જાતિવાદને નામે રાજકારણીઓ અંદર રહેલા સ્વાર્થી માણસને જગાડવાનું કામ કરે

21 July, 2020 12:56 PM IST  |  Mumbai | Manoj Joshi

જાતિવાદને નામે રાજકારણીઓ અંદર રહેલા સ્વાર્થી માણસને જગાડવાનું કામ કરે

પ્રતીકાત્મક તસવીર

તમને લાગે છે ખરું કે આ પ્રતિજ્ઞાઓને કોઈ પાળી રહ્યું છે? સમાજ માટે બધું કામ છોડીને પણ બહાર આવેલા કોઈ આ પ્રતિજ્ઞાને સાચી રીતે જુએ છે ખરું? મતોનું રાજકારણ ચલાવવા માટે બધા એકબીજાને અંદરોઅંદર ઝઘડાવવાનું કામ કરે છે અને આ ઝઘડામાં સત્તાનું રાજકારણ રમવામાં આવે છે. દલિતોને એક તરફ કરવામાં આવે, મુસ્લિમો બીજી દિશામાં થઈ જાય, તમારી સાથે આજીવન અન્યાય જ થયો છે એવી ફરિયાદ સાથે પાટીદારને પણ જુદા કરવામાં આવે. પાટીદારો અલગ ફંટાય એટલે જૈનો પણ ઊભા થઈને પોતાનો અલગ ચોકો બનાવી લે અને એના પછી બ્રાહ્મણ અને લોહાણા પણ અલગ થવા માંડે. આ જ આપણી પ્રતિજ્ઞાની શીખ છે? એક થઈને રહેવા માટે અને એકતા સાથે જીવવા માટે આપણને નાનપણથી જ સમજ આપવાનું કામ કરવામાં આવ્યું. આઝાદી સમયે પણ બધાં રાજ્યોને એક કરીને એક રાષ્ટ્ર બનાવવાનું કામ કરવામાં આવ્યું અને એ પછી પણ આપણે એક થવાની વાત આવે ત્યારે પોતપોતાના સંપ્રદાય અને જાતપાતની વાત લઈને જુદા થઈ જઈએ. ક્યાં ગઈ એ વાત જેમાં હર કોઈ એકબીજાને ભાઈ-બહેન માનવા તૈયાર થયા હતા? ક્યાં ગઈ એ વાત જેમાં ધર્મ કોઈ પણ હોય, સંપ્રદાય કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય; પણ લોહી એક છે અને બધા ભારતીય જ છે એવું વિચારીને આપણે ભાઈ-બહેનની જેમ જીવવા માગતા હતા? મતોના રાજકારણમાં ક્યારેય અટવાય નહીં અને સમાજકારણ ક્યારેય મતોની રાજનીતિ બને નહીં એવી ભાવનાથી બનાવવામાં આવેલી આ પ્રતિજ્ઞા માત્ર કાગળ પર રાખી દેવામાં આવી.

હું કહીશ કે સામાન્ય લોકોને આજે પણ એ જ રીતે જીવવું છે જે પ્રકારે જીવવાનું પેલા પ્રતિજ્ઞાપત્રમાં કહેવામાં આવ્યું હતું, પણ કેટલાક થર્ડ કૅટેગરીના રાજકારણીઓને કારણે આપણે એ દિશામાં જીવવા માટે આગળ વધી નથી શકતા. આપણા સૌ માટે આજે પણ દેશ પહેલાં છે અને રાષ્ટ્રીયતા અગ્રીમ છે; પણ સંપ્રદાયના નામે, ધર્મના નામે અને જાતિવાદના નામે રાજકારણીઓ આપણી અંદર રહેલા પેલા સ્વાર્થી માણસને જગાડવાનું કામ કરે છે અને મજબૂરી એ છે કે એ જાગી પણ જાય છે. નહીં જગાડો એ સ્વાર્થી રાક્ષસને, જે રાક્ષસ તમને એ ભુલાવી દે છે જે વાત તમે વર્ષો સુધી પાઠ્યપુસ્તકમાં ભણ્યા હતા અને પ્રાર્થના પૂરી કરીને જોરજોરથી બોલ્યા હતા...

‘ભારત મારો દેશ છે...

બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે.’

આજે પણ આ જ હકીકત છે. ભારત તમારો દેશ છે અને બધા ભારતીય તમારાં ભાઈ-બહેન છે; પછી એ દલિત હોય, મુસ્લિમ હોય કે પાટીદાર હોય. ઓળખી લો એ હલકટ રાજકારણીઓને જેને તમારામાં નહીં, પણ તમારી આંગળી પર શાહીનું ટપકું લાગે એ મતદાનમાં જ રસ છે. તમે તેને માટે વ્યક્તિ નહીં, વોટ છો માત્ર.

columnists manoj joshi