેકોઈ સરકારી સંસ્થાઓ હોય એમાં ફેરફાર દેખાવાનું શરૂ થાય. પદ નવેસરથી આપવામાં આવે અને એ પદને અનુરૂપ વ્યક્તિઓને પણ શોધવામાં આવે અને જો કોઈ જગ્યાએ યોગ્ય વ્યક્તિ પહેલેથી હોય તો તેને અકબંધ પણ રાખવામાં આવે છે. જે રીતે લોકો પાસે બદલાયેલા પદાધિકારીઓનાં નામો છે એ જ રીતે બીજા એવા પણ લોકો છે જેની પાસે ન બદલાયેલા અધિકારીઓનાં નામની લાંબી યાદી તૈયાર હોય છે.

મુદ્દો એ નથી કે તમે આ પોઝિશન ચેન્જ કરો છો કે નહીં, મુદ્દો એ પણ નથી કે એ જગ્યાએ તમે તમારી વ્યક્તિને મૂકો છો કે નહીં. ના, એ મુદ્દો છે જ નહીં. કોણ શું બનશે અને કોણ શું સંભાળશે એનું મહત્ત્વ તો ક્યારેય હોતું જ નથી. મહત્ત્વનું જો કંઈ હોય તો એક જ વાત કે આ બદલાવ પછી જેકોઈ ચેન્જ આવશે એ ચેન્જની જવાબદારી લેવાની તૈયારી રાખવામાં આવી છે કે નહીં. જો તૈયારી હોય, સારા કે નરસા પરિણામની તૈયારી હોય અને એ પરિણામ સ્વીકારવાની માનસિકતા હોય તો અને તો જ આ ચેન્જ થતો હોય છે. હા, કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે ખરાબ પરિણામ માટે જવાબદારી સ્વીકારવા પણ કોઈ રાજી નથી થતું અને લોકશાહીનો ભરપેટ દુરુપયોગ કરી લેવામાં આવે છે, પણ કરવામાં આવતા આ દુરુપયોગની વિચારધારા અત્યારની સરકારને કોઈ હિસાબે લાગુ નથી પડતી અને જો એ આ સરકારને લાગુ પડતી હોય તો તો એણે લીધેલાં અનેક સ્ટેપમાં ક્યાંક ને ક્યાંક તમને એવી વ્યક્તિઓનાં નામો પણ દેખાઈ આવ્યાં હોત, જેના નામની પાછળ મોદી કે પછી જેટલી કે પછી અડવાણી લાગતું હોત.

શંકા કરવાની માનસિકતા અને શક કરીને ચાલવાની વિચારધારા સારી છે. શંકાને કારણે કેટલીક સાવચેતી આપોઆપ મનમાં જન્મી જતી હોય છે અને સાવચેતી હોવી જરા પણ ખરાબ નથી. સાવધાનીને કારણે થતી ભૂલ પહેલેથી જ અટકી જતી હોય છે, પણ આ સાવધાની મનમાં જન્મે એ પહેલાં જે શક જન્મે છે એ કોને માટે જન્મે છે એ પણ જોવું જોઈએ. ચીકના અને માખણના પિંડા જેવા બૉયફ્રેન્ડ માટે મનમાં શંકા હોય તો એ શંકાને કારણે કેટલીક છૂટછાટ લેતાં પહેલાં જ એના પર રોક લાગી જાય છે, પણ જો બાપ માટે શંકા મનમાં આવવા માંડે તો ચોક્કસપણે એ શંકા માટે જાતને કોસવી જોઈએ. વાત છે પોઝિશનની અને વાત જ્યારે પોઝિશનની આવે ત્યારે સૌથી પહેલું ધ્યાન એ આપવું જોઈએ કે જે મળે છે એની લાયકાત તમારામાં કેટલી છે અને એ લાયકાતને આધારે તમે તમારી જાતને પોઝિશનના આધાર પર કેવાક તૈયાર કરો છો. જો તમે તમારી જાતને તૈયાર કરવા રાજી ન હો તો યાદ રાખજો કે તમને પોઝિશન પર રહેવાનો કોઈ અધ‌િકાર નથી, તમને પોઝિશન પર બેસવાના કોઈ રાઇટ્સ નથી. સત્તા નહીં, સત્તા માટેની લાયકાત મહત્ત્વની છે. સત્તા નહીં, સત્તા માટે પ્રાપ્ત કરેલી ક્ષમતા અને ક્ષમતા પ્રાપ્ત કરવા માટે તમારો ઉમળકો કેવો છે એ મહત્ત્વનું છે.

columnists manoj joshi indian politics