સંપ અકબંધ રાખવો હોય તો પરિવારમાં પણ રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ

19 May, 2022 03:43 PM IST  |  Mumbai | Manoj Joshi

ચાણક્યની કોઈ એક વાત કહેવાની ઇચ્છા થાય તો તમારે ચાણક્યની કાર્યપદ્ધતિ અને કાર્યશૈલી વિશે જ કહેવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

ચાણક્યની કોઈ એક વાત કહેવાની ઇચ્છા થાય તો તમારે ચાણક્યની કાર્યપદ્ધતિ અને કાર્યશૈલી વિશે જ કહેવું જોઈએ.
ચાણક્યની સૌથી મોટી ખાસિયત એ કે તેમણે ક્યારેય કોઈ જગ્યાએ એક પછી એક કામ નહોતાં કર્યાં. મલ્ટિ-ટાસ્કિંગ શબ્દ તમે સાંભળ્યો છે, પણ ચાણક્યએ એક નવો શબ્દ દુનિયાને આપ્યો જેનો ઉપયોગ બહુ થતો નથી, મલ્ટિ-સ્ટ્રૅટેજી મેકર. એકસાથે અનેક સ્ટ્રૅટેજી પર કામ કરે અને એ કામની અસર પોતાની કઈ સ્ટ્રૅટેજી પર થઈ રહ્યો છે એનું ધ્યાન પણ રાખવામાં આવે. ચાણક્યને આ બાબતમાં હું સોશ્યલ-સાયન્ટિસ્ટ કહીશ. જે રીતે એક સાયન્ટિસ્ટ પોતાની લૅબોરેટરીમાં બેસીને પોતાનું કામ કરે અને પોતાના પ્રયોગ પર નજર રાખે એવી જ રીતે ચાણક્ય પોતાની સામાજિક લૅબોરેટરીમાં બેસીને બધા અખતરા કરતા અને પોતાના આ અખતરાનું પરિણામ શું આવી શકે છે એની નોંધ રાખતા. આ નોંધના આધારે તે પોતાની સ્ટ્રૅટેજીમાં જરૂરી ફેરફાર પણ કરતા, જે ફેરફારનો એક ફાયદો એ પણ થતો કે પહેલી અને ચોથી સ્ટ્રૅટેજી સાથે કામ ન કરી શકે એનો અણસાર તેમને પહેલાં જ આવી જતો અને એક લાભ એ પણ થતો કે જો એવું કરવામાં નુકસાન થાય છે તો પોતાની કઈ સ્ટ્રૅટેજી ખોટી છે એનું પ્રમાણભાન પણ મળતું.
ચાણક્ય પાસેથી શીખવા જેવું અઢળક છે અને તેમની પાસેથી જાણવા જેવું અઢળક છે, પણ આપણે ત્યાં એક મોટો ગુણદોષ એ પ્રસ્થાપિત થયો છે કે આપણે શાસ્ત્રોમાં રહેલી વાતોને ધાર્મિક વાતો માનીને બેસી રહીએ છીએ અને એને લીધે એ વાતોથી આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. ચાણક્ય એક રાજનેતા હતા અને તેમની પાસે રાજ્ય ચલાવવાની શ્રેષ્ઠ કુનેહ હતી એવું કહેનારાઓને મારે કહેવું છે કે આ વાત અધૂરી છે. ચાણક્યનો જો તમે પૂર્ણપણે અભ્યાસ કરો તો તમને સમજાય કે તેમની પાસે માર્કેટિંગની પણ જબરદસ્ત કુનેહ હતી અને તેમની પાસે કૉર્પોરેટ કંપનીઓની હરીફાઈઓ માટે પણ જબરદસ્ત આવડત હતી. ચાણક્ય પારિવારિક પ્રશ્નોમાં પણ પ્રસ્તુત છે અને ચાણક્ય અંગત સંબંધોમાં પણ એટલા જ અસરકારક છે, પણ મુદ્દો એ છે કે ચાણક્યને એ દૃષ્ટિએ જોવા પડે. ચાણક્ય માનતા કે રાજકારણ જરૂરી છે. જગ્યા કોઈ પણ હોય, સમય કોઈ પણ હોય અને પ્રસંગ કોઈ પણ હોય, પરંતુ સારપ માટે રાજકારણ રમવું પડે તો એમાં કશું ખોટું નથી.
ચાણક્ય પરિવારમાં પણ રાજકારણ રમવાના હિમાયતી હતા. ચાણક્ય કહેતા કે જો સંપ માટે ઉપયોગમાં લેવાયેલું રાજકારણ સારપનું પ્રતીક બની જાય છે એટલે સંપ અકબંધ રહેતો હોય તો માત્ર અને માત્ર સંપ માટે રાજકારણનો ચોક્કસ ઉપયોગ કરવો અને એ ઉપયોગ કર્યા પછી એની જાણ પણ કોઈને થવા દેવી નહીં. વાત એકદમ ઉચિત છે અને આજના સમયમાં જરૂરી પણ છે. હું કહીશ કે માત્ર ભગવદ્ગીતા કે રામાયણ જ નહીં, પણ ચાણક્યનીતિને પણ કોઈએ કથાસ્વરૂપ આપવું જોઈએ અને એ કથાસ્વરૂપના ચાણક્યને સૌકોઈ સામે રજૂ કરવા જોઈએ, જેથી આજનું આ જીવન વધારે સુખાકારી બને.

columnists