આ ગીતની શરૂઆતની પંક્તિઓમાં શા માટે કવિ પ્રદીપે ફેરફાર કરવા પડ્યા

07 June, 2020 09:28 PM IST  |  Mumbai | Rajni Mehta

આ ગીતની શરૂઆતની પંક્તિઓમાં શા માટે કવિ પ્રદીપે ફેરફાર કરવા પડ્યા

કવિ પ્રદીપ, લતા મંગેશકર અને સી. રામચંદ્ર

ચણોઠીઓના ઢગલે દાઝ્‍યા કંઈક કવિના કિત્તાજી

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

 - અનિલ જોષી

કવિ માટે સામે પડેલા કોરા કાગળનો મુકાબલો કરવો એ અગ્નિપરીક્ષાથી ઓછું મુશ્કેલ કામ નથી. શબ્દોના કિલ્લામાં યોદ્ધાની જેમ પ્રવેશીને, લોહીલુહાણ થવાની તૈયારી હોય તો જ કવિતા વરમાળા પહેરાવે. ભલે એમ કહેવાતું હોય કે કવિતાની પહેલી પંક્તિ એક અણધારી પળની નીપજ છે. હકીકત એ છે કે મધરાતે કલ્પનાના આકાશમાં એક ચમકારો થાય અને ધ્રુવપંક્તિ હાથ લાગે, પરંતુ એને મઠારવામાં જે કશમકશ થાય એની ભાવકને ભાગ્યે જ જાણ થતી હોય છે. 

આ પ્રસ્તાવના એટલા માટે કે હવે પ્રદીપજીના જીવનની એક એવી રચનાની વાત કરવી છે જે અમર કૃતિ બનવા સર્જાઈ હતી. હા, આજે ‘અય મેરે વતન કે લોગોં...’ કયા સંજોગોમાં લખાયું એની વાત કરવી છે અને એ જાણવા માટે પ્રદીપજીના જીવનની શરૂઆતની વાતો જાણવી જરૂરી છે. મારી લાઇબ્રેરીમાં વર્ષો પહેલાં પ્રદીપજીએ દૂરદર્શનને આપેલો એક ઇન્ટરવ્યુ છે જેમાં તેઓ પોતાના જીવન અને કવન વિશે અનેક વાતો કરે છે જે તેમના શબ્દોમાં પ્રસ્તુત કરું છું. 

‘ભણતર પૂરું કર્યા બાદ હું પ્રાધ્યાપક બનવાનો હતો. પહેલેથી જ કવિતા લખવાનો મારો શોખ હતો. ૧૯૩૮માં મહાકવિ ‘નિરાલા’એ મારા માટે ચાર પાનાંનો લેખ લખ્યો, જેનું શીર્ષક હતું ‘નવીન કવિ પ્રદીપ’. મારો આ શોખ મારો ભાગ્યોદય બનશે એની મને કલ્પના નહોતી. મારી પાડોશમાં કોઈનો છોકરો બીમાર હતો, તેની સારવાર માટે મુંબઈ જવાનું હતું. તેના પિતાએ મને કહ્યું કે મારી સાથે બીજું કોઈ નથી તો તમે આવો. હજી હું નોકરીએ લાગ્યો નહોતો એટલે તેમની સાથે મુંબઈ આવ્યો. અહીં મને એક કવિ સંમેલનમાં આમંત્રણ મળ્યું. મારી કવિતા સાંભળીને એક ગુણી વ્યક્તિએ (જે હિમાંશુ રૉયની બૉમ્બે ટૉકીઝમાં કામ કરતી હતી)  હિમાંશુ રૉયને વાત કરી. તેમણે મને બોલાવ્યો. મારી કવિતાની પહેલી પંક્તિ સાંભળીને તેઓ  ખુશ થઈ ગયા.

 ‘મેરે છંદો મેં, બંદ બંદ મેં તુમ હો, પ્રિયે તુમ હો...’

મારી બે-ત્રણ કવિતા સાંભળીને તેઓ તો મારા પર આફરીન થઈ ગયા. મને કહે, ‘થોડી વાર બેસો.’ હું કૅન્ટીનમાં ચા પીતો હતો ત્યાં સ્ટાફનો માણસ આવ્યો અને કહે, ‘તમને કંપનીમાં નોકરી પર રાખવામાં આવ્યા છે.’ મને ભ્રમ હતો કે મારી શકલ સૂરત સારી છે એટલે હીરોનો રોલ મળશે. પેલો કહે, ‘ના, તારે ગીતો લખવાનાં છે.’ મેં કહ્યું, ‘હું તો કવિ છું; મને ફિલ્મો માટે તુકબંદી (જોડકણાં) કરવી પડશે એ નહીં ફાવે.’ પેલો કહે, ‘કમાલ છે, અહીં આવવા માટે લોકોની લાઇન લાગે છે અને તું ના પાડે છે?’ 

‘મેં નક્કી કર્યું હતું કે હું કોઈના કહેવાથી જોડકણાં જેવાં ગીતો નહીં લખું. ફિલ્મ ‘કંગન’ માટે મેં પહેલું ગીત લખ્યું, ‘હવા તુમ ધીરે બહો, મેરે આતે હોંગે ચિતચોર’. આવી ભાષા, આવી અભિવ્યક્તિ આ પહેલાં લખાઈ નહોતી. મારાં ગીતોથી આખી પરિભાષા બદલાઈ ગઈ. ત્યાર બાદ ફિલ્મ ‘બંધન’ માટે મેં ૧૨ ગીત લખ્યાં. દરેક લોકપ્રિય થયાં. બે ગીતો મેં ગાયાં. ‘ચલ ચલ રે નૌજવાન’ એટલું લોકપ્રિય થયું કે ફિલ્મમાં આ ગીત આવતું ત્યારે લોકો નાચતા જાય અને ગાતા જાય. ફિલ્મને રિવાઇન્ડ કરીને બે વાર આ ગીત દેખાડવામાં આવતું, જે આજ સુધીનો રેકૉર્ડ છે. પંજાબ અને સિંધની વિધાનસભામાં આ ગીત રાષ્ટ્રગાન તરીકે ગવાતું.’

ઇન્દિરા ગાંધીએ નાનપણમાં એક વાનરસેના બનાવી હતી. એમાં બાળકો આ ગીત જોરશોરથી ગાતાં. એ સમયે દેશભક્તિનો જુવાળ હતો. હું પણ દેશભક્તિના રંગે રંગાયો હતો. ફિલ્મ ‘જાગૃતિ’માં મેં અલગ અંદાજમાં ત્રણ પ્રેરણાત્મક ગીતો લખ્યાં. બાળકો પિકનિક પર જાય છે ત્યારે આ ગીત રજૂ થાય છે. ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંકી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વન્દે માતરમ.’ આ ફિલ્મમાં સ્કૂલનું બૅકગ્રાઉન્ડ હતું. શિક્ષક અને વિદ્યાર્થીઓની વાત હતી. જે દિવસે માસ્તર રિટાયર થાય છે ત્યારે વિદાય લેતી વખતે બાળકોને શીખ આપતાં ગીતમાં કહે છે, ‘હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે’. ફિલ્મમાં ગાંધી જયંતીની એક સિચુએશન હતી. આ પહેલાં ગાંધીબાપુ પર લખાયેલું ગીત ‘સુનો સુનો ય દુનિયાવાલોં બાપુ કી યે અમર કહાની’ લોકોને ખૂબ પસંદ હતું. મને થયું કે મારે કંઈક અલગ રીતે બાપુને યાદ કરવા પડશે અને આમ ‘દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ’ લખાયું.

એક દિવસ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મુંબઈ આવ્યા હતા. મને રાજભવનમાં બોલાવ્યો અને કહે, ‘તમારા સ્વરમાં આ પૂરું ગીત સાંભળવું છે. મેં ગીત શરૂ કર્યું. આ ગીતના અંતિમ અંતરાના શબ્દો છે...

‘જગ મેં કોઈ જિયા હૈ તો બાપુ તુ હી જિયા

તુને વતન કી રાહ પે સબ કુછ લૂટા દિયા

માંગા ન કોઈ તખ્ત ન તાજ કોઈ લિયા

રે અમૃત દિયા સભી કો મગર ખુદ ઝહર પિયા

જિસ દિન તેરી ચિતા જલી રોયા થા મહાકાલ

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ

રઘુપતિ રાઘવ રાજા રામ...’ 

અને આ સાંભળતાં તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.

૧૯૬૨માં ચીન સામેની લડાઈમાં આપણી જે નાલેશી થઈ એને કારણે દેશભરમાં ગમગીન વાતાવરણ હતું. આ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની વિધવા માટે ૧૯૬૩માં લાલ કિલ્લા પર ‘વૉર વિડો વેલ્ફેર ફન્ડ’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. એ માટે આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ભેગી થઈ અને ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી થયું. શકીલ બદાયુનીએ ગીત લખ્યું, ‘અપની આઝાદી કો હમ હરગિઝ લૂટા સકતે નહીં, સર કટા સકતે હૈં લેકિન સર ઝુકા સકતે નહીં...’ નૌશાદે આ ગીત કમ્પોઝ કર્યું, જે પછીથી ફિલ્મ ‘લીડર’માં લેવાયું. આ ગીત મોહમ્મદ રફી ગાવાના હતા. મુકેશ ‘હોંઠો પે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલ મેં સફાઈ રહેતી હૈ,  હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ રજૂ કરવાના હતા. હું આવા કાર્યક્રમોથી દૂર રહેતો. ત્યાં કોઈને યાદ આવ્યું, ‘અરે પ્રદીપ સે ભી એક ગાના લિખવાવ.’ અને મારા પર જવાબદારી આવી કે લતા મંગેશકર માટે એક ગીત લખો.

‘લતાબાઈ જોશીલાં ગીતો ગાતાં નહોતાં એટલે મારે માટે આ એક પડકાર હતો. એ દિવસોમાં મારી અને અન્નાસા’બ (સી. રામચંદ્ર)ની જોડી ફેમસ હતી. તેમને ગીતની ધૂન બનાવવાની હતી. મેં કહ્યું, કાલે એક ગીત આપું છું. મારે એક એવું ગીત લખવું હતું જે બેમિસાલ હોય. વહેલી સવારે મને પ્રેરણા મળી. બીજા દિવસે અમે સીટિંગ માટે મળ્યા અને મેં તેમને ગીત આપ્યું...

‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની

જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની...’

એ દિવસે મારા પર ફોન આવ્યો કે આ કાર્યક્રમ માટે સુવેનિયર બનાવીએ છીએ તો તમે જે ગીત રજૂ કરવાના છો એની બે પંક્તિ આપો એટલે એ પ્રિન્ટ કરી શકીએ. મેં વિચાર કર્યો કે જો આ પંક્તિ જાહેર થઈ જશે તો શહીદો માટેનું ગીત લખાયું છે એ વાત જાહેર થઈ જશે. મારે ગીત વિશે એક સસ્પેન્સ રાખવાનું હતું. મેં કહ્યું, ‘હું કાલે જવાબ આપું છું.’ રાતે હું વિચાર કરતો હતો કે આનો ઉકેલ કેમ લાવવો અને અચાનક આ પંક્તિઓ સૂઝી...

‘અય મેરે વતન કે લોગોં, તુમ ખૂબ લગા લો નારા

યે શુભ દિન હૈ હમ સબ કા, લહેરા લો તિરંગા પ્યારા

પર મત ભૂલો સીમા પર, વીરોંને હૈ જાન ગંવાઈ

કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ના આયે

અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની

જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...’

આમ ગીતની પહેલી બે પંક્તિઓમાં ફેરફાર કર્યો અને આ ગીતનું સસ્પેન્સ જળવાઈ રહ્યું.

પ્રદીપજીની આ વાત મોટા ભાગના સંગીતપ્રેમીઓ માટે અજાણી હશે. આમ આ રીતે આઝાદી મળ્યાનાં લગભગ ૧૬ વર્ષ બાદ એક અમર, દેશભક્તિથી ભરપૂર, કરુણાસભર ગીતનો જન્મ થયો. પ્રદીપજીના સ્વમુખે આ ગીતના ઇતિહાસની વાત સાંભળીએ ત્યારે આપણી અંદર દેશદાઝ જાગી ઊઠે. આ ગીત વિશે વધુ વાત કરતાં પહેલાં નાનપણથી પ્રદીપજીના પિંડમાં દેશભક્તિ ઘૂંટાતી હતી એની વાત કરતાં તેમના મોટા ભાઈ કૃષ્ણ વલ્લભ દ્વિવેદી (જેઓ પોતે એક સારા લેખક હતા)ની વાત સાંભળવા જેવી છે.

‘કિશોરવયથી જ પ્રદીપમાં આ જોશ હતું. જલિયાંવાલા બાગ, મીઠા માટેનો સત્યાગ્રહ અને આઝાદીની ચળવળ જેવી અનેક ઘટનાઓથી તેઓ પ્રભાવિત હતા. મારાથી પાંચ વર્ષ નાના પણ સૌ રામુ (કવિ પ્રદીપનું લાડકું નામ)ને મારો જોડિયો ભાઈ માનતા. ભણવા માટે મારે ઘેર અલાહાબાદ આવ્યા. એ દિવસોમાં અલાહાબાદ ક્રાન્તિકારી ગતિવિધિઓ માટે જાણીતું હતું. દરેક કવિ સંમેલનમાં તેમની ડિમાન્ડ રહેતી. મહાકવિ સૂર્યકાંત ત્રિપાઠી (નિરાલા) તેમને માટે કહેતા, ‘૨૧-૨૨ વર્ષનો આ યુવાન હિન્દી સાહિત્યનો ઉજ્જ્વળ પ્રકાશ છે. ભલે તેની આર્થિક અવસ્થા સારી નથી, પરંતુ હૃદયની અવસ્થા ઉત્તમ છે. ભગવાને તેને અદ્ભુત સ્વર આપ્યો છે. સંગીતની શિક્ષા નથી લીધી, પણ આના જેવો પ્રભાવશાળી અવાજ મેં સાંભળ્યો નથી.’

‘એ દિવસોમાં શિક્ષકોને ઘણું સન્માન મળતું. દરેક મા-બાપની ઇચ્છા હતી કે પુત્ર મોટો બનીને શિક્ષક બને. પ્રદીપને શિક્ષક બનવામાં રસ નહોતો એનાં બે કારણો હતાં; આખો દિવસ છોકરાઓને ભણાવવાના એ વાત જ તેને જચતી નહોતી. બીજું, એમાં આવક ઓછી અને આગળ ભવિષ્ય પણ ઊજ્ળું નહીં. જોકે ત્યારે કોને ખબર હતી કે તેઓ ફિલ્મોમાં જઈને મોટું નામ અને દામ કમાશે.’

અને એ દિવસ આવ્યો જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ અને મોટા-મોટા નેતાઓની હાજરીમાં લતા મંગેશકરના સ્વરમાં આ ગીતની રજૂઆત થઈ. ગીત પૂરું થયું ત્યારે દરેકની આંખમાં આંસુ હતાં. પંડિતજી લતા મંગેશકરને કહે, ‘બેટી, આજ તુને રુલા દિયા.’ દિલીપકુમાર અને રાજ કપૂરથી લઈને પૂરી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. કેવળ આ અમર ગીતના રચયિતા કવિ પ્રદીપ સિવાય. પંડિત નેહરુ સહિત અનેક મોટાં માથાંઓએ આ અમર ગીતના સર્જકની ગેરહાજરી માટે પ્રશ્ન કર્યો, પરંતુ ઇન્ડસ્ટ્રીના કોઈ કલાકાર પાસે આનો જવાબ નહોતો. હકીકતમાં તેમને આ કાર્યક્ર્મ માટેનું આમંત્રણ જ નહોતું. આ માટે કોણ જવાબદાર હશે એની ચર્ચામાં પડવા જેવું નથી. દરેક સમયે, દરેક સમાજમાં ગ્રુપીઝમ અને પૉલિટિક્સ ચાલતું હોય છે. સ્વમાની વ્યક્તિઓ એનાથી દૂર રહેતા હોય છે. એટલે જ ખુદ્દાર મિજાજી પ્રદીપજીએ આ વિશે જાહેરમાં કદી ચર્ચા કરી નથી. તેમના માટે તેમનું કવિકર્મ અગત્યનું હતું. મોટા ભાગની વ્યક્તિઓ પોતાની પ્રસિદ્ધિ માટે યેનકેન પ્રકારેણ પ્રયત્ન કરતી હોય છે. પ્રદીપજી જુદી માટીના હતા. તેમને માટે ‘ Publicity was a by product of his creation’ એ દિવસે દરેક વ્યક્તિ કેવળ આ ગીતની વાત કરતા હતા અને એ જ તેમને માટે  સ્વીકૃતિનો એક મોટો પુરસ્કાર હતો.

આ ગીતની રજૂઆત થઈ ત્યારે કેવળ પ્રદીપજીને અન્યાય નહોતો થયો. એક બીજી હસ્તીને પણ મનોમન એમ થતું હતું કે શા માટે મારી ઉપેક્ષા કરવામાં આવી. એ વાત આવતા રવિવારે.

columnists lata mangeshkar